લીલુડી ધરતી - ૨/મારી આંખનાં રતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારી આંખનાં રતન

દિવસો સુધી આવાં અનુમાનો થતાં રહ્યાં, અર્થઘટાવ થતા રહ્યા, છતાં રઘાની આત્મહત્યાની આસપાસ ઘેરાઈ રહેલો ભેદ તો એવો ને એવો ઘેરો જ રહ્યો, એટલું નહિ, એ ભેદી ઘટનામાં વધારે ભેદ ઉમેરાતો રહ્યો.

બન્યું એવું કે અમથીના આગમન પછી થોડા જ દિવસમાં ભૂતેશ્વરની ધરમશાળામાં બહુરૂપીઓએ ઉતારો કર્યો. આમ તો હરસાલ ગુંદાસરમાં લણણી થઈ જાય ને ખળાં ભરાય ત્યારે બહુરૂપીઓ આવતા; આઠદસ દિવસ ધરમશાળામાં પડ્યાપાથર્યા રહેતા; રોજેરોજ નવા નવા વેશ કાઢીને ગામમાં ઘેરઘેર ફરતા અને લોકોનું મનોરંજન કરીને ખળાવાડમાંથી ‘કળ’ દીઠ અધમણ અધમણ અનાજ ઉઘરાવી પછી બીજે ગામ પડાવ નાખતા. પણ આ સાલ તો દુકાળિયા વરસમાં બહુરૂપી આવ્યા, તેથી લોકોને નવાઈ લાગી.

એક તો દુકાળ વરસમાં બહુરૂપી આવ્યા, ને રાબેતા પ્રમાણે બે આદમી આવવા જોઈએ એને બદલે ત્રણ આવ્યા. દુકાળમાં અધિક માસ જેવા ત્રણ યાચકો આવ્યા છે એ તો ઠીક, પણ પાછા કમોસમે આવ્યા. નપાણિયા વરસમાં ખેતર ખાલીખમ પડ્યાં હતાં અને લલણી થવાની કે ખળાં ભરાવાની કોઈ શક્યતા જ નહોતી ત્યારે માઠે વરસે આ વેશધારીઓ આવ્યા તેથી લોકોના અચંબાની અવધિ આવી રહી.

અચંબા જોડે થોડી શંકાકુશંકા તો ત્યારે ઊપજી, જ્યારે એ ​ સાલના બહુરૂપીઓ સાવ અજાણ્યા નીકળ્યા. આટલા વરસ જે જોડી આવતી એ તો લાંબા મહાવરાને લીધે ગામલોકોને પરિચિત થઈ ગઈ હતી. તેઓ ગમે તેવા અણધાર્યા વેશપલટા કરે તો પણ એમના હાવભાવ, બોલવાની લઢણ તથા લહેકા વડે જ લોકો એમને ઓળખી કાઢતાં, ને એમણે સર્જેલા સ્વાંગથી કોઈ ભરમાતાં–ભોળવાતાં નહિ. ત્યારે આ વેળા તો આવનારા માણસો ય નવા ને અજાણ્યા હોવાથી એમના ચહેરામહોરા વેશભૂષા, બોલચાલ, બધું જ લોકોને અપરિચિત લાગતું હતું.

તેથી જ તો આગમનને પહેલે જ દિવસે આ બહુરૂપીઓ ઘોડાં વેચનાર વણજારાનો વેશ પહેરીને ઊભી બજારે નીકળ્યા ત્યારે ઘણાખરા વેપારીઓ એમને સાચા વણજારા જ સમજી બેઠા. ભાણા ખોજાની હાટે તેઓ બેઠા, ભૂધર મેરાઈ સાથે વાતચીત કરી, અને એ બન્ને વેપારીઓને ગંધ સુદ્ધાં ન આવી શકે કે આ વેશધારીઓ છે. એમણે તો આ વણજારાઓને ઘોડાના સોદાગર જ માની લીધા.

