લઘુ સિદ્ધાન્તવહી/બાબ્તિનનું સામાજિક-કાવ્યશાસ્ત્ર

૧૫

બાબ્તિનનું સામાજિક-કાવ્યશાસ્ત્ર

શુદ્ધ કવિતાના પ્રતિમાનને વિસ્તારી કથાસાહિત્ય સુધી ખેંચી લાવવામાં સુરેશ જોષી અને એના પછીના આધુનિકતાવાદી કથાસાહિત્યકારોએ ભાષાને ક્રિયાશીલ અને આંતરક્રિયાશીલ વ્યાપાર પર જરૂર મૂકી, પણ એ દ્વારા કવિતાના શુદ્ધ સ્વરૂપની નજીક જતાં કથાસાહિત્યે પોતાની ઓળખ ગુમાવી, એ એક હકીકત છે. પાત્રો ધૂંધળાં બન્યાં. એકસ્તરી શિષ્ટભાષામાં ઘટનાને પ્રતીક-કલ્પન-કપોલકલ્પનાથી તેમજ અન્ય સરચનાપ્રપંચોથી તિરોહિત કરવામાં આવી. ઘટનાએ એનું વજન ગુમાવ્યું અને ક્યારેક વાયવી પણ બની. ક્યારેક કથાસાહિત્ય નિબંધના સીમાડાઓમાં પહોંચી નિર્જીવ થયું. સામાજિક ચેતનાથી દૂરવર્તી એવી સ્વાયત્ત ધરી પર કથાસાહિત્યને કવિતાની જેમ પ્રતિષ્ઠ કરવાની ભૂલને ફરી સામાજિક સભાનતા દ્વારા તેમજ બોલીના નુસખાઓ મારફતે જાણે કે સુધારી લેવાની તત્પરતા એક યા બીજી રીતે આજના ગુજરાતી કથાસાહિત્યમાં જોઈ શકાય છે. પ્રશિષ્ટ ભાષાને સ્થાને બોલીને આશ્રયે ગયેલા કથાસાહિત્યમાં સાહિત્યકારો એકભાષી (monologic) સ્તરને અતિક્રમી શક્યા છે ખરા, એ એક સવાલ છે. સામાજિક ચેતના અને બોલીના સ્તરને અખત્યાર કરતા આજના કથાસાહિત્યને મિખાઈલ બાખ્તિનની વિચારણા કંઈક અંશે ઉત્તર આપી શકે તેમ છે. મિખાઇલ બાખ્તિને ‘કવિતામાં ભાષાબંધ અને નવલકથામાં ભાષાબંધ’ (Discourse in poetry and discourse in the novel) નામક લેખમાં કવિતાની એકમાત્ર, એકત્વ ધારણ કરતી, એક-પરિમાણી ભાષાની સામે કથાસાહિત્યમાં સંભાષણ કે સંવાદયુક્ત, બહુપરિમાણી ભાષાવિભેદોને પુરસ્કાર્યા છે, અને દર્શાવ્યું છે કે પારંપરિક ભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, સાહિત્યસિદ્ધાંતો, સોસ્યૂરનો સંરચનાવાદી અભિગમ કે પછી ભાષા અંગેની માર્ક્સવાદી ફિલસૂફી આમાંનું કોઈ પણ કથાસાહિત્ય માટે પર્યાપ્ત સિદ્ધાન્ત આપી શક્યું નથી. કારણ કે કોઈએ સામાજિક કાવ્યશાસ્ત્ર (Socio-poetics)નો ઉપયોગ કર્યો નથી. કથાસાહિત્યના અત્યારસુધીના અપર્યાપ્ત સિદ્ધાન્તોએ કાં તો ભાષાના એકાત્મક વ્યવસ્થાતંત્રની જ વાત કરી છે અને કાં તો ભાષાબંધને નિયંત્રિત કરનાર ‘લેખક’ તરીકે વ્યક્તિને પ્રસ્તુત કરી છે. આ પ્રકારના ભાષાભિગમને બાખ્તિન એકભાષી (monologic) અભિગમ તરીકે ઓળખાવે છે, જ્યારે કથાસાહિત્યની ગતિશીલતા વિષમભાષી (Heteroglossia) અભિગમની ખેવના રાખે છે. એકભાષી અભિગમમાં ભાષાને સામાજિક જીવનની દૈનિક વિચારધારાઓ અને પ્રવૃત્તિઓથી કાપી નાખેલી હોય છે પણ વિષમભાષા અભિગમમાં ભાષાઓના આંતરિક સ્તરીકરણ (stratification)ને લક્ષમાં લેવાય છે. એમાં સામાજિક બોલીઓ, વર્ગબોલીઓ, ધંધાદારી દુર્ભાષાઓ (jargons) જુદી જુદી પેઢીઓના અને જુદા જુદા વયજૂથના ઉચ્ચારણે બદલાતી ફેશનના ભાષાબિંબો-આ બધું તત્કાલીન વિશિષ્ટ પ્રકારના સામાજિક-રાજકારણી હેતુઓને પ્રોત્સાહિત કરે છે. આ સંદર્ભમાં જોઈએ તો કલાત્મક કથાસાહિત્યનો ભાષાબંધ સંકુચિત અર્થમાં કાવ્યાત્મક સમજવામાં આવ્યો છે. કલાત્મક કથાસાહિત્યનું અધિકૃત સ્વરૂપ તો એની બહુરૂપ શૈલીની ઘટના છે. બીજી રીતે કહીએ તો વિવિધ શૈલીઓનું એમાં સંઘટન હોય છે, સામાજિક વાણીરૂપો અને વૈયક્તિક અવાજોની વિવિધતાઓને કથાસાહિત્યમાં કલાત્મક રીતે સુયોજિત કરવામાં આવે છે. પારંપરિક શૈલીવિજ્ઞાન આને ગ્રહણ કરવામાં ચૂકી જાય છે, કારણ કે કાં તો એ કથાસાહિત્યની ભાષાના વર્ણનમાં અટવાય છે અને કાં તો એ કથાસાહિત્યના અલગ અલગ છૂટક શૈલીગત તત્ત્વોના ક્ષેત્રમાં મર્યાદિત રહે છે. આની સામે વિષમભાષી અભિગમને વરેલું સામાજિક કાવ્યશાસ્ત્ર ભાષાપ્રભેદોને લક્ષમાં લે છે. લેખકના અવાજને સાંભળે છે. પણ એને અન્ય અવાજોની પાર્શ્વભૂમાં સાંભળે છે. આ અન્ય અવાજોની પાર્શ્વભૂ વગર લેખકના કલાત્મક ગદ્યની અર્થચ્છાયાઓ જેમ પકડી શકાતી નથી તેમ લેખકના અવાજ વિના અન્ય અવાજોને પણ સાંભળી શકાતા નથી. પ્રત્યેક ઉક્તિ કે ઉચ્ચારણની સક્રિય સહભાગિતાની અહીં નોંધ લેવાય છે. વિરોધયુક્ત, તણાવપૂર્ણ પરસ્પર પ્રતિગામી વલણ-ઉક્તિઓ અહીં ભાષાઓની ચેતના જન્માવે છે એની ઝીણવટથી તપાસ થાય છે. આમ, આ સામાજિક કાવ્યશાસ્ત્ર ભાષાપ્રભેદોને તેમજ સાહિત્યિક અને બિનસાહિત્યિક વિવિધતાઓને આવકારે છે અને ઉત્કટ બનાવે છે, અને માને છે કે લેખક એ બધામાં પોતાને વ્યક્ત નથી કરતો પણ આ બધાને એક વાણીવસ્તુ રૂપે પ્રદર્શિત કરે છે. બાખ્તિનનું આ સામાજિક કાવ્યશાસ્ત્ર આજે પ્રસિદ્ધિ પામી રહ્યું છે, અને અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તર્યું છે. સંસ્કૃતિમીમાંસા (cultural studies)ને એની બે વાત મહત્ત્વની લાગી છે. એક વાત એ કે બાખ્તિન ભાષાને ‘ઉચ્ચારણ’ તરીકે સ્વીકારે છે તેથી ‘બોલાતો ભાષાબંધ’ સંરચનાવાદીઓ અને અનુસંરચનાવાદીઓએ ઓળખાવ્યો છે તેવો બિનંગત લાગતો નથી. અને બીજી વાત એ કે કથાસાહિત્ય આ રીતે જોતાં વિરુદ્ધ રુચિઓ અને વિરુદ્ધ વિચારધારાઓને સમાવતું ભાષાવિભેદો અને સંવાદનું ઊર્જાક્ષેત્ર બન્યું છે. વિવિધ પ્રજાઓના ભાષાઓના અને સંસ્કૃતિ-સ્વરૂપોના બનેલા આજના વૈશ્વિક પરિવેશને માટે સામાજિક કાવ્યશાસ્ત્ર અનિવાર્ય બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં સામાજિક કાવ્યશાસ્ત્રના મૂલ્યાંકન માટે પન્નાલાલ પટેલની ‘નેશનલ સેવિંગ’ ટૂંકી વાર્તા કદાચ સફળ ઉદાહરણ સાબિત થાય તેમ છે. કારણ એમાં કથકની, અમલદાર અને ભીલોની, ભીલો અને વેપારીની તેમજ ભીલો અને ભીલોની ભાષાઓનું આંતરિક સ્તરીકરણ સાથે ઉત્તમ રીતે સંઘટન થયું છે.