લોકમાન્ય વાર્તાઓ/ભેરવ બોલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભેરવ બોલી

મેં ક્યાં સુધી વાત કહી’તી? મારું હૈયું હમણાં સાવ ભુલકણું થઈ ગયું ‘એણે તમને પડખામાં પગરખાં સોતું પાટું માર્યું…’ હં…! હવે યાદ આવ્યું. હમણાં હું બવ ભુલકણી થઈ ગઈ છું… રામ! ઈ તો મારી માના ગામનો જીથરો ખાંટ હતો. મારી માએ કીધું’તું, કે ‘જીથરો આપણો મામો થાય; એટલે હું એને ‘જીથરોમામો, જીથરોમામો’ કહીને જ બોલાવતી. આજે હટાણે ગ્યો’તો તી તરશ્યો થ્યો ને આ ખરે બપોરે સીમના સંધાય કોહ છૂટી ગયા’તા, તી ચાસટિયાની વળી ઉપર ટિંગાતી આપણી ભંભલી ભાળીને પાણી પીવા આવ્યો. અડધી ભંભલી ઘટાક ઘટાક પી ગ્યો ને લાંબો ઓડકાર ખાઈને શેઢે વે’તો થ્યો.’ પટેલ બોલ્યો: ‘એલી, અસ્તરીની જાત્ય થઈને મને ઊંઠાં ભણાવવા આવી છો? તારા જેવી તો પાનસે ને પીંચોતેર આ મારી પાઘડીમાં લઈ ફરું છું. આ પટેલને તું આગલ્યા ધણી જેવો હીજડો સમજી? તારાં સંધાંય કરતક હું જાણું એણે મને પડખામાં પાટું માર્યું હો! હું તો બપોરા ટાણે ચાસટિયામાં ખાટલે આડી થઈ’તી. મનમાં કીધું: લાપસી જેવું ભારે રાંધણું ખાધું છે, તી લે જરાક છંવ.’ મેં કીધું: ‘એલા, તને કોક દશ્મને ભરમાવ્યો લાગે છ. ઈ વન્યા તું લાંબો વાહો કરું. હજી તો બે પાંપણ ભેગીય નો’તી થઈ, ત્યાં તો કડ્ય ને કમખા વચ્ચે ભડ દેતોકને કોકનો પગ પડ્યો. મારા મોંમાંથી તો કાળું બોકાસું નીકળી ગયું. પરથમ તો હું સમજી, કે ખીલેથી ખડાયું છૂટી ગયું છે, ને આંઈ ચાસટિયે ભાગી આવ્યું છે; પણ વાંહો ફરીને જોઉં છું તો પટેલ ધૂંવાંપૂવાં થાતો ઊભો છે. મોઢામાંથી આવડી આવડી મોટી ભૂંડી ગાળ્યું ભડભડ છૂટતી જાય છે. મારો તો સાસ જાણે કે થંભી ગ્યો. કોઈ દી નંઈને આજે જ પટેલ કાં આમ ન બોલવાનું બોલે? ને જેણે આ આઠ વરહના જલમારામાં મરતાંનેય મર્ય નથી કીધું, ઈ પંડ્યે ઊઠીને મને પડખામાં કાં પાટું મારી લ્યે? હું તો પટેલની લાલ લાલ હિંગળા જેવી આખ્યું સામે જ જોઈ રઈ. પૂછવાનું તો ઘણુંયે મન થયું કે એલા આજે ભાંગ્ય- બાંગ્ય ચડાવીને આવ્યો છો, કે કોઈએ તને કાંઈ ભરમાવ્યો છે? પણ જાણે કે હોઠ જ સિવાઈ ગ્યા. મોંના ગોખલામાં જીભ જ ન સળવળે. અંત્યે ઈ કંઈ પંડ્યે જ આફૂડો બોલ્યો: ‘રાંડ છિનાળ્ય! અંત્યે જાત્ય ઉપર જઈને ઊભી ને!’ મેં કીધું: ‘પણ આ છે સું સંધુંય? આજ તારો મગજ કેમ ફરી ગ્યો છે?’ પટેલ બોલ્યો: ‘હું કાંઈ નથી ફર્યો. ગાડાંનાં પઇડાં જેવી ફરતલ તો તું છો. એક ધણી છાંડીને બીજો ધાર્યો. બીજાને મેલ્યો શીકે ને ત્રીજાને…’ મેં કીધું: ‘એલા, આવું આવું બોલતાં તારી જીભ કેમ સાજી રઈ સે?’ એણે કીધું: ‘સાચું બોલે એની જીભ તો સદાય સાજી રિયે.’ મેં કીધું: ‘સાચું હોય તો બતાવ્ય સાબિતી, ને કર્ય ખુલાસો.’ એણે કીધું: ‘સાચી સાબિતી આંખ્યની; ને સાચો ખુલાસોય આ રતન જેવી બે આંખ્યનો – આ મને આણી કોર આવતો ભાળીને ઊગમણે શેઢે ઊતરી ગ્યો ઈ.’ ‘હાય હાય!’ હું તો ગાંડીની ઘોડ્યે દાંત કાઢવા મંડી. મેં કીધું: ‘અરે આમ ન બોલ્ય.’ પટેલે કીધું: ‘મને તો કોઈએ ભરમાવ્યો નથી. મને ભગવાને ચાર આંખ્યું દીધી છે. મેં તને ઘરમાં બેસાડી ઈ જ મોટી ભૂલ કરી. એકનું ઉલાળીને બીજાને ગાડે બેઠી, ઈ બીજાનેય શેનું સખ લેવા દિયે? બાપનાં ન વાળ્યાં, ઈ બાવાનાં ક્યાંથી વાળે? કપાતરનો વેલો મારા ઘરમાં હવે નો જોઈ. આજથી આ ઘરમાં તારાં અન્નજળ ખૂટ્યાં. સવારે સૂરજ ઊગે ઈ પે’લાં તું તારો રસ્તો કરી લેજે. હું મારે મારા જેવું આછુંપાતળું ગોતી લઈશ. તું હવે છૂટી.’ મેં કીધું: ‘એલા હું હવે આ અડધે અવતારે ક્યાં જાઉં?’ ‘ક્યાં જાઉં એનો તારા જેવીને વળી વચ્ચાર કરવાનો હોય? તારે તો ઓલ્યા કોળી ભાઈની વાતમાં આવે છે એમ, નાઈધોઈને પૂજ્યો કૂબો, એક મેલ્યો ને બીજો ઊભો.’ ‘પણ હવે આ પાકે ઘડે કાંઠા ચડે?’ ‘ઈ તો જેવી આઈ, એવો આતો જડી રિયે. કોઈ ન જડે તો જીથરો ક્યાં ગામ ગ્યો છે? નકટીનો ઘરાગ જોગી!’ ‘એલા, આવું બોલતાં તારી જીભને કાંટા કાં નથી વાગતા? ધરતી હજી કાં ફાટી નો પડે? જીથરો તો મારા સગા મામાથીય અદકેરો. એને હું…’ તું તો સતી સાવંતરી છો, ઈ હું ક્યાં નથી જાણતો? પણ મારા ઘરમાં આ સળગતું ઉંબાડિયું નો જોઈં. મારી સાત પેઢી સળગાવશે……સૂરજદાદો કાલે સવારે ઊગે, ઈ પે’લાં તારી મેળે મારગ કરી લેજે. તારે ને મારે હવે થડંથડાં.’ આમ કહીને પટેલ ભૂંડા બોલતો બોલતો છ કોસી વાડી ઢાળો હાલતો થ્યો. મને નવાઈ લાગી, કે કોઈ દી નંઈ ને આજે ઈ છ કોસી વાડી ઢાળો કેમ ગ્યો? પણ એના પેટની વાતની મને થોડી ખબર પડે? હું તો જાણે કે હિમમાં ઠરડાઈને ભડથું થઈ ગયેલી રીંગણીની જેમ શૂધસાન વગર મડાની ઘોડ્યે પડી રહી. ઘડી-અધઘડીમાં આ થઈ શું ગ્યું? મનમાં કીધું જરૂર આમાં કાં’ક ઊંડો ભેદ છે. હુંય આજકાલ કરતાં આઠ વરહથી પટેલનું પડખું સેવું છું. એના માથાની પાંથીએ પાંથીએ હું ફરી છું. આજથી આઠ વરહ પહેલાં અમે વાગડથી દુકાળિયા વરહમાં આંઈ આવ્યા. પટેલનું મોટું ઘર જાણીને એના ડેલામાં ઉચાળા છોડ્યા. પટેલ કહે, કે મારે એક વધારે સાથી રાખીને ખાલી પડ્યા રે’તા પડામાં ઓણસાલ ઉનાળે શાકભાજી વાવવાં છે, એટલે તમે બેય માણહ અમારે ખેતરે રિયો ને કામ કરો. અમે તો વખાનાં માર્યાં આ પારકી ભોમકામાં પગ મેલ્યો’તો; એટલે પટેલને કીધું, કે અમે શકન જોઈને જ તમારે ઘેરે આવ્યાં છંઈ. તમે અમને ખોરી જાર આપશો તોય અમે બેય માણહ ખાઈને તમને દુઆ દેશું. ખેતરને ખોડીબારે અમે સાંઠીનું એકઢાળિયું બાંધીને ગારાથી છાંદી લીધું’તું. અમે તો ખેતરને જ ઘર ગણી લીધું’તું. આ અજાણ્યા ગામમાં અમને તો સાવ અડવું અડવું લાગે ઈના કરતાં આંઈ ખેતરમાં પડ્યા રે’વું શું ખોટું? પડખેને ખેતરે ઓણ નવા ચાસ પાડવા’તા, એટલે ઈ તો આખો દી હળ ઉપર જ હોય. હું એકઢાળિયામાં એકલી થઈ જાઉં, એટલે મને અમારો જૂનો મલક યાદ આવે; અમારું જૂનું ઘર યાદ આવે; મારી મા, ભાંડરડાં સૌ યાદ આવે. આંઈ તો અમારું કોઈ કરતાં કોઈ નો જડે. અમે ભૂલેચૂકે ગામમાં નીકળીએ તો સો અમારા સામે આંગળી ચીંધે, કે ‘આ ઓલ્યા વાગડિયાં કણબી, પટેલને ઘરે ઓણસાલ સાથી રિયાં છે, ઈ.’ અડદમગના દાણામાં એકાદું કોરડું આવી ગ્યું હોય, તો કેવું નોખું પડી જાય? એમ અમે બેય માણહ આખા ગામમાં નોખાં પડી જાતાં. પટેલ પંડ્યે કો’ક કો’ક વાર ખેતરેથી અમારા એકઢાળિયા કોર આવતા. ‘તમે કોઈ વાતે મૂંઝાતાં તો નથી ને? કાંઈ જો’તું કારવતું હોય, તો ડેલીએ કે’વરાવજો,’ એમ કહીને વયા જાતા. એક વાર સીંજાટાણે પટેલને ખબર પડી, કે ખેતરમાં કો’કે રોઝડાં છૂટાં મેલીને ઊભા મોલ ચારી લીધા છે; એટલે ઈ ધોડતા આવ્યા. આવીને પહેલાં તો જૂના સાથીને ઘઘલાવ્યો. પછી પસાયતાને બરકીને ઊભા મોલ ચાર્યાનું પંચનામું કરવાનું કીધું. ગામમાંથી સાક્ષી આવ્યા – ગયા, એમાં અસૂરું થઈ ગયું. અમારા ઘરમાંથી આમ ગરીબ, પણ દિલના બવ મોટા. રોટલે ભારે પહોળા. મે’માન તો અમારે ઘેર હાલતાં જ ઊભાં હોય: પટેલે તો અમને આ દુકાળિયા વરહમાં રોટલો આપ્યો’તો; એનાં તો અમે ભવોભવનાં ઓશિયાળાં હતાં. પટેલ મોડા ઘેરે જાવા ઊઠતા’તા, તંયે અમારે એણે ધીમેથી કીધું: ‘પટેલ, આજ તો અમારો રોટલો ચાખતા જાવ. ભલે અમારું એટલું માન રિયે.’ પટેલે તો ઘણીય ના કહી, ‘ઘેરે વાળુ ટાઢાં થઈ જાહે, વાટ જોઈ રેશે,’ પણ અમારે ઈ તો વળગ્યા જ: ‘આજ તો અમ ઉપર આટલી મહેર કરો.’ ખેતરને સામે ખૂણે ચાંદો ઊગી ગ્યો’તો. પટેલ ઘડીક મારા સામું ને ઘડીક ચાંદા સામું જોઈને પછી બોલ્યા: ‘અસૂરું તો બવ થઈ ગયું છે. આંયાય રોટલો ખાવો છે ને ન્યાંય રોટલો જ ખાવો છે ને? લાવો તયેં.’ મારા હરખનો તો પાર નો રિયો. હું તો હોંશે હોંશે પટેલને પીરસવા મંડી. લાકડાના ચકલા ઉપર રોટલો મેલ્યો. તાંસળી ભરીને દૂધ મેલ્યું, ને સૂકવેલ કોઠીંબડાની ચીર મેલી. પટેલે કીધું: ‘ડેલીએ જઈને કો’ક કહી આવે, કે હું અટાણે વાળુ નંઈ કરું, ને દૂધના દોણામાં મેળવણ નાખી દિયે.’ કીધા ભેગા જ અમારે ઈ ઊઠ્યા. ‘અબઘડી ડેલીએ થાતો આવું.’ કહી હાથમાં ડાંગ લઈને નીકળી પડ્યા. પછી તો પટેલ વાતુંયે ચડ્યા. અમારો વાગડ મુલક કેવો, ન્યાંની ધરતી કેવી, મે-પાણી કેવાં, ટાઢ્ય-તડકા કેવાક પડે છે, સંધુંય પૂછ્યું. હું ય હરખમાં ને હરખમાં વાતુંયે વળગી ને પછી તો એણે નહોતું પૂછ્યું ઈય સંધુંય કે’વા માંડી. તે દી તો પટેલ ચળું કરીને ઊઠ્યા ને મારા સામું બેત્રણ વાર જોઈને હાલતા થયા, પછી પણ ઘણીય વાર ઈ બપોરા ટાણે અમારા એકઢાળિયા કોર આવીને ખાટલે બેસે, ને બધુંય ભૂલીને હાહોંકારો કરે. તરસ્યા થાય તંયે મારી પાસે પાણીનો કળશિયો મગાવે. હોળી ટાણે અમારો એક લોંઠકો બળદ મરી ગ્યો ને રામલખમણ જેવી જોડ્ય ભાંગી ગઈ. ટાણે બળદ જોતા હોય, તો ગુજરાતના મલકમાં જડે. પટેલે કીધું, કે ‘વાગડિયો સાથી ગુજરાત બળદ લેવા જાય.’ આ વાત સાંભળીને મારા પેટમાં તો ફાળ પડી. પેટમાં જાણે કે કોક સુતાર સાર પાડવાની સારડી ઝરડકા મારી મારીને ફેરવવા મંડ્યો. મેં એને ઘણા વાર્યા, કે તમે જાવ ઈ મારા મનમાં નથી બેસતું. મારા પેટમાં કાંઈક ચૂંથાય છે, પણ એણે કીધું: ‘પટેલનું વેણ નો ઉથાપાય. એણે આપણને માઠે વરસે રોટલો આપ્યો છે. તું ભગવાન ઉપર ભરુંસો રાખ્ય.’ આમ કહીને ઈ તો ગુજરાત ગ્યા. મેં તો ગુજરાતનું નામેય કો’ક કો’ક વાર સાંભળ્યું’તું. ઈ મુલક કઈ દિશાએ આવ્યો, કેટલો આઘો હશે, ઈ કાંઈ હું નો જાણું, પણ ઈ તો કે’તા ગ્યા’તા, કે ‘માણસ પૂછતો પૂછતો લંકામાં જાય. તું ભગવાન ઉપર ભરુંસો રાખજે.’ • પછીની વાત તો બધીક તું જાણ છ. ગામ આખું મારી ને પટેલની વાત કરવા માંડ્યું. હું તો ગામમાં ઊંચી આંખ્ય રાખીને નીકળી ન શકું. સૌ મારા સામે આંગળી ચીંધીને કહે: ‘આ પટેલની રખાત!’ ગુજરાતમાંથી બળદ લઈને બે મહિને ઈ આવ્યા. ઈ આવ્યા પછી પટેલ એક દી મને કહે: ‘તેં હવે શું વિચાર કર્યો છે? ગામ તો ગાંડું છે. બે ગાઉ આમ હાલે ને બે ગાઉ આમેય હાલે. ગામને મોઢે ગયણું નો બંધાય. તારાં પાંચે આંગળાં ખરાં હોય, તો રસ્તો મારા હાથમાં છે. બધુંય સમે સૂતર ઊતરી જાશે, ને તું નિરાંતે મારા ઘરમાં બેસી જાજે. ‘ઘા ભેગો ઘસરકો’ આમ કહીને પટેલે જાણે કે શેરડીના સાંઠાનાં આંગળાં કાપવા દાતરડું મારતો હોય એમ એક હાથની હથેળી ઉપર બીજા હાથની હથેળી આડી પછાડી. આ જોઈને મારે તો આખા ડિલે ટાઢ્ય વછૂટતી. મનમાં થાતું: ‘હાય હાય! પરણ્યો ધણી નો ગમે ઈ સાટું થઈને એને આમ મારી નખાય? એનો ઘડોલાડવો કરી નખાય? આવું કળજગનું કામ કરીને કયે ભવ છૂટવું?’ પણ પટેલે ઈ વાતનો કેડો ન મેલ્યો. ઈ તો કહે: ‘હવે આપણે મોડું કરીએ એટલું જ આપણને નુકસાન છે એમ સમજજે. ધરમના કામમાં ઢીલ શું?’ મેં કીધું: ‘આવા પાપના કામનેય આ મૂવો ધરમનું કામ કહે છે, એના ઘરમાં બેસીને હું શું સુખી થાઈશ?’ પણ પટેલ તો ઉતાવળો થાતો’તો. ઈ તો, કહે: ‘હવે આ વાત ચક્રાવે ચડી છે, પિંડો ચાકડા ઉપર ચડ્યો છે, એનું કાંઈક ઠામઠીકરું ઊતરે તો સારું.’ પણ મેં તો એને ચોખ્ખું ને ચટ સંભળાવી દીધું, કે ‘તારા ઘરનો સુખનો રોટલો ખાવા સાટુ હું મારા પરણ્યા ધણીને ઠાર નહીં મારવા દઉં. એના કરતાં મારા કૂબાનો જારનો રોટલો સાત થોકે મીઠો છે.’ પછી પટેલ કાંઈક ખિજાણો હોય એમ લાગ્યું. એનો આવરો-જાવરો પેલાં કરતાં ઓછો થઈ ગ્યો. મને થયું, કે ‘હાશ, વાત થાળે પડી.’ એક દી હું વગડો કરવા ગઈ’તી. સીમ આજે સાવ ઉજ્જડ લાગતી’તી. વચારમાં ને વચારમાં હું કેટલો મારગ કાપી ગઈ, એનુંય ભાન નો રિયું. હાલતાં હાલતાં હું ઠેઠ પડખેના ગામની સીમમાં પૂગી ગઈ, તંયે જ ખબર પડી, કે મારે અને ગામને આટલું આઘું પડી ગ્યું છે. હું તો ઝટપટ પાછી વળી. અસૂરું થઈ ગ્યું’તું એટલે મેં પગ ઉપાડવા માંડ્યા. અડધેક આવી ત્યાં સામે અમારે પડખેને ખેતરેથી આવતી ભથવારી ભેગી થઈ, મને કહે: ‘એલી ધોડ્ય, તારો ધણી કોશેથી ઢસરડાઈને વાવ્યમાં પડી ગ્યો છે. પટેલને ખેતરે તો માણહ માતું નથી.’ મારા તો ગૂડાં ભાંગી ગ્યા. હવે હલાશેય કેમ? હું તો હાંફળીફાંફળી માંડ ખેતરે પૂગી, તો ખેતરમાં તો તલ મેલવાનીય જગ્યા નો જડે. વાવ્યના પડથારમાં ત્રાંસો ખાટલો ઢાળીને એને ઊંધે માથે સુવાડ્યા’તા. મારી આંખ્યે તો લીલાંપીળાં વાદળાં આવી ગ્યાં. એના આખે ડિલે વાવ્યની ભેખડવું લાગી’તી, એટલે લોહીઝાણ થઈ ગ્યા’તા. સૌએ મને કીધું, કે ‘કોશ અધૂરો ઠલવીને પૈયેથી રાશ ઉપાડી હીંચકતો હીંચકતો ઓલાણે જાતો’તો એટલે જૂનું રાંઢવું તૂટ્યું, ને ઈ કોશ સોતો વાવ્યમાં ભફાંગ કરતોકને પછડાણો.’ પેટમાંથી પાણી નીતરી રિયું, એટલે ગાડામાં ઘાલીને પડખેના ગામની સરકારી ઇસ્પતાલે એને લઈ ગ્યા, પણ અવાચક જ રિયો, ને રાતે વાળુ ટાણે તો દેઈ મેલી દીધી. આ તે દીની ઘડી અને આજનો દી. પટેલે મને સાણસામાં લીધી. ઈ પાછા થ્યા પછી મેં કીધું: ‘હું તો મારે મારા મુલકમાં વહી જાઉં.’ પણ પટેલના પેટમાં પાપ ઈ મને ખબર નંઈ. મને કહે: ‘એમ મુલકમાં વહી જાવું સહેલું પડ્યું હશે! તારા ધણીનું કરજ પહેલાં ચૂકવી દે, પછી તું છૂટી. આટલા દી બાજરો પૂર્યો છ, એના રૂપિયા અઢીસેં લેણા નીકળે છ. આવતી હોળી સુધી વાડીપડાને પાણી પાવાની બોલી હતી. આ તો મેં હીરિયા મોચી પાસે ઓખાઈ જોડાની જોડ્ય સિવડાવી દીધી, ઈય માથે પડી. રૂપિયા અઢીસેં તારા ખાતામાં નીકળે છે.’ જૂનો સાથી એક દી આવીને કહી ગ્યો, કે પટેલે એની ‘ઘરવાળી’નું લખણું લખી દીધું છે. હવે થોડાક દીમાં ઘરઘવા જાવાનો છે. પછી થોડીક આડીઅવળી વાતું કરીને કહે: ‘એલી તને કાંઈ વચાર થાય છે? તૈયાર પીરસેલ ભાણે જ બેસી જાવા જેવું છે. ઘેર બેઠે ગંગા આવી છે. આમેય તારે કોકના રોટલા તો ઘડવા જ પડશે, તો પટેલ શું ખોટો છે?’ બીજું વરસેય વાગડમાં નપાણિયું ગ્યું, તંયે મારે કોઈ આધાર નો રિયો. હું તો રોઈ રોઈને જીવ બાળતી’તી પણ મુલકમાં જઈનેય શું? ત્યાં તો જાણે છપ્પનિયો હાલતો’તો ને ઓયાં કણે પટેલ એના અઢીસોના લેણાનો તગાદો કરતો’તો. મેં તો જેમતેમ કરીને મન મનાવી લીધું, ને પટેલના રોટલા ઘડવા માંડ્યા. • આવાં આવાં વતક વેઠીને હું પટેલના ઘરમાં બેઠી’તી ઈ પટેલ ઊઠીને મને પડખામાં પાટું મારી ગ્યો? મારું તો માથું ફાટી ગ્યું, પણ ઈ ટાણે તો હું કડવો ઘૂંટડો કરીને પી ગઈ. મનમાં કીધું કે હજી તેલ જોવા દે, તેલની ધાર જોવા દે. જેણે મને આંબા-આંબલી બતાવીને ઘરમાં બેસાડી, ઈ આજ આઠ આઠ વરહ પછી મને આમ ઓચિંતો જાકારો અમથો નો દિયે. જરૂર આમાં કાંઈક રમત્યું રમાય છે. જીથરામામાનું તો એને બા’નું જડ્યું. ભીતરમાં કાંઈક ભેદ છે. બાંધી તૂંબડીમાં કાંકરા ખખડે છે. મને એણે કાઢી મૂકી – તગડી મેલી, એનો મને કંઈ વસવસો નો’તો, પણ ઈ મારાથી અજાણી રમત્યું રમી જાય ઈ વાત મારું કાળજું કોરી ખાતી’તી. સાંજે હું ઘર ઢાળી જાતી’તી તંયે ખોડીબારે અમારો જૂનો સાથી સામો જડ્યો. મને કહે, ‘ઓરાં આવો, એક વાત કઉં.’ મેં કીધું: ‘ઓરાં ને આઘાં કરતો ઝટ બોલ્ય ને, હું તો હવે ઘડી-બે-ઘડીની મે’માન છું. પરેવાશે તો હું હાલી નીકળીશ. પટેલે છેડો ફાડી દીધો.’ સાથી બોલ્યો: ‘એક સાંધ્યો એટલે બીજો ફાડવો જ પડે ને?’ મને તો નવાઈ લાગી. મેં પૂછ્યું: ‘એલા પટેલ કાંઈ જોગમાં છે?’ સાથીએ કીધું: ‘જોગમાં તો હોય જોગી. આ તો પટેલ છે. જેટલો બાયણે દેખાય છે એટલો હજી ભોંયમાં છે.’ મારાથી પૂછ્યા વન્યા નો રે’વાયું: ‘એલા, પણ એને વળી કોણ જડી ગ્યું?’ ‘એના જેવું જ. આ છ-કોસી વાડીએ ઓલી નાતરાળ્ય આવી છે ને?’ ‘હાય હાય!’ મેં કીધું: ‘પટેલનું મન એમાં મોયું?’ પછી થોડીક વાર લગણ મને મૂંગી જોઈને સાથી બોલ્યો: ‘એમાં વચ્યારે શું ચડી ગ્યાં? ઈ તો એમ જ હાલે. પટેલ કોઈનો થ્યો નથી ને થાહેય નંઈ. તમારા રૂપ ઉપર મોઈને એણે તમારા ધણીનો કૂટો કાઢી નાખ્યો’તો.’ ‘એલા, આ શું બોલ છ? પટેલે જ?’ મને નવાઈ લાગી. ‘તંયે તમને ક્યાં પૂરી ખબર છે? આઠ આઠ વરહ પે’લાંની વાતું. તમે તો ગ્યાં’તાં વગડો કરવા. વાંહેથી પટેલ દાતરડું લઈને આવ્યો. તમારો માટી તો બચાડો દુહા ગાતો ગાતો કોશ ઠલાવીને ઓલાણે જાતો’તો. એને ખબર નો પડે એમ પટેલે આવીને રાંઢવાને પાતળે છેડે દાતરડું મેલી દીધું ને સરરરર સટ્ટ કરતોકને ગ્યો ઈ વાવ્યમાં…’ ‘એલા સાચું કે છ?’ મેં પૂછ્યું. ‘સાચું નંઈ તંયે ખોટું? હું તો મરચીના વેલામાં પાણી વાળતો’તો તી નજર પડી ગઈ. પટેલ આવીને મારે પગે પડ્યો. મને કહે: ‘મારી જંદગાની તારે હાથ છે. આ વાત કાળો કાગડોય નો જાણે હો!’ પણ આજ તમને મારાથી કે’વાઈ ગઈ–’ આમ કહીને સાથી શરમાઈ ગ્યો. ‘હું તો પગથી માથા લગી સળગી રઈ. પટેલ સામો જડે તો એને ઊભો ને ઊભો ગળચી દાબીને મારી નાખવાનું મન થઈ આવ્યું; પણ વળી એમ થ્યું, કે ઉતાવળે આંબા નો પાકે. આવા કામમાં દા’ આવ્યે જ સોગઠી મરાય. હું તો જાણે કે સાંભળ્યું જ નથી એવું મોઢું રાખીને ઘરે પહોંચી ગઈ. કંયે રાત પડે ને કંયે હું મારું કામ કરીને પરેવાસ પહેલાં હાલતી થઈ જાઉં, એની વાટ જોવા મંડી. રાત્ય પડી એટલે પટેલ ઓશરીમાં ઢોલિયો ઢાળીને સૂતો. મને ફરીથી કહે: પરેવાસ પે’લાં તું તારો મારગ કરી લેજે. હું તો જાણે કે મોઢામાં જીભ જ ન હોય એમ સાંભળી રહી, પણ પટેલ આજ ખેધે પડ્યો’તો. ફરીથી કહે: ‘તારો જીથરોમામો વાટ જોતો હશે!’ મેં મનમાં કીધું: ‘તારે બોલવું હોય એટલું પેટ ભરીને બોલી લે. વળી ક્યાંક વાંહે અબરખા રઈ જાહે.’ ઓશરીને ખૂણે હું બેઠી રઈ. આજે મારી આંખ્યમાં ઊંઘ જ નહોતી. પટેલે તો એનું ટાણું થ્યું એટલે અડધું ગામ સાંભળે એમ ઘરડ ઘરડ નાખોરાં તાણવા માંડ્યાં. પટેલ ધરથી જ ભારે મોટો ઊંઘણશી. ગામ ઉપર ધાડ્ય આવી હોય ને ઘરબાર લૂંટાઈ જાય, તોય એની ઊંઘ નો ઊડે એવો ઊંઘણશી. ક્યાંય નો’તો ન્યાંથી મને જાણે કે પડખાનો દુખાવો ઊપડ્યો. બપોર ટાણે પગરખા સોતું પાટું માર્યું’તું ઈ તો ઘડીક ચમચમીને મટી ગ્યું’તું. મેં તો ભૂરાયેલી ભેસ્યું ને મારકણા ઢાંઢાનાં પાટાં ખાધાં છે એમાં આ માયકાંગલા પટેલનું પાટું તો કઈ વિસાતમાં? એક વાર ભેંસ દોવા બેઠી, ને કોકે આડું ઊતરીને ભેંસને ભડકાવી. ભેંસે પાછલે પગે પાટું મારીને દૂધના બોઘરા સોતી મને બે વાંભ આઘી ફેંકી દીધી’તી. એક વાર પાણીના બેડા સોતી આવતી’તી તંયે ઢાંઢાએ મને શિંગડે લીધી’તી, પણ ઈ બધાય માર તો ઘડી-બે ઘડીમાં મટી ગ્યા’તા. આ પટેલના પગરખાનો માર અટાણે જાણે કે તરવારના ઘા જેવો લાગતો’તો. મારો ધણી, જેનું મેં આજ આઠ આઠ વરહથી પડખું સેવ્યું છે, ઈ ઊઠીને મને પડખામાં પગરખું મારે? ધણી તો મારે આની પહેલાંય હતો, પણ એણે મને કોઈ દી તું કારો નથી કર્યો, નથી દીધી ગાળ્યભેળ્ય, નથી કોઈ દી ઊંચે સાદે બોલ્યો. ઈ પરણ્યા ધણીએ મને પારેવડીની ઘોડ્યે સાચવી’તી, ને તું મારો માંડેલ ધણી ઊઠીને મને પડખામાં પગરખું મારી જાઈશ? મને તો વારેઘડીએ, નાનપણમાં રામલીલામાં ઓલી રાણકીદેવી બોલી’તી ઈ વેણ આવી આવીને છાતીમાં વાગવા માંડ્યાં: ‘પાટું પડખામાં ખેંગારનું ખાધું નથી. મોજડિયુંના માર સધરા, તુંને શોભે નંઈ.’ મને થ્યું, કે મેંય મારા ખેંગારના પગનાં પાટાં મારા પડખામાં કોઈ દી ખાધાં નથી ને તું સધરો ઊઠીને મને પગની લાતું લગાવશ? તુંને આ નો શોભે સધરા, તુંને આ નો શોભે. એલા, પણ તું સધરો શેનો કે’વાય? તેં તો મારા ખેંગારને કમોતે મારી નાખ્યો છે. કોહને વરતે દાતરડાનો વાઢ મેલીને ઓલ્યાને જીવતો વાઢી નાખ્યો છ, ઈ તો મને અટાણે જ જૂના સાથીએ કીધું તંયે ખબર પડી. એને આમ કમોતે ગૂડી નાખીને હવે તું સુખી થઈશ? તને હું હવે સુખી થાવા દઈશ? • ચાંદો આથમી ગ્યા’તો. રાત ભાંગતી ગઈ એમ એમ મારી આંખ્યમાં ઊંઘ વધવાને બદલે ઓછી થતી ગઈ. જૂના સાથીએ કીધેલી વાત યાદ આવતી જાય એમ એમ મારું લોઈ તપતું જાય. ઢોલિયા વચ્ચોવચ્ચ આડે પડખે ઘોરતા પટેલ સામું જોઉં ને મારી આંખ્યમાંથી ઝેર વરહે. હથેળીની મૂઠી વળી જાય ને દાંતનાં જડબાં કચકચ બોલે. મનમાં થાય, કે હાલ્ય ઊઠીને મારું કામ પતાવી લઉં, ને પરેવાસ પે’લાં પંથે પડી જાઉં; પણ વળી વચ્ચાર આવે કે પટેલ હમણાં ઊભો થાહે ને મને ભાળી જાહે તો? આમ ને આમ ગામમાં સોપો પડી ગ્યો. જળ જંપી ગ્યાં. રાત્ય બવ ભાંગી ગઈ હોય એમ લાગ્યું. હરણ્યું ઠેઠ ખોરડાને મોભે પૂગવા આવ્યું’તું. અડખેપડખે કોઈ કરતાં કોઈ સળવળતું નો’તું. ફક્ત એક ભેરવ આંબલીમાં બેઠી બેઠી ચડચડ ચડચડ બોલ્યા કરતી’તી. કોઈ કોઈ વાર ઊંચે આકાશમાં ચાંદરડું ખરતું દેખાતું’તું. મારે મારું કામ કરવું કે નહીં ઈ નો’તું સૂઝતું. જૂના સાથીની વાત યાદ આવે, ને થાય કે હાલ્ય ઊઠીને પટેલનો ઘડોલાડવો કરી નાખું. પટેલ સામે જોઉં ને મારી છાતી બેહી જાય; પણ મારી હથેળી તણાવા માંડી. થયું, કે આમ ને આમ પટેલની ગળચી ભીંહીને એનો હૈડિયો દાબી દઉં; પણ પટેલ જાગી જાય ને મને પકડી લ્યે તો શું થાય? કો’કની ઘંટી ધરાવાનો અવાજ સંભળાણો. પછવાડે કો’ક નીરણ-પૂળો કરવા ઊઠ્યું. ક્યાંક ઢોરના ખીલાસાંકળી ખખડ્યાં. કો’કે બળદને ડચકાર્યો ને ગાડું ઉલાળ્યું. મારા પેટમાં ધ્રાસ્કો પડ્યો. હમણાં બગબગું થઈ જાહે ને પટેલ જાગી જાહે. મારી નજર ઓશરીને ટોડલે પડી. ધોળું દૂધ જેવું કાં’ક ભાળીને હું ચમકી. નાગબાપા તો નંઈ હોય, ધોળા દૂધ જેવા! બીતાં બીતાં પાંહે જઈને જોયું ત્યાં તો દાતરડું! લવાર પાણી ચડાવીને મૂકી ગયો’ તો. સવારમાં સાથી ઈ લેવા આવશે. મેં દાતરડું હાથમાં લીધું ને મારી છાતીમાં ધડક ધડક થવા માંડ્યું. આઠ વરહ પહેલાં એક દી આવા દાતરડાએ કોશના વરતનું રાંઢવું કાપી નાખ્યું’તું. મારા હોઠ ફફડવા મંડ્યા. ‘હાય મા! એની ધાર તો જો! ચાંદરડાના ઝાંખા અજવાળામાં કેવી તગતગે છ!’ પટેલનું એક પડખું ઊનું થ્યું, એટલે કે ઈ બીજે પડખે ફર્યો. એના નાકનાં ફોરણાંમાંથી જાણે કે રાફડાના ભોરિંગ ફૂંફાડા મારતા’તા. ડોકનો હૈડિયો ઊંચોનીચો થાતો’તો. ગાલ ઉપર ચણોઠી જેવા લાહીના ટશિયા ફૂટતા’તા. શું કામ નો ફૂટે? પારકા લોહીના પીનારા, તેં મને મોજડિયુંના માર માર્યા ઈ હું તને કોરો, હેમખેમ મેલીને જાઈશ? મારગે કો’કનું ખાલી ગાડું ખડખડ-ભડભડ કરતું નીકળ્યું ને હું ઢોલિયાથી આઘી ખસી ગઈ. આંબલીની ભેરવ આજે મારી ઘોડ્યે જરાય ઊંઘતી જ નહોતી. ચડચડ ચડચડ બોલ્યા જ કરે. મેં મારું લૂગડાંલત્તાનું પોટલું કાખમાં ઘાલ્યું. સીમમાં અવરજવર શરૂ થઈ જાય ઈ પહેલાં હું મારો મારગ કરી લઉં. મનમાં થ્યું: મરવું તો પછી કાળું મોં શું કરવું? આવો મોકો મળ્યો છે, તો એક ઘા ને બે કટકા કાં નથી કરતી? દા’ આવ્યો છે તો સોગઠી મારી લે; નીકર પછી આયખું આખુંય ઓરતો રઈ જાહે. મને બધેય ઉજાસ ઉજાસ દેખાવા મંડ્યો; જાણે કે દીવા દીવા થઈ રિયા. હાથમાં દાતરડું લઈને હું તો ગઈ પટેલને ઓશીકે. કૂણા ગલકા જેવી એની ડોક વાઢવાનું મન થાય એમ ઘડીક ફૂલતી’તી ને ઘડીક હેઠી બેહતી’તી. મેં તો સંધુંય જોર ભેગું કરીને એના હૈડિયા ઉપર દાતરડી મેલી. મારા ધણીને કમોતે ગૂડીને મને પડખામાં પાટુ મારનાર, લે! કહીને ભાર દઈને દાતરડી દાબી દીધી. પાકેલ પદકારું ભચ્ચ કરતુંકને ઊડી પડે એમ એનું માથું ઓશીકે લબડી પડ્યું. ઝટ ઝટ કાખમાં પોટલું ઘાલીને હું સીમને શેઢે વેતી થઈ ગઈ. વાંહે ઓલી આંબલીમાં ચડચડ ચડચડ કરતી ભેરવના ભણકારા ઠેઠ વાગડ સુધી સંભળાણા…!