લઘુ સિદ્ધાન્તવહી/સંસ્કૃતની સાથે પશ્ચિમની અલંકારચર્ચા
સંસ્કૃતની સાથે પશ્ચિમની અલંકારચર્ચા
‘અલંકાર’ના પર્યાય તરીકે ‘ર્હેટરિક’ (Rhetoric)ને ધરવામાં આવે છે, ત્યારે સમજવાની જરૂર છે કે આ બંને સંજ્ઞાઓની સમાન્તરતા ભિન્ન ભિન્ન ઈતિહાસમાંથી પસાર થઈને આવે છે. સંસ્કૃતમાં અલંકારનું મૂળ બીજા કાવ્યકલામાં પડેલું છે. अलं करोति इति अलङ्कारः । (પૂર્ણ કરે તે અલંકાર)થી માંડી सौन्दर्यमलङ्कार: (સૌન્દર્ય અલંકાર છે) સુધીનો એનો વિચારવ્યાપ છે. તો ‘ર્હેટરિક’નું મૂળ ગ્રીક અને રોમન વક્તૃત્વકલામાં પડેલું છે અને વક્તૃત્વના પ્રભાવક્ષેત્રનું તત્ત્વ ખસીને સાહિત્યના પ્રભાવક્ષેત્રમાં પહોંચેલું છે. ઍરિસ્ટૉટલે વક્તૃત્વ સંદર્ભે ‘ર્હેટરિક’નો અલગ ગ્રંથ રચ્યો છે, પણ કાવ્યનાં કારણતત્ત્વોને તપાસતાં એના અંતિમકારણ (end cause) રૂપે કાવ્યના પ્રજા પર પડતા પ્રભાવને આગળ ધર્યો છે. રોમન સિદ્ધાન્તકાર ક્વિન્ટિલિયને (Quintilian) પણ ‘વક્તૃત્વની શિક્ષા’ નામક ગ્રંથમાં વક્તૃત્વને લક્ષમાં રાખી અલંકારચર્ચા કરી છે. અલબત્ત, એ માટે એણે ઉદાહરણો હોમર, હોરેસ, વર્જિલ જેવા કવિઓમાંથી લીધાં છે. આની અસર ઠેઠ યુરોપના મધ્યકાળ અને પુનરુત્થાનકાળ સુધી જોઈએ છીએ. આજે પણ રોમન યાકોબ્સન, ક્લિન્થ બ્રૂક્સ, દેરિદા, પૉલ-દ-માન વગેરેની આલંકારિક ભાષા (Rhetorical language) અંગેની ચર્ચાઓ ક્લિન્ટિલિયનની અલંકારચર્ચા વગર સમજી શકાય તેમ નથી. આનો અર્થ એ થયો કે આજે જ્યારે સંસ્કૃત અલંકારની ચર્ચા કરીએ ત્યારે સંસ્કૃતની સાથે પશ્ચિમની અલંકારચર્ચાને લક્ષ્યમાં લીધા વગર ચાલશે નહીં. સંસ્કૃત વિવેચને બહુ સ્પષ્ટપણે વ્યવહારભાષાથી કાવ્યભાષાને વ્યાવર્તક લક્ષણોથી છૂટી પાડી છે અને કોઈ ચારુતર રૂપાન્તર (artistic alteration)ની અપેક્ષા રાખી છે, એમાં એણે અલંકરણ (figuration)ને આગળ ધર્યું છે. અલંકારની વ્યાખ્યાઓ આપી અલંકારને વિપુલ સંખ્યામાં એના ભેદવિભેદોમાં વિશ્લેષિત કર્યા છે. પરંતુ અલંકારો, ભાષા સાથે, વ્યાકરણ સાથે, પ્રાથમિક અને સ્થિર અર્થ સાથે તણાવ કે કટોકટી સર્જે છે એ પાસું પણ એનું મહત્ત્વનું છે. સંકેતવિજ્ઞાન અને અલંકારની ચર્ચા કરતાં પોલ-દ-માન જેવાએ વ્યાકરણના અલંકારકરણ-(Rhetorization of grammer)ને પ્રસ્તુત કર્યું છે. અને દેરિદાના વિરચનવિમર્શનો ઉપયોગ કરી બતાવ્યું છે કે અલંકરણ (figural language) નિશ્ચિત અર્થની જડને કાપે છે અને મૂળભૂત અસ્થિરતા ઊભી કરી છે. કહે છે કે અલંકરણ દ્વારા જન્મેલી અનિશ્ચિતતા અને અનિર્ણીતતા બધાં જ ભાષાકર્મમાં હોઈ શકે છે પણ સાહિત્યમાં એ અગ્રેસર બને છે. સંસ્કૃત અલંકારવિચારમાં કે ક્વિન્ટિલિયનના અલંકારવિચારમાં અલંકરણને પ્રાથમિક ભાષાનિર્દેશો કે સ્થિર અર્થનિર્દેશો પરનું જોખમ ગણ્યું નથી, જ્યારે અનુસંરચનાવાદી અને ખાસ તો વિરચનવાદી સાહિત્યવિવેચને સંકેતકરણમાં ઊભી થતી સમસ્યાઓ સંદર્ભે ભાષાની ચલિતતા પર ધ્યાન દોર્યું છે. પોલ-દ-માને પ્રૂસ્તનો પરિચ્છેદ લઈને કે ડબલ્યુ બી યેટ્સ જેવા કવિની પંક્તિ લઈને એનું નિદર્શન આપ્યું છે. યેટ્સના ‘એમન્ગ સ્કૂલચિલ્ડ્રન’ કાવ્યની છેલ્લી પંક્તિ ‘નૃત્યકારને નૃત્યથી આપણે કઈ રીતે જાણીએ?’ (How can we know the dancer from the dance?)નો આલંકારિક પ્રશ્ન (Rhetoric question) વ્યાકરણની કટોકટી ઊભી કરે છે. નૃત્યકારને નૃત્યથી કેવી રીતે જાણી શકાય - એનો એક અર્થ નૃત્યકાર (વ્યક્તિ) અને નૃત્યને લેતા એનો વિરોધ કે એની ભિન્નતા સૂચવે છે, અને એમ આ આલંકારિક પ્રશ્ન ભાષાની, વ્યાકરણની અને અર્થની કટોકટીમાં લઈ જાય છે. સંસ્કૃત અલંકારવિચારમાં ઉપમેય, ઉપમાન અને ધર્મ વચ્ચેના સંબંધોને સ્થિર કે સ્થગિત ન ગણતાં જો આ રીતે ગત્યાત્મક (Dynamic) ગણવામાં આવે તો એને નવો સંસ્પર્શ મળે છે. અલંકારવિચારમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત કે પછી ઉપસ્થિત અને અનુપસ્થિત વચ્ચેનું નવું ક્રીડાક્ષેત્ર ઊઘડે છે. સિતાંશુ યશશ્ચન્દ્રે મુંબઈ વિદ્યાપીઠમાં આપેલાં શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાનોને સંકલિત કરતા પુસ્તક ‘अस्याः सर्गविधौ’માં ‘વિક્રમોર્વશીય’ના શ્લોકની અને એના અલંકારોની ચર્ચા આ સંદર્ભે ખાસ ધ્યાન ખેંચે તેવી છે.
●