લોકમાન્ય વાર્તાઓ/શરણાઈના સૂર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શરણાઈના સૂર

માંડવો વધાવાઈ ગયો. ગોતરીજ પાસે પગેલાગણું પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાંએ કંકુના થાપા પાડી લીધા. જાનને શીખ દેવાઈ ગઈ. ધર્માદાના લાગાલેતરી ચૂકવાઈ ગયાં. વેવાઈઓએ એકબાજાને વહાલપૂર્વક ભેટી લીધાં. રામણદીવડો પેટાવાઈ ગયો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયાં. સામેથી આવતી પાણિયારીના શુભ શુકન સાંપડી ગયા… …અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું. …અને ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગવરીની જાન ઊઘલી ગઈ. ગામડાગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત તો કોઈના કરા સાથે ધરો ધફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સોંસરવું નીકળ્યું ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુનાં બૈરાંઓ વરરાજાને જોવા એકઠાં થઈ ગયાં હતાં. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતાં હતાં: ‘આ ભૂધર મેરાઈનો જમાઈ –’ ‘ગવરીનો વર…હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે!’ નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી દાદ લેવા આડો ફરીને ઊભો રહ્યો. રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી. કન્યાપક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું: આ દશ આ દશ પીપળો… આ દશ દાદાનાં ખેતર… વરપક્ષની જાનરાણીઓએ સામું ગીત માંડ્યું: ખોલો ગવરીબાઈ ઘૂંઘટા… જુઓ સાસરિયાંનાં રૂપ…એક રાણો ને બીજો રાજિયો ત્રીજો દલ્લીનો દીવાન… ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું. મીરે શરણાઈની એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વીસરી ગયા. પરિણામે ગીતો અને ઢોલ-શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો ને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવી ને જાન આગળ વધી. રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. કામઢા વેપારીઓ હજાર કામ પડતાં મેલીને ઊઘલતી જાનને અવલોકવા દુકાનોને ઉંબરે આવી ઊભા. આખું સરઘસ અત્યારે જાજ્વલ્યમાન રંગો વડે સોહાતું હતું. મોખરે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબંધણું બાંધેલું. જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સમૂહ લાલભડક લાગતો હતો. હીરભરતનાં ઝૂલ ને શિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તરવારનું રંગીન મિયાન તેમ જ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતાં હતાં. એમની પાછળ વિદાયગીતો ગાતી સુહાગણોનાં અવનવાં પટકૂળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો. આડે દિવસે ઊડઊડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મત્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે ને હૃદયના એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃતજનોને આ શરણાઈની સૂરાવલિ સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઊઠે તો ખરાં જ. ભરબજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો હતો. એ ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા. છતાં, એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સહુ શ્રોતાઓ માણી રહ્યા. એમની આંખ સામે તો, વાતેવાતમાં છણકા કરતી, આંખમાંથી અગનતણખા વેરતી, ખોટેખોટાં રૂસણાં લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ ને નખરાળી નવોઢા રમી રહી. અભણ રમઝુડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા. અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરિયે સોંઢતી પતિમિલનોત્સુક પરિણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે તરવરી રહ્યું. એ આ મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂરશક્તિની જ બલિહારી હતી. હરઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સૂરમાં શ્રોતાઓ કરતાંય વધારે તો રમઝુ મીર પોતે રમમાણ લાગતો હતો. આંખ મીંચીને, ગલોફાં ફુલાવી ફુલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો. અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એક વાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલા તળશીવેવાઇને આ વાતની જાણ નહોતી તેથી. તેઓ મીરને દાદના પૈસાનો લાલચુ ગણીને પાવલું ફેંકી રહ્યા પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળશીવેવાઈને સૂરજ આથમતાં પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ હતી તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા: ‘હાલો, મીર, હાલો ઝટ વહેતા થાવ.’ પણ અડાણાના સૂરમાં ગળાબૂડ સેલારા લેતા રમઝુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો ને તળશીવેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી: આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતાં સાંજ પડી જશે ને અંધારે સામૈયાં કરવામાં હોરાજીની કિસનલાઇટ મગાવવી પડશે. મોંઘીદાટ બત્તીનાં બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલિસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો, પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમઝુને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાનીય ક્યાં નવરાશ હતી? મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે ‘હાલો મીર, હવે હાંઉં કરો હાંઉં,’ પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો? આખરે ભૂધર મેરાઈ પોતે જ આગળ આવ્યા ને રમઝુને રીતસરનો હડસેલો મારીને જ સંભળાવ્યું: ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભતો રહીશ તો કેદી પાદર પોગાડીશ?’ મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉચ્ચારાયેલાં વેણ કાને પડ્યાં ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું ને મારે તો હજી જાનને ગામઝાંપા લગી દોરી જવાની છે. રમઝુ યંત્રવત્ આગળ તો વધ્યો પણ એનું દિમાગ – અને દિલ પણ – બરોબર બે દાયકા જેટલું જાણે કે પાછળ હઠી ગયું. વીસ વરસ પહેલાં આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરિયે વળાવી હતી. હૃદયમાં ઊંડે ઊંડે ખૂંપેલું શલ્ય સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂગો ચિત્કાર આ જૂનાં સંસ્મરણોના સળવળાટે મીરના હૃદયમાંથી ઊઠ્યો. અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ ગયો. અડાણાનો ઉન્માદ અને ઉછરંગ ઓસરી ગયો. એને સ્થાને હવે કોરાયેલા કાળજાંનું દર્દ વહેલા લાગ્યું. એકાએક થઈ ગયેલો આ તાનપલટો શ્રોતાઓ સમજી ન શક્યા, પણ આ નવા સૂરની અસરમાં આવતાં એમને વાર ન લાગી. આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્યો હોય, પૃથ્વી પર સ્નિગ્ધશીતળ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતાં ચોગરદમ અંધકારના ઓળા ઊતરી રહે અને આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય એવી જ અસર અત્યારે ઊઘલતી જાનમાં વરતાઈ રહી. ઘડી વાર પહેલાં આનંદમાં ગુલતાન હતા એ જાનૈયાઓ સાવ મૂગા થઈ ગયા. ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈની અસર તળે જ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યાં હતાં: આછલાં કંકુ ઘોળ રે લાડી, આછલી પિયળ કઢાવું… તારા બાપનાં ઝૂંપડાં મેલ્ય હો લાડી, તળશીભાઈની મેડિયું દેખાડું… રમઝુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભારેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો, છતાં આ ગીતોમાં ગવાતી વેદનાનાં વસમાં વેણ એને કાને અથડાઈ જતાં હતાં ને આપમેળે જ હૃદયસોસરાં ઊતરી જતાં હતાં. પરિણામે, એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. અત્યારે ગવરીના પિતા ભૂધર મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા, પણ એથીય અદકો વિષાદ તો રમઝુ મીરના હૃદય પર છવાયો હતો. દિશાશૂન્ય બનીને, એ કેવળ આદતને જોરે, એકેક ડગલું આગળ વધતો હતો અને દરેક ડગલે જિવાઈ ગયેલી જિંદગીનું એકેક દૃશ્ય એની ઝામર-મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદૃશય થતું હતું. ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની મા વિહોણી બાળકીની માતા બનવું પડેલું. ઓઝતનદીને હેઠવાસને આરે રમઝુએ બાળકી સકીનાનાં બળોતિયાં ધોયેલાં એ દૃશ્યની સાહેદી આપી શકે એવાં ઘણાં ડોસાંડગરાં તો ગામમાં હજી હયાત હતાં. રમઝુને આ દુનિયામાં બે જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ હતી: એક તો મીર કુટુંબમાં પેઢીદરપેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીનાં મીઠાં સંભારણાં રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. તેથી જ એણે પોતાના દિલની દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા નહોતું દીધું. કોમના માણસોએ ફરી વાર નિકાહ પઢવાનો બહુ બહુ આગ્રહ કરવા છતાં, જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. રમઝુએ સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી ઉઝેરીને મોટી કરેલી. સકીનાનાં લાડચાગ તો લોકવાયકા સમાં થઈ પડેલાં. માતા તેમ જ પિતાના બેવડા વાત્સલ્યથી રમઝુ પુત્રીનાં લાલનપાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યાંતૂટ્યાં કપડાં પર સો થીગડાં મારે પણ સકીનાને તો ફૂલફટાક બનાવીને જ બહાર કાઢે. નમાઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખવા માટે રમઝુ એને અછો અછો વાનાં કરતો. સકીના કાખમાં બેસવા જેવડી હતી ત્યાં સુધી તો રમઝુ એને ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવતો. કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાની હોય તો પણ સકીના તો એની કાખમાં જ બેઠી હોય અથવા તો પિતાના ગળામાં હાથ પરોવીને પીઠ પર બાઝી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરીને પેટે વળગેલાં બચોળિયાંની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દૃશ્ય તો વરસો સુધી આ ગામમાં સુપરિ ચિત થઈ પડેલું. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમ જ સકીના બન્ને, આ વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો. ઘણીય વાર નમતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો ને સકીનાને રીઝવતો. બાળકી ગેલમાં આવીને કાલું કાલું બોલવા લાગતી. એના કાલાઘેલા બોલમાં રમઝુ મૃત પત્નીની પ્રેમપ્રચુર વાણી સાંભળી રહેતો. આ રીતે શરણાઈ એ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું, વિદેહી જીવનસંગાથિની સાથે સાંનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર, એકતાલ, એકરસ બનવાનું જીવતું જાગતું વાદ્ય હતું. તેથી જ તો, પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યારે ઓટા પર મરવાના ફૂલછોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો ને? રમઝૂની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહારડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા. પણ મન્સ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? એ તો સપનાંને સહારે જિંદગી જીવતો હતો, ને શરણાઈ વડે એ સપનાં સાચાં પાડતો હતો. પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી. અને તે દિવસે એણે પારાવાર દુ:ખ અનુભવ્યું હતું. અત્યારે એનાં ડગલાં ગામઝાંપાની દિશામાં પડતાં હતાં પણ એના મનનું માંકડું તો અતીતની યાત્રાએ ઊપડી ગયું હતું. પ્રસંગોની પરકમ્મા કરતું કરતું એ વારે વારે પુત્રીવિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રીવિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત જ રમઝુ વીસરી ગયો. સાસરિયે સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગવરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો, જાન ઝાંપે પહોંચતાં સુધીમાં તો રમઝુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભારઝલ્લું બનાવી મૂક્યું હતું. આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમઝુ માટે જરાય સુખનું નહોતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભારેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઊઠતા. કારણ એ હતું કે સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ આવેલા. એ મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શકેલો નહીં. એનું રહસ્ય ગામ આખામાં આજ સુધી ગોપિત જ રહેવા પામેલું. એક અટકળ એવી હતી કે સકીનાને જે ગામમાં વરાવેલી ત્યાંનાં બે બેરોબરિયાં ને જોરૂકાં કુટુંબોના જુવાનોની નજર આ જુવતીના જોબન ઉપર ઠરેલી. માથાભારે ગણાતી મીર કોમના બેમાંથી એક જૂથને તો રઝુમએ નારાજ કરવું જ પડે એમ હતું. પણ એ અટંકી કોમનાં માણસો નારાજ થઈને જ બેસી રહે એવાં સોજાં નહોતાં. સકીનાની જુવાનીની અંગડાઈએ એમના વૈરાગ્નિને વીંઝણો ઢાળયો ને એમાંથી બન્ને વેરીઓ વચ્ચે વસમાં વેણની આપલે થઈ ગઈ. આખરે એમાંથી તરવારની ધાર ઝબકી ગઈ. બન્ને પક્ષો ઝાટકે આવ્યા, ને એમાંથી જ કહે છે કે સકીનાનું કાટલું કાઢી નાખવામાં આવેલું. આ સમાચાર સાંભળીને રમઝુને વજ્રાઘાત લાગેલો. