વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અદ્ભુતના અવધૂત : પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિશિષ્ટ-૨ મધુસૂદન કાપડિયા : વ્યક્તિત્વ
અદ્ભુતના અવધૂત : પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા

અમેરિકામાં ગુજરાતી ભાષા અને સાહિત્યના ભવિષ્ય અંગે જેટલું લખાયું છે, તેના પ્રમાણમાં વર્તમાન અને ભૂતકાળ વિશે નહીંવત જ લખાયું છે. અમેરિકામાં ગુજરાતી ભાષાની ગૌરવગાથા ઉપરના આ લેખને જો માત્ર બે શબ્દોમાં જ પૂરો કરવો હોય તો હું કહીશ : ‘મધુસૂદન કાપડિયા’. કોઈને કદાચ ‘શા માટે?’ એવો પ્રશ્ન થાય તો તેના પ્રત્યુત્તર માટે મારે આગળ લખવું જ રહ્યું. પ્રશ્ન સર્વથા ઉચિત જ છે. ગુજરાતી સાહિત્યમાં મધુભાઈનું પ્રદાન દીવો લઈને શોધવા જઈએ તોપણ નહીં દેખાય. નથી તેમણે લખી કોઈ મહાનવલ કે લઘુનવલ. નથી લખ્યું કોઈ મહાકાવ્ય કે કોઈ મહાનિબંધ. ‘સમગ્ર’ શબ્દથી શરૂ થતા મથાળાવાળું કોઈ પુસ્તક પણ તેમના તરફથી બહાર નથી પડ્યું. છતાંય ગુજરાતી સાહિત્ય વિશેની કોઈ પણ વાત મધુસૂદન કાપડિયાના નામોચ્ચાર સિવાય લાંબી ચાલી શકે નહીં. એ નામોચ્ચાર પણ ક્યારેક તો જાણે કોઈ भयानां भयं भीषणं भीषणानाम् એવી કોઈ ભયપ્રદ વ્યક્તિનો હોય તે રીતે જ થાય. જેઓ તેમના નામમાત્રથી કચવાય તેઓ પણ બીજી બાજુ તેમના તરફથી પ્રશંસાની અભિલાષા પણ એટલી જ તીવ્રતાથી સેવતા હોય એમ લાગે. નવાસવા તો ઠીક, પણ સિદ્ધહસ્ત લેખકો પણ ટીકાના ભયથી તેમની પ્રશંસાનો લોભ ખાળી રાખે. એવું નથી કે કોઈ જ તેમના સુધી પહોંચી જ ન શકે. સવાલ એ છે કે ત્યાંથી પાછું કોણ આવી શકે. હું મારા જાતઅનુભવ ઉપરથી આ લખું છું. ઉપર લખેલા બધા જ ભાવો મેં પણ અતિ શુદ્ધ સ્વરૂપે ચાખ્યા છે, માણ્યા છે, અને ક્યારેક તે મને ચચર્યા પણ છે. તે છતાં પણ, દિનપ્રતિદિન મધુભાઈ તરફનો મારો અહોભાવ વધતો જ રહ્યો છે, અને ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરના તેમના ચડતા જતા ઋણથી હું વધારે ને વધારે પ્રભાવિત થતો રહ્યો છું ચાળીસથી વધારે વર્ષો પહેલાં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં તેઓ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા ત્યારથી આજ સુધી અમારો સંબંધ ઊંડો અને ઊંડો થતો રહ્યો છે. તેમનાં પત્ની સુશીલાબહેન કે જે પોતે પણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીનાં પ્રાધ્યાપિકા હતાં, તેમને પણ હું તેઓ ‘કાપડિયા’ બન્યાં તે પહેલાં મળેલો. નર્મદના તૈલચિત્રની છાયામાં બેસીને, કૉલેજના પુસ્તકાલયમાં ગુજરાતી પુસ્તકોનું કાર્ડ કૅટલોગ અમે ત્રણેએ તૈયાર કરેલું. ગુજરાતી શાળામાંથી એકાએક અંગ્રેજી માધ્યમમાં આવી પડેલા મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીઓને તો ગુજરાતીનો વર્ગ માના ખોળા જેવો લાગે. વળી ગુજરાતીના રસિયાઓને તો માનું દૂધ પીધા જેવી તૃપ્તિ પણ થાય. મધુભાઈ તાજા એમ.એ. થઈને આવેલા. તે વખતે પણ ફૂટડા લાગતા હતા. તેમના વર્ગોમાં ‘પીવા ગામ અગિયારના લોક આવે’ તેમ બીજી કૉલેજોના વિદ્યાર્થીઓ પણ આવતા. ગુજરાતીના વર્ગમાં કદીયે હાજરી લેવાની જરૂર ન પડતી. એક દિવસ અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે ધ્યાનપૂર્વક હાજરી લીધી. પછીથી અમને ખબર પડેલી કે તે તો તેમના લગ્નમાં કોને કોને આમંત્રણ આપવું તે નક્કી કરવા માટે... ‘દર્શક’ની નવલકથા ‘દીપનિર્વાણ’ની વાર્તા મધુભાઈ વર્ગમાં હપ્તાવાર ધારાવાહી તરીકે કહે. તે વાર્તા ઘરે જઈને હું મારાં બા, ભાઈ હસમુખ અને બહેન અરુણાને અક્ષરશઃ કહી સંભળાવું. તેમના ઊંડા રસને કારણે મારે વર્ગમાં સવિશેષ ધ્યાન આપવું પડતું, કે જે જરા પણ મુશ્કેલીભર્યું કામ ન હતું. થોડા જ સમયમાં તો હું પણ એકપાઠી બ્રાહ્મણ બની ગયો. ‘ગુજરાતી પુસ્તકોની બીજી આવૃત્તિ થતી નથી, સિવાય કે તે પાઠ્યપુસ્તક બને, એ પ્રસ્તાવના સાથે મધુભાઈએ (તે વખતે અમે તેમને ‘સાહેબ’ કહેતા, આજે પણ ક્યારેક ક્યારેક કહું છું) હાકલ કરી કે ‘આ પાઠ્યપુસ્તકો ખરીદજો, અને પછી વેચી ન દેતા. આટલું જ કરશો તોપણ તમે ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી ગણાશે.’ આજ સુધી મારા ઘરમાં ‘સરસ્વતીચંદ્ર’ (સંક્ષિપ્ત), રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ’, અને પાઠકસાહેબની ‘દ્વિરેફની વાતો ભાગ-૧’ છે. કૉલેજ પતાવી મેડિકલ કૉલેજમાંથી ડોક્ટર બનીને હું અમેરિકા આવ્યો. એ દસેક વર્ષના ગાળા પછી મારી નાની સાળી નયનાના લગ્નમાં ફિલાડેલ્ફીઆમાં અમારો પાછો ભેટો થઈ ગયો. અમેરિકામાં ગુજરાતી ભાષાનો એ પ્રાગૈતિહાસિક કાળ હતો. ગુજરાતીના એ બન્ને પ્રાધ્યાપકોનો એ કસોટીનો સમય હતો. અમેરિકામાં તેઓ જીવે શી રીતે? મધુભાઈએ ભાષાશાસ્ત્ર (Linguistics) અને પુસ્તકાલય-વિજ્ઞાનનો અભ્યાસ આરંભ્યો. દરમ્યાન અમારો સંબંધ મૈત્રીમાં પરિણમતો ગયો. જો કોઈ (જે કોઈ? જે જે કોઈ?) મધુભાઈની વેરભાવે ભક્તિ કરતું