લીલુડી ધરતી - ૨/ખાલી ખોળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખાલી ખોળો

સંતુ એકલી ઘર બહાર જાય ને રખે ને ટીખળી લોકો એની પજવણી કરે એ બીકથી ધીમે ધીમે ઊજમે એના ઉપર જાપ્તો રાખવા માંડ્યો.

‘ગાંડા માણહને ગમ હોય ? ગમે ત્યાં હાલી જાય તો મારે એને ગોતવી ક્યાં ?’

ઊજમની–ઊંઘ ઊડી ગઈ. દિવસ ને રાત એને સંતુની ચિંતા જ સતાવી રહી. પોતે રોટલા ઘડવા બેસે ત્યારે ખડકીને બારણે તાળું વાસીને બેસે. ‘રખે ને સંતુ બારણું ઉઘાડીને બહાર ચાલી જાય, ને કાંઈ તોફાન કરી બેસે તો ?’

ગામલોકોને પણ એક નહિ પણ બે ગાંડાં માણસના તાલ જોવા મળ્યા : સંતુ અને ઓઘડ ભૂવો.

ઓઘડનું ગાંડપણ હાસ્યપ્રેરક હતું, સંતુનું કરુણ હતું. આમ લોકોને હસવું ને હાણ્ય જેવો મિશ્ર અનુભવ થઈ રહ્યો.

સંતુ માટે સહુને સહાનુભૂતિ હતી, ત્યારે ઓઘડની દયા ખાનારાં બહુ ઓછાં હતાં. એ વયોવૃદ્ધ ભૂવાને તો કવિન્યાય જ મળી રહ્યો છે એ સંતોષ લોકો અનુભવતાં હતાં.

‘ભાઈ ! ઈ તો જેમ હુશિયાર તરનારાનું મોત પાણીમાં, એમ આ ડાકલા વગાડનારનું મોત એનાં જંતરમંતરમાં જ. ઓઘડિયાનાં હાથનાં કર્યાં એને જ હૈયે વાગ્યાં. ગામ આખાનાં ઝોડ – ઝપટ કાઢતો’તો પણ એને જ કોકની ઝપટ વાગી ગઈ––’ ​ ‘દેવ–દેવલાંને સરમાં લાવીને ધૂણતો તંયે હંધાં ય નાળિયેરના ઘા ઘરઢાળા નાખીનાખીને ઘર ભર્યું’તું. હવે જુવો, કેવો ભૂંડેહાલ થઈને ગામમાં રખડે છે !’

‘ઓઘડિયાનો જીવ નાળિયેર કરતાં ય વધારે તો કો’કની માંગી બીડીમાં ભમતો. એને ધુણાવતાં મોર્ય તો એના ઘરાકે બીડીની ઝુડિયુંની ઝુડિયું ધરવી પડતી, તો ય ઓઘડિયાને સંતોષ ન થતો, તી ઈ ધૂણતો ધૂણતો કો’કની એંઠી બીડી માગી લેતો, ને બેચાર ફૂંક ખેંચી લેતો—’

‘કૂકડીનું મોં ઢેકલે જેવું. ઈ અડધી પીધેલી બીડીમાં એનો જીવ રૈ ગ્યો’તો તી હવે મગજની કમાન છટકી ગઈ, ને ઊભી શેરીએથી બીડીનાં ઠૂંઠાં વીણતો થઈ ગયો !’

‘ઈ જ લાગનો છે મૂવો ! સાચાંખોટાં ધૂણીધફીને ઘણાંયને જતિ કર્યાં છે, તી ઉપરવાળો એનું સાટું તો વાળે જ ને ? આ ભમતા ભૂત જેવો કરી મેલ્યો છ, તી ભૂંડે હાલે મરશે રોયો.’

‘ઈ મરે કે જીવે, તો ય કોઈને કાંઈ ચંત્યા નથી. વાંહે ક્યાં કોઈ કાણ્ય કુટણ કરનારી છે, તી ફકર્ય ? પણ આ સંતુને માથે રથ ફરી ગ્યા ઈ જોયું નથી જાતું. ગોબર મરી જતાં માથેથી મોડ ગ્યો, ને હવે આ છોકરું મરી ગ્યું એમાં તો બચાડીનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું.’