‘આવા માઠા વરહમાં તો ઘરમાં ખાવા ધાન નથી, ને ઘોડાને નીરવાની ચંદીચણાના ય ધાંધિયા છે, એમાં ઘેર નવું ઘોડું તો કોણ બાંધશે ?’ ભૂધર મેરાઈએ ચિંતા વ્યક્ત કરી.

આવા ભોળાભટાક માણસો પ્રત્યે બહુરૂપી મૂછમાં હસતા હસતા દરબારની ડેલી તરફ વળ્યા.

‘ક્યાં ગયા દરબાર તખુભા ? ઊંચી તોખમના ઘોડાના ઘરાક ક્યાં ગયા ? અસલ અરબી ઓલાદ... મખમલ જેવી રૂંવાટીવાળી પવનવેગીના પલાણનાર ક્યાં ગયા ?’

‘દરબાર તો કે’દુના મંડવાડમાં ખાટલે છે—’ ઠકરાણાંએ જવાબ આપ્યો. પણ એમને ગંધ સરખી ન આવી કે આ તો બહુરૂપી છે.

વણજારાઓ દરબારના મંદવાડના સમાચાર સાંભળીને જાણે કે સગો બાપ મરવા પડ્યો હોય એવો ખરખરો, ને ઝીણી–મોટી અનેક પૂછગાછ કર્યા પછી માંડમાંડ ડેલીની બહાર નીકળ્યા. ​ વળતે દિવસે કાશીથી વેદ ભણીને આવેલા પંડિતનો વેશ કાઢ્યો. ગુંદાસરની સાંકડી બજારમાં શિખાધારી ત્રણ શાસ્ત્રજ્ઞો ગીર્વાણગિરાની અસ્ખલિત ધારા વહાવી રહ્યા. અભણ ખેડૂતો સમક્ષ તો આ ભેંશ આગળ ભાગવત જેવો ઘાટ થઈ ગયો, છતાં ભોળુડાં ગામલોકોને કલ્પના પણ ન આવી કે આ સાચા પંડિતો નહિ પણ બહુરૂપી છે. ખેડૂતોએ તો માત્ર આટલી જ ટકોર કરી : ‘આ માઠા વરહમાં કાશીમાં ય દાણાનો દકાળ હશે તી આવા વેદવાનને ઠેઠ આયાંકણે માગવા આવવું પડ્યું—’

ત્રીજે દિવસે ત્રણ ફકીરો હાથમાં ભિક્ષાપાત્ર લઈને ‘દે ઉસકા ભલા, ન દે ઉસકા ભી ભલા !’ કરતા ઊભી બજારે નીકળ્યા ત્યારે લોકોને વહેમ ગયો કે રોજ ઊઠી ઊઠીને ત્રિપુટીમાં જ નીકળતી આ વ્યક્તિઓમાં કશોક ભેદ છે. જમાનાના ખાધેલા ઓઘડભાભાએ ઈશારો કર્યો કે આ સાચા ફકીર નથી, ત્યારે લોકોને શંકા ગઈ કે રખેને આ બહુરૂપી હોય !

‘સાંઈ ! જુસ્બા ઘાંચીને ઘેરે જાવ, સાંઈ !’ કોઈએ વેશધારીઓની મજાક કરી.

અને ત્યારે જ બહુરૂપીઓ પણ મનમાં મલકી ઊઠ્યા : ‘આખરે આપણને ઓળખનાર નીકળ્યાં ખરા !’

બહુરૂપીઓ એાળખાયા ખરા પણ અપરિચિત લાગવાથી લોકો એમાંથી કશું મનોરંજન મેળવવાને બદલે એમનાથી ભડકતા જ ૨હ્યા.

‘આ વરહોવરહ આવે છે ઈ માંયલા નથી લાગતા—’

‘એની સિકલ જ કહી દિયે છે કે આ કો’ક પરદેશી છે.’

‘પરદેશી બહુરૂપીને આપણે શું કામે લાગો આપવો ? આનાં મોઢાં ભરશું તો ય ઓલ્યા કાયમવાળા તો આવીને ઊભા જ રે’શે, ને એને તો ના ય નહિ કે’વાય.’ ​ ‘આને આપશું ઈ હંધું ય આટાલૂણમાં જાશે, ને ઓલ્યા બાંધ્યા બવરૂપીનો ભાર તો માથે ઊભો ને ઊભો રે’શે.’

