લઘુ સિદ્ધાન્તવહી/સજાતીય સામાજિકતા અને સાહિત્ય

૪૯

સજાતીય સામાજિકતા અને સાહિત્ય

વીસમી સદીના સાતમા દાયકામાં સજાતીય પુરુષો અંગેનો સિદ્ધાન્ત પ્રારંભિક દિશા ખોલે છે, ત્યારપછી ૧૯૬૯માં જાણીતું સ્ટોન વૉલ રમખાણ ઊભું થાય છે, જેમાં ન્યૂયોર્ક શહેરનાં સજાતીય સ્ત્રીઓ ને પુરુષો માટેના બાર ઉપર પોલીસનો છાપો પડતાં સજાતીય સ્ત્રીઓ અને પુરુષો પોલીસની સામે થાય છે અને એમ સજાતીય ઝુંબેશ જોર પકડે છે. આજે તો ન્યૂયૉર્ક સજાતીય સ્ત્રીપુરુષોને સમાન હક્ક અને નાગરિક હક્કનું રક્ષણ આપ્યું છે, તો અમેરિકાનું કનેક્ટિક્ટ જેવું રાજ્ય તો સજાતીય લગ્ન વિશેનું વિધેયક પસાર કરવામાં છે. અનુઆધુનિકતાવાદી સાહિત્યવિચારણામાં આ બધી ઘટનાઓની સમાન્તર નારીવાદી અભિગમને ચીલે જાતિઓળખ (gender identity)ના રાજકારણની આસપાસ એક પ્રકારની તત્ત્વસમજ અને સિદ્ધાન્તસમજ પણ કેળવાઈ રહી છે. આ જ કારણે દશમા દાયકા દરમ્યાન અનેક લેખો, પરિસંવાદો અને સામયિકોના વિશેષાંકોમાં વિલક્ષણ સિદ્ધાન્ત (queer theory)ની ચર્ચા હેઠળ સજાતીય સ્ત્રીઓ અને પુરુષોની સંસ્કૃતિને આવરી લેવાની મથામણ નજરે ચઢે છે. વિલક્ષણ સિદ્ધાન્ત સજાતીયતા અંગેના પૂર્વગ્રહ પર પ્રહાર કરી ઉલ્લંઘનકારી ઇચ્છાઓનું ને સ્ત્રીપુરુષના વર્ગીકરણ પારના વર્ગનું મહત્ત્વ સમજાવે છે. આમ કરવામાં વિલક્ષણ સિદ્ધાન્ત જાતિનિયમનના સમસ્ત વ્યવસ્થાતંત્રને વિસ્થાપિત કરવા અનેકાનેક અનુઆધુનિકતાવાદી સિદ્ધાન્તોને ખપમાં લે છે, અને સ્ત્રીપુરુષની માત્ર દ્વિવિધ વર્ગીકરણવ્યવસ્થાને ખોટી ઠેરવે છે. વિલક્ષણ સિદ્ધાન્તને સ્થાપિત કરવામાં જૂડિથ બટલર (Judith Butler), ઇવ કોસોફસ્કી સેજવિક (Eve Kosofsky Sedgwick) અને ડી.એ. મિલર વગેરેનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે. રોજિંદી સાધારણ ક્રિયાઓ દ્વારા સમાજસાપેક્ષ જાતિઓળખ કઈ રીતે ઊભી થાય છે એ દર્શાવવા જૂડિથ બટલરે સિમોં દ બુવાથી જુલ્યા ક્રિસ્તેવા સુધીના અને ઝાક લકાંથી લૂઈ આલ્યુઝેર, ઝાક દેરિદા તેમજ મિશેલ ફૂકો સુધીના ફ્રેન્ચ વિચારની સહાય લીધી છે. પુરુષત્વ અને સ્ત્રીત્વ પૂરતી મર્યાદિત રહેનારી જાતિ અંગેની અભિયારણાને ખુલ્લી કરવાનો બટલરનો ઇરાદો છે. દેરિદાએ જે.એલ. ઑસ્ટિનના વાક્કર્મસિદ્ધાન્તને વિકસિત કરી અભિયોગ (citation) અને પુનર્યોગ (repetition) દ્વાર સમજાવેલું કે દરેક વાક્કર્મ સાથે વિનિયોગનું પરિણામ (Performative dimension) સંકળાયેલું છે. દરેક નવું વાક્કર્મ એ જૂના શબ્દો અને જૂના વિન્યાસો દ્વારા નવી પરિસ્થિતિને માટે થતું પુનરાવર્તન છે. આ વાત લિંગ (sex) અને જાતિ (gender)ને લાગુ પાડીને બટલર બતાવે છે કે વિવિધ સાંસ્કૃતિક સંદર્ભો ‘છોકરો’ અને ‘છોકરી’ કે ‘સ્ત્રી’ અને ‘પુરુષ’ અંગેની સમજ આવી પુનરાવૃત્તિ દ્વારા તૈયાર કરે છે. છોકરાને ‘બાયલાની જેમ શું રડે છે?’ કહેવામાં અને છોકરીને ‘ટૉમબૉયની જેમ શું વર્તે છે?’ કહેવામાં સમાજે પૂર્વનિર્ધારિત ઊભો કરેલો વર્ગ ડોકાય છે. અને એ રીતે છોકરો કે છોકરી એની પોતાની ઓળખને કેળવે છે. બટલર કહે છે કે આ તો સમાજે રચેલો ગાળિયો છે. આ રીતે સમાજ બધી વ્યક્તિઓને સ્ત્રીપુરુષના વર્ગની એક લાકડીએ હાંકી ન શકે. ફરજિયાત વિજાતીય લૈંગિકતા (Heterosexuality) વિજાતીય લૈંગિકતા સિવાયની ઇચ્છાઓને નાબૂદ નહીં કરી શકે. જેને આપણે ‘કુદરતી કૃત્ય’ કહીએ છીએ અને જેને આપણે ‘કુદરત વિરુદ્ધનું કૃત્ય’ કહીએ છીએ એમાં સમાજે હઠપૂર્વક કે બલપૂર્વક વિજાતીય લૈંગિકતા સિવાયની ઇચ્છાઓને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. આવી સામાજિક અસ્વીકૃતિ સજાતીય ભીતિ અને તિરસ્કૃત પ્રતિક્રિયાઓ દ્વારા વ્યક્ત થયા કરે છે. બટલર સ્ત્રીપુરુષના કૃતક દ્વિવિધ વર્ગીકરણને ખુલ્લું કરી એમાં સ્ત્રીસજાતીયતા, પુરુષસજાતીયતા, લિંગ-પરિવર્તનવૃત્તિ, વેશપરિવર્તનવૃત્તિ, દ્વિવિધ લિંગગામિતા વગેરેનો સમાવેશ ઇચ્છે છે. ઈવ કોસોફસ્કી સેજવિક સજાતીય સામાજિકતા (homosociality) જેવી સંજ્ઞા હેઠળ સ્ત્રીપુરુષોના સજાતીય વ્યવહારોને આવરવા માગે છે, ઉપરાંત એ ‘સજાતીય સામાજિકતા’ જેવી સંજ્ઞાને ‘સજાતીય લૈંગિકતા’ (homosexuality)થી જુદી પાડવા ઇચ્છે છે. ઈવનું માનવું છે કે સ્ત્રી અને પુરુષની સજાતીયતાનાં સ્વરૂપ વચ્ચે ભેદ છે. સજાતીય પુરુષ વ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતાની ઇચ્છા સજાતીય ભીતિ (homophobia) દ્વારા વારંવાર વિચ્છેદ પામે છે, જ્યારે સજાતીય સ્ત્રીવ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતા વચ્ચે ઓછી દ્વિધા છે, ઓછું દ્વન્દ્વ છે. ટૂંકમાં સાહિત્ય માત્ર મનુષ્યોની કથા નહીં, પણ મનુષ્યોની અન્ય મનુષ્યો સાથેના સંબંધોની કથા છે. અને જો એમ હોય તો સ્ત્રીપુરુષના દ્વિવિધ વર્ગીકરણમાત્રથી મનુષ્યોના સંબંધોનું પૂરું સત્ય પામી શકાય તેમ નથી. સ્ત્રી-પુરુષનાં વહેંચાયેલાં ‘કુદરતી’ ખાનાંઓની બહાર પણ ઘણું ‘કુદરતી’ હોઈ શકે, એનો સ્વીકાર કરીને ચાલવાની ઘડી આવી પહોંચી છે. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં આવતા કંચુકીના પાત્રનું માનસવિશ્લેષણ હજી આપણને મળ્યું નથી. મધ્યકાળમાં ‘ઓખાહરણ’માં ઓખા અને ચિત્રલેખા વચ્ચેનો સહિયારો સંબંધ કે પ્રેમસખી પ્રેમાનંદનો સહજાનંદ પ્રતિનો અસાધારણ પુરુષાનુરાગ હજી સુધી વ્યાખ્યાયિત થયો નથી. ઝવેરચંદ મેઘાણીની ‘ચમનની વહુ’ રાવજી પટેલની ‘છબીલદાસકાકાનો બીજો પગ’, ભૂપેન ખખ્ખરની ‘વાડકી’ કે રવીન્દ્ર પારેખની ‘જન્મ’ જેવી વાર્તાઓ નવેસરથી ઉકેલ માગે છે. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ને પણ નવા પરિમાણ પર મૂકવાની જરૂર લાગે છે. લૈંગિકતા અંગેના સ્વીકૃત વર્ગીકરણની બહારના વર્ગો તરફની સૈદ્ધાન્તિક ભૂમિકા સાહિત્યના અભ્યાસની નવી દિશાનો સંકેત કરે છે.