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમ જ પત્ની બન્નેના દેહવિલયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો એ અવાક્ થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ડોલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યો ને! પીપળા હેઠે ગાડું થોભ્યું. ગવરીની સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેનપણીઓ ગવરીની નજીક જઈ, ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠિ કરીને આંસુભરી આંખે પાછી આવતી હતી, ઘરચોળાના ઘૂંઘટાની આડશે રડીરડીને ગવરીની આંખો લાલ હીંગળા જેવી થઈ ગઈ હતી એ તો અત્યારે જ ખબર પડી. હીબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. સાથે આણેલી ટબૂડીમાં ગવરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતે હૃદયે દૂર ચાલ્યાં ગયાં. પણ એમની પાંપણ પર આવીને અટકેલાં આંસુ રમઝુની નજર બહાર નહોતાં રહ્યાં. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સૂર વાટે કરી રહ્યો. આમ તો આ પાદરનો પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયનો સાક્ષી બની ચૂક્યો હતો. રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાયપ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયોરોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો, ખોબો ભરીને ખારેક, લાડવા વગેરે લઈ ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું વિશિષ્ટ હતું, આજનો વિદાયપ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર ન હતો પણ વીસ વરસ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીપિતા હતો. તેથી જ તો, તળશીવેવાઈએ પાયલાથી માંડીને બાંધા રૂપિયા જેવડી મોટી રમકની ત્રણ ત્રણ વાર દાદ આપવા છતાં રમઝુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને! કન્યાપક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમું વિદાયગીત ઊપડ્યું હતું: દાદાને આંગણ આંબલો આંબલો ઘેરગંભીર જો…એક રે પાંદડું અમે તોડિયું દાદા ગાળ મ દેજો જો… અમે રે લીલૂડા વનની ચરકલડી… માત્ર ગવરી નહીં, ગવરીની ગોઠિયણો જ નહીં, કન્યાનાં આપ્તજનો જ નહીં પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકાં ભરતું લાગ્યું. અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સમવેત સાધ્યો. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું. રમઝુ ચગ્યો હતો. એની શરણાઈ ચગી હતી. પોતાના ચિરાયેલા દિલની વેદનાને ચગવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો. પણ કન્યાને લઈને ઝટપટ ઘરભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમ જ વરના બાપ તળશીવેવાઈ તલપાપડ થઈ રહ્યા હતા. પાદરના મોકળા પટમાં મોકળે મને સુરાવટ રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી. આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી પણ ખરી: ‘આ તમારો મીર તો ભાર્યે લાલચુ લાગે છે! આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થાતો! અમારે તો આંહીં સીમાડે જ સૂરજ આથમી જાશે એમ લાગે છે…’ વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂધર મેરાઈ, જાનનો મારગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે સંભળાળ્યું: ‘એલા ડોસલા, આવો ભૂખવાળો ક્યાંથી થ્યો? આટલી બધી દાદ દીધી તોય હજી તને ધરપત નથી? આટલાં પાવલાં પડ્યાં તોય હજી હાંઉં નથી કેતો?’ પણ રમઝુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ જ ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું: ‘ડોસાની ડાગળી જરાક ચસકી ગયેલ છે. દુખિયો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે હવે કળ-વકળનું ભાન નથી રિયું.’ ‘એને ભલે કળ-વકળનું ભાન ન હોય પણ અમારે અસરું થઈ જાશે એનું શું?’ તળશીવેવાઈએ તીખે અવાજે કહ્યું, ‘એક તો બીકાળો મારગ ને ભેગું જરજોખમ……’ હવે ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાદ પેટે જમીન પર ફેંકાયેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા ને પછી એને હડસેલો મારીને કહ્યું: ‘એલા લપરા, હવે તો મારગ મોકળો કરીને ઘરભેગો થા! હજી તી તારે કેટલાક રૂપિયા ઓકાવવા છે? કે પછી મીઠા ઝાડનાં મૂળ ખાવાં છે, માળા માગણ?’ ભૂધર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો, પણ પોતાના ઘરને – ગામને – મારગે નહીં, સીમને મારગે, સણોસરાને કેડે. ‘આ તો હજી સગડ નથી મેલતો.’ તળશીવેવાઈ કંટાળીને બોલ્યા, ‘આ તો અમારી મોર્ય વેતો થ્યો……’ ‘મર થાતો,’ સીમને મારગે સામે ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું, ‘થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.’ અને પછી, વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, ‘હવે ખબરદાર એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો!…તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાનાં ઝાડ ભાળી ગયો. પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તોય સામું જોશો મા.’ અને પછી, બન્ને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાને કેડે ચડી. રમઝુ હજી પણ ધૂનમાં ને ધૂનમાં જાનની મોખરે ચાલ્યા જ કરતો હતો. પાછળ, પાદરમાં ઊભેલા લોકો આ ગાંડા માણસની હાંસી ઉડાવતા હતા. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૃદયે ઘર તરફ પાછાં ફરતાં હતાં ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું હતું: એક આવ્યો’તો પરદેશી પોપટો બેની રમતાં’તાં માંડવા હેઠ… ધુતારો ધૂતી ગયો… ધૂનમાં ને ધૂનમાં મોટાં મોટાં ડગ ભરતા રમઝુને કાને આ ગીતનાં વેણ આછાંપાતળાં અથડાતાં હતાં, પણ એને ખ્યાલ નહોતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રીવિયોગના દુ:ખ-દર્દમાં એ જાણે કે દિશાશૂન્ય થઈ ગયો હતો. હવે તો જાનૈયાઓએ પણ મીરની મશ્કરી શરૂ કરી હતી. ‘સાવ મગજમેટ થઈ ગયો લાગે છે.’ ‘માગણ કીધાં એટલે હાંઉં…આંગળી દેતાં પોંચાને જ વળગે…ગમે તેવી તોય અંતે તો વહવાયાંની જ જાત ને! જીવને સંતોષ જ નહીં……’ ‘મર વગાડ્યા કરે એનું ભૂંગળું…હાલીહાલીને પગે પાણી ઊતરશે એટલે આફૂડો પાછો વળશે.’ ‘ને ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તોય શું વાંધો છે? સામૈયામાં પણ આની જ શરણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયો ખટવવો મટ્યો.’ પણ રમઝુ સણોસરા સુધી ન ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તરત એના પગ થંભી ગયા. ધણમાંથી પાછું ફરેલું ઢોર ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવા છોડની પરિચિત સોડમ નાકમાં જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વરકન્યાને લઈને ગાડું આવતુ હતું. અને એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયાઠોરી સંભળાતી હતી. રમઝુની આંખ સામે, સાસરે સોંઢતી ગવરી નહીં પણ સકીના પસાર થઈ રહી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. પાદરમાં ભૂધર મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને પરાણે ગજવામાં નખાવેલા પૈસા હાથ આવ્યા. જોયું તો સાચે જ દોથો ભરાય એટલા સિક્કા દાદમાં મળી ચૂક્યા જણાયા. રાંક રમઝુ તો રાજી રાજી થઈ ગયો, હરખભર્યો એ ગાડા નજીક ગયો ને બોલ્યો: ‘લે, ગગી, આ કાપડાના કરીને આપુ છું.’ અને હજી તો આ રકમનો સ્વીકાર કે અસ્વીકાર થાય એ પહેલાં તો ઊતરતી સંધ્યાના ઉજાશમાં રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. એની એક આંખ સામે ગવરીનું કાપડું ને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું. આ ચસકેલ માણસના આવા વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરી વાર ચેષ્ટા કરતાં આગળ વધ્યા. દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા-જમના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને એ સૂર મોડે મોડે સુધી ગામમાં તેમ જ સીમમાં સંભળાતા રહ્યા અને અનેક મિલનોત્સુક તેમ જ વિયોગી આત્માઓ આ સુરાવટમાંથી એકસરખી શાતા અનુભવતા રહ્યા. પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુરાવટ હતી. એ પછી એ શરણાઈ કે એ સૂર ગામલોકોને કદી સાંભળવા મળ્યાં જ નહીં.