લઘુ સિદ્ધાન્તવહી/કલાજગતની કૃત્રિમતા : સહાયક કે અવરોધક?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૩

કલાજગતની કૃત્રિમતા : સહાયક કે અવરોધક?

સંસ્કૃત નાટ્યસાહિત્યે मधुरेण समापयेत् દ્વારા એક એવી ટેવ પાડી દીધી છે કે ગમે એવી વિંટબણાઓ આવે, એનો સામનો કરતાં કરતાં અંત તો મધુર જ આવવાનો છે. કલાપ્રયોગ વખતે સુખાન્તની અપેક્ષા ઘર કરી ગઈ છે. હાલતાં ને ચાલતાં આપણે સાંભળીએ છીએ કે ‘પ્રભુ સૌ સારાં વાનાં કરશે.’ કહેવતો તો ઢગલાબંધ છે. જેવી કરણી તેવી ભરણી, કરે તેવું પામે, વાવે તેવું લણે. પાપનો ઘડો ફૂટ્યા વગર નહીં રહે - આ બધામાં જાણે કે અંતે તો સત્યનો વિજય થવાનો છે એવો એક ભ્રમ હોય છે. सत्यमेव जयते જેવું સૂત્ર પ્રચલિત છે. એ જ રીતે ‘यतो धर्मस्ततो जयः’ જેવું સૂત્ર પણ વ્યવહારમાં ચલણી છે. ખરેખર તો આ બધાં જ સૂત્રોએ કે કહેવતોએ એક રીતે જોઈએ તો ‘કાવ્યન્યાય’ તોળ્યો છે. કાવ્યન્યાય તો અધૂરા જગતની પરિપૂર્તિ છે – એક આદર્શ છે, એ વાત જ વીસરાઈ ગઈ છે. નાટકના ‘મેઇક-બિલીવ’નાં ઘણાં બધાં તત્ત્વોમાં કાવ્યન્યાય પણ ‘મેઇક-બિલીવ’નું જ એક તત્ત્વ છે. સિનેમાગૃહ કે નાટ્યગૃહના અંધારામાંથી બહાર પ્રકાશમાં આવીએ છીએ એટલે આંખ ચૂંચળી થઈ જાય છે, પૂરી ખુલતી નથી, ધીમે ધીમે બહારના જગતનો સામનો કરવા માંડે છે. કદાચ કલાના જગતમાંથી બહાર આવેલા જીવને પણ વાસ્તવિક જગત સાથે પનારો પાડતાં પાડતાં એવું ચૂંચળું તો નથી થવું પડતું ને? પ્લેટો અને ઍરિસ્ટૉટલથી કલાની મૂળભૂત સમસ્યાઓનો હજી સુધી આપણને સંતોષકારક ઉત્તર મળ્યો નથી. પ્લેટોની સામે ઍરિસ્ટૉટલની માંડણી ગમે એવી સદ્ધર હોવા છતાં કલાજગતનો અનુભવ મનુષ્ય પર શી અસર પહોંચાડે છે એનો ઊહાપોહ ઊઠતો જ રહ્યો છે. અનેક સમાધાનો આગળ ધરવામાં આવેલાં હોવા છતાં રહી રહીને એવું લાગ્યા કરે છે કે કલાજગતની કૃત્રિમતા મનુષ્યજાતિને સહાયક બને છે કે અવરોધક બને છે એનો નિર્ણય કરવામાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે. પ્રયોગશાળાના કૃત્રિમ અને નિયંત્રિત વાતાવરણ વચ્ચે કરેલા પ્રયોગનું પરિણામ જ્યારે જગતના નૈસર્ગિક અને અનિયંત્રિત વાતાવરણ વચ્ચે મુકાય ત્યારે એનું મૂલ્ય એનું એ તો કઈ રીતે રહ્યું હોય? કલાજગતમાં કૃતક રીતે ઉશ્કેરેલી લાગણી વાસ્તવિક જગતમાં ખરે વખતે દગો દઈ જાય એવું ન બને? માઈક્રોટીચિંગમાં તૈયાર થયેલા અધ્યાપકને ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલા ખરેખરા વર્ગનો સામનો કરવાનો આવે એના જેવો એ અનુભવ નથી? ઍરિસ્ટૉટલે વિરેચનનો સિદ્ધાન્ત રજૂ કર્યો એમાં અને ભટ્ટ નાયકે સાધારણીકરણનો સિદ્ધાન્ત રજૂ કર્યો એમાં એની પાછળ પેલી કૃતકતાનો પ્રચ્છન્નપણે સ્વીકાર નથી એમ તો નહીં જ કહી શકાય. હમણાં કોલરિજ જેવા કોલરિજ કવિની ૧૭૯૬ની નોટકબુકમાં એણે કરેલું એક વિધાન હાથ ચડ્યું છે. કહે છે કે કવિતા કૃતક લાગણીઓને ઉત્તેજિત કરે છે અને ખરેખર લાગણીઓ પરત્વે આપણને જડ બનાવે છે (Poetry excites us to artificial feelings, makes us callous to real ones.). લાગણીઓ સાથે પનારું પાડતા અંગ્રેજી સાહિત્યના આ મહત્ત્વના કવિને પણ કવિતા કે કલાની કામગીરી અંગે અંદરખાનેથી આવી શંકા ઊભી થઈ છે, જે ધ્યાન પર લઈએ તો એમ લાગે છે કે દરેક ઍરિસ્ટૉટલ પર એક છૂપો પ્લેટો છાપો મારતો રહ્યો છે અને આશ્ચર્યજનક રીતે ઍરિસ્ટૉટલના ચણેલા ગંજીપાના મહેલને ફૂંકમાં ઉડાડતો રહ્યો છે. કલાનું રહસ્ય હંમેશાં માટે ખૂલી જાય તો એ કલા શાની?