લઘુ સિદ્ધાન્તવહી/અનુઆધુનિક સાહિત્યમાં હિબ્રૂવિચારપદ્ધતિનો દોર
અનુઆધુનિકતાવાદી સાહિત્યમાં હિબ્રૂવિચારપદ્ધતિનો દોર
નેલ્સન ગૂડમનની ઉક્તિ છે કે, “સત્ય, આખેઆખું સત્ય, અને સિવાય સત્ય કશું જ નહીં" એવું ઉચ્ચારવા પાછળ હઠાગ્રહી અને ગતિહીન કાર્યનીતિ ડોકાય છે. કારણ આખેઆખું સત્ય વધુ પડતું હોય છે, એમાં નજીવીમાં નજીવી બાબતોનો પણ સમાવેશ થઈ જાય છે. જ્યારે, ‘સિવાય સત્ય કશું જ નહીં’ એ સંકુચિત-સીમિત સત્ય છે. સત્યને ખુલ્લું રાખવાની જરૂર છે. આપણે ત્યાં જૈન નાસ્તિક દર્શનમાં ‘સ્યાદ્વાદ’માં એક પ્રકારનું ખુલ્લાપણું છે. કોઈ એક કેન્દ્રને વળગી પડવામાં કે કોઈ એક માત્ર સત્તાનો સ્વીકાર કરવામાં રહેલાં જોખમોને અનુઆધુનિકતાવાદી દાર્શનિક ભૂમિકાએ ખાસ્સાં પ્રગટ કર્યાં છે. એમાંય દેરિદા અને યેલ સંપ્રદાયના વિદ્વાનોએ અને ખાસ કરીને હેરલ્ડ બ્લૂમ જેવાએ જે ‘અનિર્ણીતતા’ને આગળ ધરી છે, એમાં હીબ્રૂ અર્થઘટન પદ્ધતિનાં મૂળ જોવાય છે. દેરિદા જ્યારે કહે છે કે ‘આપણે ગ્રીક અને હીબૂની ભિન્નતા વચ્ચે જીવીએ છીએ’ ત્યારે ગ્રીક તત્ત્વવિચાર પદ્ધતિ અને હીબ્રૂ તત્ત્વવિચાર પદ્ધતિની ભિન્નતા સમજવાની જરૂરત ઊભી થાય છે. ગ્રીક તત્ત્વવિચાર સર્વદેશીયને, સર્વસામાન્યને અને એકાર્થને પુરસ્કારે છે, તો હીબ્રૂ તત્ત્વવિચારની પદ્ધતિ ખુલ્લી છે, એ સંદિગ્ધતા, વિરોધાભાસ અને બહુઅર્થને પુરસ્કારે છે. ગ્રીક વિચારરીતિ કૃતિથી અર્થઘટનને જુદું પાડે છે, તો હીબ્રૂ વિચારરીતિ કૃતિ અને એના અર્થઘટનને એક જ પ્રક્રિયાનાં અંગ રૂપે જુએ છે. આ પ્રકારનાં મૂલ્ય અને પદ્ધતિ વચ્ચેનો સંઘર્ષ અનુસંરચનાવાદ તેમજ અનુઆધુનિકતાવાદમાં કેન્દ્રસ્થ બન્યો છે. આ સંઘર્ષને સમજવો હોય તો મોઝિઝ માય્મૉનિડિઝ (Moses Maimonides, 1135-1204)નું હીબ્રૂ અર્થઘટનશાસ્ત્ર (Jewish Hermeneutics) પરત્વેનું પ્રદાન જોવું જરૂરી બને છે. સાહિત્યસિદ્ધાન્ત પરત્વે યહૂદી અને ઇસ્લામી યુરોપીય વિદ્વાનોમાં ઍરિસ્ટૉટલનો પુનઃપ્રવેશ કરાવનાર મધ્યકાળના માય્મૉનિડિઝનું આ ‘યહૂદી અર્થઘટનશાસ્ત્ર’ કે ‘હીબ્રૂ અર્થઘટનશાસ્ત્ર’નું મહત્ત્વ ખ્રિસ્તી અર્થઘટનશાસ્ત્ર જેટલું ધ્યાન પર લેવાયું નથી. એક વાત સ્પષ્ટ છે કે માય્મૉનિડિઝની ભાષ્યપદ્ધતિએ ફ્રૉઈડ, હેરલ્ડ બ્લૂમ કે દેરિદા જેવા યહૂદી સિદ્ધાન્તકારો પર ખાસ્સો પ્રભાવ છોડ્યો છે. માય્મૉનિડિઝ યહૂદી ધર્મગ્રંથોનું રૂપકાત્મક અર્થઘટન કરે છે અને પશ્ચિમના અન્ય અર્થઘટનકારોની જેમ જ લેખકના મૂળભૂત આશયને જાણવામાં, અતિઅર્થઘટનને દૂર રાખવામાં અને સપાટી પરના અર્થથી વિરુદ્ધ એવા ઊંડે પડેલા અર્થને શોધવામાં એ સમસ્યાઓનો સામનો કરે છે. એ એવું માને છે કે અંતરંગ અર્થ હોય છે ખરો પણ દુર્બોધતામાં સરકી જાય એ પહેલાં એ ક્યારેક જ ઝબકી જતો હોય છે. ગ્રીક પદ્ધતિ કે એમાંથી વ્યુત્પન્ન ખ્રિસ્તી પ્રણાલીમાં કોઈ એક ‘સાચા’ અર્થઘટનની શોધ હોય છે. આનાથી માય્મૉનિડિઝની વાત સાવ જુદી પડે છે. માય્મૉનિડિઝની પદ્ધતિમાં કૃતિ બહુવિધ અર્થ માટે અને અંતહીન અનિર્ણીતતા માટે ખુલ્લી રહે છે. આ સંદર્ભમાં પોતાના શિષ્ય માટે તૈયાર થયેલી ‘સંભ્રાન્ત માટેની માર્ગદર્શિકા’ (The guide of the perplexed) ખાસ ધ્યાન ખેંચે છે. માય્મૉનિડિઝ એની પ્રસ્તાવનામાં જણાવે છે કે બાઇબલની ભાષાની બહુઅર્થતાને સમજવામાં અને બાઈબલની પ્રચ્છન્ન દૃષ્ટાંતકથાઓને સમજવામાં જે નિષ્ફળતા ઊભી થાય છે તે ‘સંભ્રાન્તિ’ને જન્મ આપે છે. માય્મૉનિડિઝ માને છે કે બાઇબલ ગ્રંથ ઘણીબધી જગ્યાએ બહુઅર્થી હોવાથી એમાં એકાધિક અર્થ રહ્યા છે. આથી બાઈબલની ભાષાસમૃદ્ધિનું કેવળ શુદ્ધ ભાષાકીય આકલન અપૂરતું છે. આની સમજ માટે કોઈ બૃહદ કથનપદ્ધતિની જરૂર છે, જેમાં શબ્દશઃ અર્થઘટિત કરવા જેવી દૃષ્ટાંતકથાઓ અને પૂરી અખિલાઈમાં અર્થઘટિત કરવા જેવી દૃષ્ટાંતકથાઓનો ભેદ કરવામાં આવ્યો હોય. આ રીતે, અનુઆધુનિકતાવાદી સાહિત્યમાં અર્થની ખુલ્લાપણાની દિશા આજે જે રીતે ખૂલી છે અને એક કરતાં અનેક રીતે સાહિત્યને બહુસંવાદ વચ્ચે મૂકવાની શક્યતા ઊભી થઈ છે એના મૂળમાં હીબ્રૂ વિચારપદ્ધતિનો દોર પડેલો છે. આ વાત માય્મૉનિડિઝ જેવાના ઉદાહરણથી સમજી શકાય તેમ છે.
●