લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યની તટસ્થભૂમિકા અને જીવંતપ્રત્યક્ષતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬૦

સાહિત્યની તટસ્થભૂમિકા અને જીવંતપ્રત્યક્ષતા

સાહિત્ય અંગેની તત્ત્વવિચારણામાં ફ્રેન્ચ કવિવિવેચક મૉરિસ બ્લાન્શો (Maurice Blanchot)નું મહત્ત્વનું સ્થાન છે. સાહિત્યના તત્ત્વવિચારકો હંમેશાં ભાષા-સમસ્યાથી ઝૂઝ્યા છે. એમની શક્તિ રોજિંદી વપરાશમાં રહેલી ભાષાથી સાહિત્યની ભાષાને અલગ ઓળખ આપવામાં ઝાઝી ખર્ચાયેલી છે. રોજિંદી ભાષા સાથે અને જગત સાથે સાહિત્યને સંબંધ હોવાથી સાહિત્યકૃતિઓએ ભૂતકાળમાં અન્ય મૂલ્યોને સેવીને કલાના મૂલ્યને સેવ્યું છે અને તેથી સાહિત્યભાષાના મૂલ્યને અલગ કરી સાહિત્યની કલા તરીકેની સ્થાપના કરવામાં બ્લાન્શો જેવાનો ખાસ્સો ઉદ્યમ રહ્યો છે. સાહિત્યની સ્વાયત્તતાનો સંદર્ભ આજે અનુઆધુનિક પરિબળો વચ્ચે મોળો પડ્યો છે તેમ છતાં બ્લાન્શોની સાહિત્યભાષા અંગેની વિચારણા ધ્યાન ખેંચે તેવી રહી છે. બ્લાન્શોએ સાહિત્યના ભાષાક્ષેત્રને અ-વિચાર (non-thought)ના ક્ષેત્ર તરીકે આગળ ધર્યું છે. એનું કહેવું છે કે સામાન્ય રીતે રોજિંદી ભાષાનું વિચારક્ષેત્ર એકતાને, એકરૂપતાને લક્ષ્ય કરે છે. પોતાના અસ્તિત્વ માટે જ્ઞાન, નિયંત્રણ અને હેતુને રચે છે. સુગમતા અને સંગતતાને અંકે રાખે છે. કદાચ રોજિંદી ભાષા સ્પષ્ટ ન યે હોય તેમ છતાં ગેરસમજ અને અનેકાર્થ જેવા સંદર્ભો સામે બરાબરની સીમા-મર્યાદાઓ બાંધીને ચાલે છે. આવું રોજિંદી ભાષાનું વિચારક્ષેત્ર જાણે દિવસના પ્રકાશ જેવું પ્રમાણમાં સુસ્પષ્ટ હોય છે. આ વિચારભૂમિકામાં રોજિંદી ભાષા પોતે અદૃશ્ય રહે છે, જેથી જગત પ્રગટી શકે. બીજી રીતે કહીએ તો રોજિંદા વ્યવહારમાં જે કહેવાય છે એની પાછળ ભાષા અદૃશ્ય થાય છે. આની સામે સાહિત્યભાષાને અ-વિચાર (non-thought) સાથે જોડી રોજિંદી સામાન્ય ભૂમિકાથી એને અળગી કરવામાં આવે છે. સાહિત્યભાષા કશું કહેવા માટે કે જગતમાં જીવવા માટે વપરાયેલી નથી. એટલે કે ‘કલ્પિત’ (fiction) છે. બ્લાન્શો ભાર મૂકીને જણાવે છે કે સાહિત્ય એ જગતમાંથી ભાષાનું નિવર્તન કે પ્રત્યાગમન છે. જગતમાંથી ભાષાને ખેંચી લેવાથી સાહિત્ય આપણને અ-વિચાર તરફ, અંધાર તરફ, સંદિગ્ધતા તરફ ખેંચે છે અને તેથી સાહિત્ય એવી ભાષા બને છે જે સંદિગ્ધતામાં ફેરવાઈ જાય છે. રોજિંદી ભાષાની દિવસબાજુ અને સાહિત્યભાષાની રાત્રિબાજુનો સંદર્ભ આપી બ્લાન્શો જે રીતે કાવ્યતંત્ર કે સાહિત્યતંત્રને સમજાવે છે એમાં ક્યાંક ‘શ્રીમદ્ગભગવદ્દ્ગીતા’ના ‘या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।’ શ્લોકમાં આત્મતંત્રને સમજાવતી પરિભાષાની દૂરની સમાન્તરતાનો પડઘો સંભળાવાનો સંભવ છે. સાહિત્યકારને પણ ભાષાના દિવસનો નહીં, પણ એની રાતનો સંદર્ભ મહત્ત્વનો છે. આ અ-વિચારનો પ્રદેશ જ સાહિત્યકારને પ્રતિનિધાનના કાર્યમાંથી ભાષાને મુક્ત કરી જગતની બહારનું કોઈ બિન્દુ ભાષાને ધરવામાં સહાય કરે છે, એટલું જ નહીં, પણ એને કારણે ભાષાની ભૌતિકતા કેન્દ્રમાં આવે છે. લય, ભાર, વજન, જથ્થો, આકાર-સ્વરૂપ-વગેરે મહત્ત્વનાં બને છે. આ રીતે નિર્દેશાત્મક કે અભિધાત્મક કાર્યથી ભાષાને દૂર કરતાં આપણી અર્થઘટનની શક્તિ કે ભાષા પરની આપણી સત્તા જાણે કે દૂર થતી હોય એવું લાગે છે. સાહિત્યભાષા આપણને નિર્બળ બનાવે છે. સાહિત્ય સંદર્ભે આપણે શક્તિહીન પુરવાર થઈએ છીએ. સાહિત્ય સાથે આપણે કશું કરી શકતા નથી. સાહિત્ય અર્થઘટનનો અસ્વીકાર કરે છે. પ્રતિકાર કરે છે. અને એમાં જ સાહિત્યનું સામર્થ્ય છે. બ્લાન્શોની વિચારણામાં, સાહિત્યભાષામાં જગત બહારનું જગતને જોવા માટે મળેલું એક બિન્દુ અને ભાષાની ભૌતિકતા અંગેનું ઊભું થતું પ્રાધાન્ય મુખ્ય ભાગ ભજવે છે. કોઈ પણ સર્જનાત્મક સાહિત્યની તટસ્થભૂમિકા અને એની નક્કર અને જીવંત પ્રત્યક્ષતાને સમજવા માટે આ વિચારણા સહાયક નીવડે એમ છે. (સંદર્ભ : ‘Philosophy, Literature and the Human Good", by Micheal Weston (Rontledge, 2001.)