લઘુ સિદ્ધાન્તવહી/ટાગોર સંદર્ભે દેશીવાદની ફેરવિચારણા

૭૩

ટાગોર સંદર્ભે દેશીવાદની ફેરવિચારણા

છેલ્લાં કેટલાંક અનુસંસ્થાનવાદી વર્ષોમાં ભારતમાં અને ગુજરાતમાં એક દેખીતો વિરોધાભાસ ઊભો થયો છે. એક બાજુ માહિતીવિજ્ઞાન અને કમ્પ્યૂટરના નેટવર્કને કારણે પશ્ચિમની અને ખાસ કરીને અમેરિકાની ગ્રાહકસંસ્કૃતિના પ્રભાવ હેઠળ કેટલાક અત્યાનુધિક આયાતી જીવનશૈલીઓને અપનાવી રહ્યા છે, તો બીજી બાજુ, અમને કે અમારું કશું યે ગણતરીમાં પશ્ચિમ લેતું નથી અને તેથી પશ્ચિમના પ્રભાવ હેઠળથી છૂટી પોતાનાં મૂળ શોધવા માટેનો સમય પાકી ચૂક્યો છે એવું કેટલાક બતાવી રહ્યા છે. આ પ્રકારે પશ્ચિમનો બિનજરૂરી સ્વીકાર અને પશ્ચિમનો બિનજરૂરી અસ્વીકાર બંને આત્મઘાતક છે. ખાસ કરીને સાહિત્યક્ષેત્રે દેશીવાદનો પુરસ્કાર થઈ રહ્યો છે ત્યારે તો આ આખો વિષય ફેરવિચારણા માગી લે છે. આ સંદર્ભમાં ‘ઇસ્ટ ઍન્ડ વેસ્ટ ઈન ગ્રેટર ઇન્ડિયા’ લેખ (‘ગ્રેટર ઇન્ડિયા’ મેકમિનલ, ૧૯૨૧)માં રવીન્દ્રનાથ ટાગોરે વ્યક્ત કરેલા વિચારો, અમર્ત્ય સેને ‘ટાગોર ઍન્ડ હિઝ ઇન્ડિયા’ (‘ધ ન્યૂયૉર્ક રિવ્યૂ’, જૂન ૨૬, ૧૯૯૭) લેખમાં ચર્ચેલું ટાગોરનું વિચારજગત અને અમર્ત્ય સેને જેનો ઉલ્લેખ કર્યો છે તે આય્ઝે બર્લિને ‘રવીન્દ્રનાથ ટાગોર ઍન્ડ નૅશનાલિટી’ (‘ધ સેન્સ ઑવ રિયાલિટી’, ફરાર, સ્ટ્રાઉસ, ગિરૂ, ૧૯૯૭) લેખમાં વિશ્લેષેલી ટાગોરની રાષ્ટ્રીયતાની વિભાવના - આ બધું માર્ગદર્શક બની શકે તેમ છે. ટાગોરે કહ્યું છે કે “આત્મસન્માન ઘવાયાની લાગણી જ આપણને આપણા તરફ પાછા વળવા માટે ફરજ પાડે છે.” ટાગોરના વિચારનો આ મુખ્ય દોર પકડી બર્લિન દર્શાવે છે કે રાષ્ટ્રવાદ ઘણુખરું માનવગૌરવને પહોંચેલા આઘાતમાંથી જન્મે છે અને ક્યારેક ભયંકર રીતે વકરે છે. આની પાછળ પોતાને ઓળખ મળે, પોતાને માન્યતા મળે, પોતાની સ્વીકૃતિ થાય એ ઇચ્છા પ્રબળપણે કામ કરતી હોય છે. આ મન:સ્થિતિમાંથી બે આક્રમક સ્વરૂપ પોતાની મર્યાદાઓના ભાનમાંથી, પોતાના પછાતપણાને સુધારવાની ગ્રંથિમાંથી કે પોતાનાથી વધુ બલવત્તર સંસ્કૃતિ પાસેથી કશુંક મેળવવાની ઉદ્વિગ્નતામાંથી ઊભું થાય છે, તો બીજું આક્રમક સ્વરૂપ વિદ્વેષપૂર્ણ અલગતાવાદમાંથી, અણસરખી હરીફાઈને છોડવાના નિરધારમાંથી અને માત્ર પોતાની જ ઉત્તમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાંથી જન્મે છે. બર્લિન બીજા પ્રકારના સ્વરૂપ પરત્વેની વૃત્તિને ‘ખાટી દ્રાક્ષ વૃત્તિ’ (sour grapes attitude) તરીકે ઓળખાવે છે. આ વૃત્તિ અંગે નિદાન