લઘુ સિદ્ધાન્તવહી/છંદશિક્ષણનું સ્થાન
છંદશિક્ષણનું સ્થાન
જે.ઈ. સંજાણાએ આપેલા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ‘સ્ટડિઝ ઈન ગુજરાતી લિટરેચર’માં ૧૯૫૦માં પ્રકાશિત થયાં, ત્યારે સાહિત્યિક રાજકારણે એનો પુષ્કળ વિવાદ જગાવેલો, પણ પછી આ પુસ્તક ઉપેક્ષિત બની ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયું છે. આ પુસ્તક મુખ્ય પ્રવાહમાં આવે એ જરૂરી છે, કારણ કે ચાલી આવેલી અનેક માન્યતાઓનાં એમાં ખંડન પડેલાં છે. એટલું જ નહીં, ૧૯૫૬ પછી પ્રતીકવાદી માલાર્મેની જે હવા આપણે ત્યાં ઊભી થઈ છે એના પૂર્વસંસ્કારો એમાં જોઈ શકાય છે. આજે અછાંદસ પ્રચલિત બન્યું છે અને છાંદસ તાલીમ વીસરાતી રહી છે ત્યારે સંજાણાએ બ.ક.ઠાકોર સામે કરેલો પ્રતિવાદ ઉદાહરણરૂપે લઈ વિચારવા જેવો છે. ‘અર્વાચીન ગુજરાતી ગદ્ય’ નામક એમના પ્રકરણમાં ચર્ચા કરતાં જે.ઈ. સંજાણાએ બ.ક. ઠાકોરનો અભિપ્રાય ટાંક્યો છે. ઠાકોર કહે છે : ‘જ્ઞાન ચોતરફ વધારો, સારું ગદ્ય લખવાનો મહાવરો પાડો, ભાષાશક્તિ મેળવો અને ખીલવો...એમ કરતાં કરતાં પ્રેરણા જાગશે અને યોગ્ય વિષય જડશે અને ખીલવી શકશે. તો ત્હમે પણ કવિ થશો, કેમ નહીં?’ (ગદ્યનવનીત, પૃ.૨૩૯). આના પર જે.ઈ.સંજાણા ટિપ્પણી કરે છે : ‘હું એ નથી સમજી શકતો કે ઠાકોર નવાગન્તુકોને પહેલાં સારા ગદ્યલેખક બનવાને અને પછી કવિતા તરફ વળવાને કેમ પ્રોત્સાહિત કરે છે. હું આનાથી ઊલટી પદ્ધતિ પસંદ કરું અને નવાગન્તુકોને ચુસ્તપણે છંદમાં લખવા માટે કહું, આથી લાગણીવેડાના ચેપી તાવનો ઉપાય થાય તેમજ શબ્દો પર કાબૂ મેળવવા માટે એક સારી કસરત મળી રહે. આ પછી છંદમાં લખવાનું એક વળગાડની જેમ દુર્ભાગ્યપૂર્ણ અને ભયાનક ટેવ બની જાય તે પહેલાં એને છોડી દેવામાં આવે.” અહીં બ.ક.ઠાકોરની સ્થાપના અને જે.ઈ.સંજાણાના પ્રતિવાદમાં એક વાત સ્પષ્ટ થાય છે કે સાહિત્ય ભાષાની કલા છે અને તેથી લેખનની તાલીમ અનિવાર્ય છે. કોઈ ને કોઈ રીતે શબ્દો પર અને એના લય પર તેમજ અભિવ્યક્તિ સાથે હાવી રહેતા રુગ્ણ લાગણીવાદ પર કાબૂ રાખવો નવાગન્તુકો માટે હંમેશાં પડકારરૂપ હોય છે. બ.ક. ઠાકોર સારું ગદ્ય લખવાનો મહાવરો કેળવ્યા પછી કવિતા તરફ વળવાનું કહે છે, તો સંજાણા એનાથી ઊલટી દિશામાં છંદની કસરતથી કાબૂમાં આવતા લયને અગ્રેસર કરી કવિતાથી ગદ્ય તરફ વળવાનું સૂચવે છે. સંજાણાને સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ટેકો અવશ્ય મળે. સંસ્કૃતમાં ગદ્યને કવિની કસોટી ગણ્યું છે. આનો અર્થ લય પર કાબૂ મેળવ્યા પછી જ ગદ્યની દિશામાં જવાનો અને અધરી દિશામાં જવાનો સંકેત છે. આજે અછાંદસ કાવ્યરચના સહેલો માર્ગ બની છે, પણ એમાં ઘણી વાર ગદ્યગતકડાંથી