વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એકલાં પુસ્તકોથી જીવનારાં - રઘુવીર ચૌધરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એકલાં પુસ્તકોથી જીવનારાં

મધુસૂદન કાપડિયા અને એમનાં પત્ની સુશીલાબહેન એકલાં પુસ્તકોથી જ જીવે છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં રહે છે અને ગુજરાતી પુસ્તકો તેમજ અમેરિકન પુસ્તકાલયો સાથે સંબંધ ધરાવે છે. વક્તા ગમે તેટલો કુશળ હોય પણ નિયત સમય કરતાં લાંબું બોલે તો એના માર્ક્સ કપાય. આમાં મધુસૂદન કાપડિયા અપવાદ છે. લાંબું બોલવાથી એમની લોકપ્રિયતામાં વધારો થતો રહ્યો છે. એ બોલવા ઊભા થાય ત્યારે અને એ ભાષણ પૂરું કરે ત્યારે તો તાળીઓ પડે જ છે, શ્રોતાઓ જાણે છે કે લાંબામાં લાંબા ભાષણ પછી પણ મધુસૂદનભાઈને કશુંક કહેવાનું બાકી રહી જાય છે. જોકે બોલે છે મૌખિક, ક્યારેક કોઈક અવતરણ વાંચે તો વાંચે. આવા સારસ્વત ‘લક્ષ્મી’ના પણ ઉપાસક છે - નિત્ય નૂતન ઉપાસક છે એ જાણીને આશ્ચર્ય થાય, પણ એ હકીકત છે. શેરબજારના અઠંગ અભ્યાસી છે. ‘લક્ષ્મી’ નામે બચત ફંડની યોજના ચલાવે છે. મૂળ દસ ડૉલરમાં એક શેર બહાર પાડેલો. મારી દીકરી દૃષ્ટિ ભરત પટેલે રોકાણ કર્યું ત્યારે દસ ડૉલરના વધીને સો ડૉલર થયા હતા. આજે આંકડો પાંચસોની નજીક પહોંચી ગયો છે! અમેરિકામાં વ્યાજના દર ઓછા છે. ત્યાં ધિરાણ પણ સાડાછથી સાડાનવ ટકાના દરે મળે! એ સ્થિતિમાં ‘લક્ષ્મી’નો આલેખ છલાંગ મારતો લાગે. મધુસૂદનભાઈ વહેલા નિવૃત્ત થયા છે. અમેરિકામાં ૬૦, ૬૨ કે ૬૫ની ઉંમરે નિવૃત્ત થવું ફરજિયાત નથી. તમારી તબિયત સારી હોય ત્યાં સુધી કામ કર્યા કરો, કમાવો અને સરકાર માટે ભારરૂપ થવાને બદલે ડૉલરની કિંમત ટકાવી રાખવામાં મદદરૂપ બનો. અમેરિકન સરકારે નિવૃત્ત થયેલા સિનિયર સિટિઝન્સની જવાબદારી સ્વીકારેલી છે. ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીય વૃદ્ધો અમેરિકામાં રહેતા હોય ત્યારે એમના દવાદારૂ પાછળ વધુ ખર્ચ કરવો ન પડે એની કાળજી લેવાનું હવે શરૂ કરાયું છે. દરેક માણસ વૃદ્ધ થાય છે એ સૃષ્ટિનો ક્રમ છે પણ આ નિરપવાદ નિયમ મધુસૂદનભાઈને ક્યારે લાગુ પડશે એ કહેવું મુશ્કેલ છે. સમાન નામધારી સર્જક વયે મધુ રાયનો ચહેરા પર એમની સાચી ઉંમર છતી થતી નથી. ‘લક્ષ્મી-સરસ્વતી’ની ઉપાસનામાં સમતુલા જાળવનાર માટે આ શક્ય હશે. સુદામા જ્ઞાનવૃદ્ધ થવાની સાથે અકાળ વૃદ્ધ પણ લાગતા