કરતાં બર્લિન કહે છે કે પોતાનામાં સમેટાઈને આંતરબળ ઊભું કરવાની આ ગ્રન્થિ છે. અમારો ભૂતકાળ, અમારો વારસો તમારા કરતાં સમૃદ્ધ છે, સંપૂર્ણ છે, તમે અમને ગણતરીમાં નથી લેતા તો અમને પણ તમારી જરૂર નથી, અમે તમને ખાંજરે નાખીએ છીએ. તમારી તો ભદ્દી પશ્ચિમી સંસ્કૃતિ છે - આવું પ્રતિકારાત્મક માનસ વિદેશીઓની ધૂંસરીમાંથી મુક્ત થયેલી પ્રજામાં વિશેષ કરીને જોવા મળે છે. ઘડિયાળને આ રીતે પાછળ મૂકવામાં જોખમ છે. એવું બને કે વિદેશી શાસકોથી મુક્ત થયા હોઈએ, પણ એમનો પ્રભાવ બહુ ઊંડે સુધી પહોંચેલો હોય, ખૂબ ઊંડે સુધી એનાં મૂળ વિસ્તરેલાં હોય અને તેથી બહુ મોટી હાનિ વહોર્યા વિના એમનું બધું પોતાના તંત્રમાંથી ફગાવી દઈ શકાતું નથી. અમર્ત્ય સેને સ્પષ્ટ કર્યું છે કે ગાંધીજી ટાગોર ઘણી બધી બાબતમાં જુદો વિચાર ધરાવે છે. ટાગોરને સ્વદેશીનો વિરોધ નથી, પણ બિનજરૂરી રીતે પશ્ચિમનો ત્યાગ પણ એમને મંજૂર નથી. અંગ્રેજી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પરત્વે વિચારતાં ટાગોર ૧૯૦૮ની કૉગ્રેસના પ્રમુખીય પ્રવચનમાં કહે છે : ‘અંગ્રેજી એ બૃહદ્ વિશ્વ ભણી ખૂલેલી બારી છે. એને બંધ કરવી એ ભારત સામેનો અપરાધ બનશે. પણ બારી એ બારણું નથી. કશું જ ન કરવું અને બારીમાંથી માત્ર તાકતા રહેવું એ મૂર્ખાઈ છે." ભારતે પોતે શક્તિશાળી બનવું જ પડશે. કારણ, શક્તિ કે સામર્થ્ય વિના ક્યાંય સમાનતા કે ન્યાય શક્ય નથી. અને આથી જ ‘બલિનો બકરો થંભ સાથે જકડાઈ જાય’ તેમ ભૂતકાળ સાથે જકડાયા વગર ભારતે અંગ્રેજોની જેમ પોતાના પગ પર ઊભા રહેવું પડશે – એવી ટાગોરે હિમાયત કરી છે. ટાગોરે એવી પણ ટકોર કરી છે કે પશ્ચિમથી જો ભારતને અલગ કરી દેશો તો ભારત જે પૂર્ણતા હાંસલ કરવા માગે છે એનાથી એ વંચિત રહી જશે. આપણા પૂર્વજો ત્રણ હજાર વર્ષ પહેલાં આ જગતમાં જે કાંઈ મૂલ્યવાન છે તે બધું જાણીને બેઠા છે - એવી ગાંઠ બાંધવી મુનાસિબ નથી. ટાગોર દૃઢતાપૂર્વક ઉમેરે છે કે ન તો આપણે એવા દુર્ભાગી છીએ કે ન તો જગત એટલું કંગાલ છે. જે કાંઈ જાણવા જેવું હતું તે બધું જ ભૂતકાળમાં અમે હંમેશ માટે જાણી લીધું છે, એવું માનીને ચાલીશું તો આ પૃથ્વી પર આપણી હયાતી ભારરૂપ બની જશે. પૂર્વજો અંગેની અંધ માન્યતા આપણી દૃષ્ટિને રૂંધી ન બેસે એ જોવું અગત્યનું છે. પશ્ચિમનો છેદ ઉડાડવાને તત્પર અને દેશીવાદનું નકરું ગાણું ગાવાને ઇચ્છુક - સાહિત્યખેડુઓને પથદર્શક બની શકે તેવો ટાગોરનો સંદેશ હજી એક સદી પછી પણ કામમાં આવે એવો અકબંધ છે.