લઘુ સિદ્ધાન્તવહી/રચનાકાર વિવેચનનો સિદ્ધાન્ત
રચનાકાર વિવેચનનો સિદ્ધાન્ત
ગયા દાયકામાં ઉમાશંકર જોશીએ ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧), રાજેન્દ્ર શાહે ‘સંકલિત કવિતા’ (૧૯૮૩), સ્નેહરશ્મિએ ‘સકલ કવિતા’ (૧૯૮૪) અને સુરેશ દલાલે ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) જેવા પોતાના પૂર્વ કાવ્યસંગ્રહોને સંચિત કરતા સંકલનગ્રંથો આપ્યા છે, તો આ દાયકામાં એટલે કે વીસમી સદીના દશમા દાયકામાં રમેશ પારેખે ‘છ અક્ષરનું નામ’ (૧૯૮૧), ઉશનસે ‘સમસ્ત કવિતા’ (૧૯૯૬), જયન્ત પાઠકે ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) જેવા સંકલન ગ્રંથો આપ્યા છે. ‘ચાલ વરસાદની મોસમ છે’ (૧૯૯૯) હરીન્દ્ર દવેનો મરણોત્તર સંકલનગ્રંથ છે. આ પ્રકારે સંગ્રહોને આવરી લઈને પ્રકાશિત થતા સંકલનગ્રંથો સિંહાવલોકન (retrospection)નો અવસર ઊભો કરે છે. કવિના આ પ્રકારના સમગ્ર કાર્યને કઈ રીતે જોવું, એમાં રહેલાં ચોક્કસ મુખ્ય વિષયવસ્તુઓને અને મુખ્ય શૈલીગત પાસાંઓને કઈ રીતે તારવવાં એની મથામણ હજી આપણે ત્યાં ઝાઝી થઈ નથી. પણ આ રીતે રચનાકારનું સમગ્ર કાર્ય જ્યારે પ્રકાશિત થાય ત્યારે એની સાથે કેમ કામ પાડવું એનો ઉલ્લેખ કંઈક અંશે ચલચિત્રવિવેચન-ક્ષેત્રે પ્રખ્યાત ‘રચનાકાર સિદ્ધાન્ત’ - Auteur Theory (ઓતર થિયરી)માં મળી આવે ખરો. રચનાકાર (Auteur) ફ્રેન્ચ સંજ્ઞા છે અને તે ચલચિત્રનિર્માતા કે ચલચિત્રનિર્દેશક માટે વપરાય છે. અલબત્ત, એ સંજ્ઞા પાછળ authorનો જ સંકેત પહેલો છે અને સંજ્ઞા સૂચવે છે તેમ રચનાની નિર્મિતિમાં રચનાકારની સૌન્દર્યસિદ્ધિ અને રચનાકારનો પ્રભાવ મહત્ત્વનાં છે. સાહિત્યક્ષેત્રે સાહિત્યગ્રંથોની બાબતમાં રચનાકારના રચનાકાર્યને જૂદું તારવવું એ સમસ્યા નથી, પરંતુ ચલચિત્ર જેવી સહયોગી કલાઓ (collaborative artforms)ના કર્તૃત્વનો નિર્ણય કરવો અઘરી બાબત છે. સામાન્ય રીતે ચલચિત્રસિદ્ધાન્તકારોએ તારણ કાઢ્યું છે કે ચલચિત્રનો નિર્દેશક એ જ એનો રચનાકાર છે અને એ જ મહત્ત્વની વ્યક્તિ છે. પણ રચનાકાર સિદ્ધાન્તની નિસબત એક કરતાં વધુ ચલચિત્રો સાથે રહી છે, એક જ નિર્દેશકનાં ઘણાં બધાં ચલચિત્રો સાથે રહી છે. રચનાકાર વિવેચન એક ચલચિત્રનું નહીં, પણ નિર્દેશકનાં ઘણાં બધાં