હતા. કેમ કે લક્ષ્મીના ઉપાસક ન હતા. પત્ની કેવી રીતે ઘર ચલાવે છે એની ચિંતા નહોતા કરતા. છેવટે પત્નીએ કહેવું પડ્યું : ‘આ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે!” મધુસૂદનભાઈ સુદામા કરતાં વધુ ભાગ્યશાળી ગૃહસ્થ છે. સુશીલાબહેન હજી નોકરી કરે છે. એ પણ ગ્રંથપાલ છે. એક જ સંતાન છે. પુત્રી પારમિતા અંગ્રેજીનાં અધ્યાપક છે. એમના પતિ બાર્કલી ગ્રીન પણ અધ્યાપક છે અને તાજેતરમાં પીએચ.ડી. થયા છે. ઉત્તમ ગુજરાતી ગ્રંથોના અંગ્રેજી અનુવાદો આ યુગલ દ્વારા થશે એવી આશા અવશ્ય રાખી શકાય. કેટલાક અમેરિકન નાગરિક બનેલા ગુજરાતી મિત્રોનાં સંતાનો અમેરિકનોને પરણ્યાં છે. એથી એ બિનગુજરાતી બની ગયાં નથી, બલકે એમના જીવનસાથી કંઈક અંશે ગુજરાતી બન્યાં છે! મમતા સાચી હોય તો સાચી વ્યક્તિ નગુણી થતી નથી. સુશીલાબહેન અને મધુસૂદનભાઈ અમેરિકા આવ્યાં ત્યારે એક વર્ષની પુત્રી પારમિતાને મુંબઈ મૂકતાં આવ્યાં હતાં. મધુસૂદનભાઈ મુંબઈમાં વિવિધ કૉલેજમાં અધ્યાપન કરી ચૂક્યા હતા. એક દાયકો મુંબઈની બધી કૉલેજોના અનુભવ માટે પૂરતો ગણાય. યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયા ખાતે કામ કરવા માટે ફુલબ્રાઇટ સ્કૉલરશિપ મળી. પત્નીને મૂકીને આવે તો ભણવામાં ચેન ન પડે. પ્રેમના ઉત્કર્ષે જ બંને વિદ્યાર્થી તરીકે તેજસ્વી નીવડ્યાં હતાં. અમેરિકન કૉન્સલ જનરલને એની શી ખબર? વળી, એમના મતે સ્કોલરશિપની રકમ એક વ્યક્તિના ભરણપોષણ જેટલી જ હતી. મધુસૂદનભાઈ કહે : સાહેબ, શું આપને ખબર નથી કે એક અમેરિકન જેટલી રકમમાં ગુજારો કરે એટલી રકમમાં એક ભારતીય યુગલ જીવી શકે તેમ છે! વીઝા મળી ગયો. પણ પછી શું? એક માણસ ભણે અને એક રાહ જોઈને બેસી રહે એ ચાલે? સુશીલાબહેને ગ્રંથાલયશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. પદવી મળી અને ઉપકારક નીવડી. આજે પણ એ ન્યૂ જર્સીની યુનિવર્સિટી ઑવ્ મેડિસિન ઍન્ડ ડેન્ટિસ્ટ્રીમાં ગ્રંથપાલ છે. બીજા ત્રણ વિષયોમાં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી મધુસૂદનભાઈ પણ પત્નીને અનુસરી ગ્રંથાલયશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી મેળવી કામે લાગ્યા. એ. ટી. ઍન્ડ ટી.