આમ આ ‘પરદેશી’ બહુરૂપીઓને રાતું કાવડિયું ય પરખાવવાની લોકોની અનિચ્છાને લીધે કહો, કે પછી બીજા કોઈક ભેદી કારણને લીધે કહો, પણ આ આગંતુકો પૂરા એક અઠવાડિયા સુધી ગામમાંથી ખસ્યા જ નહિ. એમણે તો નિત–નવતર વેશ કાઢવા માંડ્યા. આજે સરાણિયા બનીને નીકળ્યા છે તો કાલે ગોડબજાણિયાનો વેશ લીધો છે; એક દિવસ શરાફ મહાજન બનીને ગામમાં લાખ લાખની શરાફી હુંડીઓ વટાવવા નીકળ્યા, તો બીજે દિવસ લૂલાલંગડા ભિખારીના સ્વાંગ સજીને લોકોને વિમાસણમાં નાખી દીધા. ખુદ ગુંદાસરના જીવનમાં જ હમણાં ખેલાઈ રહેલી વિવર્તલીલાનું આ સ્થૂલ પ્રતીક જોઈને પ્રેક્ષકોને રમૂજ થતી, પણ આ યાચકોને એમનો લાગો ચૂકવી આપવાનું કોઈને મન નહોતું થતું. સહુના દિલમાં એક ઊડી શંકા ઘર ઘાલીને બેઠી હતી : આ સાચેસાચ બહુરૂપી હશે કે પછી બીજા કોઈ ?

આખરે ભવાનદાને થયું કે આ ગરીબ યાચકોને આમ આઠ આઠ દિવસ સુધી ટટળાવવામાં તો ગામના મુખી તરીકે મારી જ આબરૂ જાય છે, તેથી એમણે પંચાઉ ફાળો શરૂ કર્યો. માઠા વરસમાં લોકો એક કાવડિયું ય ભરવા તૈયાર નહોતાં, એમને મુખીએ માંડ કરીને સમજાવ્યા.

‘મેલડી કોપી તંયે કેમ સહુ સવા સવા પવાલું કુલેર જારવા ગ્યાં’તાં ? આ પણ મેલડીનો જ કોપ ગણી લ્યો, ને ઘરદીઠ અડધો અડધો ભરી દિયો, એટલે ગામમાંથી બલા ટળે.’

દેશીને બદલે આ પરદેશી બહુરૂપીની ગામમાં હાજરીથી જ લોકો એટલા તો ગભરાઈ ગયા હતા કે આઠ આઠ આના ભરીનેય છેડોછૂટકો થતો હોય તો તેમ કરવા તૈયાર થયા.

ચીલરની ખાસ્સી મોટી કોથળી ભરીને ભવાનદા ભૂતેશ્વરની ​ જગ્યામાં ગયા ને આ વિલક્ષણ અભ્યાગતોને સાદર ભેટ ધરીને ગામમાંથી વિદાય થવાને વિનવ્યા.

પણ આ અજાણ્યા બહુરૂપીની હાજરીથી ગભરાઈ ગયેલા લોકો એમની વિદાય પછી તો વિશેષ ગભરામણ અનુભવી રહ્યા.

‘એલા, ઈ તણ્યે ય મૂર્તિ હતી તો બહુરૂપીની જ કે પછે બીજા કોઈની ?’

‘બીજા કોઈની ? બીજા કોઈની એટલે કોની ?’

‘કિયે છ ઈ તો બહુરૂપીના વેશમાં છૂપી પોલિસના માણહ હતા. સાચી વાત ?’

‘છૂપી પોલિસ ? આપણા ગામમાં કિયો મોટો દલ્લો દાટ્યો છે કે છૂપી પોલિસે ફેરો ખાવો પડે ?’