સંતુનું ગાંડપણ જોઈને વધુમાં વધુ વ્યથા વખતી ડોસીને થતી હતી. ગામલોકોને ય અચરજ થતું હતું કે આ કઠણ કાળજાંવાળી ને ‘કલાંઠ’ બાઈ પારકાં દુઃખે પોતે આટલી વેદના શા માટે અનુભવે છે ? આ વિચિત્ર પ્રક્રિયા તો ખુદ વખતીને ય પૂરેપૂરી સમજાતી નહોતી. છતાં એ હકીકત હતી. સંતુની યાતના જોઈને એનું અંતર દ્રવી રહ્યું હતું.

વખતીની આ અનુકમ્પાનું રહસ્ય શું હતું ? સંભવ છે કે એણે સંતુની અપાર યંત્રણાઓ, સંતાનેષણા અને વિફળતાના દારુણ ​ પ્રત્યાઘાતો નજરોનજર નિહાળ્યા હોવાથી પોતાના પાષાણહૃદયમાંથી અનુકમ્પાની સરવાણી ફૂટી હોય. અથવા તો, વખતીના પોતાના જ અંતરને વલોવી રહેલી કોઈક અપરાધીપણાની આડકતરી લાગણી પણ આમાં કારણભૂત બની હોય. ઘણી વાર સંતુની સ્થિતિ વિશે વિચારતાં વિચારતાં એના મનમાં વસવસો થયા કરતો : હું એના જણ્યાંને બચાવી ન શકી. સંતુનું સંતાન હેમખેમ જન્મી શક્યું હોત તો એની આ સ્થિતિ ન હોત... હજીય એના ખોળામાં નાનકડું છોકરુ રમતું થાય તો એનું ગાંડપણ ચાલ્યું જાય અને સંતુ સાજીનરવી થઈ જાય. પણ એનો તો હવે શો ઉપાય ? હવે શું થાય ?

સ્વાભાવિક જ, સંતુના સહુ શુભેચ્છકો એનું ગાંડપણ નિવારવા માટે પોતપોતાની રીતે પ્રયત્નશીલ બન્યાં હતાં.

અને એવા પ્રયત્નો કરનારાઓમાં હરખ સહુની મોખરે હતી. એનું માતૃહૃદય સ્વાભાવિક જ સહુથી વિશેષ વ્યથા અનુભવતું હતું. સંતુના આવા ભયંકર ગાંડપણમાં કશાં દવાદારૂ કારગત થાય એમ નથી જ, એવી ખાતરી થતાં ભોળુડી હરખે જ્યોતિષનો આશરો લીધો. અસીમ શ્રદ્ધા સાથે એ પરભા ગોરને ઘેરે ગઈ.

હાથએકનો ઘૂમટો કાઢીને એણે આ વયોવૃદ્ધ બ્રાહ્મણને વિનંતિ કરી :

‘ગોરબાપા ! મારી ગગીના ગરેહ જોઈ દિયો !’

અને પછી, સંતુને શી નડતર છે, આ ગાંડપણ ક્યાંથી આવ્યું કોણે એને કરી મેલ્યું છે, હવે એનો ઉપાય શો, કઈ કઈ બાધાઆખડી રાખવી, કયાં કયાં દેવ-દેવીની માનતા માનવી, દોરા, ધાગા, ટૂશકો, શું શું કરીએ તો સંતુ સાજી થાય એ વિશે લાંબી પૂછપરછ ચાલી.

‘કોઈ દેવમેવ તો રુઠ્યા નથી દેખાતા.’ પરભા ગોરે સધિયારો આપ્યો.

‘તો પછી આવું કેમ કરતાં થ્યું?’ ​ ‘એના વેરીએ નજર નાખી છે. છોકરી ભાર્યે નજરની ઝપટમાં આવી ગઈ છે—’

‘વેરીની નજર ! ભાર્યે નજર ? કોણ? કોણ ?’

