લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યની અનુભવવાદી વિભાવના

૪૦

સાહિત્યની અનુભવવાદી વિભાવના

કૃતિલક્ષી સિદ્ધાંતોનો આજે ધીમે ધીમે અનુભવવાદી (empirical) સિદ્ધાંત વચ્ચે નવો સંદર્ભ અને અર્થ ઊભો થતો આવે છે. સાહિત્યનો અનુભવવાદી સિદ્ધાન્ત પરંપરાગત સાહિત્યસિદ્ધાંત કરતાં જુદો અભિગમ ધરાવે છે. અનુભવવાદી અભિગમ સાહિત્ય પરત્વે સમાજવિજ્ઞાનનો આધાર લે છે અને આ સમાજવિજ્ઞાન પ્રત્યાયન ઉપર આધારિત પ્રત્યાયન-સિદ્ધાંતનો આધાર લે છે. અનુભવવાદી સિદ્ધાંત સ્વીકારીને ચાલે છે કે સાહિત્યકૃતિઓ પોતે સાહિત્યિક નથી હોતી અથવા તો આ સાહિત્યકૃતિઓ પોતામાં કોઈ સાહિત્યિકતાનું લક્ષણ ધરાવતી નથી. ચોક્કસ શરતો વચ્ચે અને વિશિષ્ટ પરિસ્થિતિઓ વચ્ચે સાહિત્ય સાથે સંકળાયેલા લેખકો, પ્રકાશકો, વાચકો, વિવેચકો સાહિત્યકૃતિઓને સાહિત્યિક તરીકે ઓળખાવે છે, અને પ્રચલિત સાહિત્ય-પ્રણાલીઓ મુજબ એનું મૂલ્યાંકન કરે છે. આનો અર્થ એવો નથી કે સાહિત્યિકતાની વિભાવના આત્મલક્ષી છે, પરંતુ જે તે સમયની પ્રજાને અધીન રહીને એ વર્તે છે. આને કારણે સાહિત્યની કોઈ ધોરણનિષ્ઠ (Normative) વ્યાખ્યા બાંધવા કરતાં આ અભિગમ ઐતિહાસિક રીતે કામચલાઉ અનુભવવાદી વિભાવના ઊભી કરવાનું પસંદ કરે છે, અને સાહિત્ય સાથે સંકળાયેલાઓ આ વિભાવનાને આધારે કૃતિઓને સાહિત્યિક કે બિનસાહિત્યિક વર્ગોમાં વહેંચે છે. આ ઉપરથી એવું કહી શકાય કે સાહિત્યના અનુભવવાદી અભ્યાસમાં સાહિત્યકૃતિ મુખ્ય લક્ષ્ય નથી પણ જેને સાહિત્યકૃતિ ગણતા હોય એના પ્રત્યાયન સંબંધી અન્યોન્ય પ્રતિક્રિયાઓ એમનું લક્ષ્ય છે. સાહિત્યકૃતિના પ્રત્યાયનની પરસ્પરક્રિયા એક ચોક્કસ પ્રકારની સામાજિક વ્યવસ્થા એટલે કે સાહિત્યવ્યવસ્થા ઊભી કરે છે. પ્રત્યાયનની આ પરસ્પરક્રિયા જે સાહિત્યતંત્ર ઊભું કરે છે એની મુખ્ય ચાર ભૂમિકા છે. પહેલી ભૂમિકા ‘સાહિત્યની નીપજ’ (literary production)ની છે. આ ભૂમિકા સાહિત્યની લેખક દ્વારા તૈયાર થતી હસ્તપ્રત સાથે સંકળાયેલી છે. બીજી ભૂમિકા ‘સાહિત્યની મધ્યસ્થી’ (literary mediation)ની છે. સાહિત્યની હસ્તપ્રત તૈયાર થતાં એ હસ્તપ્રત કોઈ પ્રકાશક પાસે પહોંચે છે અને છપાઈને વાચક સુધી એનું વિતરણ થાય છે. ત્રીજી ભૂમિકા ‘સાહિત્યના અભિગ્રહણ’ (literary reception)ની છે. વાચક સુધી વિતરણ પામેલી કૃતિ જે તે રુચિધોરણ અનુસાર વંચાય છે. અને ચોથી ભૂમિકા ‘સાહિત્યની અનુપ્રક્રિયા’ (literary post process)ની છે. અહીં પ્રકાશિત થયેલી કૃતિને આધારે બીજી અનેક કૃતિઓ રચાય છે, એનો અનુવાદ થાય, એનું વિવરણ થાય, એનું અર્થઘટન અને મૂલ્યાંકન થાય - વગેરે. સાહિત્યમાં સાહિત્યિકતા નથી પણ સાહિત્યિકતા જે તે સંદર્ભ કે પરિસ્થિતિ આપે છે એવા આ અભિગમના તારણમાં સાહિત્યકૃતિની સત્તાની પૂરેપૂરી ઉપેક્ષા દેખાય છે, એમાં શંકા નથી. પરંતુ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય માટે બદલાતી આવતી સાહિત્યની ભૂમિકાઓ અંગેનો એ મહત્ત્વનો દૃષ્ટિકોણ પૂરો પાડે છે એ વાત ભુલાવી ન જોઈએ. સાહિત્યના અભિગ્રહણમાં સાહિત્યની પોતાની સત્તા ઉપરાંત બદલાતી આવતી સામાજિક સાહિત્યચેતના પણ જવાબદાર છે એ સમજ સાહિત્યકૃતિના મૂલ્યાંકનને એકાંગી બનતું અટકાવે છે.