લઘુ સિદ્ધાન્તવહી/પ્રત્યક્ષવાચનની તરફદારી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫૯

પ્રત્યક્ષવાચનની તરફદારીર

સિદ્ધાંતો, સિદ્ધાંતો, સિદ્ધાંતો. વીસમી સદીના બીજા દાયકાથી વીસમી સદીના નવમા દાયકા સુધી આધુનિકતાવાદી સાહિત્યને સમજવા જે સાહિત્યસિદ્ધાંતોની ભરમાર ચાલી, એમાં વિવેચનક્ષેત્રે સાહિત્યસિદ્ધાંત સર્વોપરિ બની ગયો અને સાહિત્ય પોતે વિસારે પડ્યું. વિવેચન સાધન મટી સાધ્ય બની ગયું. સાહિત્ય ઓછું ને ઓછું વંચાતું થયું. ક્યારેક તો એવું પણ લાગ્યું કે સાહિત્યના અભ્યાસીઓને ખાસ કોઈ સાહિત્યની ખેવના નથી રહી. એમાંનાં કેટલાક તો એમના પોતાના અભિગમોથી ગ્રસ્ત રહ્યા અને એ અભિગમોને સાહિત્ય પર થોપતા રહેવામાં રોકાયેલા રહ્યા. આખી પેઢી જાણે કે પ્રત્યક્ષ સાહિત્યવાચનથી મોં ફેરવી બેઠી હોય.... આવે સમયે રોબર્ટ ઑલ્ટર (Robert Alter) જેવાએ ‘ધ પ્લેઝર ઑફ રીડિંગ ઈન એન આયડિયોલૉજિકલ એય્જ’ (સિમૉન ઍન્ડ શુસ્ટર) નામના એના પુસ્તકમાં તારસ્વરે ‘ફરી વાચન તરફ’ વળવાનો પોકાર કર્યો. સાહિત્યની ભાષા સર્જનાત્મક રીતે રચાયેલું સંવેદનશીલ સંવાહન છે, જે ચિત્તને નિરંતર સુખદ ગતિમાં મૂકે છે, એ તરફ માત્ર ધ્યાન જ દોર્યું, પણ સાહિત્યની ભાષાને અમૂર્ત અર્થમાં ન સ્વીકારવાની હિમાયત કરતાં ઓલ્ટરે કહ્યું કે કોઈ સરસ કવિતા કે કોઈ સરસ નવલકથાને વાંચવાનો વિશિષ્ટ આનંદ એ રંગમંચ પર કોઈ ઉત્કૃષ્ટ અભિનય આપતા ઉત્તમ અભિનેતાને નિહાળવા જેવો આનંદ છે. સાહિત્યમાં, ભાષા એ અભિનેતાને સ્થાને છે. વાંચવાની ક્ષમતા સાથે શબ્દોનાં ક્રીડાસંયોજનોને અનુસરવાની અને એને અર્થઘટિત કરતા જવાની ક્ષમતા જોડાયેલી છે. રૉબર્ટ ઑલ્ટરને ચિંતા છે કે આજના વિચારધારાપ્રધાન યુગમાં કોઈ કવિતા કે નવલકથાને માત્ર વિચાર કે સ્થિતિ પર લાવીને મૂકી દેવામાં આવે છે. પાનાંઓ પરના શબ્દોની શિસ્તને કઈ રીતે સમર્પિત થવું એ મહત્ત્વની બાબત છે. સિદ્ધાંત ભલે ને પોતે અઘરો હોવાની હવા ઊભી કરે, પણ સરખામણીમાં સિદ્ધાંત સહેલો છે. સાચી વાત એ છે કે વિવેચનસિદ્ધાંત સાહિત્ય સાથેની આપણી નિસ્બતની ઉપલબ્ધિ છે, વિવેચનસિદ્ધાંત એ આપણી નિસ્બતની અવેજી નથી. પણ મોટાભાગના સિદ્ધાન્તકારોએ સાહિત્યને લગભગ છોડી દીધું છે અથવા સાહિત્ય પરત્વેની એમની પ્રીતિ ઓસરી ગઈ છે. રોબર્ટ ઑલ્ટરનો આગ્રહ સાહિત્યના સ્વરૂપ અને એના તંતુવિન્યાસનાં સંચલનો પરત્વેની આપણી અનુક્રિયા અંગેનો છે. સાહિત્યને કોઈ એક સૂત્રમાં ન્યૂન કરી દેવા સામે રૉબર્ટનો સખત વિરોધ છે. રૉબર્ટનું માનવું છે કે સાહિત્યમાં કશુંક પડકારરૂપ હોય તો તે સાહિત્યનું અનેકાર્થને સમાવતું એનું સ્વરૂપ છે. સાહિત્યમાં કોઈ એક વિધિપૂર્વકનો અર્થ હોઈ ન શકે. સિદ્ધાંતની રીતે સાહિત્યમાં હંમેશાં અન્ય વાચનોની શક્યતા રહેલી હોય છે. અલબત્ત એનો અર્થ એવો નથી કે સાહિત્યનો કોઈ પણ અર્થ કરી શકાય. હા, એ ખરું કે કોઈ કવિતાનું ચોક્કસ અર્થઘટન ખરું છે એમ કહેવું અશક્ય છે, પણ એનાં કેટલાંક અર્થઘટનો ખોટાં છે એમ જરૂર બતાવી શકાય. રૉબર્ટ ઑલ્ટરને એ પણ બતાવવું છે કે આ યુગ માત્ર વિચારધારાપ્રધાન યુગ જ નથી. પણ શંકાઓ સાથે ચાલતો યુગ પણ છે. સાહિત્યનાં મૂલ્યો અંગે એણે અનેક વિવાદો ખડા કર્યા છે. જો આવા વિવાદના દુષ્પાચન સાથે સાહિત્ય પાસે જઈશું તો સાહિત્યમાં ઘણું બધું ગુમાવવાનું રહેશે. જે સિદ્ધાંતોને સાહિત્ય પર આરોપિત કરવા આપણે આગ્રહી રહીએ છીએ એ સિદ્ધાંતો કરતાં તો સાહિત્ય ઘણું બધું બહુમુખ અને બહુપાર્શ્વી છે. આના અનુસંધાનમાં રૉબર્ટ ઑલ્ટર સાહિત્યની એક વિશિષ્ટ પ્રકૃતિના ઉલ્લેખ (allusion)ને આગળ ધરે છે, અને દર્શાવે છે કે પોતાની પહેલાંના સાહિત્યમાંથી કઈ રીતે લેખક પોતાનું સાહિત્ય રચે છે. સાહિત્યના વાચનમાં વાચકે સંવેદનશીલ રહીને આ પરંપરાનું અભિગ્રહણ કરવાનું છે. આના ઉદાહરણમાં રૉબર્ટ ઑલ્ટર આયઝેન્સ્ટાઈન અને બ્રિયાં દ પાલ્મા (Brain de Palma)ની વાત કરે છે અને પ્રેક્ષક કઈ રીતે બ્રિયાં દ પાલ્માની ફિલ્મોમાં એની પહેલાનાં દિગ્દર્શક આયઝેન્સ્ટાઈનના ‘ઉલ્લેખ’ને સમજે છે, એની ચર્ચા કરે છે. ટી.વી. અને કમ્પ્યૂટરના આક્રમણે તો સક્રિય કલ્પનાશીલ વાચકને નિષ્ક્રિય પ્રેક્ષક બનાવી મૂક્યો છે એ તો સાચું, પણ વિચારધારાપ્રધાન અને શંકાપ્રધાન યુગે પણ વાચકને ખરેખરા વાચનમાંથી ખેરવી દીધો છે. પ્રેક્ષકને વાચક બનવા માટે અને વાચકને સાચા વાચક બનવા માટે રૉબર્ટ ઑલ્ટરનો પોકાર સમયસરનો છે.