લઘુ સિદ્ધાન્તવહી/બોર્હસનો સૌન્દર્યવિચાર

૧૪

બોર્ડેસનો સૌન્દર્યવિચાર

આજના અનુઆધુનિકતાવાદી કાળમાં હોર્હે લૂઈ બોર્હેસ જેવા લેખકનાં લખાણો એકદમ કેન્દ્રમાં આવ્યાં એનું પગેરું શોધવા જઈએ તો બોર્હેસના ત્રેવીસ વર્ષની વયે જ આધુનિકતાવાદીઓની બે મહત્ત્વની ધરી પરના પ્રહારોમાં જડે. બોર્હેસે આધુનિકોની રંગદર્શિતા અને એના વ્યક્તિવાદ પર પ્રહાર કરતાં કહેલું કે રંગધર્મી અહંવાદ અને વાચાળ. વ્યક્તિવાદે કલાઓનો વિધ્વંસ કર્યો છે. બોર્હેસે આ પછી લેખનોમાંથી જાત (self)ને બાદ કરવાનો પ્રયત્ન આદર્યો. આત્મલોપન (Self-effacement) એની જિંદગીભરની પરિયોજના રહી. બોર્હેસ કહે છે, ‘હું હોર્હે લૂઈ બોર્હેસ તરીકે ચાલુ રહેવા નથી માગતો. હું અન્ય કોઈ બનવા ચાહું છું. હું ઇચ્છું કે મારું પૂરેપૂરું અવસાન થાય.’ પુનરાવૃત્તિનો લોપ અને સતત વિકાસ માટે જાતનું અતિક્રમણ- આ બંને ઇંગિતો આમાંથી મેળવી શકાય. એ જ રીતે બોર્હેસે ‘જાત’ને બાદ કરવા માટે ‘આશય’ને પણ બાદ કરવાનો અનુરોધ કર્યો છે. બોર્હેસ કહે છે, ‘કલામાં જો કંઈક વધારે ગૌણ હોય તો તે લેખકના આશયો છે.’ આ આશયો લેખકને મનોવાદ (psychologism) તરફ દોરી જાય છે. બોર્હેસ મનોવાદને અભિશાપ ગણે છે. જૉય્સને સદીનો પ્રતિભાવાન લેખક જાહેર કર્યા પછી પણ બોર્હેસ ‘યુલિસિસ’ અને ‘ફિનિગન્સ વેઇક’ને અવાચ્ય ઠેરવે છે, કારણ એમાં અંગત શૈલીનો અતિરેક છે. મનોવાદને આમ અભિશાપ ગણવાનું અને જાતને બાદ કરવાનું બોર્હેસને ચોક્કસ સૌન્દર્યવિચાર પર લઈ જાય છે. આ સૌન્દર્યવિચાર પાછળ બોર્હેસની વાચનપ્રીતિ, પુસ્તકપ્રીતિ અને ગ્રંથપાલ તરીકેનો અનુભવ પડેલો છે. બાળપણથી શરમાળ અને અન્તર્મુખ વ્યક્તિત્વવાળા આર્જેન્ટીનાના બોર્હેસને અંગ્રેજી મોસાળનો લાભ તો મળ્યો છે, વળી પિતાની આંખની ચિકિત્સા માટે યુરોપમાં જિનીવા ખાતે નિવાસ દરમ્યાન ફ્રેન્ચ, જર્મન ભાષાઓનો પણ લાભ મળ્યો છે. માતાપિતાની મરજીને કારણે ઘરમાં રહીને કોઈ નોકરીધંધાની શોધ કર્યા વગર બોર્હેસે વાંચ્યે રાખ્યું, લખ્યે રાખ્યું અને સાહિત્યિક મિત્રતાઓ વધાર્યે રાખી. બોર્હેસના વિપુલ વાચને એને લેખનમાં જાણે કે એક સમર્થ વાદ્યવૃન્દકાર (orchestrator)ની ભૂમિકા આપી. અંગત અનુભવ અને અન્યના વિચારો વચ્ચે આવાગમન કરતું એનું લેખન લેખકોનો સહારો લે છે, સતત અન્ય લેખકોને ઉદ્ધૃત કરતું આવે છે, પરીક્ષણ કરતું આવે છે અને એ દ્વારા