લઘુ સિદ્ધાન્તવહી/આજનો સાહિત્યઉદ્યોગ
આજનો સાહિત્યઉદ્યોગ
સાવધાન ! લેખક પ્રકાશક બને, પ્રકાશક પ્રચારક બને, પુસ્તકો ખપાવવા સાહિત્યને આગળ ધરે, અહીં ઉદ્ઘાટન કરે, ત્યાં ઉદ્ઘાટન કરે, જીન્સને જીનિયસ કરી દે, અને ડબ્બાને દાદુ બનાવી દે - એવો ઇલમ ફેલાવતો, સાહિત્યના પ્રેમને નામે ધમધોકાર ચાલુ થઈ ગયેલો આજનો સાહિત્યઉદ્યોગ જે રીતે વકર્યો છે એનાથી વાચકગ્રાહકે પૂરેપૂરા સાવધ રહેવાની જરૂર છે. ઊંચા માલની નોબત વગાડી મધ્યમ કે અધમ ફરમાસુ માલને પધરાવતો આ સાહિત્યનો વેપાર અધવચ સંસ્કૃતિ (midcult)નું ઉદાહરણ છે. તરત ચાહના ઉઘરાવતો સૌન્દર્યના આભાસી ધોરણો સાથેનો આ ફેશનેબલ કચરો (chichi - શીશી) જર્મન ભાષામાં અસાર સાહિત્ય (Kitsch-કિશ)ને નામે ઓળખાય છે. ઉમ્બર્તો એકોએ આ ‘કિશ’ને ધ્યાનમાં રાખીને એના લેખ ‘અપરુચિનું માળખું’ (the structure of bad taste)માં પૉર્ટ્રિટ પેન્ટર બોલ્દિનીની કાર્યશૈલીની જે ચર્ચા કરી છે તે આજની પરિસ્થિતિના હાર્દમાં ઊતરવા માટે માર્ગદર્શક છે. બોલ્દિની જાણીતો વ્યક્તિચિત્રકાર હતો અને ખાસ કરીને એણે સ્ત્રીઓનાં વ્યક્તિચિત્રો કરેલાં. એનાં વ્યક્તિચિત્રો પ્રતિષ્ઠાનો વિષય હતાં તેમજ ખુશ કરનારી ગ્રાહકસામગ્રી પણ હતાં. સમાજમાં એની મોટી માગ હતી. કોઈ ધનાઢ્ય સ્ત્રી એનું વ્યક્તિચિત્ર તૈયાર કરવાનું કહેતી ત્યારે એણે કલાકૃતિ નહોતી ઇચ્છી, પણ પોતે એક સુન્દર સ્ત્રી તરીકે એમાંથી ઊભરે એવો એનો મનસૂબો હતો. આથી બોલ્દિનીએ એવાં વ્યક્તિચિત્રો તૈયાર કર્યાં, જેમાં સ્ત્રીના ચહેરા અને ખુલ્લા ખભાઓના ચિત્રણમાં નિયમોનું સંપૂર્ણ અનુસરણ હોય. સ્ત્રીને એક ભોગ્ય વસ્તુ તરીકે ઉપસાવી. પણ બોલ્દિની જ્યાં વસ્ત્રો આલેખતો અને ઉપરના આંતરવસ્ત્રથી અને સ્કર્ટની ગડીઓથી પાર્શ્વભૂમિમાં સરકતો એ સાથે એ રંગના ચળકતા ગાંઠાઓ અને પીંછીના આઘાતોયુક્ત સંસ્કારશૈલીએ કામ કરતો. આનો અર્થ એ થયો કે બોલ્દિની એવી શૈલીને ચિત્રમાં દાખલ કરતો હતો કે જેનો ચિત્રના ઉપલા અને નીચલા આલેખન સાથે ક્યાંય મેળ મળે એમ નહોતો. એમાં એવો કોઈ તર્ક હાથ નથી આવતો કે ચિત્રકારે ચહેરાથી પાની તરફ ગતિ કરતાં શા કારણે શૈલીને બદલવી પડે. એટલે કે ચિત્રનો ઉદ્દીપક પ્રભાવ જન્માવવા માટે બોલ્દિની ઉછીની લીધેલી શૈલીનો ઉપયોગ કરતો હતો અને એને કલાને નામે ખપાવતો હતો. આમ અધવચ્ચ સંસ્કૃતિ (midcult)માં જ્યાં ‘કિશ’ રચાય છે ત્યાં જે કાંઈ ઉછીનું લેવાય છે એનું નવા સંદર્ભમાં પૂરું સંયોજન થતું હોતું નથી. આ રીતે ઉચિત સંદર્ભથી ઉતરડીને લવાયેલી શૈલીગત રીતિ અન્ય સંદર્ભમાં માત્ર થોપવામાં આવે છે, ત્યારે એમાં મૂળ સંદર્ભની સમરૂપતા અને કેટલાક આવશ્યક ઘટકો ખૂટે છે. સભારંજન કે સંગીતપોષણ પૂરું પાડવા રચાતાં ગીતગઝલો, વર્તમાનપત્રોનો અવકાશ પૂરવા ધસી આવતા નિબંધો, કથાના ગરમ તવા પરથી ઝટપટ ઉતારીને ફેંકાતી વાર્તાઓ, શૈક્ષણિક બજારો સર કરવા ઢગલાબંધ બહાર પડ્યે જતા સંપાદનસંચયો - આ બધામાં ઉધારી રીતિઓથી બદબદતું ‘કિશ’ છે. એની પારનું સબળ સાહિત્ય શોધવું એ લોઢાના ચણા ચાવવા જેવી હકીકત બની ગઈ છે.
●