‘ઈ તો ઈ પોલિસવાળા પંડ્યે જ જાણે, આપણને શું ખબર્ય ? પણ કિયે છ કે વણજારાનો વેશ કાઢીને ઘોડાં વેચવાને બહાને ઠેઠ તખુભા બાપુની ડેલીએ જઈ આવ્યા’તા, ને દરબાર ક્યાં ગ્યા, શું મંદવાડ છે, કેટલાં વરહનો મંદવાડ છે, શું દવાદારૂ કરો છે, કે’દી આરામ થશે ? એવી એવી તો હજાર વાત પૂછી પૂછીને ઠકરાણાંનો તો ઠૈડ કાઢી ગ્યા—’

‘બહુરૂપીનો તો સભાવ જ વાતુડિયો ગણાય. નવરા બેઠા વાતું ન કરે તો બીજું કરે ય શું ?’

‘પણ આ તો ગામમાં રિયા, એટલા દી રોજ ઊઠીને અમથીને ઘેર આંટો મારતા. એવડા ગલઢા આખા ભાયડાવે ઊઠીને ઓલ્યું દલ્લી–મુંબીવાળું સિનેમા ય જોતા, અલકમલકની વાતું કરતા. રઘાબાપા કેમ કરીને દેવ થ્યા, એને શું દખ હતું, તમારી ને રઘાની કેદુકની ઓળખાણ, આ છોકરો આટલાં વરહ કોને ઘેરે ઊછર્યો, તમે આટલાં વરહ ક્યાં હતાં, એવું એવું પૂછી ગ્યા—’

‘તો તો હવે અમથીના જ કોક ઓળખીતા કે નાતીલા—’

‘મને તો આમાં કાંઈક વે’મ જેવું લાગે છે. આ બહુરૂપી ​ ભાંડભવાયા જેવા મુદ્દલ નો’તા લાગતા—’

‘બહુરૂપીનાં તો રૂપ જ અપરંપાર. ઈને ભાંડભવાયા જેવું દેખાવું કેમ કરીને પોહાય ?’

‘પણ તો પછી ઈ અજાણ્યા માણહ પોતાનાં કાયમનાં કળ મેલીને આપણા ગામમાં શું કામે ને માગવા આવ્યા ?’

‘એને ય બચાવડાને ભગવાને પેટ આપ્યાં છે ને ! આવા માઠા વરહમાં બે કળ વધારે માંગવાં પડે—’

‘પણ લાણી કે ખળાં થ્યાં મોર્ય ?’

‘ભઈ! કોઠીએ બાજરો વહેલેરો ખૂટ્યો હશે એટલે નીકળી પડ્યા હશે.’

પણ આમાંનો એકે ય ખુલાસો લોકોને ગળે નહોતો ઊતરતો. દિવસે દિવસે શંકાઓ વધારે ઘેરી બનવા લાગી. બહુરૂપીઓના ભેદી આગમને એવો ભય ઊભો કર્યો હતો કે એની સમક્ષ મેલડીના કોપનો ભય તો કશી વિસાતમાં ન રહ્યો. જીવા ખવાસે ગામની પાણિયારીઓને લીલી ઝંડી બતાવી દીધા પછી સહુ ગૃહિણીઓએ મંતરેલ પૂતળાંવાળા પિયાવામાંથી પણ ચૂપચાપ પાણી ભરવા માંડ્યાં હતાં. સંતુને ગામમાંથી હાંકી કાઢવાના તો હવે નથુકાકાના કે અજવાળીકાકીના ય હોશ નહોતા રહ્યા. રઘાએ હાથે કરીને વહોરેલી આત્મહત્યાથી સમજુબાને મહાસુખ થઈ ગયું હતું, અને ટાઢે પાણીએ ખસ ગઈ એવો આત્મસંતોષ તેઓ અનુભવતાં હતાં, ત્યારે બીજી બાજુ અમથીના અણધાર્યા આગમનથી ઠકરાણાંની ઊંઘ ઊડી ગઈ હતી. અને એમાં ય એક દિવસ અમથીએ ઊભી બજારે ગામની ગત પચીસીના સમાચાર પૂછતાં પૂછતાં માર્મિક પ્રશ્ન પૂછ્યો : ‘ક્યાં ગ્યો મારો શાદુળ ?’ ત્યારે તો એ પ્રશ્નમાંના ‘મારો’ શબ્દે સહુને ચોંકાવી મૂકેલા. એ વાતની જાણ થયા પછી તો સમજુબાની અસ્વસ્થતા અનેકગણી વધી ગઈ હતી.