વિશેષ કશું દેખાતું નથી. કારણ કે ધીમે ધીમે છંદશિક્ષણનું સ્થાન ગૌણ ને ગૌણ થતું ગયું છે. કવિતાના સર્જન માટે જ નહીં પણ કવિતાના ભાવનવિવેચન માટે પણ છંદશિક્ષણની અનિવાર્યતા સ્પષ્ટ છે. આવી કોઈ ચિંતામાંથી ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી ભાષાસાહિત્ય વિભાગ દ્વારા છેલ્લાં બે વર્ષોથી ‘છંદશાસ્ત્ર : પરિચય’ નામના એક વર્ષના પ્રમાણપત્રનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે કવિતાના છંદ શીખવા ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે ખુલ્લો કર્યો છે. કોઈ પણ વિદ્યાશાખાની ઉચ્ચતર માધ્યમિક કે તેની સમકક્ષ પદવીને પ્રવેશયોગ્યતા ગણવામાં આવી છે. આ અભ્યાસક્રમ નિમિત્તે છંદવિષયક વ્યાખ્યાનોની શ્રેણી યોજવામાં આવે છે અને એમાં છંદના ઉદ્ભવ, વિકાસ, પ્રકાર તથા પ્રયોગોની સઘન માહિતી સાથેનું પ્રત્યક્ષ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રવેશ માટે અલબત્ત ફી ધોરણ છે, પરંતુ આ નજીવા ફી ધોરણની સામે ગુજરાત વિદ્યાપીઠ પોતાના ભંડોળમાંથી ખાસ્સી એવી સહાય પૂરી પાડે છે. આવા અભ્યાસક્રમોમાં સૌથી મોટો પ્રશ્ન ઘણીવાર તાલીમાર્થીઓની સંખ્યા થવાનો હોય છે પણ આ વર્ગમાં છેલ્લાં બે વર્ષથી ખાસ્સી એવી સંખ્યામાં તાલીમાર્થીઓ સ્વેચ્છાએ છંદશિક્ષણ માટે ઉત્સુક થઈને આવે છે. બચુભાઈ રાવત જેવી એક સંસ્થા હતી, જે સંસ્થામાં છંદના આગ્રહ સાથે કવિશિક્ષા જુદી પડતી હતી. આજે પણ ‘કુમાર’નું પહેલું પાન છાંદસ રચનાઓનો આગ્રહ રાખે છે. હજી ‘બુધસભા’ પણ ચાલે છે, જે તાલીમ સાથે પ્રોત્સાહક ભૂમિકા બજાવે છે. પણ આ અપવાદો છે. આજની કવિતાની તાલીમ અંગેની ચિંત્ય પરિસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠે જે અભ્યાસનો ઉપક્રમ ચાલુ કર્યો છે, તે કદાચ વિદ્યાપીઠોમાં થયેલો પહેલો પ્રયાસ હશે. આથી ગીત-ગઝલ અને અછાંદસમાં સ્થગિત થયેલી ગુજરાતી કવિતાને કદાચ નવી દિશા મળી શકે તેમ છે. એક જમાનો હતો, જ્યારે નર્મદને પિંગળ જાણવા માટે એક કડિયાને ત્યાં વારંવાર જવું પડતું હતું કારણ કે કડિયો એની પાસે પડેલી પિંગળની હસ્તપ્રતને ઘેર લઈ જવા દેતો નહોતો. એ જમાનાથી આપણે આજે ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગે ગુજરાતી પિંગળને વર્ગજોગું કરવા આદરેલા પુરુષાર્થ સુધી આવ્યા છીએ. સાહિત્યમાં સક્રિય રુચિ જગાવવા સાહિત્યચિંતાથી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ સંચાલિત દર વર્ષે યોજાતા શિબિરની જેમ આ અભ્યાસક્રમ પણ સાહિત્યચિંતાથી શિક્ષણક્ષેત્રે થયેલી મહત્ત્વની પ્રવૃત્તિ છે. સંજાણાએ ચીંધેલી આ છંદતાલીમની દિશા ભવિષ્યના સંતર્પક ગદ્યનુંય ઘડતર કરશે, કદાચ.
●