લઘુ સિદ્ધાન્તવહી/વિનિર્મિતિવાદ, વિરચનાવાદ, વિનિર્માણવાદ, વિઘટનવાદ, વિગ્રથનવાદ


વિનિર્મિતિવાદ, વિરચનાવાદ, વિનિર્માણવાદ,
વિઘટનાવાદ, વિગ્રથનવાદ

કિલ્લાઓમાં કે મહેલોમાં ભુલભુલામણી (Maze)નું ચણતર જાણીતું છે. દોરડું સાથે રાખીને જ ભુલભુલામણીમાં ઊતરી શકાય, જેને આધારે સુરક્ષિત પાછા ફરી શકાય, નહીં તો અંદર ને અંદર અટવાઈ જઈને ગૂંગળાઈ મરાય. જ્યારે જ્યારે સાહિત્યવિવેચનના ક્ષેત્રે પારિભાષિક સંજ્ઞાઓનો વિચાર કરું છું ત્યારે આ સંજ્ઞાઓ મને સાહિત્યવિવેચનના સિદ્ધાંતોની ભુલભુલામણીમાં માર્ગદર્શક થનાર કે સુરક્ષિત રાખનાર ખૂંટીઓ લાગી છે. આ સંજ્ઞાઓને આધારે તમે સહીસલામત સિદ્ધાંતોમાં ઊતરી શકો છો, એના દ્વારા બહાર પણ આવી શકો છો. સંસ્કૃત સાહિત્યમીમાંસા લ્યો કે પાશ્ચાત્ય સાહિત્યસિદ્ધાંતોની સરણીઓ વિશે વિચાર કરો અને સંજ્ઞાઓ એકદમ મનમાં ડોકાવા ન લાગે તો જ આશ્ચર્ય. આ સંજ્ઞાઓ પોતાની ભોંય પર સમજૂતીના સ્તરોમાંથી જે તે ભાષામાં ઊતરી આવેલી હોય ત્યારે એના પારંપરિક અર્થને સાતત્ય સાથે સાંકળીને સહજ રીતે એનું ઘનીકરણ થયું હોય છે. પરંતુ આ સંજ્ઞાઓ જ્યારે અન્ય વિવેચનપરંપરામાંથી, અન્ય ભાષામાંથી આવે છે ત્યારે એ સંજ્ઞાઓનો કંઈક અંશે યાદચ્છિક અનુવાદ થયો હોય છે અને તેથી આ સંજ્ઞાઓ કૃતક સ્તરે રહે છે. સાતત્ય વિના કોઈ નજીકના અનુવાદ પર્યાયમાં એને કૃત્રિમ વસવાટ આપવાથી વિશેષ આ કૃત્ય નથી. અહીં ઘનીકરણ કરતાં રૂઢીકરણ મોખરે રહે છે. આ જ કારણે જ્યારે અન્ય પરંપરા કે અન્ય ભાષાઓમાંથી જ્યારે પારિભાષિક સંજ્ઞા જે તે ભાષામાં આવે છે ત્યારે ઘણીવાર જાતજાતના વિકલ્પો સાથે આવે છે. કેટલીકવાર આ વિકલ્પો એક સાથે પ્રચારમાં રહે છે. અને પછી ધીમે ધીમે કોઈ એક સંજ્ઞા રૂઢ થઈ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. ‘સ્ટ્રક્ચરાલિઝમ’ જેવો શબ્દ પાશ્ચાત્ય ભાષાવિચારમાંથી ગુજરાતીમાં આવ્યો ત્યારે ‘બંધારણવાદ’ જેવો અનુવાદ થયો. હવે ‘સંરચનાવાદ’ રૂપે લગભગ રૂઢ થઈ ગયો છે. પરંતુ જેવી ‘સંરચનાવાદ’ સંજ્ઞા રૂઢ થઈ છે તેવી ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ અંગેની સંજ્ઞા હજી રૂઢ થઈ નથી. દેરિદાએ યોજેલી આ સંજ્ઞા દેરિદાની તત્ત્વવિચારણાની ચાવીરૂપ સંજ્ઞા છે, એટલું જ નહીં પણ એમાં અનુસંરચનાવાદી પાસું પણ પડેલું છે. ગુજરાતીમાં ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ માટે ચારેક જેટલી સંજ્ઞાઓ છૂટી છવાઈ વપરાતી જોવા મળે છે. દરેક અનુવાદિત સંજ્ઞા પાછળ અનુવાદકની દેરિદાની ફિલસૂફી અંગેની સમજ અને સમગ્ર સંરચનાવાદી તેમજ અનુસંરચનાવાદી પરંપરા અંગેનું સંવેદન નિહિત હશે એમ માનીને ચાલીએ. મેં જ્યારે દેરિદાને અને એની અનુસંરચનાવાદી વિચારપદ્ધતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂમાં ‘વિનિર્મિત્તવાદ’ જેવી સંજ્ઞા ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ માટે યોજી હતી. દેરિદા સંકેતક અને સંકેતિતના પ્રવાહી સ્વરૂપમાં જોતાં પાઠના અનંતવિધ અર્થઘટનોની શક્યતામાંથી જુદી જુદી પાઠોની નિર્મિતિની સંભાવના જુએ છે, એ સંદર્ભમાં મેં ‘વિનિર્મિતવાદ’ જેવો શબ્દ તૈયાર કરેલો, અને મારા લેખોમાં તેમજ ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ (૧૯૮૬) અને ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ (૧૯૮૮)માં એને અખત્યાર કરેલો. આ પછી એક તબક્કે હિન્દીભાષામાં ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ અંગે ‘વિરચનવાદ’ શબ્દ યોજાયેલો જોયો એટલે ‘ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩’ (૧૯૯૬)માં બધાં જ સ્થાનોમાં પૂર્વે તૈયાર કરેલી સામગ્રીનો વિનિયોગ કરતી વેળાએ ‘વિનિર્મિતિવાદ’ને સ્થાને ‘વિરચનવાદ’ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં બહાર આવેલા ‘અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ (સંપાદક : જયંત ગાડીત, સહસંપાદક : રાજેન્દ્રસિંહ જાડેજા, ૧૯૯૯)માં ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ અંગે ‘વિનિર્માણવાદ’ જેવી સંજ્ઞા ઉપયોગમાં લેવાયેલી જોવાય છે. તો વળી ‘ખેવના-૬૧માં ‘દેરિદા : કેટલાક સૂચિતાર્થો’માં ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ અંગે ‘વિઘટનાવાદ’ જેવી સંજ્ઞાનો ઉપયોગ થયો છે. ક્યાંક ‘વિગ્રથન’ જેવી સંજ્ઞા પણ પ્રચારમાં આવી છે. આમ અત્યારે ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ માટે પાંચેક જેટલી અનુવાદસંજ્ઞાઓ હરતીફરતી થઈ છે. અહીં મારે મારી પોતાની જ સંજ્ઞા ‘વિનિર્મિતિવાદ’ બદલીને મેં હિન્દીની ‘વિરચનવાદ’ સંજ્ઞા કેમ સ્વીકારી એનો તર્ક રજૂ કરવો છે. પહેલી વાત તો એ કે ‘વિનિર્મિતિવાદ’ જેવી મોં ભરી દેતી અઘરી સંજ્ઞાની સામે ‘વિરચનવાદ’ સ્મૃતિમાં તરત સંઘરાઈ જાય તેવી સરલ સંજ્ઞા લાગી. એ તો ખરું પણ સાથે સાથે દેરિદાના અનુસંરચનાવાદી ઉપક્રમનો જેને ખ્યાલ હશે એ ‘સંરચનાવાદ’, ‘અનુસંરચનાવાદ’ના સાતત્યમાં ‘વિરચનાવાદ’ને જોઈ શકાશે. ‘સંરચના’ (સ્ટ્રક્ચર-સોસ્યૂર) ‘સંરચન’ (સ્ટ્રક્ચરેશન-બાર્થ) અને ‘વિરચન’ (ડિકન્સ્ટ્રક્શન-દેરિદા) - એવો વિકાસક્રમ આ સંજ્ઞાઓના જૂથમાં સહેલાઈથી સમજી શકાય તેવો બને છે. ઉપરાંત હિન્દી જેવી ભાષાના વ્યાપક ફલક પર આ સંજ્ઞા રૂઢ થયેલી હોય તો ભારતીય સ્તરે એ પ્રકારનો સંવાદ પણ જરૂરી બને છે. ‘વિનિર્મિતિ’ને સ્થાને ‘વિનિર્માણ’ કેમ કર્યું હશે એનો તર્ક હજી સમજી શકાયો નથી. ‘નિર્માણ’ શબ્દમાંથી ક્રિયાના સાતત્યનો અર્થ ચાલી જઈ જે એક સ્થિરતાનો અર્થ સૂચવે છે તે દેરિદાની ફિલસૂફી સાથે બંધ બેસતો નથી. ‘વિરચન’માં ક્રિયાનું સાતત્ય છે, ગતિ છે, જ્યારે ‘નિર્માણ’માં પ્રમાણમાં સ્થિરતા છે. ‘વિઘટન’ જેવો શબ્દ અંગ્રેજીના ‘ડિ-કમ્પોઝિશન’ (Decomposition) માટે લગભગ રૂઢ છે. એટલે પહેલેથી એ જ અર્થચ્છાયા ફરી વળે છે. ગુજરાતી વિવેચન ક્ષેત્રે ‘ડિકન્સ્ટ્રક્શનિઝમ’ અંગે પાંચ વહેતી થયેલી સંજ્ઞાઓમાંથી કઈ ટકી જાય છે તે હવે જોવાનું રહે છે.