એક દિવસ અંતરની વેદના અસહ્ય બનતાં ઠકરાણાંએ ​ અશરણશરણ સમા જીવા ખવાસને તેડાવ્યો ને પોતાની લાક્ષણિક શૈલીમાં હુકમ કર્યો :

‘શાદૂળને ‘મારો’ કેનારી ઈ કભારજાનો કાંટો કેમે ય કરીને કાઢ્ય !’

‘ન નીકળે, બા ! કેમે ય કરીને ન નીકળે—’

‘કારણ કાંઈ ?’

‘અટાણે આપણી માથે સરકારની રાતી આંખ્ય થઈ છે. બાપુ દેવ થઈ ગ્યા છે, ને બાપુને સાટે પંચાણભાભો મરી ગ્યાની વાત હાંકી છે, એવી સરકારી કોઠીમાં કો’કને ગંધ્ય આવી ગઈ લાગે છે.’

‘સાચે જ ?’

‘હા. ઓલ્યા બહુરૂપી આંયકણે ડેલીએ ઘોડા વેચવા આવ્યા’તા એમાં કાંઈક ભેદ જેવું લાગે છે.’

‘મૂવા મારાં પિયરિયાંનાં સગલાં હોય એવા વહાલા થઈ થઈને હંધુ ય પૂછતા’તા તો ખરા !’

‘ક્યે છ કે ઈ તણ્ય જણામાં એક તો એજન્સીની કોઠીનો મોટો અમલદાર હતો—’

‘મરે રે મૂવો ! આપણાં ગામમાં શું કામે આવ્યો’તો ?’

‘ઈ નીકળ્યો તો છે ખોટા રૂપિયા પાડવાનું મિશીન પકડવા.’

સાંભળીને ઠકરાણાં ઝાંખાંઝપ પડી ગયાં. માંડ માંડ બોલી શક્યાં : ‘આપણી વાડીએ—’

‘વાડીઢાળા ઈ આવ્યા’તા તો ખરા, સાવ અજાણ્યા થઈને. પણ હું શું પાણીને ભૂ કહું એવો ભોળો થોડો છું ? એના આવ્યા મોર્યમાં જ મેં હંધાં ય મિશીન આઘાંપાછાં કરી નાખ્યાં’તાં—’

‘તો ઠીક.’

‘એને સગડ તો કાઢવો’તો સોનાનો—’

‘સોનું ?’ સમજુબા બોલી ઊઠ્યાં. ‘સાચું સોનું કે ઓલ્યું સલાયાવાળું ?’ ​‘સલાયાવાળું. કિયે છ કે આધન ને મસવાથી વહાણનાં વહાણ ભરીને સોનું ઊતર્યું છે ને હંધુંય અંતરધ્યાન થઈ ગ્યું છે.’ જીવાએ સમજાવ્યું. ‘એટલા સારુ તો આ બહુરૂપી એક દી ચોક્સીનો વેશ કાઢીને ને હાથમાં કસોટી લઈને નીકળ્યા’તા, બજાર કરતાં બે ટકા વધારે ભાવ બોલીને સોનું માગવા મંડ્યા—’

‘પછી કોઈએ વેચ્યું ખરું ?’

‘કોના ઘરમાં સોનાના ઢગલા પડ્યા હોય તી વેચવા કાઢે ?— આ દકાળ વરહમાં દાણાનાં તો ઠેકાણાં નથી, ન્યાં સોનાં ક્યાં ઠારી મેલ્યાં હોય ?’

‘પણ વેશ કાઢીને ગામમાં આવ્યા, તી કાંઈક વે’મ તો હશે જ ને કો’ક ઉપર ?’

