લઘુ સિદ્ધાન્તવહી/પુરુષસત્તાક સર્વોપરિતાનો પ્રતિકાર
પુરુષસત્તાક સર્વોપરિતાનો પ્રતિકાર
જડબેસલાક પિતૃસત્તાક અને પુરુષસત્તાક રજપૂતસંકેતો વચ્ચે મધ્યકાળની મીરાંએ વૈધવ્યના પ્રતિસમતુલન માટે ‘અખંડવર’નું શરણ લીધેલું - એમાં એની નારીઓળખ કઈ રીતે પ્રગટ થાય છે એ હજી નારીઅભિગમથી ઊંડી તપાસ માટેનું મહત્ત્વનું ક્ષેત્ર છે. અલબત્ત, મીરાંને મુખ્ય પ્રવાહમાં સ્થાન અપાયું છે એ એક વિશિષ્ટ ઘટનાની નોંધ લેવાવી જોઈએ. સ્ત્રી લેખકોનો બહુ પાતળો પ્રવાહ ગુજરાતી સાહિત્યમાં વહેતો આવ્યો છે. વીસમી સદીના છેલ્લા એકાદબે દાયકામાં સ્ત્રીલેખને ખાસ ધ્યાન ખેંચ્યું છે. હિમાંશી શેલતનું પરિચારક રૂપ, સરૂપ ધ્રુવનું વિદ્રોહી રૂપ, પન્ના નાયકનું વસાહતી રૂપ, સંસ્કૃતિરાણી દેસાઈનું તરંગી રૂપ કે મનીષા જોશીનું મનોલૈંગિક રૂપ વિવિધ આવિષ્કારોના નમૂના છે. આ બધું સાહિત્ય હાંસિયામાં નથી રહ્યું, પણ કેન્દ્રમાં આવી વસતું જોવાય છે. વીસમી સદીએ પૂર્વાર્ધની ભૂલો પછી ઉત્તરાર્ધમાં ક્રમશ: રાષ્ટ્રના સાર્વભૌમત્વની સાથે લોકશાહીનાં મૂલ્યો તેમ જ માનવઅધિકારોની સ્થાપના કરી છે એની માનવજાતના ભવિષ્યના ઇતિહાસમાં વિશેષ ભૂમિકા રહેશે, એમાં કોઈ શંકા નથી. માનવજાતને ઘણું બધું હાંસિયામાં હાંકી મૂકવાની ટેવ હતી, વીસમી સદીના અંતિમ છેડાએ આ હાંસિયાને જ લગભગ હાંકી મૂક્યો છે, અને તેથી જ સંસ્થાનવાદના અંત પછી જે તે પ્રજાનાં ઉત્થાનો, વંશીય ઉત્કર્ષો, દલિત ઉન્મેષો અને દલિતના મુક્ત અવાજો બહાર આવ્યાં છે. એ જ પ્રક્રિયામાં જગતની અડધા ઉપરાંતની નારીવસ્તીને ‘ઊતરતી કક્ષાના મનુષ્ય’ રૂપે જોવાની જે સંસ્કૃતિની રૂઢિ હતી એના પર કુઠારાઘાત થયો છે. પુરુષસત્તાક સંકેતોની સર્વોપરિતાને પડકારવામાં આવી છે. પિતૃસત્તાક આધારોને ખુલ્લા પાડવામાં આવ્યા છે. હેલન સિઉ જેવી ફ્રેન્ચ નારીચિંતકે જો એકબાજુ સ્ત્રીપુરુષના વિરોધ અને ઉચ્ચાવચતા પર આધારિત વિચાર પરત્વે આક્રોશ ઠાલવ્યો છે, તો બીજી બાજુ લુસ ઇરિગેરે જેવી ફ્રેન્ચ નારીચિંતકે નારીઓળખની વ્યાખ્યા માગી છે. આ સંદર્ભમાં નારીવાદની એક એવી સમજ છે કે નારીસમાજ મુખ્ય પ્રવાહમાં ભળવા માટે અશક્ત નથી. નારીની એક જુદી વિશ્વદૃષ્ટિ છે અને તે મુખ્ય પ્રવાહમાં આવરી લેવાવી જોઈએ. સ્ત્રી અને પુરુષ એકબીજાથી ઘણાં જુદાં છે, પણ એનો અર્થ એ થતો નથી કે એકથી બીજું ચઢિયાતું છે. બંને વચ્ચે ભેદ તો રહેવાના જ, પણ તેથી સ્ત્રીએ પુરુષ થવાની જરૂર નથી. સ્ત્રી હોવું એ કોઈ પણ રીતે ઊતરતી કક્ષાની વાત નથી. નારીવાદના મર્મને સમજનારા કે નવા નારીરૂપને સમજનારા જાણે છે કે આધુનિક નારી એ મતાધિકાર માટે, શિક્ષણ માટે કે આર્થિક મુક્તિ માટે સંઘર્ષ કરી રહી છે તે કેવળ પુરુષની બરાબર થવા માટે નહિ. એવો વિચાર તો પુરુષબુદ્ધિનું કર્તૃત્વ છે. આજની નારી જે સંઘર્ષ ખેલી રહી છે તે તો સ્ત્રી તરીકેના એના સ્વાતંત્ર્ય માટેનો સંઘર્ષ છે. નારીવાદની વિચારણામાં નારીનું પોતાના જીવન પરનું આધિપત્ય કેન્દ્રમાં છે. સદીઓથી થતા આવેલાં એના પરત્વેનાં દુર્વ્યવહાર અને ક્રૂરતા અંગેની ધારણાઓને એ તોડવા માગે છે. નારી પોતાને એક સંપૂર્ણ નારી સ્વરૂપે જોવા માગે છે, પુરુષની ઉપાંગ કે એની માત્ર પરિશિષ્ટ બની રહેવા માગતી નથી. પુરુષ જેમ સમાજનું એક અંગ છે, નારી પણ એવું જ સમાજનું અંગ છે. ટૂંકમાં, નારીનું સમાજમાં જે સ્થાન છે એને અંગેના અસંખ્ય પ્રશ્નોને નારીવાદ વાચા આપી રહ્યો છે અને પુરુષસત્તાક તેમજ પિતૃસત્તાક સંકેતોના ઘેરામાંથી મુક્ત નારીની એક આકૃતિને ઘડી રહેલો છે. પુરુષદ્વેષથી માંડીને પુરુષપ્રેમ પર્યંતનાં એનાં અનેકવિધ રૂપોની સંકુલતા એમાં પ્રવેશેલી છે. નારીલેખન અને નારીવિવેચને પિતૃસત્તાક સંકેતોની કિલ્લેબંધી તોડીને નવી નારીનાં સંવેદનોનું નવું જગત કઈ રીતે રચવા માંડ્યું છે તે અનુઆધુનિક સાહિત્યનો રસનો વિષય છે.
●