લઘુ સિદ્ધાન્તવહી/પશ્ચિમની પૂર્વ પ્રત્યેની ઉપેક્ષા

૭૦

પશ્ચિમની પૂર્વ પ્રત્યેની ઉપેક્ષા

પૂર્વને આજે પૂર્વની પશ્ચિમાભિમુખતાનો જેટલો રંજ નથી એથી વધુ પૂર્વને પશ્ચિમની પૂર્વ પરત્વેની નિરપેક્ષતા કે ઉપેક્ષતાનો રંજ છે. અનુસંસ્થાનવાદી જાગૃતિમાં હવે સ્પષ્ટ જોઈ શકાયું છે કે સમાજવિજ્ઞાન હોય કે ઇતિહાસલેખન હોય, એક યા બીજી રીતે પશ્ચિમની જિકર અત્યંત સ્વાભાવિકપણે થતી રહે છે. આને અનુસંસ્થાનવાદી અભિગમ હવે પશ્ચિમેતર (non-western)ના, ત્રીજા વિશ્વના ઉપેક્ષિત વર્ગસંકેતો (subaltern symtoms) રૂપે જુએ છે. ઈતિહાસનો દાખલો જ લો. ત્રીજા વિશ્વના ઈતિહાસકારોને વારે ને ઘડીએ યુરોપિયન ઇતિહાસને ટાંક્યા કરવાની જરૂર લાગે છે, જ્યારે યુરોપના ઇતિહાસકારો જવલ્લે વિનિમય કરે છે. પશ્ચિમના ઇતિહાસકારો પ્રમાણમાં પશ્ચિમેતર ઈતિહાસથી જાણે કે અજ્ઞાત રહીને પોતાનું કાર્ય કરે છે અને આ પ્રકારનું અજ્ઞાન એમના કાર્યને હાનિ પહોંચાડતું હોય એવું એમને લાગતું નથી અને બીજી બાજુ, આપણે પશ્ચિમના ઇતિહાસકારોને ટાંક્યા વગર રહી શકતા નથી. કારણ કે આપણે આપણને જૂની શૈલીના કે પછાત ગણાવા દેવા તૈયાર નથી. આવો જ દાખલો સમાજવિજ્ઞાન ક્ષેત્રનો છે. પેઢીઓથી પશ્ચિમના ફિલસૂફો અને ચિંતકો સમાજવિજ્ઞાનનો ઢાંચો વિચારતાં વિચારતાં સમસ્ત માનવજાતને આવરી લેતા સિદ્ધાંતોની દુહાઈ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ પ્રકારના સિદ્ધાંતો કે આ પ્રકારનાં વિધાનો બહુસંખ્ય માનવજાતિના ઘોર અજ્ઞાનમાંથી નીપજેલાં છે, તેમ છતાં વિરોધાભાસ એવો છે કે આ સિદ્ધાંતો આપણા અંગેનું ઘોર અજ્ઞાન લઈને ચાલનારા હોવા છતાં આપણી સમાજરચનાઓને સમજવામાં આપણને અનહદ ઉપયોગી લાગ્યા છે. ત્રીજા વિશ્વના જ્ઞાન-વિશ્વાસમાં હાલતાં અને ચાલતાં રહેતું પશ્ચિમનું આધિપત્ય એ આપણી સૈદ્ધાન્તિક સ્થિતિનો એક ભાગ છે. પણ આ અ-સમરૂપ અજ્ઞાન (asymmetric ignorance) કે સાંસ્કૃતિક દાસ્ય (cultural cringe) અંગે અનુસંસ્થાનવાદી વલણો હવે જાગ્રત થયાં છે. સાહિત્યક્ષેત્રે પણ અભાનપણે પ્રવેશેલાં પશ્ચિમનાં કેટલાંક વલણોને ઉઘાડાં પાડી બતાવવામાં આવ્યાં છે. અનુઆધુનિકતાવાદના એક લેખમાં સલમાન રશ્દીના કોઈ પુસ્તક અંગે લખતાં પશ્ચિમના વિવેચકનું આ પ્રકારનું વાક્ય જૂદું તારવવામાં આવ્યું છે : “ભલે સલીમ સિનાઈ (‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’માંથી) અંગ્રેજીમાં વર્ણવે છે, કૃતિના આંતરસ્તરોએ ઈતિહાસલેખન અને નવલકથાલેખન બે પ્રકારે પ્રવર્તે છે. એક બાજુ આ વર્ણનો ભારતીય દંતકથાઓ, ચલચિત્રો અને સાહિત્યમાંથી આવે છે. તો બીજી બાજુ ‘ધ ટિન ડ્રમ’, ‘ટ્રિસ્ટ્રામ શેન્ડી’, ‘વન હન્ડ્રેડ યર્સ ઑવ સોલિટ્યૂડ’ વગેરે પશ્ચિમના સંદર્ભોમાંથી આવે છે.” અહીં નોંધવું રસપ્રદ બનશે કે પશ્ચિમના નિર્દેશોને નામ પાડીને જુદા કરીને બતાવ્યા છે. પણ ભારતીય સંદર્ભો વિશે કેવળ સામાન્ય ઉલ્લેખ છે. રશ્દીનાં લખાણોમાં રહેલા ભારતીય ઉલ્લેખો (allusions) અંગે જાણવાની તસદી વિવેચકે લીધી નથી. પશ્ચિમની આ પ્રકારની ઉપેક્ષા કે ઉદાસીનતા અંગે વારંવાર હવે ધ્યાન ખેંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્ઞાનવિકાસના લાભમાં આ પ્રકારનો એકમાર્ગી વ્યવહાર પશ્ચિમના હિતમાં નથી. પશ્ચિમનું વિવેચન-સંશોધન સાહિત્યિક અર્થસંદર્ભે કેટકેટલું મથી રહેલું જોવા મળે છે તેમ છતાં એના સૈદ્ધાંતિક તંત્રમાળખામાં સંસ્કૃતની અતિવિકસિત રસમીમાંસા કે ધ્વનિમીમાંસાનો એક મહત્ત્વના ઘટક તરીકે સમાવેશ થવો જોઈએ તે થઈ શક્યો નથી. પાણિનિનું સંસ્કૃત વ્યાકરણ જેમ સોસ્યૂરને સંરચનાવાદી ભાષાવિચારણામાં સહાયક બન્યું તેમ સંસ્કૃતની અલંકારમીમાંસા સાહિત્યિક અર્થનિષ્પત્તિનાં પરિણામોને તપાસવામાં જરૂરી પીઠિકા પૂરી પાડી શકે તેમ છે. પશ્ચિમની એકાંગિતા અને એનો સાંસ્કૃતિક ઘમંડ (cultural arrogance) હવે તપાસનો વિષય બનવા તરફ જઈ રહ્યાં છે. અને એ સાથે જ આપણા પશ્ચિમ પરત્વેના દાસ્ય અંગે આપણે સજાગ થઈ ગયા છીએ. આપણે ત્યાં ગણેશ દેવી જેવાએ આ પરિસ્થિતિનો તારસ્વરે ઉચ્ચાર કરેલો છે. (સંદર્ભ : ‘સબઑલ્ટર્ન સ્ટડિઝ રીડર’, સંપાદક : રણજિત ગુહા, ઓક્સફર્ડ પ્રેસ, ૧૯૯૮)