લઘુ સિદ્ધાન્તવહી/ડાયરી અને ‘કલ્પિત’

૮૨

ડાયરી અને ‘કલ્પિત’

દુર્ગારામ મહેતા, નર્મદ, ભોળાનાથ દિવેટિયા, નરસિંહરાવ, ગોવર્ધનરામ, મહાદેવભાઈ દેસાઈ - વગેરે લેખકોની રોજનીશી કે ડાયરી જાણીતી છે. પશ્ચિમમાં આન્દ્રે જિદ અને પૉલ વાલેરીની નોંધપોથીઓ પ્રસિદ્ધ છે. રોજબરોજનાં કાર્યોની કે પ્રસંગોની નોંધ રાખતી આ ડાયરીઓ સાહિત્યના ક્ષેત્રમાં પડે કે સાહિત્ય બહારના ક્ષેત્રમાં પડે એ અંગે અવઢવ રહ્યો છે. આવું સાહિત્ય દેહલીદીપક ન્યાયે સાહિત્ય અને સાહિત્યેતર સીમાઓ વચ્ચે ઊભેલું હોય છે. અને તેથી જ એક બાજુ એને નવલકથા સાથે, તો બીજી બાજુ એને પત્રકારત્વ સાથે સાંકળવાના પ્રયત્નો થયા છે. એટલું જ નહીં, પણ આ પ્રકારમાં ડાયરીલેખનને અનુષંગે ઊભા થતા મુદ્દા પણ વિચારવા જેવા છે. નેડ રોરેમે (Ned Rorem) ‘જૂઠાણાં’ શીર્ષક હેઠળ ‘એન્ટીઅસ’ના એક અંકમાં ડાયરી પરત્વે અછડતી નોંધો કરી છે, જે નવેસરથી આ પ્રકારને જોવા પ્રેરે છે. પહેલો પ્રશ્ન ડાયરી સંદર્ભમાં ઉઠાવાયો છે તે એ છે કે નિતાન્ત સત્ય હોઈ ન શકે. સત્ય દરેક વ્યક્તિનું હોય અને તે પણ દરેક તબક્કે બદલાયા કરતું હોય. તેથી જ લેખકની રચના એ જ એનું સત્ય છે ને જો એ કલાકૃતિ હોય તો એ વાચકનું પણ સત્ય છે પરંતુ આ દરેકનું અને પાછું બદલાતું સત્ય એ સત્ય અંગેની જુદી જુદી વાચનાઓ છે કે જૂઠાણાની જુદી જુદી વાચનાઓ છે, આ એક પ્રશ્ન છે. જો ડાયરીનો જ મુદ્દો લઈએ તો લેખક ડાયરીમાં એના કાર્ય અંગેની સમસ્યાઓની નોંધ લેતો હોય છે અને એ નોંધ ભવિષ્યમાં કોઈ વાંચવાનું છે એ રીતે લેતો હોય છે. આથી ઊંડે ઊંડે ડાયરીનો લેખક પોતાને રજૂ નથી કરતો, પણ પોતા અંગેના ખ્યાલને રજૂ કરે છે અને તે પણ પોતા અંગેનો જે ખ્યાલ જાહેર કરવા માગતો હોય એને જ એ રજૂ કરે છે. વળી, ડાયરીમાં વર્તમાનની નોંધ પણ અચૂક હકીકત બન્યા પછી જ લેવાતી હોય છે. એ પણ યાદ રાખવું જોઈએ કે પુસ્તક એ પુસ્તક છે, એ જિવાતું જીવન નથી, અને પુસ્તકને ‘વાસ્તવિક’ને બદલે મૂકવમાં આવે છે ત્યારે એ રીતે મૂકવામાં આવે છે કે એ ‘વાસ્તવિક’ જેવું લાગે. આથી લેખકને ગોઠવણી કરવી પડે છે અને ગોઠવણી કરવી પડે છે એને કારણે એમાં યુક્તિઓ પ્રવેશવા માંડે છે. નેડ રોરેમ જણાવે છે કે જીવન સાથે સીધું પનારું પાડવામાં ડાયરીને પત્રકારત્વ સાથે સંબંધ છે. પણ પત્રકારત્વ માત્ર જ બન્યું છે એને અંગેની પ્રતિક્રિયા દર્શાવે છે. ડાયરીમાં વ્યક્તિઓના ઉલ્લેખો આવે છે, એને અંગે પણ અહીં માર્મિક ટકોર છે. રોરેમ જરા જુદી રીતે રજૂ કરે છે. કહે છે કે બીજાઓ મારે માટે શું લખે છે એ વાંચવું મારા જીવનને થોડીક પંક્તિઓમાં સમેટી લેવા જેવું છે. એટલે ડાયરીમાં કોઈનો પણ ઉલ્લેખ આવે એ એનો સાચો ઉલ્લેખ નથી. કારણ, મારો કે કોઈનો પણ ઉલ્લેખ સર્વાશ્લેષી હોઈ ન શકે અને તેથી જ એ જૂઠાણા સિવાય બીજું કશું હોઈ ન શકે. વળી, આ ઉલ્લેખ પણ ચોક્કસ ક્ષણે શું અનુભવમાં આવે છે એને આધારે જ થતો હોય છે. આમ સત્ય દરેક ક્ષણે પરિવર્તિત થતું રહે છે. આથી ડાયરીને નવલકથા સંદર્ભે મૂકી પ્રશ્ન કર્યો છે કે ડાયરી નિહિત રીતે જ કોઈ પણ નવલકથા કરતાં ઓછી પ્રામાણિક છે? પણ ડાયરીની અવઢવને પકડ્યા પછી રોરેમ મહત્ત્વનું વિધાન કરે છે. કહે છે કે સર્જકની કોઈ પણ બનાવટ કાન દઈને સાંભળવા જેવી હોય છે, કારણ, કલાનું જૂઠાણું હંમેશાં સાચું રણકે છે. આમ, ડાયરી મૂળભૂત રીતે ગમે એટલી જીવનની નજીક હોય, પણ કલ્પિત-જૂઠાણાંના અંશો એમાં ઉમેરાયા વગર રહેવાના નથી. અને કદાચ એટલે જ જો એનો એક છેડો જીવનમાં છે, તો બીજો છેડો કલ્પિતમાં-જૂઠાણામાં છે. ડાયરીની આ અવઢવ આત્મકથાના સીમાડા સુધી ચાલુ રહે એમાં કોઈ નવાઈ નથી. આમેય જીવનલેખન સૌથી વધુ જોખમી સાહિત્યપ્રકાર છે.