‘ઈ તો તમે જાણો. કોની હાર્યે તમે વેર બાંધ્યાં હશે એની મને શી ખબર પડે ? પણ છોકરી બચાડી ઝોડઝપટમાં આવી ગઈ એમાં આ હંધું ય અવળું ઊતર્યું—’

‘કોનાં ઝોડ વળગ્યાં છે ?’ હરખે પૂછ્યું. ‘નામ પાડો. એને રાજી કરીએ, એને મલીદા ચડાવીએ, ને માનતા કરીને રીઝવીએ—’

‘આ કાંઈ દેવદેવલાંનાં ઝોડ નથી કે એને રીઝવવા સારુ ડાકલાં વગડાવાય, કે મલીદા ચડાવાય. આ પાદરમાં બેઠી છે એ મેલડીનાં ઝોડ નથી; આ તો કાળા માથાના મનવીનાં ઝોડ...બાપુ ! આ તો મેલડીથી યે ભૂંડાં—’

‘પણ ઈ છે કોણ ? મારી દીકરીને દખ દેનારનું નામ તો પાડો, પરભાબાપા !’

‘અમારાથી નામ ન પડાય; અમે તો એંધાણ દઈએ—’

‘તો એંધાણ દિયો. હું ગોતી કાઢીશ—’

‘આ ટીપણાં ઉપર સવાપાંચ આના મેલો—’

‘લ્યો, આ મેલ્યા !’ હરખે સાડલાને છેડે વાળી રાખેલી ગાંઠ છોડીને સિક્કા રજૂ કર્યા.

‘છોડી ઉપર મૂઠ્ય નાખી છે—’

‘કોણે ?’

‘ઓતરાદી દૃશ્યે રહેનારાંએ—’

‘ઓતરાદાં રહેનારે ?–—’

‘હા.’

‘નામપગ કાંઈ ?’

‘મે કીધું નઈં કે અમે નામઠામ આપીએ તો પાપમાં પડીએ ! અમારાથી તો એંધાણ જ અપાય—’ ​ ‘ઓતરાદાં તો ઘણાં ય ખોરડાં છે, કાંઈક વધારે એંધાણ આપો તો ખબર્ય પડે ને !’

‘દશ્યાને નામે જ એનું નામ છે એટલામાં સમજી જાવ.’

સાંભળીને હરખ વિચારમાં પડી ગઈ. ઓતરાદી દિશા, ને એને નામે જ નામ. એટલે ?

‘ન સમજ્યાં ? ઓતરાદી દશ્યા, એટલે ‘અ’ ને નામે નામ થ્યું—’ પરભો ગોર બોલ્યો, ‘હવે આનાથી વધારે કાંઈ પૂછીને મને પાપમાં ન નાખતાં, જાવ !’

ભૂદેવનો આદેશ સાંભળીને હરખ ઊભી થઈ. રોકડા સવા પાંચ આનાની દક્ષિણના બદલામાં ઓતરાદી દિશા અને ‘અ’ ને નામે નામનું ઈંગિત લઈને એ ઘેર આવી.

ઘેર આવીને એણે ઊજમને કાને વાત નાખી. સંસારનાં સુખદુઃખમાંથી પસાર થયેલી ઊજમને આવા વહેમમાં બહુ શ્રદ્ધા નહોતી, પણ ડૂબતું માણસ તણખલાને બાઝે એમાં શી નવાઈ ? ચોગરદમ આપત્તિઓથી ઘેરાયેલી ઊજમે હરખની વાત ઉપર વિચાર કરી જોયો.

ઓતરાદી દિશા અને ‘અ’ને નામે નામ, ને વળી આપણું વેરી હોય, એવી વ્યક્તિ કઈ ?

અને આ દુખિયારી સ્ત્રીઓને દીવા જેવું સ્પષ્ટ સૂઝી ગયું : અજવાળીકાકી જ, વળી બીજું કોણ?

હા, હવે સમજાયું. અજવાળીકાકી જાતરાને બહાને બહારગામ શા માટે ચાલ્યાં ગયાં છે તે !

