લોકમાન્ય વાર્તાઓ/અસલ એનેમલની કીટલી
આજે તો હવે મેરવદર ગામનો કીરપો ગોર, એની અફલાતૂન હોટલ તેમ જ પ્રદર્શનમાં મૂકવાને પાત્ર એવી એની એનેમલની ઐતિહાસિક કીટલી, બધું જ કાળે કરીને ભુલાઈ ગયું છે – કાળ ગયા પછીની કહેણી પૂરતું પણ કોઈ એને યાદ નથી કરતું – પણ મેરવદર ગામની ઉત્ક્રાંતિનો ભવિષ્યમાં ઇતિહાસ લખાશે તો તવારીખના થર ઉખેડીને આ ત્રણેય પાત્રોની સવિસ્તર નોંધ લેવી જ પડશે એમાં શંકા નથી. આપણે પણ તવારીખનાં પાનાં એકેક કરીને નહીં પણ એકસામટી થપ્પી જ ફેરવી નાખીને મેરવદરના જીવનરંગ ઉપર નજર કરશું તો જ આ વાર્તાની પશ્ચાદ્ભૂ યથાતથ્ય સમજી શકું. (વચ્ચે એક આડવાત તરીકે ઉમેરી દઉં કે આ સંશોધનમાં ઇતિહાસનું જે તત્ત્વ આવે છે એ તો હિંદુસ્તાન જેવા રૂઢિગ્રસ્ત દેશમાં ચાના પીણાનો ફેલાવો શી રીતે થયેલો એનો ‘ટી સેસ કમિટી ઑફ ઇન્ડિયા’ જેવી સંસ્થાએ ઇતિહાસ લખવો હોય તો એમાંય આધારભૂત સામગ્રી પૂરી પાડે એવું છે.) એ જમાનામાં ભારતનાં જે સાત લાખ ગામડાં કહેવાય છે, એમાં ચા જેવી ચીજને કોઈ ઓળખતું નહોતું. શહેરોમાં પણ સાહેબલોકો અને ગણ્યાગાંઠ્યા શિક્ષિતો ચા પીતાં શીખ્યા હતા. ચા એક રોજિંદા પીણા તરીકે નહીં પણ સાજેમાંદે એક પ્રકારની દવા તરીકે જ હજી જાણીતી હતી. કિવનાઇન – એટલે કે કોયદાનની ગોળી અને કડવા કરિયાતા કરતાં એ પીણું વધારે લોકપ્રિયતા – સ્વાદની દૃષ્ટિએ પણ – પ્રાપ્ત કરી શક્યું નહોતું. ટાઢિયા કે તરિયા તાવના કેસમાં દાક્તરો રોટલો ખાવાની મનાઈ ફરમાવીને કોઈ કોઈ વાર ચા પીવાની ભલામણ કરતા ત્યારે દરદીઓ ગાંધીના હાટે આ ‘ભૂકી’ની તલાશ કરવા નીકળતા. અને પછી પણ જેમતેમ ઉકાળેલું એ પીણું અનેક માણસોને ગળેથી તો પાછું વળતું. કોઈ ઊબકા-ઊલટી પણ કરી નાખતા, કોઈનાં માથાં ભારે થઈ જતાં, ફેર આવતા, કોઈને ઘેનની અસર પણ જણાતી. ચા બાબતમાં શહેરોમાં પણ આવી સ્થિતિ પ્રવર્તી રહી હતી, ત્યારે મેરવદર જેવા ગામડાની તો વાત જ શી કરવી! આવા સંજોગોમાં કીરપા ગોરે મેરવદર ગામમાં ચાની હોટલ નાખી! ‘હોટલ’ તો કહેતાં કહેવાઈ ગયું, બાકી વાસ્તવમાં તો એ રાંધણિયું જ હતું. કીરપો મૂળરથી જ સાવ અભણ; અને વિદ્યાવ્યાસંગ પણ મળે નહીં એટલે યજમાનવૃત્તિ કરવા જેટલું પ્રાથમિક શાસ્ત્રજ્ઞાન પણ એ પ્રાપ્ત કરી શક્યો નહોતો. યજમાન પાસેથી શ્રાદ્ધ પ્રસંગનું સીધું સ્વીકારવા માટે આવશ્યક ‘હાથજોડ’ કરાવતાં પણ એને આવડતું નહોતું. લોકો ફરિયાદ કરતા કે કીરપો હાથજોડ કરાવતી વેળા ‘સ્વસ્તિના ઇંદ્રોના સ્થળે ‘મિદડાં’ને યાદ કરે છે. તેથી જ તો કૃપાશંકર જેવું સોહામણ નામ ધરાવનાર આ બ્રાહ્મણપુત્રને ગામલોકો ‘કીરપા’ના તોછડા નામે જ સંબોધતા ને! સદ્ભાગ્યે શ્રીમાન કૃપાશંકરે પોતે જ વેળાસર ચેતી જઈને ભિક્ષાવૃત્તિ છોડી દીધેલી અને ‘ઇંદ્રો’ જેવા અઘરા શબ્દના અપમાનજનક ઉચ્ચારના ત્રાસથી પોતાના યજમાનોને ઉગારી લીધેલા. પોતાની શક્તિઓની મર્યાદા સમજીને એણે કપાસના એક વેપારીના વાણોતર તરીકે કામ કરવા માંડેલું. એવામાં દુકાનને જ કામે એક વાર એને શહેરમાં જવાનું થયેલું. ચાનો સ્વાદ ક્યાંથી ચાખી આવ્યો કે એની બનાવટની રીત કોની પાસેથી શીખી લાવ્યો એ તો કીરપો પોતે જ – અને કદાચ એની ગોરાણી – જાણે. પણ ગામમાં આવીને એણે ચારપાંચ ભાઈબંધોને પોતાની ઓસરીમાં ચા પીવા નોંતરેલા. ભાઈબંધોએ આ નવા પાણીના સ્વાદને ‘અફલાતૂન!’ કહીને નવાજેલો અને એમાંથી જ ધીમે ધીમે ‘અફલાતૂન હોટલ’ અસ્તિત્વમાં આવેલી. આરંભમાં તો આ હોટલ માત્ર પાર્ટટાઇમ – વહેલી સવારે અને રાતે – જ કામ કરતી. વચ્ચે દિવસ આખો તો કીરપો પેલા વેપારીને ત્યાં કપાસ જોખવામાં રોકાતો. પણ પછી રફતે રફતે ઘરાકી જામતી ગઈ અને હોટલની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ કીરપો નોકરીએ જવામાં મોડો અને સાંજે છૂટી આવવામાં વહેલો થવા માંડ્યો; કેમ કે એને સમજાઈ ચૂક્યું હતું કે શેઠની નોકરી કરતાં આ કીટલી ઉકાળવામાં વધારે કમાણી થાય છે. પરિણામે એ ધીમે ધીમે પેઢીના કામમાં બેતમા બનવા લાગ્યો. ગામલોકોને આ નવા પીણાનો એવો તો ચસકો લાગ્યો કે કોઈ ગારાડીઓ તો બપોરે પણ કપાસ જોખવાની વખારમાં જઈ પહોંચતા અને કીરપાને વીનવતા કે ઘેરે આવીને એકાદ ‘કોપ’ ઉકાળી આપો ને! કૃપાશંકર પણ રોજેરોજ વધતા જતા ગ્રાહકોને પહોંચી વળવા આ નોકરીની પળોજણ છોડી દેવાનો વિચાર કરતો હતો એવામાં શેઠે પોતે જ વાણોતરના રંગઢેગ જોઈને એને રજા આપી દીધી. હવે કીરપાગોરની હોટલ ફૂલટાઇમ કામ કરતી થઈ ગઈ. પોતે નોકરીમાંથી છૂટો થયો એ બદલ કીરપાને જરા પણ અફસોસ નહોતો. ચાના ઉકાળામાં કસ જણાતાં એ તો નોકરીને ધિક્કારતો થઈ ગયેલો. ‘નોકરી એટલે નો-કરી…જાણે કાંઈ કર્યું જ નથી.’ કીરપાને પોતાને સ્વભાવને અનુરૂપ જ કામ મળી ગયું હતું. હોટલના બિઝનેસમાં એને યજમાનવૃત્તિ માટેના આવશ્યક શાસ્ત્રજ્ઞાનની પણ જરૂર નહોતી. જરૂર હતી માત્ર મીઠી જીભની અને એ જીભથીય અદકા મીઠા એવા મિષ્ટમાદક પીણાની. આ બન્ને સામગ્રીઓ પૂરતા પ્રમાણમાં મોજૂદ હોવાને પરિણામે કૃપાશંકરની અફલાતૂન હોટલ ગામલોકો માટે સાચા અર્થમાં અફલાતૂન – આદર્શ – બની ગઈ. તરવાડીના ફળિયામાંનું કૃપાશંકરનું બાપદાદાની વારીનું ખોરડું હતું તો જુનવાણી ને અંધારિયું પણ એમાં એક સરસ સગવડ હતી. સાંકડા બુગદા જેવા ઘરમાં આંગણેથી અંદર જતાં પ્રથમ તો ઓસરી, પછી બેઠક, પછી કોઠારિયું, પછી રાંધણિયું અને છેલ્લે છાણાં-લાકડાં ભરવાનો ઓરડો આવતો. રેલવેના ‘થ્રૂ’ ડબાની બોગી જેવા આ સ્થાપત્યના છેલ્લા કમ્પાર્ટમેન્ટ છાણાં-લાકડાંના ઓરડામાં એક ખાસ સગવડ એ હતી, કે એ ઓરડાનું બારણું ભરબજારમાં પડતું. કદાચ તેથી જ કૃપાશંકરના વડવાઓએ કુલીન વહુદીકરીઓની લાજમર્યાદા જાળવવા બજારનાં આ બારણાંને પેઢીઓ થયાં ભોગળો ભીડી રાખેલી અને એ ઓરડાને પણ બળતણની વખાર બનાવી દીધેલી. પણ ત્રણ ત્રણ વેદોના પાઠ કરનાર એ પ્રતાપી તરવાડીઓના પ્રગતિશીલ કુલદીપક કૃપાશંકરે તો દાયકાઓથી બંધ રહેલાં આ બારણાં ઉઘાડી નાખ્યાં એટલું જ નહીં, એનાં જોડ-કમાડ જ સંચોડા નરમાદામાંથી ઉતારી નાખ્યાં અને એ અઘોચરિયા ઓરડાને બજારની વચ્ચોવચ સરસ મોકા અને મોરવાળા આરામગૃહમાં ફેરવી નાખ્યો. જામતી જતી ઘરાકીમાં પહેલવહેલી બે પેટી ચા ખલાસ થઈ કે તરત એનાં ખાલી ખોખાં ઊંધાં વાળીને એના પર પેલું ઊતરેલું એક કમાડ ઢાળી દીધું અને માનવંતા ગ્રાહકો માટેનો કુશાદે બાંકડો બનાવી દીધો. બીજાં બે ખોખાં ખાલી થતાં – અને એમાંથી આવો જ બીજો બાંકડો બનતાં – પણ બહુ વાર ન લાગી. વધતી જતી ઘરાકી અને વધતી જતી કમાણીથી કૃપાશંકર ખુશખુશાલ હતો. અલબત્ત, ‘સિંગલ’ અરધિયા ચાના કપ – જેને માટે કીરપાએ શહેરી હોટલના અનુકરણમાં ‘કટિંગ’ જેવો ઇંગ્રેજી શબ્દ પ્રચલિત કરેલો – એની કિંમત તો રોકડી એક કાવડિયાની હતી છતાં કાંકરે કાંકરે પાળ બંધાય એમ આ કાવડિયે કાવડિયે કૃપાશંકરનો હડફો ભરચક્ક થઈ જતો. આ કમાણીમાંથી ધીમે ધીમે કૃપાશંકરે હોટલ માટેનું રાચરચીલું વધારવા માંડ્યું. આરંભમાં તો એ કાળાભઠ્ઠ પડી ગયેલ પિત્તળનાં અઘડઘટ્ટાં કપરકાબી વાપરતો અને ગ્રાહકો પણ ઉદારતાથી એને નિભાવી લેતા. પણ હવે એણે જર્મનસિલ્વરની એકસરખી જોડનો મોટો સેટ વસાવી લીધો. શહેરની હોટલોમાં વપરાતી કીટલીઓએ કૃપાશંકરને ભારે ઘેલું લગાડેલું. અને એમાંય પેલા ટીણિયા છોકરાઓ કપમાં ચા રેડતી વેળા જે અજબ છટાથી કીટલીને રમાડી જાણતા એ છટા તો કૃપાશંકર પર કામણ જ કરી ગયેલી. આ ગરીબ બ્રાહ્મણના જીવનમાં રોટલા ઘડનારી ઉપરાંતની બીજી કોઈ વસ્તુની રઢ હોય તો આ એનેમલની કીટલીની. કામિનીને તેમ જ કીટલીને બન્નેને કૃપાશંકરે સરખી જ તીવ્રતાથી ઝંખી હતી. જરાક હાથ પહોંચતો થયો કે તરત એ શહેરમાં દોડ્યો અને એક ખોજા વેપારીની ચીનીખાનાની દુકાનેથી એક ફાંકડી જોઈને વીસ- પચીસ કપ જેટલી ચા સમાય એવડી મોટા કદની મજબૂત, અસલ એનેમલની કીટલી ખરીદી લાવ્યો. જીવનની આ એક ઇપ્સિત વસ્તુની પ્રાપ્તિ થતાં પણ કૃપાશંકર ઊંડો પરિતોષ અનુભવી રહ્યો. ઘેરા વાદળી રંગનું એ નિર્જીવ વાસણ પણ કેમ જાણે કોઈ જીવતીજાગતી વ્યક્તિ હોય એમ કૃપાશંકર એકલો એકલો એની સામે અનિમિષ નજરે તાકી રહેતો. આ સ્થૂળ વસ્તુ પણ આ એકલવાયા માણસના રસજીવનનાં કોઇક વિચિત્ર પ્રકારના સૂક્ષ્મ તાણાવાણા વડે વણાઈ ગઈ. ઉત્કટ પ્રેમ હમેશાં કાલોઘેલો હોય છે એ વાતની પ્રતીતિ કૃપાશંકરના વર્તન પરથી થતી. કોઈ કોઈ વાર એ એકલો પડતાં આ ઘાટીલી કીટલીને પંપાળ્યા કરતો, એ કેમ જાણે કોઈ પાળેલું પ્રાણી હોય એમ સમજીને એની સાથે કાલી કાલી ભાષામાં વાતો કરતો અને અનેક જાતનાં ઘેલાં કાઢ્યા કરતો. કીટલીમાંથી કપમાં ચા રેડવાની જે ક્રિયાએ એને મુગ્ધ કરેલો એ ક્રિયાની છટા સાધ્ય કરવા એ એકલો એકલો ‘રિહર્સલ’ પણ કર્યા કરતો. કૃપાશંકરને ન્યાય કરવા ખાતર પણ કહેવું જોઈએ કે આ ક્રિયામાં એણે અસાધારણ કૌશલ પ્રાપ્ત કર્યું હતું. ગ્રાહકોની હાજરીમાં એક હાથમાં કપરકાબી રાખીને કીટલીવાળો બીજો હાથ ખાસ્સો ત્રણેક ફૂટ જેટલો – એક વાંભ જેટલો – ઊંચે લઈ જઈને એ ફણફણતી ચા રેડતો અને કપમાં ચોખ્ખા દૂધની ચાનાં ફીણ ઊભરાવા માંડતાં, પણ એમાંથી એક બુંદ પણ પ્યાલાની બહાર ન પડે એવી પાકી હથોટી એણે હાંસલ કરી લીધી હતી. પણ આવી રીતે કપ-કીટલીને એકબીજાથી શક્ય તેટલાં દૂર લઈ જઈને અદ્ધરથી પ્યાલામાંના પ્રવાહીને છટાપૂર્વક ફીણવતાં ફીણવતાં જ કોઈ કોઈ વાર કૃપાશંકરનો હાથ થંભી જતો. આવે પ્રસંગે એ દિવાસ્વપ્ન અનુભવતો. આવે પ્રસંગે કાં તો એના હાથમાંનો કપ છલકાઈ જતો અથવા તો સાવ અધૂરો રહી જતો. પેલી છટાયુક્ત ક્રિયા અટકી જતી. આખરે પીણાની તલપ લાગેલા ગ્રાહક તરફથી ‘લાવો, ગોર, કોપ, લાવો ઝટ,’ એવી યાદ અપાતી ત્યારે જ આ દુખિયો માણસ પોતાના દિવાસ્વપ્નમાંથી જાગતો. એ દિવાસ્વપ્ન હતું, જેને પોતે આ કીટલીના જેટલી જ ઉત્કટ પિપાસાથી ઝંખી રહ્યો હતો એ કામિનીનું – ભાવિ ઘરવાળીનું. પણ વિઘ્નસંતોષી નાતીલાઓ કૃપાશંકરનું સ્વપ્ન સિદ્ધ થવા દે એમ નહોતા. કૃપાશંકરે પોતાના બાપ શિવા ગોર પાછળ કારજ નહોતું કર્યું અને નાતીલાઓને જમાડ્યા નહોતા એ હકીકત હજી સુધી નાતીલાઓએ દાઢમાં રાખી હતી અને એની શિક્ષારૂપે આજ સુધી આ ગરીબ બ્રાહ્મણનું ઘર બંધાવા દીધું નહોતું. ખુદાની લાકડીની જેમ આ ભૂદેવોની અદીઠ લાકડીને પણ અવાજ નહોતો; છતા એ લાકડી મૂક સેવકની જેમ મૂગે મૂગે