લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યક્ષેત્રે સજાતીય વિવેચન
સાહિત્યક્ષેત્રે સજાતીય વિવેચન
હમણાં એક અંગ્રેજી દૈનિકમાં સમાચાર હતા કે જાહેરમાં નગ્ન થવાના હક્ક કે અધિકારની માગણીમાં બે નગ્ન પ્રદર્શનકારીઓ લંડનમાં વેસ્ટમિન્સ્ટર પૅલેસ તરફ ચાલવા માંડેલા. આ પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવેલા. આપણે ત્યાં ‘ફાયર’ ફિલ્મ અંગે બે નારી વચ્ચેના સંબંધ બાબતે મોટો હોબાળો મચેલો. સુરેશ જોષીએ એક વાર વાતવાતમાં સૂચવેલું કે આપણા મધ્યકાલીન ‘ઓખાહરણ’ આખ્યાનમાં બે સ્ત્રીઓના સજાતીય સંબંધો અંગે પ્રચ્છન્ન સંકેતો પડેલા છે. મને યાદ છે ત્યાં સુધી વિશ્વપ્રસિદ્ધ ગ્રીક કવિ સી.પી. કેવેફીનાં કાવ્યો મારા ‘જેરુસલામ અને ઈથાકા’ પુસ્તકમાં છપાયાં એ પહેલાં ‘કંકાવટી’ સામયિકમાં છપાયેલાં. અને એમાં પુરુષ સજાતીય સંવેદનાને ઉત્કટ બતાવતી ત્રણેક રચનાઓ એના સંપાદકે મને પાછી મોકલેલી. વચ્ચે બિન્દુ ભટ્ટે ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ નામક લઘુનવલમાં સ્ત્રીના સજાતીય પરિમાણનો સંકેત આપેલો. આ બધા દાખલાઓ સામાજિક ધોરણો અને વ્યવહારનું તંત્ર જે વ્યક્તિ પર મજબૂત જાપતો અને નિયંત્રણ રાખવા માગે છે એનાથી હટીને છે. જાણીતા ચિંતક મિશેલ ફૂકોએ એના મરણ વખતે અધૂરા રહેલા મોટા પ્રકલ્પના ભાગરૂપ ‘લૈંગિકતાનો ઇતિહાસ’ના ત્રણ ગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે કે જેને આપણે સ્વાભાવિક કે નૈસર્ગિક લૈંગિકતા કહીએ છીએ, વાસ્તવમાં એ સત્તાની નીપજ છે. સમાજે કેટલાંક ધોરણો નક્કી કર્યાં છે અને એ ધોરણોનાં માળખાં પ્રમાણે આપણી લૈંગિકતાને ઢાળવાનો સતત પ્રયત્ન હોય છે. પણ એ સ્વાભાવિક સ્થિતિ નથી. અમુક પ્રકારના લૈંગિક સંબંધનું સ્વરૂપ જ નૈસર્ગિક છે એ વાત ફૂકોએ ઉદાહરણો સાથે ખોટી ઠેરવવાનો પ્રયત્ન કર્યો છે. પાગલખાનાં, બંદીખાનાં અને હૉસ્પિટલોમાં શરીર નહીં, પણ મન પર જે અત્યાચારો કરવામાં આવે છે, ફૂકોએ એને ખુલ્લા પાડ્યા છે. સામાન્ય રીતે સમાજનાં ધોરણો, કાયદાઓ, નિયમો અને મૂલ્યોને ઉથાપનાર વ્યક્તિજૂથોને ફ્રેન્ચ સમાજવિજ્ઞાની એમિલ દ્યુરકેમે (Emile Dukheim) ‘ઉન્મૂલિતો’ (anomie) તરીકે ઓળખાવ્યાં છે. આ શબ્દ એક રીતે જોઈએ તો મુખ્ય સંસ્કૃતિથી ફંટાયેલી ઉપસંસ્કૃતિઓને નિર્દેશે છે. આ જૂથમાં જ સજાતીય સ્ત્રીજૂથ અને સજાતીય પુરુષજૂથને સમાવવામાં આવે છે. આજના અનુઆધુનિકતાવાદી તબક્કા સુધી પહોંચતાં ‘સાહિત્ય’ સંજ્ઞા આપણે માનીએ છીએ એટલી સરલ રહી નથી. અને તેથી સાહિત્યસિદ્ધાંત જાતિભેદ-વિવેચન (gender critism) - અંતર્ગત નારીવાદી વિવેચન અને પુરુષવાદી વિવેચન (masculinism criticism) સુધી પહોંચ્યો છે. આ રીતે જોઈએ તો સાહિત્યસિદ્ધાંત જીવનની વધુ નજીક આવ્યો છે. આપણે એક યા બીજી રીતે એકબીજાથી જુદાં છીએ. અને તેથી ઘરમાં કે કામ કરવાની જગ્યામાં ભેદભાવ કરવામાં સંડોવાઈએ એ સ્વાભાવિક છે. સ્પષ્ટ છે કે જાતિભેદ સામાજિક સંજ્ઞા છે. વર્તમાનના જાતિભેદ આધારિત સાહિત્યઅભ્યાસમાં પુરુષોને સંડોવવામાં આવ્યા છે. અને એમનો બે પ્રકારનો અભિગમ છે : નારીવાદી ધ્યેયને અનુમોદન આપતું લેખન અને સજાતીય પુરુષના મુક્તિ આંદોલનનું લેખન. આમાંથી આજે સાહિત્યક્ષેત્રે ‘સજાતીય વિવેચન’ (gay criticism) વિકસી રહ્યું છે. જાતિભેદ-આધારિત વિવેચન-અંતર્ગત સજાતીય વિવેચન જો વાચકને સાહિત્યકૃતિ ફરી વાંચવાની ફરજ ન પાડે, નવા અર્થો માટે એને સક્ષમ ન કરે, તો એનો કોઈ અર્થ નથી. સજાતીય પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ કહી શકાય કે સમાજના ચોક્કસ વર્ગમાં પુરુષો વચ્ચે ગાઢ સંબંધ પ્રવર્તે છે, છતાં આપણે જાણીએ છીએ કે આ હકીકતને છાવરવામાં આવે છે અથવા દાબી દેવામાં આવે છે અથવા એને વિશે ચૂપ રહેવામાં આવે છે. સ્ત્રી પુરુષના સંબંધોના ભાગરૂપે જ લૈંગિકતાનું નિરૂપણ એ વાસ્તવિકતાથી દૂરનું નિરૂપણ છે. અને સજાતીય વિવેચન સાહિત્યકૃતિઓમાં રહેલી આવી ‘ચૂપ જગ્યા’ઓને બોલતી કરે છે. એનું મીંઢાપણું તોડે છે. અનુઆધુનિકતાવાદે નારીવાદની સાથે સાથે પુરુષવાદની પણ આ રીતે એક વિશેષ વિવેચનશાખા વિકસાવી છે.
●