અને શંકિત માનસને એક પછી એક અનુકુળ તાળો મેળવતાં શી વાર ? હા, બરોબર, એક શ્રાવણી સોમવારે હરખ અને અજવાળીકાકી ઢીંકેઢીંકે વઢ્યાં હતાં, હરખે સો માણસના સાંભળતાં અજવાળીકાકીની જડાવની વગોવણી કરી હતી, અને બદલામાં એમની અનેકવિધ ગર્ભિત ધમકીઓ સાંભળી હતી.

તરત પ્રશ્ન ઊઠ્યો : અજવાળી ડાકણ છે ? એને મેલી વિદ્યાનાં ​ કામણટૂમણ આવડે છે ખરાં ?

અને આ પ્રશ્નનું પણ સંશોધન થયું. અજવાળી પોતે ડાકણ હોવાનું આજ સુધી જણાયું નથી. પણ અજવાળીની મા લાખુડોસી તો વિખ્યાત ડાકણ હતી. લાખુ પોતાની જુવાનીમાં પતિ સાથે અરબસ્તાનનાં ગામોમાં રહેલી, અને આરબા લોકો પાસેથી એ ડાકણ વિદ્યા શીખી લાવેલી. એ દિવસોમાં અરબસ્તાન–આફ્રિકા ખેડનાર ઘણી સ્ત્રીઓ આવી મેલી વિદ્યામાં પારંગત થઈને આવતી અને લાખુ એમાંની એક હતી.

લાખુ મરવા પડી ત્યારે એણે અજવાળીને આ મેલી વિદ્યાનો વારસો આપેલો–અથવા આપવો પડ્યો હતો.

‘પોતાના કોઠામાંથી મેલી વિદ્યા પારકાને સોંપ્યા વન્યા ડાકણાં માણહનો જીવ ન જાય - એની ગત્ય ન થાય.’

બરોબર તાળો મળી રહ્યો. અજવાળીએ એની મા પાસેથી જ આ વિદ્યા મેળવી છે !

‘જુવોની, એની આંખનો ખૂણો જ કહી દિયે છ, કે એ ભારે નજરવાળી છે.’

‘ને આ હરખનું વેર એણે સંતુ ઉપર વાળ્યું... બચાડીને સાવ મગજમેટ કરી મેલી—’

‘ને પોતે સખેને જાતરાને બહાને ગામમાંથી આઘી નીકળી ગઈ, કોઈને વહેમ ન આવે એટલા સારુ—’

ધીમે ધીમે ઊજમ પણ આ વહેમમાં પાકી શ્રદ્ધા ધરાવતી થઈ ગઈ. હરખે બીજી કેટલીક વિગતો આપીને એ શ્રદ્ધાને પુષ્ટ કરી. જડાવના અનૌરસ સંતાન વિષે સંતુને જાણ હતી, એ વાત અજવાળીકાકીને ખટકતી હતી. તેથી જ, એમણે વેર લેવા માટે સંતુના સંતાનને મારી નાખ્યું, ને સંતુને ગાંડી કરી મૂકી.

એક બપોરે ઊજમ, હરખ અને વખતી ફળિયામાં બેસીને આ મૂંઝવણનો ઉપાય વિચારી રહ્યાં હતાં. ​ ‘પણ હવે આ વળગણ કાઢવી કઈ રીતે ?’

‘ભૂવો ધુણાવીને એને મરચાંની ધુંવાડી કરાવીએ... ને જરૂર પડ્યે ધગધગતા તાવિથાના ડામ દેવરાવીને પણ ભગાડીએ તો જ સંતુ સાજી થાય—’

‘પણ ઓઘડિયો ભૂવો પંડ્યે જ મગજમેટ થઈ ગ્યો છ ત્યાં ધૂણશે કેમ કરીને ?’

‘ઓઘડિયાનું ક્યાં દેવું કર્યું છે ? શાપરથી ભુવાને તેડાવીએ—’

વખતી આ વિચારની વિરુદ્ધ હતી. એણે કહ્યું : ‘સંતુનું દુઃખ હું જાણું છું. આમ ડાકલાં વગડાવ્યે કે ભૂવા ધૂણાવ્યે કાંઈ વળવાનું નથી.’

‘તો પછી શું કરવું ? આમ ને આમ તો ગાંડ૫ણ વધતું જ જાશે.’ ઊજમે ચિંતા વ્યક્ત કરી.