ચલચિત્રોનું વિવેચન છે. પીટર વૉલને (Peter Wollen) એના પુસ્તક ‘ચલચિત્રમાં સંકેતો અને અર્થ’ (‘Signs and Meaning in Cinema’ Bloomington, Indiana University Press, ૧૯૭૩)માં રચનાકાર સિદ્ધાન્ત સમજાવતાં કહ્યું છે : મહાન ચલચિત્રનિર્દેશકોને એમની વૈયક્તિકતા તેમ જ એકરૂપતા સાથેના એમના બદલાતા જતા સંબંધોને આધારે ઓળખવા જોઈએ. રેન્વાએ એકવાર ઉચ્ચારેલું કે નિર્દેશક એક ચલચિત્ર રચવામાં એનું આખું આયખું ખર્ચી નાખે છે. આ ચલચિત્રને તારવવું એ ચલચિત્રવિવેચકનું કાર્ય છે, અને આ ચલચિત્રમાં અનાવશ્યક પરિવર્તનોનાં વિશિષ્ટ લક્ષણો જ માત્ર નથી હોતાં, પણ એમાં પરિવર્તનનો સિદ્ધાન્ત કે નિયમ હોય છે, જે રચનાઓને નિયંત્રિત કરે છે. એ રચનાનું અંતરંગ માળખું છે, જે લેવિ સ્ટ્રાઉસના શબ્દોમાં કહીએ તો ‘પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા’ પોતાને પ્રગટ કરે છે. અથવા સપાટી પર તરી આવે છે. પીટર વૉલન નિર્દેશે છે તેમ રચનાકારવિવેચનના સિદ્ધાન્તકારો સર્વસામાન્ય વિષયવસ્તુને ખોજતા નથી, પણ આ વિષયવસ્તુઓને અને સંખ્યાબંધ શૈલીગત તેમજ અન્ય વિચલનોને જન્માવતા નિયમોને ખોજે છે. એટલે કે રચનાકારવિવેચક એક નિર્દેશકનાં ચલચિત્રોના સમગ્ર સમૂહ-અંતર્ગત રહેલા માળખાને ખોળવા મથે છે. એક રીતે જોઈએ તો આ સંદર્ભમાં રચનાકાર-વિવેચન પરવર્તી (posteriori) પ્રકારનું વિવેચન છે. વિવેચક એક વાર આ માળખું શોધી કાઢે પછી ચોક્કસ ચલચિત્રો આ માળખા સાથે કેવી રીતે સંલગ્ન છે એના અનુસંધાનમાં એ એનું વિશ્લેષણ કરી શકે. ટૂંકમાં, સૌન્દર્યનિષ્ઠ અને શૈલીનિષ્ઠ નિયમો અને સંકેતો તારવવાનું કામ મહત્ત્વનું છે. ચલચિત્રક્ષેત્રે રચનાકાર-વિવેચક દૃશ્યશૈલી, દૃશ્યવેગ, પુનરાવૃત્ત મુખ્ય સંકેતો તેમજ વિષયવસ્તુલક્ષી સર્વોપરી વ્યાપારો જેવી ચલચિત્રસામગ્રી સાથે નિસબત ધરાવે છે. ક્યારેક ક્રમવર્તી દૃશ્યવિન્યાસોમાં કે ગણવર્તી દૃશ્યવિરોધો, વાણીવિરોધો કે પાત્રવિરોધોમાં એ પોતાનો માર્ગ શોધતો હોય છે. સાહિત્યક્ષેત્રે એક જ કવિ કે લેખકના સંકલનગ્રંથનું એની અંતરંગ રહેલા માળખાને ગ્રહણ કરવા, ચલચિત્રક્ષેત્રે કોઈ એક નિર્દેશકનાં ચલચિત્રોનું થાય છે એવું સિંહાવલોકન (retrospection) થવું આવશ્યક છે, પણ આવા પ્રયત્નો હજી આપણે માટે રાહ જોઈને ઊભા છે.
●