પોતાનું કામ કર્યે જતી હતી અને કૃપાશંકરને કંકુઆળો થવા દેતી નહોતી. પોતે પૈસાપાત્ર નથી એ કારણે જ કન્યા નથી મળતી એમ સમજીને કૃપાશંકરે બમણા ઉત્સાહથી હોટેલનું સંચાલન કરવા માંડ્યું. એમાંથી એ પાંચ પૈસા બચાવી પણ શક્યો. જરા ત્રેવડ થતાં દૂરદૂરના એક ગામની બ્રાહ્મણકન્યા સાથે કૃપાશંકરનું વેવિશાળ ગોઠવાયું પણ ખરું, પણ તુરત સજાગ હિતૈષીઓ સળવળી ઊઠ્યા અને કૃપાશંકરના સસરાપક્ષ પર સવિસ્તર અહેવાલો મોકલી આપ્યા: ‘તમારો જમાઈ વટલેલ છે.’ ‘બ્રાહ્મણના આચારવિચાર છોડી દીધા છે.’ ‘વેદપાઠી થઈને ગામ વચ્ચે હોટલ ચલાવે છે ને મ્લેચ્છોને અડતાંય અભડાતો નથી.’ ‘ઢેઢા-ભંગિયાને પણ ચા પાતાં અચકાતો નથી. ખોળિયું વટલાવી માર્યું છે.’ વેદપાઠીઓએ પાઠવેલા અહેવાલો સાવ પાયા વિનાના નહોતા. કૃપાશંકરની હોટલમાં મુસલમાન પેટ્રનો પણ હતા. ઉપરાંત ગામમાં મતવા સંધી અને મુમણા શ્રમજીવીઓની વસ્તી હતી અને એ સૌને કૃપાશંકર હસતે મોંએ ચા પાતો. આ લોકો માટે ભાંગેલ ડાંડલી અને નાકાવાળા અલગ પ્યાલા હોટેલની બહાર ઓટલા પર જ ઊંધા વાળી રાખવામાં આવતા. સવારના પહોરમાં બજાર અને શેરીઓ વાળવા નીકળતા ઢેઢલોકો તો ગોરની હોટલનો ‘ડબલ કોપ’ ચડાવ્યા વિના હાથમાં સાવરણો જ લઈ શકતા નહીં. આ લોકો હોટલની સામે એક ખંડિયેર જેવા ઘોલકામાં સાવરણા-સૂંડલા અને સિગારેટનાં ખાલી ડબલાં લઈને ઉભડક પગે બેસતા અને કૃપાશંકર પેલી એનેમલની કીટલી લઈને ડબલામાં રાતીચોળ ચા રેડી આવતો. આટલા મુદ્દાઓ ઉપરથી નાતીલાઓએ આ વાંઢા માણસનું વાગ્દાન રદ કરાવી નાખ્યું. પણ કૃપાશંકર જરાય હતાશ ન થયો. એણે તો દ્વિગુણિત ઉત્સાહથી હોટલનું સંચાલન ચાલુ રાખ્યું અને ગર્વભેર જાહેર પણ કરી દીધું: ‘એ નૂગરાં નાતીલાંઓની આંખ સામે જ બાર વરસનીને લઈ આવીને ઘરમાં ન બેસાડું તો મૂછ મૂંડાવી નાખું.’ કૃપાશંકરે આપેલી આ ધમકી સાચી પડી. પોતે હોડ બકી ગયો હતો એ મુજબ મૂછ મૂંડાવવાની જરૂર ન પડી, બલકે મૂછે તાવ દેવાનું ટાણું આવ્યું. બન્યું એવું કે એક વહેલી સવારે અફલાતૂન હોટલના રોજિંદા પેટ્રનો ચા પીવા આવી ચડ્યા ત્યાં તો વરસોથી અભંગદ્વાર રહેતી આ હાટડીનાં બારણાં ભિડાયેલ જોયાં. વહેલી પરોઢમાં હોટલ ન ઊઘડી હોવાનો અફલાતૂનની તવારીખમાં આ પહેલો જ બનાવ હતો. બંધ બારણાં જોઈને ગ્રાહકો પહેલાં તો આ દૃશ્ય સાચું જ ન માની શક્યા. પછી કડકમીઠી માટેની જેમની તલપ વધી ગયેલી એવા લોકોએ ગોરબાપા હજી સૂતા હશે એમ સમજીને કમાડ ખખડાવવા માંડ્યાં. પણ અંદરથી કોઈએ હોંકારો ન દીધો ત્યારે ભૂદેવને નીંદર ચડી ગઈ હશે એમ ધારીને બારણાં જોશભેર ધબધબાવવા માંડ્યાં. છતાં પણ કોઈએ હોંકારો ન દીધો ત્યારે આખું ટોળું દુકાનના પછાવાડેનાં બારણાંની તપાસ કરવા તરવાડીની ખડકી તરફ વળ્યું. જઈને જુએ છે તો કૃપાશંકરગોરના ઘર ઉપર ખંભાતી તાળા-શંકર! ‘ગોરબાપા ગયા ક્યાં?’ પાડોશીઓમાં પૂછગાછ કરી પણ કોઈ કશું જાણતું હોય એમ લાગ્યું નહીં. લોકોના કુતૂહલનો પાર ન રહ્યો. કોઈને કીધાકારવ્યા વના, આવડા બહોળા ગ્રાહકવર્ગને ચા વિના રઝળાવીને ગોરબાપા ક્યાં ચાલ્યા ગયા? તે દિવસે દાડિયે જનાર કડિયા-મજૂર વગેરે દાડિયાં ચા વિના ટળવળ્યાં. શેરી વાળનારાઓને પણ આ કેફી પીણા વિના કામમાં ઉત્સાહ ન રહ્યો. બેત્રણ બાવાઓ અને એક ફકીરને તો ડબલ કોપ ચડાવ્યા વિના નસો તૂટવા લાગી એટલે એમનામાં તો હોટલથી એક ડગલું પણ આઘા ખસવાના હોશ ન રહ્યા. બીજે દિવસે સવારે પણ એ જ પરિસ્થિતિ ચાલુ રહી. ફકીર-ફૂકરા તો અધમૂવા થઈને આફલાતૂનનાં પગથિયાં પર લોથપથારીની પેઠે પડ્યા હતા. કારખાને જનાર કડિયા-મજૂર પણ કકળાટ કરતા હતા. બીજા ભદ્રવર્ગી બંધાણીઓ પણ હેરાનપરેશાન થઈ ગયા હતા. હોટલના બંધ બારણાંનું અને ખડકીએ ટિંગાતા તાળાશંકરનું રહસ્ય કોઈને સમજાતું નહોતું. ‘ગોર રાત્ય લઈને ભાગ્યો કે શું?’ ‘કોઈના ઘરમાં ઘામો તો નથી મારી ગયો ને?’ ‘કોઈની વહુ-દીકરીને ભગાડી ન ગયો હોય તો સારું. વાંઢા માણસનું ભલું પૂછવું!’ ગામલોકો આવાં અનુમાનો કરતા હતા એવામાં શહેરમાં કપાસનું સાટું કરવા ગયેલા એક વાણિયાએ આવીને સમાચાર આપ્યા કે કાલે કીરપા ગોરને મેં ખીજડિયે જંકશને ભજિયાં ખાતો જોયો’તો. ‘ભેગું કોઈ બાઈમાણહ હતું કે પંડ્યોપંડ્ય જ હતો?’ લોકોનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું. ગિધા મેરાઈએ જાહેર કર્યું કે, ‘બે દિવસ પહેલાં કીરપો અડધી રાત્યે મારા સંચા ઉપર ઊભીને રાતોરાત અસલ બોસ્કીનું નવું પહેરણ સિવડાવી ગયો છે ખરો!’ ‘કોકની જાનમાં જવાનું હશે!’ ‘અરે પહેલાં પોતાની જાન તો જોડે હજી, પછી પારકાની જાનમાં જાય!’ બીજો દિવસ પણ ગામલોકોએ આવાં અનેક અનુમાનો કરવામાં કાઢ્યો. ત્રીજે દિવસે હજી તો બગબગું માંડ થયું હશે, ત્યાં તો અફલાતૂનને ઓટલેથી કૃપાશંકરની બૂમ સંભળાઈ: ‘કડા…ક મીઠી! પીવી હોય એ આવી જાય ઝટ! આજે સૌને મોફત છે!’ મોડી રાતે ગામમાં દાખલ થયા પછી કીરપો ઊંઘ્યો નહોતો. પટેલને ડેલેથી અંતરિયાળ દૂધ દોવડાવીને એણે ચાનું તપેલું ચડાવી દીધું હતું. અસલ એનેમલની કીટલીમાંથી પહેલવહેલો કપ એણે પોતાની નવોઢા પત્નીને પ્રેમપૂર્વક પાયો. બીજો કપ પોતે પીધો અને બાકીની ચા ઓટલે પડેલા પેલા મડદાં જેવા થઈ ગયેલા ઓલિયાઓને પાઈ. ચાદેવીના આ અઠંગ ઉપાસકોના પેટમાં ફણફણતું પીણું જતાં જાણે મૃતસંજીવનીનું સિંચન થયું. એમણે રાબેતા મુજબ રોકડા પૈસા આપવા માંડ્યા, પણ ગોરે એનો સહર્ષ અસ્વીકાર કર્યો: ‘આજે સૌને મોફત!’ અને પછી ઓટા પર ઊભીને એણે કોઈ રાષ્ટ્રનાયક અતિ મહત્ત્વની જાહેરાત કરે એવી અદાથી ગામ આખાને ઇજન આપ્યું: ‘આવી જાવ! સૌને મોફત છે આજે.’ દિવસ ઊગતાં તો અફલાતૂનમાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી રહી. ઘણા આમંત્રિતોને તો રસ્તા પર ઊભા ઊભા જ ચા પીવી પડી. વરસોથી જેના ઉઘાડા ડિલ પર જનોઈના ત્રણ તાંતણા સિવાય કોઈ વસ્ત્ર દેખાયું જ નહોતું એ કૃપાશંકરે અત્યારે અસલ બોસ્કીનું પહેરણ પહેર્યું હતું. ઉત્સાહમાં આવીને એ ભલો જીવ અરધો અરધો થઈને સૌને ચા પીરસતો હતો. આમંત્રિતોને નવાઈ તો એ લાગતી હતી કે કીટલી ખાલી થતાં જ એ તુરત અંદર રાંધણિયામાં જઈને બીજી કીટલી ભરી લાવતો હતો. નવી ચા ઉકાળવા માટે એ એક ક્ષણ પણ અંદર રોકાતો નહોતો. કોઈકે પૂછ્યું પણ ખરું: ‘ચા ઉકાળતાં જરાય વાર કેમ નથી લાગતી હવે?’ ‘ચા ઉકાળનારી તારી કાકી આવી ગઈ છે હવે.’ કીરપાએ ગર્વભેર કહ્યું. ગોરને જાતે જન્મારે કૌમાર્યગ્રહ ઊતર્યો અને કપાળે કંકુ ચોંટ્યું એ જાણીને ગામલોકો રાજી થયા. પણ નાતીલા તરવાડીઓને તો બળતામાં ઘી હોમાયા જેવું થયું. એમણે અનેક વાતો ફેલાવવા માંડી: ‘કોને ખબર છે, ક્યાંથી ઉપાડી આવ્યો હશે?’ ‘બ્રાહ્મણનો વરણ તો નથી લાગતો – બાઈનો અણસાર જ કહી દિયે છે.’ ‘કોક અનાથાશ્રમમાંથી હાથ ઝાલી આવ્યો લાગે છે.’ ‘ભલો હશે તો તો કોઈ કોળી-વાઘરીમાંથી ઘરમાં બેસાડી હશે. મડાને વીજળીનો ભો નહીં એમ વટલેલને આભડછેટ શાની લાગે?’ કૃપાશંકરને આવી ટીકાઓની કશી પડી નહોતી. ઊલટો એ તો સામે ચાલીને કહેતો: ‘કોળી-વાઘરી શું, મેં તો ઝાંપડી ઘરમાં બેસાડી છે. જાવ, તમારાથી થાય એ કરી લેજો!’ પરિણામે ગોરાણી કઈ જ્ઞાતિનાં છે એ રહસ્ય છેવટ સુધી ગોપિત જ રહ્યું. કૃપાશંકરનું મન ભર્યું ભર્યું હતું. હવે તો એણે ત્રેવડા ઉત્સાહથી હોટલનું કામ કરવા માંડ્યું હતું અને ગલ્લાના ઇસ્કોતરામાં પડતી ટંકશાળ પણ ત્રેવડી થઈ ગઈ હતી, પરિણામે પરભુ સોનીની દુકાને કીરપાની બેઠકઊઠક વધવા માંડી. મહિનો બે મહિના થયા ન થયા ત્યાં તો એણે ગોરાણી માટે એકાદ નવો દાગીનો ઘડવા નાખ્યો જ હોય. આ મહિને મોહનમાળા તો બીજે મહિને મગમાળા. એક વાર કર્ણફૂલ તો બીજી વાર કડું. હોટલમાંથી થતી કમાણી એવી તો કસવાળી હતી કે જોતજોતામાં કૃપાશંકરે પત્નીને પગથી માથા સુધી સોને મઢી દીધી. આ અંગે પણ કોઈ કોઈ અદેખા જ્ઞાતિજનો ટીકા કરતા ત્યારે કૃપાશંકર એક જ કહેવત સંભળાવતો: ‘સકરમીનું સોની ખાય ને અકરમીનું વૈદ્ય ખાય.’ સકરમી કૃપાશંકરની આ સાહ્યબીની લોકોને અદેખાઈ ન આવે એવું બને? હોટલના ધંધામાં સારો કસ છે એમ સમજીને ‘અફલાતૂન’ની હરીફાઈમાં બીજી બે હોટલો શરૂ થઈ: એકનું નામ ‘અંબિકા વિજય’ને બીજીનું નામ ‘જય મહાકાળી.’ આ હરીફ હોટલોમાં ઠઠારો પણ જબરો હતો. ગોરની હોટલમાં ગ્રાહકોને બસેવા માટે હજી પણ પેલાં ખાલી ખોખાં પર ગોઠવેલાં કમાડ જ વપરાતાં હતાં ત્યારે આ નવી દુકાનોમાં ખાસ્સા નવાનકોર બાંકડા અને ટેબલ ગોઠવાયાં હતાં. આ ઉપરાંત મોટા મોટા અરીસા-તકતા, દેવદેવલાં અને ચીની સ્ત્રીઓની અર્ધ નગ્ન છબીઓ, કાચમાં મઢેલાં નીતિસૂત્રો વગેરેની સજાવટ તો હતી જ. છતાં એ સઘળી સજાવટો અફલાતૂનની ચાના સ્વાદ સાથે સરસાઈ કરી ન શકી. ગોરની હોટલના થોડા ગ્રાહકોએ નવી સજાવટવાળી હોટલોમાં થોડા દિવસ ચા પીધી ખરી, પણ તેઓ ફરી પાછા મૂળસ્થાને જ આવવા લાગ્યા. ગોરાણીના હાથની ચામાં કોણ જાણે કેવો સ્વાદ હતો કે ગ્રાહકોને એક વાર પીધા પછી બીજી હોટલની ચા ફિક્કી લાગતી. ગોરની હોટલની ચાનું રહસ્ય શું છે એ જાણવા ઘણા લોકો પ્રયત્ન કરતા પણ ફાવતા નહીં. ગ્રાહકો અનેક તર્કવિતર્ક કરતા: ‘એ તો ચા ભેગાં અફીણનાં ડોડવાં ઊકળે છે એનો અમલ નસેનસમાં ચડી જાય. પછી બીજા કોઈની ચા તો ગોળના ગળમાણા જેવી જ લાગે ને!’ અફલાતૂનની ચામાં અફીણનાં ડોડવાં ઊકળે છે કે બીજું કાંઈ એ તો એકલા કૃપાશંકર જ જાણતો. અને એ ચા બનાવટની ‘ફોર્મ્યુલા’ અંગે પણ એ અણુબોમ્બના રહસ્ય જેટલી ગુપ્તતા જાળવતો. બબ્બે બળુકા હરીફો સામે પણ પોતે ટકી રહેવા બદલ કૃપાશંકર ખુશખુશાલ હતો. એને રંજ માત્ર એક જ વાતનો હતો કે પોતે નિ:સંતાન હતો. કાલ સવારે મારી આંખ મિચાય તો ધમધોકાર ચાલતી હોટલના થડા ઉપર કોણ બેસે એની ચિંતા કૃપાશંકરને સતાવી રહી હતી. હોટલમાં જ રોજ પડ્યાપાથર્યા રહેનારા જતિ-જોગીઓ પાસેથી કૃપાશંકરે સંતાનસુખની પ્રાપ્તિ માટે અનેક દોરાધાગા ને જંતરમંતર કરાવી જોયેલા. બાધાઆખડી અને માનતાઓ, તેમ જ ગ્રહશાંતિથી માંડીને સૂટકાઓ સુધીના બધા જ પ્રયત્નો કરી છૂટેલો. પણ એમાં એને એકધારી નિષ્ફળતા જ સાંપડી રહી હતી. આખરે ‘મારા ભાગ્યમાં જ જણ્યાનું સુખ નહીં લખ્યું હોય’ એમ સમજીને મન વાળતો અને ફરી ગોરાણી માટે દાગીના ઘડાવવામાં પડી જતો. અફલાતૂનનો સિતારો ચડિયાતો હતો કેમ કે એની ઘરાકી બંધાઈ ગયેલી