લીલુડી ધરતી - ૨/રથ ફરી ગયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રથ ફરી ગયા

સંતુની દર્દભરી ચીસો ને ઉન્માદભર્યાં અટ્ટહાસ્યો સાંભળીને અડખેપડખેથી પડોસીઓ દોડી આવ્યાં.

‘શું થયું ? શું થયું ?’

‘શું કામે રૂવે છે ?’

‘આ તી રૂવે છે કે ખિખિયાટા કરે છે ?’

આવી અકળાવનારી પૂછગાછથી ઊજમ પારાવાર ક્ષોભ અનુભવી રહી. એણે સંકોચ સહ સમજાવ્યું કે સંતુને પાછલી રાતે બાળક અવતરીને મરી ગયું એટલે મગજ ઉપર જરાક અસર થઈ ગઈ છે.

‘મરી ગ્યું ! અરે રામ રામ ! ઈ છોકરાં ઉપર તો હંધી ય આશા હતી, ને ભગવાને ઝૂંટી લીધું !’

‘હવે સમજાણું. રાત્ય આખી ડાઘિયો રોતો’તો તંયે મનમાં થાતું’તું જ કો’કને ઘેર જમડાં આવ્યાં લાગે છે. અમને વે’મ નઈં કે સંતુના છોકરાને લેવા આવ્યાં હશે—’

‘ગરીબનાં નસીબ ગરીબ, ઈ આનું નામ. ઉપરવાળાને ઘેરે જરા ય નિયા નથી. આ તો પડતાંને પાટુ માર્યા જેવું કર્યું.’

‘હા વળી, નીકર છોકરું ઊઝર્યું હત તો સંતુ ઘરનો ઉંબરો ઝાલીને બેઠી રેત, ને એને ટમકુડે તાપણે તાપીને આયખું પૂરું કરી નાખત. પણ આ તો સાવ નછોરવી થઈ રઈ.’ કહીને એક બટકબોલીએ ગર્ભિત નિર્દેશ કર્યો કે હવે સંતુ ઘરનો ઊંબરો ​ઝાલી નહિ બેસે.’

‘માડી ! અટાણે તો તાવડીનો મગજ તપી ગ્યો છ, ઈ ટાઢો થાય તો ય ઝાઝી વાત, ગાંડાં માણહને સાચવવાં સહેલ નથી—’

‘હા, જોતાં નથી, ઓલ્યા ઓઘડિયા ભૂવાની માથે માતાના રથ ફરી ગ્યા છ, તી હમણાંનો સાવ મગજ મેટ જેવો થઈને ગામ આખામાં રખડ્યા કરે છે ને ઉકરડા ડખોળી ડખોળીને એંઠી પીધેલી બીડિયું જ ગોત્યા કરે છે—’ તાજેતરમાં પાગલ બનેલા ઓઘડ ભૂવાને એક પડોશણે યાદ કર્યા. ‘માડી ! ગાંડા માણહનો તી કાંઈ અવતાર છે !’

‘મૂવો ઓઘડિયો તો ઈ જ લાગનો હતો ! જંદગી આખી સાચાં–ખોટાં ધૂણી ધૂણીને કૈંક દેવદેવલાંનાં પાખંડ કર્યાં’તાં તી ઉપરવાળો એનું સાટું વાળ્યા વન્યા મેલે ? કો’ક વાર ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હશે તી માથેથી માતાના રથ ફરી ગ્યા, ને હવે બીડિયુંનાં ઠૂંઠાં જ સંઘરતો ફરે છે રોયો—’

‘ઈ હવે મહાણે ગુડાવા જેવડો માણહ ડાહ્યો રિયે કે ગાંડો થઈ જાય તો ય શું ? એને તો હંધું ય સરખું. પણ આ સતું તો નાની બાળ કહેવાય ! ગાંડપણ આવે તો અવતાર બળી જાય.’

અને પછી તો, સંતુને નિમિત્તે ગુંદાસરમાં પૂર્વે કોણ વિખ્યાત પાગલો થઈ ગયેલાં, એમનાં પાગલપણાનાં વિશિષ્ઠ લક્ષણો શાં હતાં, તેઓ કેવી રીતે જીવ્યાં ને કેવી રીતે મરી પરવાર્યાં, એની આખી વંશાવળીઓ ઊખળી અને એમના કડીબદ્ધ ઇતિહાસો પણ રજૂ થઈ ગયા.

