લઘુ સિદ્ધાન્તવહી/ઉદ્ગમમૂલક વિવેચનમાં આંતરબાહ્ય વિચલનો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૦

ઉદ્ગમમૂલક વિવેચનમાં આંતરબાહ્ય વિચલનો

ગુસ્તાવ ફ્લોબેરથી માંડી અર્નેસ્ટ હેમિંગ્વે સુધીના લેખકો પોતાની એક રચનાને અનેકવાર મઠારતા રહ્યા છે, વારંવાર સુધારતા રહ્યા છે. મૂળ લખાયેલી રચના અને એમાં પછી થતા આવતા ફેરફારો સાથે બદલાતા પાઠોને ઉદ્ગમમૂલક વિવેચન (genetic criticism) સંશોધનનો વિષય બનાવે છે. ગુજરાતીમાં ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’ના પ્રૂફપાઠ સુધી સરસ્વતીચન્દ્ર અને કુમુદને પરણાવ્યાં છે, પણ પછી સ્વજનોનો વિરોધ ઊઠતાં ‘સરસ્વતીચન્દ્ર’ના અંતમાં આજે છે તેવો ફેરફાર કર્યો છે - આ બધા આંતરસ્રોત-વિચલન (internal source deviation)ના નમૂના છે. આંતરસ્રોત-વિચલનમાં લેખક પોતાની જ રચનામાં અનેક ફેરફાર કરતો કરતો રચનામાં વિચલન કરતો હોય છે. જેમ લેખક પોતાની રચનામાં વિચલન કરે છે એ જ રીતે રચના અંગેની સામગ્રી જ્યાંથી મેળવી હોય એ સ્રોતથી પણ રચનાને વિચલિત કરતો હોય છે, જેને આપણે બાહ્યસ્રોત-વિચલન (external source deviation) તરીકે ઓળખી શકીએ. ‘સરસ્વતીચન્દ્ર’માં લેખકે બદલાવેલો અંત જો ‘આંતરસ્રોત-વિચલન’ છે, તો ‘લલિતાદુઃખદર્શન’ના મૂળસ્રોતથી માળખાને ઉપાડી એને પ્રશિષ્ટ કરવાની ગોવર્ધનરામની રીત ‘બાહ્યસ્રોત-વિચલન’ છે. ન્હાનાલાલે આ જ કારણે ‘લલિતાદુઃખદર્શન’ને સરસ્વતીચન્દ્રની પૂર્વતૈયારી રૂપે ઓળખાવ્યું છે. બાહ્યસ્રોત-વિચલન મારફતે લેખક રચનાને જુદા અભિગમથી, જુદા આશયથી કે જુદા દૃષ્ટિકોણથી નવું ક્લેવર ધરતો હોય છે. જાણીતા જપાની દિગ્દર્શક કુરોસાવાએ શેક્સપિયરના ‘મૅકબેથ’ નાટકનું ચલચિત્રીકરણ કર્યું ત્યારે લેડી મૅકબેથને સસત્ત્વા બતાવી નવા આશયના આરોપણ દ્વારા જુદી જ રચના ઊભી કરી. એ જ રીતે કુરોસાવાએ ‘રાન’માં શેક્સપિયરના ‘કિંગ લિયર’ નાટકના ચલચિત્રીકરણ વખતે મૂળ નાયકની ત્રણ દીકરીઓને સ્થાને ત્રણ દીકરાઓ દાખલ કર્યા છે. કુરોસાવાનું શેક્સપિયરનું આ સંસ્કરણ જેન સ્માઈલી (Jane Smiley) એ જુદી રીતે જોયું છે. જેન સ્માઈલી ૧૯૯૨માં એની સાતમી નવલકથા ‘હજાર એકર’ (૧૯૯૧) માટે પુલિત્ઝર ઇનામ વિજેતા અમેરિકી લેખિકા છે. જેન સ્માઇલીને પણ ‘કિંગ લિયર’ નાટકનું ભારે આકર્ષણ છે. એની ‘હજાર એકર’ નવલકથા આ નાટક પર જ આધારિત છે. લેરી કુક અને એની ત્રણ દીકરીઓ જિની, રોઝ અને કેરોલિનની એમાં કથા છે. પણ શેક્સપિયર, કુરોસાવા અને જેન સ્માઈલીના સંદર્ભે રસપ્રદ છે. કુરોસાવાએ ‘રાન’માં ઊઘડતા દૃશ્યમાં ત્રણ દીકરા મૂક્યા છે અને મોટો દીકરો કહે છે કે “તમે જ અમને, આજે અમે જે છીએ તેવા બનાવ્યા છે.” જેન સ્માઈલીએ કુરોસાવાએ કરેલા આ ફેરફારને ઉપાડી લીધો. જેન કહે છે કે નાટક ઊઘડતા પહેલાં આ પાત્રોનો કોઈ ઈતિહાસ ન હોય એવું માનવા હું તૈયાર નથી. નાટકનું રહસ્ય એ છે કે બંને મોટી બહેનોને જુદી રીતે વર્તવાનું કારણ શું છે? બંને બહેનોએ રાજા લિયરની ઘણી બધી ગેરવાજબી હરકતો અને માગણીઓનો સ્વીકાર કર્યો છે અને ડોસાની આ ગેરવાજબી માગણીઓનો સ્વીકાર કર્યો એ જ મોટી બહેનોનો મોટો ગુણ ગણાવો જોઈએ. કુરોસાવા પાસેથી આશયનો ભાગ લઈને જેન સ્માઈલીએ દીકરાઓને સ્થાને ફરી દીકરીઓને જ ગોઠવી છે. દીકરીઓના આશયોને દીકરાઓના આશયોની જેમ શા માટે ચકાસી ન શકાય? અને એમ જેન સ્માઈલી દીકરીઓના આશયમાં ઊતરી છે. જેનને લાગે છે, ક્રોધે ભરાયેલી મોટી દીકરીઓ જેવી ઘણી સ્ત્રીઓ હોય છે, પણ એનું કારણ માતાપિતા તરફથી અને ખાસ તો પિતા તરફથી થયેલો પૂર્વનો દુર્વ્યવહાર અને એની પીડા જવાબદાર હોય છે. આ જ એમના ક્રોધનું અને પિતાથી અલગ થઈ જવાનું મુખ્ય કારણ હોય છે. કિંગ લિયરે સતત આત્મરતિ (narcissism)ને ઝનૂનપૂર્વક પ્રગટ કર્યા કરી છે. લિયર એટલો બધો આત્મરતિથી ભરેલો હતો કે દીકરીઓને એમનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ કે જીવન હોઈ શકે એ વાત સમજી શક્યો નહોતો. પોતાથી અલગ દીકરીઓને જોઈ શક્યો નહોતો. શેક્સપિયરની મૂળ રચના ‘કિંગ લિયર’ અને કુરોસાવા તેમજ જેન સ્માઈલીનાં એનાથી કરેલાં આ બાહ્યસ્રોત-વિચલનો દ્વારા મૂળ ‘કિંગ લિયર’ને નવેસરથી જોવાનો પ્રસગ તો ઊભો થાય છે જ, પણ બાહ્યસ્રોત-વિચલનથી પોતાની રચનાને, નવા સંદર્ભ પર લેખક કેવી રીતે સ્થિર કરે છે એ જોવાનો પણ પ્રસંગ ઊભો થાય છે.