લઘુ સિદ્ધાન્તવહી/બુર્દયુનો અભ્યસ્તતાનો સિદ્ધાન્ત
બુર્દયુનો અભ્યસ્તતાનો સિદ્ધાન્ત
આજના અનુઆધુનિકતાવાદી યુગમાં ઉચ્ચકલા અને નિમ્નકલા જેવા ભેદોના સીમાડાઓ ભૂંસાઈ રહ્યા છે ત્યારે અને સંસ્કૃતિ અંગેની નિશ્ચિતતા ભાંગી પડવા લાગી છે ત્યારે સંસ્કૃતિના મૂલ્ય અંગેના પારંપરિક ખ્યાલની પુનર્વિચારણા જરૂરી બની છે. આ સંદર્ભે ફ્રેન્ચ સમાજવિજ્ઞાની પીએર બુર્દયુ (Pierre Bourdieu)નાં લખાણો અને ખાસ કરીને એનો ‘અભ્યસ્તતા’ (Habitus) અંગેનો કેન્દ્રવર્તી સિદ્ધાન્ત જોવા જેવો છે. બુર્દયુનો આ સિદ્ધાંત મનુષ્યવ્યવહારોને બાંધતો કે મનુષ્યવ્યવહારોને જન્માવતો સિદ્ધાંત છે. બુર્દયુને મતે સંસ્કૃતિ એ કોઈ સમગ્રપણે બંધ સમાજ નથી, પણ એક પરસ્પર-ક્રિયાન્વિત તંતુજાળ છે. સંસ્કૃતિના વાહકો નિયમોને અનુસરે છે, તેઓ સંપૂર્ણપણે વ્યવસ્થાથી સંચાલિત છે, એટલે કે મર્યાદિત નિયમોના કોષ્ટકમાં સંસ્કૃતિની વ્યાખ્યા બાંધી શકાય છે. એનું અર્થઘટન થઈ શકે છે - વગેરે વગેરે માન્યતાઓ સ્વીકારવા બુર્દયુ તૈયાર નથી. અલબત્ત, સાથે સાથે બુર્દયુ મનુષ્યવ્યવહારો સદંતર મુક્ત કે યાદૃચ્છિક છે એમ પણ સ્વીકારતો નથી. નિયમો અને વ્યવસ્થા છે, પણ પોતાના હેતુ પ્રમાણે એમનો ઉપયોગ કરતાં કરતાં મનુષ્યવ્યવહારો એ નિયમો અને વ્યવસ્થાનું પુનર્નિર્માણ કરતા હોય છે. આને બુર્દયુ ‘અભ્યસ્તતા’ તરીકે ઓળખાવે છે. અભ્યસ્તતા એક ઝોક છે, એક અભિમુખતા છે, એક પદ્ધતિ છે, જેના દ્વારા જે તે સંસ્કૃતિના વાહકો એમાં સક્રિય ભાગ લઈ શકે છે. અભ્યસ્તતા એ કોઈ બહારથી લાદેલી સીમાઓ નથી પણ વ્યવહારો દરમ્યાન એમના દ્વારા વપરાતી વિવિધ વ્યૂહરચનાઓ અને પદ્ધતિઓ છે. પરિણામે, અભ્યસ્તતા જે તે સંસ્કૃતિના વાહકોને સક્ષમ કરે છે અને નિયંત્રિત પણ રાખે છે. વળી એમના વ્યવહારને એક ગતિ તેમજ અર્થ સમર્પે છે. એક રીતે જોઈએ તો આ અભ્યસ્તતા ભૂતકાલીન વ્યવહારોમાંથી તારવેલો ગૃહીત તર્કાધાર હોય છે, પરંતુ આ માટે મનુષ્ય વ્યૂહરચનાઓ અજમાવતો હોય છે, એની પાછળ એનો પોતાનો હેતુ કામ કરે છે. સંસ્કૃતિવાહકોની આ અભ્યસ્તતા એમને સાતત્ય અને પુનર્નિર્માણ માટે બળ આપે છે. આ રીતે બુર્દયુનો અભ્યસ્તતાનો વિચાર નિયમિત વ્યવસ્થાતંત્ર વચ્ચે મર્યાદિત હેતુ અંગે કે અનિયમિતતાની ક્રીડા માટે એક અવકાશ આપે છે. આમ અભ્યસ્તતાનો વિચાર નિયમિતતા વચ્ચે અનિયમિતતાના સ્વીકાર અંગેનો છે. અભ્યસ્તતાનો આ સિદ્ધાંત અસરકારક કાર્ય તરીકે પ્રણાલીઓની ગતિશીલતા પર ભાર મૂકે છે. સંસ્કૃતિ અંગેના આવા ખ્યાલને કારણે જ બુર્દયુ સાહિત્યરચનાને અલાયદી કે એકલદોકલ જોવાના મતનો નથી, અને તેથી સમાજવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યનો સાહિત્યરચનાને લાભ આપવા પ્રયત્ન કરે છે. બુર્દયુ બતાવે છે કે ચોક્કસ સાહિત્યરચનાઓ કઈ રીતે સૌન્દર્યમૂલક સીમાઓ રચે છે અને આ સૌન્દર્યમૂલક સીમાઓ કઈ રીતે સમાજનાં અન્ય સત્તાસ્વરૂપો સાથે સંબંધિત છે. બુર્દયુનો આ અભ્યસ્તતાનો સિદ્ધાંત સાહિત્યપ્રકારો (Genres)ના વ્યવસ્થાતંત્રને સમજાવવામાં ખાસ્સો ઉપયોગી નીવડે તેવો છે. કોઈ પણ સાહિત્યપ્રકારમાં કામ કરતા લેખકો નિયમિતતામાં સહભાગી થઈ પ્રકારોનો ઉપયોગ કરે છે પણ પ્રકારોને નવો ઘાટ પણ આપે છે. આમ, લેખકો પ્રકારોને અનુસરે છે. પ્રકારો એમની ચોક્કસ અભિવ્યક્તિને માર્ગ આપે છે, પ્રકારોનું પ્રતીકાત્મક સામર્થ્ય એમને બળ અને મૂલ્ય પૂરાં પાડે છે. તો, લેખકો પણ આ પ્રકારોનું નવું નિર્માણ કરતા હોય છે. સાહિત્યપ્રકારોમાં રહેતું સાતત્ય અને એમનું થતું રહેતું પુનર્નિર્માણ-અભ્યસ્તતાને નિર્દેશે છે.
●