આખરે કંટાળીને ઊજમે આ સહુ શુભેચ્છકોને વિદાય કર્યાં, ત્યાં ધનિયો ગોવાળ સાંજનું દૂધ દોવા આવી પહોંચ્યો.

સંતુ અત્યારે લાંબી રોક્કળ ને હસાહસ કર્યા પછી જરી વાર જંપી ગઈ હતી. પણ ઊજમ જાણતી હતી કે કાબરીની સન્મુખ મુકાયેલું ગાભા ભરેલું બચલું જોઈને જ સંતુને ઉન્માદ ​થઈ આવે છે, તેથી એણે ધનિયાને કહ્યું :

‘આ તારું મુંઢકણું આ કોઢ્યમાંથી બાર્ય કાઢ્ય !’

‘પણ બાપુ ! ઈને બારું કાઢીશ તો કાબરી કથળી ઊઠશે, ને દો’વા જ નઈં દિયે—’

‘મર કથળી ઊઠે, ભલે દોવા ન દિયે.’ ઊજમે કહ્યું. ‘ઈ ગાભાએ જ સંતુને ગભરાવી મેલી છે. ઈ ને ભાળે છે ને મોઢામાંથી કાળું બોકાહું નીકળી જાય છે—’

ધનિયો એમ સહેલાઈથી સમજે એવો નહોતો. એણે મુંઢકણાની આવશ્યકતા અંગે પુષ્કળ દલીલો કરી.

‘કાબરીને ખબર્ય પડશે કે મારું વાછડું મરી ગયું છે તો પછી કોઈને ઢૂંકડાં આવવા જ નઈ દિયે. ભુરાઈ થઈ જાશે, મારકણી થઈ જશે. આજ તો શું, કોઈ કાળે ય દોવા નહિ દિયે. જેને ને તેને ઢીંકે લેતી થઈ જાશે; કાયમની વસૂકી જાશે.’

‘જી થાવાનું હોય ઈ મર થાય ! પણ મારે લાખ વાતે ય મુંઢકણું કોઢ્યમાં ન જોઈએ—’

‘પણ તમારી કોઢ્યમાં આ કાંઈ નવી નવાઈનું છે ? ગાયનું બચલું બગડી જાય તંયે મુંઢકણું તો મેલવું જ જોયેં ને ?’

‘પણ અમારા ઘરમાં તો ગાયના બચલાને માટે સંતુનું જીવતર બગડી ગ્યું એનું કેમ ? કાઢ્ય બાર્ય આ કોઢ્યમાંથી, નીકર હું પંડ્યે જ ઉપાડીને ઉકરડે નાખી આવીશ.’

‘એ... ના ના, ઊજમભાભી ! એવું ન કરતાં. ઉકરડે નાખી આવશો તો મારે રાત્યોરાત્ય ગાભાં ભેગાં કરીને ભૂધર મેરાઈ પાસે નવું વાછડું ભરાવવું પડશે. કાલ્ય સવારે કોઈ બીજે ઘેર જરૂર પડે તો—’

‘તો પછી ઉપાડ્ય ઝટ... સંતુને અડધી તો તારા આ મુંઢકણે ભટકાવી મેલી છે—’

ધનિયો એના મેલામસ મુંઢકણાને લઈને બહાર નીકળ્યો કે ​તરત કાબરીએ પગ પછાડવા માંડ્યા ને છીંકોટા નાખવા માંડ્યા.

