લઘુ સિદ્ધાન્તવહી/નિવેદન
‘લઘુ સિદ્ધાન્તવહી’ એક રીતે જોઈને, તો પૂર્વે પ્રકાશિત ‘નાનાવિધ’ (રન્નાદે પ્રકાશન, ૧૯૯૯)ના પ્રકારનો લઘુલેખોનો સંચય છે. ‘નાનાવિધ’માં સંચિત કર્યા પછી જુલાઈ ૧૯૯૮થી આજ સુધી ‘ઉદ્દેશ’માં ‘વિસ્તરતી સીમાઓ’ હેઠળ અને ‘શબ્દસૃષ્ટિ’માં ‘અવર જવર’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા સૈદ્ધાન્તિક લેખોને અહીં સમાવ્યા છે. વિવેચન સાહિત્યમાં વૈશ્વિક સ્તરે આવતાં સૂક્ષ્મ ફેરફારો અને સંવેદનોને ઝાલતો અહીં એક આલેખ છે. જુદે જુદે સમયે લખાયેલા આ લઘુલેખોને બાર જૂથમાં વહેંચ્યા છે. આ જૂથ અંતર્ગત લેખોને ક્યાંક ને ક્યાંક કોઈ સમાન તંતુઓથી બંધાતા જોઈ શકાશે. આ લઘુલેખોના સંચયનો આશય સાહિત્યચેતનાને સૈદ્ધાન્તિક ઊહાપોહ સાથે સપ્રાણિત રાખવાનો છે. વિવિધ લેખોની ભિન્ન ભિન્ન દૃષ્ટિ માટેની ભૂમિકા સાહિત્યને બહુપરિમાણમાં જોવા સાથે અનુનેયતાની તાલીમ આપે છે. ‘ઉદ્દેશ’ના અને ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદકોએ મુક્તપણે લાંબા સમય સુધી આપેલા નિયમિત અવકાશને કારણે જ આ શક્ય બન્યું છે. એમનો તો આભાર માનું જ, પણ આ ક્ષણે સૈદ્ધાન્તિક પરિવેશ વચ્ચે કોશકાર્ય નિમિત્ત ભેગા થયેલા મારા સાથીમિત્રો જયંત ગાડીત, રમણ સોની અને રમેશ ૨. દવેને પણ સ્મરું છું. ‘પાર્શ્વ પબ્લિકેશન’ હવે મારાથી અવિયુક્ત છે.
ડી/૬, પૂર્ણેશ્વર ફલેટ્સ
ગુલબાઈ ટેકરા
અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન : ૨૬૩૦૧૭૨૧
- ચન્દ્રકાન્ત ટોપીવાળા