લઘુ સિદ્ધાન્તવહી/ઇડિપલસંઘર્ષના પ્રતિમાનનો નારીવાદી વિરોધ

૪૬

ઇડિપલસંઘર્ષના પ્રતિમાનનો નારીવાદી વિરોધ

મેથ્યૂ આર્નલ્ડના મત મુજબ સાહિત્ય જીવનની સમીક્ષા હોય કે ન હોય, પણ સાહિત્યનો અભ્યાસ ઘણી વાર સમીક્ષકો અંગેની સમીક્ષા અવશ્ય હોય છે, અને એમાંય એ સમીક્ષા કરનાર પુરુષ છે કે નારી છે એ વાત જેટલી મહત્ત્વની છે એટલી જ હવે એ વાત પણ મહત્ત્વની બની છે કે પુરુષ નારીદ્વેષી છે કે નારી નારીવાદી છે. સાહિત્યના અભ્યાસમાં વૈયક્તિકતાની ઓળખ પરંપરાની ભીતર અને પરંપરાની વિરુદ્ધ જઈને ઊભી થતી હોય છે. આનું ઉત્તમ ઉદાહરણ હેરલ્ડ બ્લૂમના સિદ્ધાન્તને નવેસરથી મૂલવતી સાન્ડ્રા ગિલ્બર્ટ અને સુસાન ગુબેરનાં લખાણોમાં જોઈ શકાય છે. કૃતિકેન્દ્રી અને લેખકની માનસિક પ્રક્રિયાઓને લેખામાં ન લેતા સાહિત્યના સ્થાપિત અભિગમ સામે હેરલ્ડ બ્લૂમે ‘ધી ઍન્કઝાઈટી ઑવ ઇન્ફ્લુઅન્સ’ નામક એના પુસ્તકમાં સાહિત્ય અંગેનો સામગ્રીલક્ષી અભિગમ ઊભો કર્યો. હેરલ્ડ બ્લૂમે દર્શાવ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં સાહિત્યિક પ્રભાવોને પરંપરા અંગેના સંક્રમણ રૂપે કે કીમતી વારસાના સંવર્ધન રૂપે જોવાની જરૂર નથી. ખરેખર તો સાહિત્યના ઇતિહાસમાં પિતાઓ અને પુત્રો વચ્ચે હોય છે તેવો ઈડિપલ સંઘર્ષ હોય છે. હેરલ્ડ બ્લુમે ફ્રોઈડના મનોવિજ્ઞામાંથી લીધેલો આ વિચાર કવિઓ-કવિઓ વચ્ચેના સંબંધને પ્રકાશિત કરે છે અને કવિઓની અન્ય કવિઓના પ્રભાવને દૂર રાખવા કે સ્વીકારવા અંગેની ઉદ્વિગ્નતાનું વિવરણ કરે છે. સાહિત્યવિવેચનમાં હેરલ્ડ બ્લૂમના આ જાણીતા સિદ્ધાન્તનો સાન્ડ્રા ગિલ્બર્ટ અને સુસાન ગુબેરે નારીવાદી અભિગમથી વિરોધ કર્યો છે. આ દ્વારા તેઓ નારીવાદી સાહિત્યની વિશિષ્ટ લાક્ષણિકતાને જુદી તારવવા મથે છે. આ બંને નારીવાદી લેખકોનાં પુસ્તકોએ નારીસાહિત્યનાં ધોરણોને ઘડવાનો પ્રયત્ન કર્યો છે. આ બંનેનો આશય નારીવાદી છે. બંનેનું લક્ષ્ય નારીની નવેસરથી વ્યાખ્યા કરવાનો છે. એમની સાહિત્યિક ચેતના પિતૃસત્તાક માળખાની સામે પોતાની પરિયોજના લઈને ચાલે છે, અને નવી નારીવાદી સભાનતાનો પુરસ્કાર કરે છે. આ બંને નારીલેખકોએ હેરલ્ડ બ્લૂમ પર પ્રહારો કર્યા છે અને હેરલ્ડ બ્લૂમના પુરુષસહજ પૂર્વગ્રહને પડકારો આપ્યા છે. એમનું કહેવું છે કે પરસ્પર પુરુષલેખકોના સાહિત્યિક સંબંધોનો જે અહેવાલ બ્લૂમે આપ્યો છે. એમાં પુરુષ તરીકે એ કુલપિતા પર આક્રમણ કરી શકે છે, પણ નારીલેખકો અંગે એ વાત લાગુ પાડી શકાય તેમ નથી. નારીલેખકો વચ્ચે ઇડિપલ સંઘર્ષની સંભાવના નથી. નારીલેખકો એકબીજાની હિમાયતી હોય છે. નારીલેખકો પૂર્વજ-નારીલેખકોને ઉથલાવવા નથી ચાહતી. એનાથી ઊલટું, નારીલેખકો અન્ય નારીલેખકો પાસેથી સાહિત્યિક હિસ્સેદારી (Community) ચાહે છે. અલબત્ત, નારી-લેખકોને એમના પૂર્વજ-પિતાઓ સામે દ્વેષ છે, પણ પૂર્વજ-માતાઓ પરત્વે દ્વેષ નથી. નારીલેખન ક્ષેત્રે નારીલેખકોને કઈ વસ્તુ જુદાં કરે છે તે કરતાં કઈ સર્વસામાન્ય વસ્તુ એમને બાંધે છે એ વધુ મહત્ત્વનું છે. આમ, આ બંને નારીવિવેચકોએ હેરલ્ડ બ્લૂમના ઇડિપલ સંઘર્ષના પ્રતિમાનને કેવળ પુરુષલેખન ક્ષેત્રે મર્યાદિત કરી નારીલેખનક્ષેત્રે હિસ્સેદારીનું પ્રતિમાન આગળ ધર્યું છે. આમ છતાં નારી, નારી તરીકે રચે અને નારી એક લેખક તરીકે રચે, એ બે વચ્ચે પાતળી ભેદરેખા એવી મહત્ત્વની છે કે એને પરખવી જ પડશે. નારી જ્યારે એક લેખક તરીકે રચે છે ત્યારે એના પૂર્વજ નારીલેખન પરત્વે પુરુષની જેમ જ પ્રભાવની ઉદ્વિગ્નતાથી ઘેરાતી ન હોય એમ માનવાને કારણ નથી. લેખનની ઉદ્વિગ્નતા અને લિંગસમાનતાની ગ્રંથિનું ક્ષેત્ર ધારણા કરતાં ઘણું સંકુલ છે. આ બંને નારીવિવેચકો નારીવાદી અભિગમથી જે વાતને સરલ સ્તરે લાવ્યાં છે એ વાત એટલી સરલ નથી. નારી-પુરુષથી બંનેથી અતિરિક્ત એક લેખનનું પોતાનું પણ મનોવિજ્ઞાન છે અને લેખનના મનોવિજ્ઞાનની આ બંનેએ અવગણના કરી છે. એક વાત ચોક્કસ કે પુરુષસત્તાક ફ્રોઇડવિચારની સામે ઊભો થતો નારીવાદી પ્રતિવિચાર સાહિત્યવિવેચનની તર્કપ્રક્રિયાનો આજે એક રસપ્રદ ભાગ બની રહ્યો છે.