‘ભગવાન જાણે, પણ આ અમથી કાંઈક કબાડું કરીને આવી હોય એમ લાગે છે.’

‘એને એકને વાંકે ગામ આખા ઉપર સરકારની નજર રિયે, એના કરતાં ઈ ડોહલીનો જ કાંટો કાઢ્યની !’

‘નીકળે એમ નથી. અમથી તો હવે જામોકામી થઈ ગઈ. એણે તો આવતાંવેંત ટીહા વાગડિયાની ગાય વેચાતી લઈ લીધી, ગીગા પટેલની ભેંસ લઈ લીધી ને આંગણે દુઝાણાંવઝાણાં બાંધ્યાં છે. કિયે છે કે મારો ગિરજો મા વિનાનો સાવ સૂકાઈ ગ્યો છ, તી એને દૂધ-ઘી ખવરાવીને તાજોમાજો કરવો છે.’

‘મારો ગિરજો !’ સમજુબાએ વ્યંગમાં ઉચ્ચાર કર્યો. ‘ને મારો શાદૂળ ! શાદૂળને ‘મારો’ કહેનારી ઈ કાળમુખીની જીભ કેમ કાપી લેતો નથી ?’

‘બા ! અટાણે આપણો સમો મોળો છે. ચારે ય કોર્યથી સાણસા ભીડાણા છે. અટાણે ઉફાંદ કરવાનું ટાણું નથી. હંધુય ખમી ખાવ; પછી દાવ આવ્યે સોગઠી મારશું—’

‘માંડણિયે કોરટમાં શાદૂળભાનું નામ લીધું છે ?' ઠકરાણાંએ ​બીજી ચિંતા વ્યક્ત કરી.

‘ના, એણે તો એમ કીધું કે દારૂના નશામાં ગોબરને શાદૂળ સમજીને મેં મારી નાખ્યો છે.’

‘દારૂના નશામાં ?’

‘હા. હમણાં મૂળગર બાવો એની જુબાની આપી આવ્યો—’

‘મૂળગરિયે શું કીધું ?’

‘એણે કબૂલ કર્યું કે વાડીના કૂવામાં ટેટો ફૂટ્યો ઈ મોર્ય માંડણિયો મારે ઘેર આવીને અડધા રૂપિયાનો દારૂ પી ગ્યો’તો.’

‘હવે ?’

‘હવે મૂળગરની જુબાની ઉપર માંડણિયો છૂટી જાશે એમ લાગે છે. દારૂના નશામાં ખૂન થઈ ગ્યું, એમ ગણાશે—’

સાંભળીને સમજુબાને વધારે ચિંતા થઈ. ‘માંડણિયો છૂટીને આવશે પછી તો સખણો રે’શે કે નહિ ? કે આવ્યા પછી ય શાદૂળભાનો ખેધો નંઈ મેલે ?’

જીવો કંઈ નજૂમી નહોતો કે ઠકરાણાંએ પૂછેલા આ નાજુક પ્રશ્ન અંગે ભવિષ્યની કશી આગાહી કરી શકે, કેમ કે, અમથીએ તો રઘાની માલિકીના મકાનમાં ગિરજાને લઈને સરેધાર રહેવા માંડ્યું, આંગણે દુઝાણું બાંધ્યું; અને ‘ગાયભેંસના રૂપિયા ક્યાંથી કાઢ્યા ?’ એવી લોકપૃચ્છાના જવાબમાં એણે ધડ દેતુકને સંભળાવી દીધું : ‘કાળા ચોર પાંહેથી રૂપિયા લઈ આવી છું. કાંઈ તમારે ઘેરે તો ખાતર પાડવા નથી આવી ને ?’

અમથી તો ગિરજાને લાલનપાલનથી ઉછેરતી રહી ને વારે વારે આડોસીપાડોસીને મોઢે બોલતી રહી :

‘મારી આંખનાં બે રતન : એક આ મારો ગિરજો, ને બીજો મારો શાદૂળ.’

*