લઘુ સિદ્ધાન્તવહી/જોસેફ એપ્સ્ટનની નિબંધવિચારણા
જોસેફ એપ્સ્ટનની નિબંધવિચારણા
છાપાંની કટારોનો કચરો ભરી ભરીને છેલ્લા કેટલાય વખતથી આપણે ત્યાં સંખ્યાબંધ નિબંધસંગ્રહોનાં ગાડેગાડાં હાલ્યાં આવ્યાં છે. જીવનની અને સાહિત્યની કાચી સમજનો કિચૂડાટ આપતાં, ગળિયા બળદ જેવાં ગદ્ય જોડેલાં આ ગાડાંઓ ઓછાં ચાલે છે અને ઝાઝાં બેસી જાય છે. વાગ્મિતાની રંગબેરંગી ઝૂલ સાથે લોકલાગણી લહેરાવતા ભદ્દા ‘હું’પણાનાં ફૂમતાંઓ હાસ્યાસ્પદ બની રહે છે. આ બધામાંથી જુદો તરી આવતો રણકદાર ગતિવાળો માફો તો ક્યારેક જ નજરે પડવાનો. ગુજરાતી નિબંધની આવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકન નિબંધકાર જોસેફ એપ્સ્ટાઈનની કેફિયતને જો કાન દઈ સાંભળીએ તો કદાચ થોડો લાભ થવાનો સંભવ છે. જોસેફ એપ્સ્ટાઈન માને છે કે કેટલાક લેખકો સદ્ભાગી હોય છે. એમને એમનું સ્વરૂપ એટલું વહેલું મળી જાય છે કે એમને જે કહેવાનું હોય છે તે કહી દઈ શકે છે. પોતે એવા સદ્ભાગી લેખકોમાંનો એક છે. અમેરિકામાં ફાઈ-બીટા-કપ્પા નામે ૧૭૭૬માં નૅશનલ ઑનર સોસાયટી સ્થપાયેલી છે. અને એમાં ઊંચી બુદ્ધિમત્તા ધરાવતા પૂર્વસ્નાતકોમાંથી આજીવન સભ્યોની પસંદગી કરવામાં આવે છે. આ સોસાયટીનું ‘ધી અમેરિકન સ્કૉલર’ નામે એક ત્રૈમાસિક બહાર પડે છે. ૧૯૭૪માં આ ત્રૈમાસિકના સંપાદક તરીકે જોસેફ પોતાની કારકિર્દી શરૂ કરે છે. સંપાદક તરીકે પોતાને રસ પડે એ વિષય પર લખવાનું ફરજિયાત રાખતાં કેટલુંક લખાતું જાય છે. પણ પછી તો લખવાનું ગમવા માંડે છે, લખવાના પ્રેમમાં પડે છે, અને એમ કરતાં જોસેફને એનું સ્વરૂપ હાથ લાગી જાય છે. નિબંધના શેક્સપિયર ગણાય એવા મૉન્તેનથી માંડીને હૅઝલિટ, એમરસન, ચાર્લ્સ લેમ્બના પ્રભાવો પોતે બેધડક ઝીલે છે. કોઈના પ્રભાવમાં આવી જવાની વ્યગ્રતા જોસેફને સતાવતી નથી. પણ આ બધા પ્રભાવોમાંથી એ પોતાની શૈલીનું ઘડતર કરે છે. જોસેફનું માનવું છે કે શૈલી એ બીજું કશું નથી, પણ જગતને જોવાની રીતિ છે. નિબંધ લખવા માટે બે વિગત જરૂરી છે : વિષય અને દૃષ્ટિબિન્દુ. વિષયોની તો કોઈ ખોટ નથી, પણ લખતાં લખતાં દૃષ્ટિબિન્દુ સંકુલ થતું આવવું જોઈએ. જોસેફ કહે છે કે નિબંધલેખન આત્મોપલબ્ધિ (selfdiscovery)નું કાર્ય છે. એટલે કે હું જ્યારે કોઈ વિષય પર નિબંધ લખવાનું શરૂ કરું છું ત્યારે હું વિષય પર શું વિચારું છું એ જાણતો નથી હોતો. જરાતરા વિષયની અણસાર હોય છે. લેખન સ્વયં મને વિષયનાં પાસાંઓ તરફ દોરી જાય છે. જેમની હયાતી અંગે કે જેમની મહત્તા અંગે પહેલાં મને કોઈ ખબર નહોતી. જેઝ સંગીતકારની જેમ નિબંધકારે પણ સહજસ્ફૂર્તિનો આભાસ રચવાનો હોય છે. જોસેફ ઉમેરે છે કે આ આત્મોપલબ્ધિ આત્મચિકિત્સા (selftherapy)થી તદ્દન જુદી વસ્તુ છે. વિક્ષિપ્ત ચેતનાવાળાઓ ભલે કથાસાહિત્ય કે કવિતા સાથે પનારું પાડે. પણ નિબંધમાં તો અનુન્માદ (sanity) અને એની આસપાસ રચાતાં સંતુલન અને સપ્રમાણતાનાં પરિમાણો જ પ્રગટવાં જોઈએ. એક વાચકે લખ્યું કે ‘તમારા નિબંધો અંતરંગ (familiar) છે, પણ અંગત (personal) નથી.’ જોસેફે આ વાતને ફરિયાદરૂપે નહીં, પણ દાદરૂપે લીધી. જોસેફ પોતાના નિબંધોમાંથી અંગત ઘાલમેલને દૂર રાખે છે. સહેજવારમાં કંટાળી જતો જોસેફ પોતાના નિબંધોમાં કંટાળાજનક સામગ્રી ન ઘૂસે એની તકેદારી રાખે છે. પોતાના વાચકો પર એ ન જોઈતી અંગતતા થોપતો નથી. ડબ્લ્યૂ.એચ.ઑડેને કોઈ પણ કાવ્ય વાંચતી વેળાએ પૂછવા જેવા બે પ્રશ્ન કલ્પેલા. એક તો, ‘કાવ્ય ભાષાપ્રપંચ છે તો એ ભાષાપ્રપંચ કઈ રીતે કાર્ય કરે છે?’ બીજો, ‘કયા પ્રકારની વ્યક્તિ આ કાવ્યમાં વસે છે?’ જોસેફ આ બંને પ્રશ્નો નિબંધને લાગુ પાડવા માગે છે. એનું માનવું છે કે બીજો પ્રશ્ન વધુ મહત્ત્વનો છે અને એના જવાબ પર જ નિબંધની સફળતા ટકેલી છે. વધુપડતી હતાશા, અલંકૃત વાગ્મિતા અને કર્કશ ફરિયાદો નિબંધોને વણસાડે છે, તો, નરી કેફિયતો કે કબૂલાતો પણ નિબંધોને બગાડે છે. જોસેફની માન્યતા પ્રમાણે નિબંધલેખનમાં મૉન્તેને પહેલવહેલો ‘હું’નો ઉપયોગ શોધ્યો અને સમર્થ રીતે એને પ્રયોજ્યો. પોતા વિશે લખવું અને છતાં જગત આખું તમારી આસપાસ ઘૂમી રહ્યું છે તેમ ન બતાવવું અને વિષય કરતાં ‘હું’ ને ક્યાંય જરા સરખોય મોટો ન ચીતરવો એ નિબંધકારની પાયાની શરતો છે.
●