લઘુ સિદ્ધાન્તવહી/સિદ્ધાન્ત : અનુકૂલન માટેનું ઉપકરણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સિદ્ધાન્ત : અનુકૂલન માટેનું ઉપકરણ

એફ.આર. લીવિસ જેવા કહે છે કે વિવેચનસિદ્ધાન્ત પર નિર્ભર રહ્યા વગર રચનાનો આસ્વાદ થઈ શકે છે, તો સામે રેન વાલેક જેવા ઉચ્ચારે છે કે વિવેચનસિદ્ધાન્તના પ્રયોગ અને વિકાસ દ્વારા આસ્વાદને સ્પષ્ટ, કેન્દ્રિત અને વિવર્ધિત કરી શકાય છે. સાહિત્યના ક્ષેત્રની મજા એ છે કે આવા સામસામા અભિપ્રાયોમાં વજૂદ હોય છે. સિદ્ધાન્તનું અતિમૂલ્યાંકન કે સિદ્ધાન્તનું હીનમૂલ્યાંકન સંદર્ભગત છે. સિદ્ધાન્તોની હોડ ચાલે અને પ્રત્યક્ષ સાહિત્યનો છેડો છૂટતો જાય કે પ્રત્યક્ષ સાહિત્યનો છેડો ફાટતો આવે ત્યારે સ્વાભાવિક છે કે સિદ્ધાન્તને ગળતો (leaking) કહેવામાં આવે કે સિદ્ધાન્તને ધૂંધળા પ્રદેશ (grey area) તરીકે જાહેર કરવામાં આવે; તો સામે પક્ષે ‘કોરી પાટી’ (Tabula Rasa) કે સ્વતઃ સ્ફૂર્ત પદ્ધતિ (Heuristic method) પણ કેવળ આદર્શ છે. સહૃદયની મુકુરીભૂત સ્વચ્છ ચિત્તાવસ્થાનો એટલો જ અર્થ કે સંપ્રત્યયો કે સિદ્ધાન્તોનું ડહોળાણ એમાં ન જોઈએ. કોઈ ઠરેલા ચિત્તની એમાં અપેક્ષા છે. આવું કરેલું સહૃદયનું ચિત્ત જ અનેકવિધ ઉદાહરણોમાં સિદ્ધાન્તને પ્રયોજે છે, કારણ એને ખબર છે કે ઉદાહરણોનો મોટામાં મોટો ખડકલો સૂત્રમાં ન પરોવાય તો માત્ર આકારહીન રહી જાય છે. આ માટે પ્રવૃત્ત બુદ્ધિ, તર્કબદ્ધતા અને સંગતદૃષ્ટિ સાથે અમૂર્ત વિચારણાની અને સામાન્યીકરણની શિક્ષા અનિવાર્ય છે. આજે તેથી જ સાહિત્યક્ષેત્રે ‘તત્ત્વવિચાર’ જેવી સંજ્ઞાનું સ્થાન ‘સિદ્ધાન્ત’ જેવી સંજ્ઞા લઈ રહી છે. આમ જોઈએ તો સાહિત્યને સિદ્ધાન્ત સાથે અને સિદ્ધાન્તને સાહિત્ય સાથે હંમેશાં સંકળાવાનું રહ્યું છે. સાહિત્યમાં ભાગ્યે જ કોઈ સિદ્ધાન્તમુક્ત જગા મળે છે. સિદ્ધાન્ત એ બહુવિધ ઘટના-પરિમાણવાળા સાહિત્યને માટે એક પદ્ધતિ છે, એક વ્યવસ્થા છે. સિદ્ધાન્ત દ્વારા સાહિત્યવિવેચનમાં એક વિશિષ્ટ પરિયોજના સૂચવાય છે. સાહિત્યના અર્થઘટનને નિયંત્રિત કરનારો પ્રયત્ન છે. કદાચ સિદ્ધાન્ત પદ્ધતિ કે વ્યવસ્થાથી પણ કશુંક વિશેષ છે. એ વાંચવાની રીત છે. સિદ્ધાન્ત, વાંચવા અંગે અને અર્થઘટન અંગે એક વ્યૂહરચના આપે છે. વિશ્વદૃષ્ટિ (world view)ને વહે છે, અને સંસ્કૃતિ, મનુષ્યપ્રકૃતિ તેમજ માનવઅસ્તિત્વ અંગેના પ્રવર્તમાન અભિગમોને પડકારે છે. સિદ્ધાન્ત માર્ગદર્શક બળ (guiding force) છે, તો સાથે સાથે પરિવર્તનક્ષમતાની અનુનેયતા પણ ધરાવે છે. સાહિત્યને સિદ્ધાન્ત વગર ચાલતું નથી અને સિદ્ધાન્તને પરિવર્તિત કર્યા વગર સાહિત્ય પણ રહેતું નથી. સિદ્ધાન્ત અતીતાશ્રિત છે એ સાચું. એમાં પૂર્વધારણાઓ અને માન્યતાતંત્રો પડેલાં હોય છે એ પણ સાચું, છતાં ગમે એવો સિદ્ધાન્ત ઉત્તમ રચના પાસે આવી એનું સ્વરૂપ યથાતથ જાળવી શકતો નથી, જાળવી શકે નહીં. સિદ્ધાન્ત એ રીતે કાયમી નહીં પણ એક કામચલાઉ વ્યવસ્થા હોય છે. પૃથ્વી પરથી ચન્દ્રલોકમાં પહોંચેલાને જેમ ભિન્ન ગુરુત્વાકર્ષણનો સામનો કરવો પડે છે, તેમ રોજિંદી ભાષા અને રોજિંદા અનુભવમાંથી સાહિત્યના અનુભવ અને સાહિત્યની ભાષામાં પહોંચેલાને ભિન્ન ઘનત્વનો સામનો કરવો પડે છે. આ સામનામાં સિદ્ધાન્ત અનુકૂલન માટેનું ઉપકરણ બની રહે છે. રચનાના વાતાવરણને અનુકૂળ થયા પછી વિવેચનને એની પોતાની ગતિ હોય છે. સાહિત્યક્ષેત્રે ‘પુનર્મૂલ્યાંકન’ જેવો શબ્દ સૂચવે છે કે કોઈ ‘શાશ્વત મૂલ્ય’ હોતું નથી. સાહિત્યના ઈતિહાસો અને સાહિત્ય-વિવેચનના ઈતિહાસો બદલાતાં આવતાં સિદ્ધાન્તતંત્રો અને મૂલ્યતંત્રોનાં સાક્ષી છે. આજે સમજ વગરના જડસુ વાચકચિત્ત માટે સિદ્ધાન્ત હંમેશાં બરડ, નિર્જીવ અને વધારાનો બની રહે છે.