‘આનો કાંઈ આરો કેમ કરીને આવશે ?’ હરખે અધીરાઈ બતાવી.

‘આરો તો એક જ રીતે આવે એમ છે,’ વખતી એ ગંભીર અવાજે સૂચવ્યું, ‘સંતુનો ખાલી ખોળો ભરાય તો જ—’

સાંભળીને હરખ અને ઊજમ બન્ને સ્તબ્ધ થઈ ગયાં. આ ડોસી બોલે છે કે બકે છે ? એને કાંઈ કળ-વકળનું ભાન છે કે નહિ ? સંતુનો ખાલી ખોળો હવે શી રીતે ભરાવાનો હતો ?

‘તમારા કરતાં મેં વધારે દિવાળી જોઈ છે,’ વખતી બોલી રહી, ‘આ સંતુ જેવાં તો ઘણાં ય ગાંડપણ મેં ભાળ્યાં છે. ઠાલાં આવા વહેમમાં પડશો મા. શંકા, ભૂત ને મંછા ડાકણ... ઈ અજવાળીનું શું ગજું ! ઈ સંતુને ગાંડી ય ન કરી શકે, સાજી ય ન કરી શકે...’

ખરે બપોરે આવી વાતચીત ચાલતી હતી ત્યાં જ શેરીને નાકેથી ડુગડુગીનો અવાજ સંભળાયો.

અને સંતુના કાન ચમકી ઊઠ્યા.

ઊજમ બોલી : ‘આ દુકાળમાં અધિક માસ...ભચડો વાદી ​ એનાં ચમેલી–રતનિયાને લઈને માગવા આવ્યો લાગે છે.’

ડુગડુગી વધારે જોરથી વાગી; વાદીનો અવાજ પણ સંભળાયો.

અને સંતુ સડાક કરતીક ને ઊભી થઈ. બોલી :

‘મારે ચમેલી–રતનિયાને જોવા જાવું છે.’

‘નથી જાવું.’ ઊજમે કહ્યું.

‘હવે તું નાનકડું છોકરું છો કે રીંછ–વાંદરીની રમત્ય જોવા જવાય ?’ હરખે ઠપકો આપ્યો.

‘મારે જાવું છે.’ સંતુ બોલી.

ભચડો વાદી મૂળ આ ગામનો જ રહેવાસી હતો. પણ વાદીને વળી ગામ શું ને રહેઠાણ શું ? એ તો એના રીંછ અને વાંદરાને લઈને ગામેગામ ભટકતો, નજરબંધીથી માંડીને અંગકસરત સુધીના તરેહતરેહના ખેલ કરીને પ્રેક્ષકોને રીઝવતો અને બદલામાં ‘વાસી શિરામણ’ રૂપે રોટલા અને થોડું રોકડ ઉઘરાવતો.

ભચડો ગામેગામ ભટકતો છતાં વરસમાં એકાદ–બે વાર તો એ ગુંદાસરમાં આવ્યા વિના રહેતો જ નહિ. તેથી જ તો, પ્રેક્ષકોને એકઠા કરવા માટે બરાડા પાડીપાડીને બસૂરો બની ગયેલો એનો અવાજ, એની ડુગડુગી એનો રતનિયો રીંછ, ચમેલી વાંદરી અને ભચડાની નમાઈ બાળકી સુદ્ધાં ગુંદાસરવાસીઓ માટે આપ્તજન જેવાં પરિચિત બની રહ્યાં હતાં. ભચડાએ પોતાની નાનકડી બાળકીને પણ ‘ચમેલી’ જેવું રૂપકડું નામ આપેલું.

‘હું ચમેલીને જોવા જાઉં છું.’ કરતીને સંતુ ખડકીનાં બારણાં તરફ ધસી.

અને ઊજમ કે હરખ ઊભાં થઈને એને રોકે એ પહેલાં તો સંતુએ ખડકીનો આગળિયો ઉઘાડી નાખ્યો અને ઉન્માદભરી અવસ્થામાં એ ડુગડુગીના અવાજની દિશામાં ઝડપભેર દોડી.

*