અન્યોનું પરીક્ષણ પણ ચાલુ રાખે છે. બહુ વિરોધી કહેવાય એવા અવાજોને એ લેખનમાં પાસે પાસે લાવે છે. ગ્રન્થપાલ તરીકેની કામગીરી દરમ્યાન પણ વાચન અગ્રસ્થાને રહ્યું. બોર્હેસ વાચનને ચિત્તનો ચેતનાન્તર-પ્રવેશ (transmigration of souls) ગણે છે. વાચનનું કાર્ય જ તમને જાતમાંથી છોડાવી, તમને ‘અન્ય કોઈ’ બનવા દે છે. અન્યના અન્યત્વ માટેનો આદર અને સાથે સાથે આપણું સહભુક્ત એકત્વ, એ વાચનનો અદ્ભુત સાર છે. બોર્હેસ કહે છે, પુસ્તક તો અન્ય વસ્તુઓ જોડે કેવળ વસ્તુ છે, જ્યાં સુધી એને એનો વાચક મળતો નથી. અને વાચક મળતાં જે જન્મે છે તે વિશિષ્ટ લાગણી રમણીયતા છે, રમણીય રહસ્યમયતા છે, જેનો ઉકેલ ન તો મનોવિજ્ઞાન આપી શકે છે, ન તો વિવેચન આપી શકે છે. વાચન દ્વારા થતી કલાનુભૂતિ અલગ અલગ ચિત્રનું અધ્યારોપણ (superimposition) હોય છે. આ અધ્યારોપણ સાથે ઊઘડું ઊઘડું થતો આવિષ્કાર (imminence of revelation) હોય છે. બોર્હેસના સૌન્દર્યવિચારમાં ઊઘડું ઊઘડું થતા આવિષ્કારનો વિચાર કેન્દ્રસ્થાને છે. બોર્હેસનું મન હંમેશાં એક રહસ્યમાં ગૂંચવાયેલું રહ્યું છે. બોર્હેસે વાંચેલું કે ચીનની લાંબી દીવાલ બંધાવનાર પહેલો રાજા શિહ હુઆંગ ટી હતો અને પોતાના સમય પહેલાંનાં બધાં પુસ્તકો બાળી નાખવાનો હુકમ કરનાર પણ એ જ હતો. રચનાત્મક અને વિનાશાત્મક આવી બે વૃત્તિઓ એક મનુષ્યમાં કેવી રીતે સાથે સાથે રહી શકે એના રહસ્ય વિશે વિચારીને બોર્હેસે એ પ્રહેલીને અકબંધ રાખી છે. કદાચ એમાં જ બોર્હેસના સૌન્દર્યવિચારની, ઊઘડું ઊઘડું થતા આવિષ્કારની વિભાવના પડેલી છે. બોર્હેસ કહે છે, ‘સંગીત, સુખની અવસ્થાઓ, પુરાકથા, કાલજીર્ણ ચહેરાઓ, અમુક સાંજ અને અમુક સ્થળ-આ બધાં આપણને કશુંક કહેવા ચાહે છે અથવા એમણે કશુંક એવું કહ્યું છે જે આપણે ગુમાવવા જેવું નહોતું અથવા આ બધાં કહેવાને તત્પર ઊભાં છે. આ ઊઘડું ઊઘડું થતો અજન્મ્યો આવિષ્કાર જ કદાચ સૌન્દર્યઘટના છે.” કશુંક કહેવાની અણી પર કહેવાનું થંભાવી દેતી કલારચનાઓની સૌન્દર્યક્ષણ બોર્હેસે સૌન્દર્યવિચારમાં આબાદ પકડી છે. અનેક અવાજોને અંકે લઈ ચાલતું અને પોતાનો અવાજ પ્રચ્છન્ન રાખતું બોર્હેસનું રહસ્યપૂર્ણ રમણીયતાથી ભર્યું લેખન અનુઆધુનિકતાવાદી ‘મિશ્રકૃતિ’ (pastiche)નું મહત્ત્વનું પ્રતિમાન છે. બોર્હેસની કવિતા અને એની વાર્તાઓ કરતાં એના નિબંધોમાં આ વાત વધુ સ્પષ્ટ થાય છે.