લઘુ સિદ્ધાન્તવહી/છબી, મૂળ નહીં
છબી, મૂળ નહીં
મધ્યકાળમાં ભાલણે બાણભટ્ટની ‘કાદંબરી’નો અનુવાદ કર્યો છે. સમાસ અને સંધિથી ભરપૂર અને અલંકારવર્ણનોથી ખીચોખીચ બાણભટ્ટના અઘરા પણ સમૃદ્ધ ગદ્યમાંથી ઘણું બધું ગાળી નાખીને અને મુગ્ધજનોને પલ્લે પડે એ રીતે ભાલણે ‘કાદંબરી’ને ગુજરાતીમાં પદ્યદેહ આપ્યો છે. આ પ્રકારે અઘરા ગદ્યનો ગદ્યમાં પણ અનુવાદ કરવો અઘરો હોય ત્યારે ભાલણે પદ્યાનુવાદ આપ્યો છે એનો વાંરવાર આપણા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન ઇતિહાસમાં મહિમા થયો છે. અલબત્ત, અઘરાને સરલ કરવાની અને વિવેકપૂર્વક ચયન કરવાની ભાલણની રસવૃત્તિ અને એની આવડત દાદ માગી લે તેમ છે, પણ ગદ્યનો પદ્યમાં અનુવાદ થવા અંગે તો મધ્યકાળમાં પ્રચલિત પદ્યસ્વરૂપની સર્વોપરિતા જ કારણભૂત છે. એમાં ભાલણનો મહિમા કરી શકાય નહીં. અનુવાદ અંગે એક મહત્ત્વની બાબત એ છે કે અનુવાદ જે તે યુગની લક્ષ્યભાષામાં પ્રચલિત ગદ્યપદ્ય સ્વરૂપોને હંમેશાં અનુસરે છે. અનુવાદ સાથે યુગલક્ષણો અનિવાર્યપણે વળગેલાં રહે છે એ મુદ્દાને અનુવાદના અભ્યાસીએ ધ્યાન પર રાખવા જેવો છે એવું ‘વર્લ્ડ માસ્ટરપીસિઝ’ને અંતે એના મુખ્ય સંપાદક મેય્નાડ મૅકે મૂકેલા એના ‘અ નોટ ઑન ટ્રાન્સલેશન’માં સ્પષ્ટ કર્યું છે. એટલે કે અનુવાદ જે યુગમાં થયો હોય એ યુગની વૈયક્તિકતાને એ પ્રતિબિંબિત કરે છે. આપણે અનુવાદ કરીએ છીએ ત્યારે જે તે યુગનાં ચશ્માં ચડાવીને અનુવાદ કરીએ છીએ. કણકમાં વ્યાપી જતાં આથાની જેમ અનુવાદમાં યુગલક્ષણોની હાજરી સર્વત્ર હોય છે. આ ઉપરાંત અનુવાદ જે લક્ષ્યભાષામાં થાય છે તે લક્ષ્યભાષાની વ્યાકરણગત, વિન્યાસગત, શબ્દગત, ધ્વનિગત ખાસિયતો હોય છે અને એનાથી છૂટી શકાતું નથી. ખરેખર તો આ સીમાઓ જ લક્ષ્યભાષાની વૈયક્તિકતાને ઘડતી હોય છે. એટલે લક્ષ્યભાષાનાં લક્ષણો પણ અનુવાદને અનિવાર્યપણે વળગેલાં રહે છે. યુગલક્ષણ અને ભાષાલક્ષણની જેમ જ અનુવાદકનું પોતાનું વ્યક્તિલક્ષણ પણ એમાં ઊતર્યા વગર રહેતું નથી. એની ચોક્કસ પ્રકારની પ્રતિભા, અનુવાદ્ય કૃતિ પ્રત્યેનો એનો અંગત અભિગમ, નૈતિક, સૌન્દર્યનિષ્ઠ, આધ્યાત્મિક મૂલ્યો પરત્વેની એની પોતાની મૂલ્યવ્યવસ્થા - એની લઢણો અનુવાદમાં ઝળકે છે. એટલે કે અનુવાદક આધુનિક છે કે પરંપરાવાદી, અછાંદસનો હિમાયતી છે કે છાંદસનો, શ્રદ્ધાવાદી છે સંશયવાદી, આ બધાનો પ્રતાપ પણ અનુવાદે ઝીલવો પડે છે. આ રીતે ભાષા, યુગ અને અનુવાદક અંગેની આટઆટલી છૂટો આપ્યા પછી મૂળની કૃતિનું અનુવાદમાં શું અને કેટલું બચે છે, એ એક સમસ્યા છે. આથી મેય્નાડ મૅક એક અતિ સંકુલ પ્રશ્ન કરે છે : ‘સાહિત્યકૃતિનો અનુવાદ વાંચતા હોઈએ ત્યારે ‘મૂળ’ને આપણે વાંચતા નથી તો પછી આપણે શું વાંચીએ છીએ?’ આ પછી મેય્નાડ મૅક હોમરની બે ગ્રીક પંક્તિ ‘ઇલિયડ’માંથી લે છે અને જ્યોર્જ ચૅપમન, ડ્રાય્ડન, પોપથી માંડીને એ.ટી. મરી, ઈ.વી. રીઉં, આય.એ.રિચર્ડ્ઝ, રિચમન્ડ લૅટિમોરના એ અંગેના અંગ્રેજી અનુવાદો તપાસે છે. છેવટે પોતે જ એક હતાશ ઉત્તર આપે છે કે આપણે મૂળને વાંચી જ ન શકીએ એ કરતાં અનુવાદ થોડેઘણે અંશે પણ મૂળની નજીક મૂકી આપે છે એનો લાભ પણ ઓછો નથી. આ જ કારણે અનુવાદકાર્ય પવિત્ર પાપ (sacred sin) ગણાયું છે. આ કાર્ય પવિત્ર એટલા માટે છે કે એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સાથે, એક પ્રજાને બીજી પ્રજા સાથે, એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ સાથે, એક ભાષાને બીજી ભાષા સાથે, ટૂંકમાં, એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે જોડે છે. તો, આ કાર્ય પાપ એટલા માટે છે કે એના ગમે એટલા પ્રયત્ન પછી એ પૂર્ણતાએ પહોંચી જ ન શકે અને મૂળને એક યા બીજી રીતે હાનિ પહોંચાડે છે. જો શબ્દશઃ પ્રયત્ન થાય તો સૂક્ષ્મ વ્યંજનાઓ ઊડી જાય છે અને કૃતિ ગાયબ થઈ જાય છે, જો નવી રચના બનવા તરફ જાય તો આખો ને આખો લેખક જ ગાયબ થઈ જાય છે. ન્હાનાલાલે ‘મેઘદૂત’ના ભાષાન્તર વખતે કહ્યું છે તે સાચું કે ‘ભાષાન્તર એટલે જ છબી. મૂળ નહીં.’
●