ની બિઝનેસ લાઇબ્રેરીમાં કામ કરતાં સ્ટોક માર્કેટનું જ્ઞાન ફરજના ભાગ તરીકે વધાર્યું. જે પછી ‘લક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ ક્લબ’ના વિકાસમાં ખપ લાગ્યું. એના સિત્તેર સભ્યો વચ્ચે ઘરોબો છે. વરસેદહાડે મળતા રહે, લક્ષ્મીની ચંચળતા સમજવા માટે જ નહીં, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ. હિન્દીના મહાન કવિઓ કબીર-સુરદાસ-તુલસીદાસ વિશે એમને ત્યાં ત્રણ કલાકનું પ્રવચન યોજાયું. વચ્ચે વિરામમાં ખાણું. ઉત્તરાર્ધમાં પણ કોઈ ભાગ્યે જ ગયું હશે. સો શ્રોતાઓ ચારેક કલાક માટે હાજર. મકાનનો ભોંયતળિયાનો ભાગ અદ્યતન સભાગૃહ જેવો. અહીં શ્રોતા તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળે એ પણ મોભો ગણાય. મુંબઈના ઉત્તમ અધ્યાપકોનો આ દંપતીને લાભ મળ્યો છે. જે ઉત્તમ હોય અને એને ગમા-અણગમા ન હોય એવું કંઈ નહીં. ભાષાવિજ્ઞાની કે. બી. વ્યાસ અને મનસુખલાલ ઝવેરી બંને વિદ્વાન પણ સામસામે. એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપકની જગ્યા હતી. કે. બી. વ્યાસે ઈન્ટરવ્યૂ લીધા પછી કહ્યું : ‘મધુસૂદન, તમે તેજસ્વી છો પણ વિદ્યાર્થી છો મનસુખલાલ ઝવેરીના, તેથી હું તમને નહીં લઉં?!’ ભલે. નાસીપાસ થાય એ બીજા… ઝાલાસાહેબ ઝેવિયર્સમાં સંસ્કૃતના અધ્યાપક અને જાણીતા વિદ્વાન. એમની સાથે આત્મીયતા. ઝાલાસાહેબ કહે: ચાલો, મળીએ. બસમાં ગયા. મધુસૂદનને નીચે ઊભા રાખી ઝાલાસાહેબ વ્યાસસાહેબને નિવાસે જઈ મળી આવ્યા. પાછા વળતાં રસ્તામાં કશી વાત કરી ન હતી, પણ એમની ભલામણને કારણે નોકરી મળી ગઈ હતી. આવા હતા એ વત્સલ અધ્યાપકો અને નિખાલસ વિદ્વાનો. મધુસૂદનભાઈએ સંસ્કૃત સાથે એમ.એ. કર્યું ત્યારે અલંકારશાસ્ત્રમાં એંસી ગુણ પ્રાપ્ત કરી વિક્રમ સ્થાપ્યો હતો. અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં સર્જક હોવું એ જ મોટી વાત. અને વિવેચક રહેવાનું કોણ પસંદ કરે? એ તો નર્યો ખોટનો ધંધો. અને મધુસૂદનભાઈ માત્ર ગુણદર્શી વિવેચક નથી. પોતાના પ્રિય લેખક કે કવિ-કવયિત્રી વિશે વાત કરતાં બે દોષ ન બતાવે તો એમને જ સંતોષ ન થાય. લેખકને પણ થાય કે આ માણસ આપણને ચાહવાની સાથે સમજે પણ છે! ગુજરાતમાં પણ ભાષા-સાહિત્યના આવા અઠંગ અભ્યાસીઓ કેટલા! સવારથી શરૂ કરી બાર વાગ્યા સુધી છાપાં-સામયિકો અને મૂડીરોકાણનો અભ્યાસ. એની સાથે લક્ષ્મીની ઉપાસના પૂરી. પછી આખો દિવસ સરસ્વતીની ઉપાસના. એ ઓછું ઊંઘતા હશે અને ધારે એની ઊંઘ ઘટાડી શકતા હશે... પોતે સ્વસ્થ રહી શકે છે.

રઘુવીર ચૌધરી
(સૌજન્ય : મુંબઈના સમકાલીન’ દૈનિકના ૮.૧૦.૨૦૦૦ના અંકમાંથી સાભાર)