હતી. ગામના કેટલાક નવરા માણસો તો આ હોટલમાં પડ્યાપાથર્યા જ રહેતા. એમાં પસાયતો અભેસંગ, બીડી વાળનાર ભવાનગર બાવો, ગામમાં અચ્છા ‘ગાયનમાસ્તર’ તરીકેની નામના પ્રાપ્ત કરનાર હાર્મોનિયમવિશારદ શિવકુમાર, બે-ત્રણ બાપકમાઈ યુવાનો વગેરે હતા. એમાં વધુમાં વધુ લાંબી બેઠક તો ગામેતીના એક અલેલટપ્પુ જેવા છોકરા અલીમહમદની ચાલતી. અલીમહમદ વહેલી સવારમાં આવીને બાંકડે બેઠક જમાવતો અને કાચના પ્યાલામાં ઉધાર નાણે ચા પીધા જ કરતો. ગામેતીની લાજશરમે કૃપાશંકરે આ ઉડાઉ છોકરાનું ખાતું રાખ્યું હતું. એ ખાતામાં ઉધાર બાજુએ આંકડા પર આંકડા ચડતા જતા હતા અને જમા બાજુ હમેશાં સાવ કોરી જ રહેવા પામતી હતી. પણ ગામમાં ગામેતીની ધાક એવી હતી કે કૃપાશંકર એની શેહમાં દબાઈને કશું બોલી શકતો નહોતો. જુવાન અલીમહમદની કેટલીક વિચિત્ર વર્તણૂક અંગે પણ ગભરુ ગોરમહારાજ કશું બોલી શકતો નહીં. ઘણી વાર આ જુવાન મોડી રાત સુધી બેઠો રહેતો અને ફોનોગ્રાફમાંથી સાંભળેલાં ગીતો કર્કશ સ્વરે ગાંગર્યા કરતો. કોઈ વાર તો હોટલ બંધ કરવાનું ટાણું થઈ જાય છતાં અલીમહમદ ઊઠતો નહીં તેથી કૃપાશંકરને શિષ્ટાચાર ખાતર બેસી રહેવું પડતું. માથાભારે ગામેતીની શેહમાં દબાઈને ગોર બિચારો મનમાં ને મનમાં સમસમી રહેતો. આમ ને આમ વરસો સુધી ચાલ્યું. એ દરમિયાન હોટલની ઘરાકી વધતી ગઈ. ગોરાણીના અંગ પરનાં ઘરેણાં વધતાં ગયાં અને અલીમહમદના ખાતામાં ઉઘરાણી પણ વધતી ગઈ. રાષ્ટ્રની તવારીખમાં ઇતિહાસનું પુનરાવર્તન થાય એમ અફલાતૂનની તવારીખમાં પણ એક ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું. વરસો પહેલાં એક વહેલી પરોઢે હોટલનાં બારણાં બંધ રહ્યાં હતાં એમ ફરી એક વખત બંધ રહ્યાં. એ વખતે એક મંગળ પ્રસંગે બંધ રહ્યાં હતાં ત્યારે આ વખતે પ્રસંગ અમંગળ હતો. પહેલી વાર હોટલ બંધ રહેવાનું પરિણામ સુખદ આવ્યું હતું ત્યારે આ વેળા એનો અંજામ કરુણ – અતિ કરુણ – નિર્માયો હતો. બજારમાં પડતાં બારણાં બંધ ભાળીને રોજિંદા ગ્રાહકો પછવાડે તરવાડીની ખડકી તરફ ગયા. આ વખતે ખડકીને બારણે ખંભાતી નહોતું ટિંગાતું. ઉંબરામાં બેઠો બેઠો કૃપાશંકર પોક મૂકીને રડતો હતો. ‘ગઈ! ગઈ!’ રુદનનાં ડૂસકાંની વચ્ચે શબ્દો સંભળાતા હતા: ‘ગઈ ને મને બાવો કરતી ગઈ!’ ઘડીક વારમાં તો ગામ આખામાં વાત ફેલાઈ ગઈ કે કૃપાશંકરનાં ગોરાણી ભાગી ગયાં છે. આના અનુસંધાનમાં બીજી વાતની પણ જાણ થઈ ગઈ કે ગામેતીનો અલીમહમદ પણ ભાગી ગયો છે. ગોરાણી જતાં કૃપાંશંકરને ખરેખર ભભૂત ચોળવી પડે એવી સ્થિતિ આવી પડી; કેમ કે ગોરાણી બધાં જ ઘરેણાંગાંઠાં ને રોકડ સુદ્ધાં ઉસરડી ગયાં હતાં. થોડા દિવસ તો કૃપાશંકર ચિત્તભ્રમ જેવો જ રહ્યો. ગોરાણી ગયાં એની આગલી રાતે એણે અફલાતૂનના જે આગળિયા વાસેલા એ ઉઘાડ્યા જ નહીં. પરિણામે હરીફ હોટલમાલિકો રાજી થયા. ગોરની હોટલના બધા જ ગ્રાહકો ‘અંબિકા વિજય’ અને ‘જય મહાકાળી’માં ગોઠવાઈ ગયા, પણ કૃપાશંકરને ઘરવાળી ગયા પછી હવે ઘરાકીની પડી નહોતી. એ તો દિશાશૂન્ય થઈ ગયો હતો. જિંદગીભરની કરીકમાણી આમ ધૂળમાં મળી તેથી એનું મન અને હૃદય બંને ભાંગી ગયાં હતાં. તરવાડી ભૂદેવોને ટીકા કરવાનો સરસ મોકો મળી ગયો: ‘અમે તો પહેલેથી જ ભાખ્યું હતું કે એ નાતરિયાં વરણ ભામણના ઘરમાં પગ વાળીને બેસે જ નહીં. ગઈ તો ગઈ, પણ ઘરમાંથી ઉસરડોય કરતી ગઈ.’ કૃપાશંકરના કળકળતા જીવને એકાદ વરસે કાંઈક કળ વળી ત્યારે એના હાથમાંથી ધંધો ચાલ્યો ગયો હતો. હરીફો આ એક વરસ દરમિયાન પોતાની હોટલોમાં અનેક પ્રકારની સાજસજાવટ વડે એટલી તો પ્રગતિ કરી ગયા હતા કે હવે એમને પહોંચી વળવાનું કૃપાશંકર માટે શક્ય નહોતું, છતાં ઉદરનિર્વાહાર્થે કશુંક કર્યા વિના તો છૂટકો જ નહોતો. આ પાકી અવસ્થાએ હવે ક્યાંય નોકરી કરવા જવાનું તો બને એમ નહોતું, અને જિદંગી આખી ‘કડક…મીઠી’ ઉકાળ્યા પછી બીજો કોઈ ધંધો પણ સૂઝે એમ નહોતો. પણ આ ધંધો તો હરીફોએ એના હાથમાંથી ક્યારનો આંચકી લીધો હતો. એક દિવસ પોતાના ભગ્ન હૃદયના પ્રતિબિંબ સમી ભંગાર હોટલના બાંકડે સૂતાં સૂતાં કૃપાશંકરની નજર પેલી કીટલી પર પડી. તરત એના કલ્પનાશીલ માનસમાં એક વિચાર ઝબકી ગયો: હરીફો ભલે આલીશાન હોટલો ચલાવે. હું મારે છૂટી કીટલી ફેરવીશ. આ પાકટ અવસ્થાએ પણ કૃપાશંકરનો પુરુષાર્થ હજી હણાયો નહોતો. એણે નાનકડી બાલટીમાં સગડી બનાવીને આ કીટલી તળે બાંધી દીધી. વરસોના વપરાશ પછી પણ આ અસલ એનેમલનું વાસણ હજી એવું ને એવું સાબૂત હતું. અલબત્ત, એના માલિકના જર્જરિત દેહની જેમ આ કીટલીમાં પણ અહીં તહીં થોડા ટોચા પડ્યા હતા; ગોરના ચહેરા પર દેખાતા દુ:ખના દાઝોડાની જેમ કીટલીમાં પણ ક્યાંક ક્યાંક વાદળી વરખ ઊખડી જતાં કાળાં ચાઠાં દેખાતાં હતાં. પણ જિંદગીભર પરિતાપ વેઠ્યા પછી જેમ કૃપાશંકરની કાયા કઠણ બની હતી તેમ આ કીટલી પણ વરસો સુધી સગડીનો તપાટ ખમવા છતાં તળિયાનું ટકાઉપણું જાળવી રહી હતી. ‘કડા…ક ગરમ!’ કૃપાશંકર એક હાથમાં સગડી બાંધેલ કીટલી અને બીજા હાથમાં પાણીની બાલટીમાં ચાર જોડી કપરકાબી મૂકીને નીકળી પડ્યો. દુકાને દુકાને, ઘરે ઘરે, વાડીએ વાડીએ અને ખેતરે ખેતરે એ ફરવા લાગ્યો. હોટલવાળાઓના કરતાં કૃપાશંકરે ભાવ અડધા જ રાખેલા તેથી એને છૂટક ઘરાકી સારી મળવા લાગી. કેટલાક સમજુ માણસો તો આ ગરીબ બ્રાહ્મણને આર્થિક ટેકો આપવાના શુભાશયથી જ હોટલને બદલે આ કીટલીની ચા પીતાં. પણ અણસમજુ છોકરાં આ વૃદ્ધ પુરુષની વેદના સમજી શકતાં નહીં. તેથી ધીમે પગલે, ખોડંગાતી ચાલે ચાલતા કૃપાશંકરનો ‘કડાક ગરમ!’ અવાજ સાંભળીને સામી મશ્કરી કરતાં: ‘ટાંટિયા નરમ!’ પણ ટીખળપ્રિય ટાબરિયાંઓની આવી ક્રૂર હાંસી સાંભળીને કૃપાશંકર જરાય ક્રોધ ન કરતો, વરસો સુધી જિંદગીની તેમ જ હોટલની બેવડી ભઠ્ઠીના તાપ ઝીલીઝીલીને સહનશીલ – પણ હવે શૂન્ય – બની ગયેલી એની ઊંડી આંખો આ નવી પ્રજા પ્રત્યે અજબ આર્દ્રતાથી તાકી રહેતી. જાણે કે એમને શિખામણ ન આપતી હોય: ‘અમ વીતી, તમ વીતશે, ધીરાં બાપલિયાં.’ સાચી વાત હશે કે ખોટી એ તો ખબર નથી પણ લોકો કહેતા ખરા કે કૃપાશંકર આ કીટલી ફેરવીને જંઈ જંઈ સંચીને ફરી પાછો પરણવાના કોડ સેવે છે. એના હૃદયમાં ખરેખર ફરી કંકુઆળા થવાના કોડ હતા કે કેમ એ તો એકલો કૃપાશંકર – અને એનો અંતર્યામી – જાણે, પણ એવા કોઈ કોડ હોય તો પણ એ પૂરા થવા નિર્માયા નહીં હોય, કેમ કે પહેલા વિશ્વયુદ્ધ પછી જે દેશવ્યાપી મરકીનો રોગ વ્યાપ્યો એમાં કૃપાશંકરને પણ સાથળમાં ગાંઠ ફૂટેલી અને એ ફટાકડાની જેમ ફૂટી ગયેલો. આવા ચેપી રોગચાળાથી એ ન મર્યો હોત તો પણ તરવાડી બ્રાહ્મણો તો એના ખોળિયાને હાથ અડાડવાના જ નહોતા. પણ મરકી જેવા જીવલેણ રોગની ભડકને કારણે ગામમાંથી કોઈ એને અગ્નિદાહ દેવા તૈયાર ન થયું, ત્યારે કહેવાય છે, કે ગામેતીએ આખરે અનુકમ્પાથી પ્રેરાઈને આ ગરીબ બ્રાહ્મણના મૃતદેહને કબ્રસ્તાનમાં દફન કરાવેલો.