‘ઓય રે કાબરી ! તું ય હંધુ ય સમજી ગઈ ? પણ આવી ચતુર થઈને ઓલ્યા ચીંથરાંના ગાભામાં ભરમાઈ ગઈ ?’ ઊજમ ગાયને ઉદ્દેશીને મનશું બોલી રહી : ‘અરેરે ! માવડીનો અવતાર ! એને ભરમાતાં શું વાર ? ભરમમાં ને ભરમમાં જીવતર પૂરાં કરવાનાં... લે હવે છાની રે છાની... બવ ઠેકડા માર્ય મા... અરે ભૂંડી ! જેના સારુ થૈને તું આટલાં ભાંભરડાં નાખશ ઈ તો ભૂધર મેરાઈએ ગાભા ભરીને સીવેલું રમકડું હતું, રમકડું... અરે રામ પણ સંસારમાં માયા કરી મેલી છે ને કાંઈ !—પછી શું જનાવર કે શું કાળા માથાળું માણહ, પણ માયાની મધલાળે જ જીવતર ખેંચાય છે... કાબરીની વાત ક્યાં કરું ?— આ મારા પંડ્યની જ વાત જો ની ! આ ભીમડાના બાપ મને મેલીને ગ્યા ને પાકાં બાર બાર વરહનાં વા’ણાં વાઈ ગ્યાં. કામેસર ગોરે આવીને એનાં શરાધ–સરામણાં ય કરાવી નાખ્યાં, તો ય હજી મને એની માયા છૂટી છે ?... આંખ્ય મિચાય છે ને ઈ સોણે ભરાય છે... નીંદરમાંથી ઝબકીને જાગું છું ને એનાં પગલાં સંભળાય છે. દશેદશમાંથી ભણકારા વાગે છે... જાણે કે આણી કોર્યથી આવશે કે ઓલી કોર્યથી. ગામમાં ગરશે...’

અને પછી કૂદી રહેલી કાબરીને શાંત પાડતાં પાડતાં ઊજમ આ ગવતરીને તેમ જ સંતુને બન્નેને અનુલક્ષીને ચિંતવી રહી :

‘તમે બે ય સહીપણિયુંનાં કરમ વાંકાં... તમે બે ય બેનપણિયું નસીબની આગળિયાત નીકળી... નીકર કાંઈ બેયનાં જણ્યાં એક હાર્યે જ બગડી જાય ? કરમની જ વાત, બીજું શું? આગલે ભવ ભ્રામણની હત્યા કરી હશે... કો’ક કાળાં ઘોર પાપ કરતાં જરા ય પાછું વાળીને નઈં જોયું હોય... મારી ઘોડ્યે કો’કને વા’લામાં વિજોગ પડાવ્યા હશે, તી આ ભવે તમને વિજોગ ઊભા થ્યા છે...’

ઘડીક કાબરી તરફ, તો ઘડીક સંતુ તરફ જોઈને ઊજમ ​આ કરૂણ જીવનલીલા અવલોકી રહી હતી ત્યાં જ સંતુએ લાંબી તંદ્રા પછી ફરી વાર આંખ ઉઘાડી.

સ્વાભાવિક જ એની નજર કાબરી ઉપર પડી, અને ગોદની સન્મુખ રહેલું મુંઢકણું અત્યારે અદૃશ્ય થયું લાગતાં તુરત એ પૂછવા લાગી :

‘ક્યાં ગ્યું ? ક્યાં ગ્યું ?’

ઊજમે પૂછ્યું : ‘શું ?’

‘કાબરીનું વાછડું ...ક્યાં ગ્યું ?’

'ઈ તો ધનિયો લઈ ગ્યો—'

‘શું કામ ? શું કામ લઈ ગ્યો ?’

ઊજમ પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો તેથી એ મૂંગી રહી.

‘કાબરીના વાછડાને શું કામે ચોરી ગ્યા ? પાંજરાપોળે મેલવા કે પછી ખાટકીવાડે વેચી નાખવા લઈ ગ્યા છે ?‘

ઊજમે કહ્યું: ‘વાછડું તો મરેલું જ આવ્યું’તું. ધનિયો લઈ ગ્યો ઈ તો એનું મુંઢકણું હતું.’

‘મને ઊઠાં ભણાવીશ, ભાભી ?’

સંતુએ કહ્યું : ‘જીવતું વાછડું ક્યાંય સંતાડી દીધું ને ઈને ઠેકાણે મુંઢકણું મેલી દીધું ને ! હું હંધુ ય સમજું છું—’

અને સંતુ કાબરીની વાતમાંથી એકાએક પોતાની ફરિયાદ પર ઊતરી પડી.

‘બોલ્ય, ક્યાં સંતાડ્યું છે મારું છોકરું ? બોલ્ય, ક્યાં મેલ્યું છે ? પટારામાં ? મજૂહમાં ? કોઠીમાં ? મેડા માથે ?’

અને પછી તો સંતુ પોતે જ ઊભી થઈ થઈને બધે ખાંખાખોળા કરવા લાગી, ઘરનો ખૂણેખૂણો ફેંદવા લાગી.

ફરતે ફરતે, ઘરમાંથી નીકળીને ફળિયામાં ને ફળિયામાંથી નીકળીને શેરી સુધી તેની શોધખોળ આગળ વધી.

ઓઘડની જેમ સંતુ પણ ધીમે ધીમે ગામના ઉકરડા ફેંદવા ​ લાગી. ઓઘડ ભૂવો પીધેલી બીડીનાં ઠૂંઠાં માટે ઉકરડા ફેંદતો, સંતુ પોતાના બાળકની શોધમાં ઉકરડે ભમવા લાગી.

સંતુના મનમાં સજ્જડ વહેમ ઘૂસી ગયો હતો : મારા ઉપર કલંકારોપણ થયું હોવાથી મારા બાળકને ઈરાદાપૂર્વક છીનવી લેવામાં આવ્યું છે, લોકાપવાદની બીકથી એને ક્યાંક આઘું પાછું કરી દેવામાં આવ્યું છે. એ બાળકનું આગમન ઘરમાં તેમ જ ગામમાં અણગમતું હતું, તેથી એને અદૃશ્ય કરી દેવામાં આવ્યું છે.

‘એલી તેં મારું છોકરું ક્યાંય ભાળ્યું ?’ પડોશણોને એ પૂછતી. અને પડોશણો સંતુના ગાંડપણ પર હસી પડતી, ત્યારે સંતુના મનમાં ઘોળાઈ રહેલો વહેમ વધારે ઘેરો બનતો.

રસ્તામાં કોઈ માતાની કાખમાં બાળકને જોતાં જ સંતુ પોકારી ઊઠતી :

‘લાવ્ય એવી મારું છોકરું ! તું જ ચોરી ગઈ છે. દઈ દે પાછું મારું છોકરું !’

માતાઓ આવા ગાંડ૫ણને ગણકારતી નહિ. ‘બચાડીને માથે રથ ફરી ગ્યા છે, એટલે આમ બોલબોલ કર્યા કરે છે—’

પણ બધાં જ ગામલોકો આવાં દિલસોજ નહોતાં. કેટલાંક ટીખળીઓ તો સંતુને પજવતાં પણ ખરાં : ‘સંતુ ! આ લે તારું છોકરું—’

‘ક્યાં છે ? ક્યાં છે ?’

‘જો રિયું સામે ઓલ્યા ગોખલામાં !’

‘લાવ્ય ઝટ, લાવ્ય, મારે સતીમાને છત્તર ચડાવવું છે.’ સંતુ ભોળા ભાવે કહેતી, ‘મેં કે’દુની માનતા માની રાખી છે. જુસ્બો ઘાંચી છત્તર ચડાવી ગ્યો, તે’દુની મેં ય માનતા માની છે. જુસ્બાના છોકરાની ઘોડ્યે હું ય એને સતીમાને થાનકે પગે લગાડીને છત્તર ચડાવીશ. દેખાડ્ય ઝટ, ક્યાં છે ?—’

‘જો બેઠું’, ઓલ્યા જાળિયામાં !.... તું ગઈ એટલે સંતાઈ ગ્યું ​...જો, પાછું ઓલીપાથી નીકળ્યું !... ધોડ્ય ધોડ્ય ઝટ, નીકર વળી પાછું વયું જાશે... જો પાછું સંતાણું એાણી કોર્ય... ઝાલ્ય, ઝાલ્ય ઝટ, નીકર વળી પાછું હાથમાંથી વયું જાશે વાજોવાજ...’

‘એલા, મને ટગવશ શું કામ ? દેખાડ્યની, ક્યાં છે મારું છોકરું ?’

‘ઈ તો છુ – ચકલી થઈને ઊડી ગ્યું !’

સંતુ દયામણે મોઢે પૂછી રહેતી :

‘શુ કામે ઊડી જાવા દીધું ?’

તોફાની છોકરાઓ સંતુની આ પજવણી કરતાં ત્યારે કોઈ મોટેરાંઓ એ તોફાનીઓને ટપારતાં :

‘એલાંવ, બચાડી દુખિયારીને વધારે દખ દિયો છો ? ખબરદાર એને કોઈએ વતાવી છે તો !’

અને પછી સંતુના ગાંડપણ અંગે દિલસોજી દાખવતાં :

‘અરે, બચાડીને માથે રથ ફરી ગ્યા !’

*