હોય, તો તે સર્વેની હાર્દિક ક્ષમાયાચના કરીને મારે કબૂલ કરવું જોઈએ કે તેમને અમેરિકાથી ભારત પાછા જવાનો વિચાર માંડી વળાવવામાં મારો ફાળો પણ હતો. ‘સાહેબ, ત્યાં જઈને તમે શું કરશો? ગુજરાતીના નિષ્ણાતની જરૂર તો અહીં અમેરિકામાં વધારે છે. ખાવાપીવાની ચિંતા પણ ના કરશો. તમારા પ્રત્યેક શિષ્યને ત્યાં એક એક મહિનો રહેશો તોય આખી જિંદગી નીકળી જશે.’ તેમણે રોકાઈ જવાનું નક્કી કર્યું. અને તે દિવસે અમેરિકામાં ગુજરાતીનો કુંભ મુકાયો. આ લેખ, નથી તો મધુભાઈની જીવનકથા કે નથી મારી આત્મકથા. તેથી આપણે આગળ વધીએ. પ્રિયકાંત મણિયાર તેમના ભાઈને મળવા અને ફરવા માટે અમેરિકા આવેલા. મધુભાઈની આંગળીએ અમે પણ ફિલાડેલ્ફીઆ તેમના ખાનગી કાર્યક્રમમાં ગયા. મધુભાઈએ મને કરાવેલી અનેક ઓળખાણોમાં પ્રથમ તે. પ્રિયકાંતનો એ પ્રવાસ એક સાહિત્યયાત્રા જ બની ગયો. શરૂઆતમાં તો ન્યૂ બ્રન્ઝવિક (ન્યૂ જર્સી)માં તેમના નાનકડા ઍપાર્ટમેન્ટમાં સાહિત્યિક કાર્યક્રમો થતા રહ્યા. કવિઓ, લેખકો, ગાયકો, વાદકો, ચિત્રકારો, સમાજસેવકો, સૌ ત્યાં આવતા. મધુભાઈની નિશ્રામાં બેસીને એ સૌની પાસેથી રસનું આકંઠ પાન કરવા મળ્યું. ભારતમાં જેમને દૂરથી માત્ર સ્ટેજ ઉપર જોઈને ચલાવી લેવું પડત, તે સૌના સત્સંગનો લાભ મળ્યો. આજે તો સદ્ભાગ્યે અમેરિકામાં ઉત્તમોત્તમ સર્જકોનો એક કાફલો ઊભો થયો છે. ભારતથી પણ એકએકથી ચડિયાતા સર્જકોની જાણે કે એક વણઝાર આવવાની શરૂ થઈ છે. એ સૌના સર્જનની પ્રક્રિયામાં મધુભાઈનો ફાળો ગણનાપાત્ર છે, એમ કહેવું એ એક ઘોર અતિશયોક્તિ જ કહેવાય. પણ વાચકો અને શ્રોતાઓમાં એ બધાંના સર્જનને સમજવાની અને માણવાની અભિરુચિ રચવાનું કામ કરીને મધુભાઈએ તેમને એક વ્યાસપીઠ તૈયાર કરી આપી. બધા જ સર્જકો અને કળાકારો સારા વક્તા હોય એવી આશા તો ઠગારી જ નીવડે. મધુભાઈ શ્રોતાઓને એ સૌનો પરિચય આપે, સર્જકોને પોતાને પણ ખ્યાલ ન હોય તેવી તેવી તેમનાં જીવન અને કવન વિશેની ખૂબીઓ દર્શાવે, તેની કૃતિઓની લાક્ષણિકતાઓ બતાવે, અને તેમને શબ્દના હાર પહેરાવે, કાર્યક્રમનું સમાપન પણ એટલું જ રસભર્યું હોય. વક્તાની નબળાઈ તો આપણને ક્યાંય ભુલાવી દે. કાર્યક્રમની પહેલાં વક્તાને સભામાં આવનાર શ્રોતાઓનો પરિચય આપી રાખે, તેમની બુદ્ધિમત્તાનાં ધારણોનો ખ્યાલ આપે, નકામી અને હલકી રચનાઓ રજૂ કરવાની સ્પષ્ટ મના કરે, આગ્રહ કરીને ઉત્તમ કૃતિઓની પસંદગી કરાવે. કવિઓ જો પોતાની રચનાઓ ભૂલી ગયા હોય, તો સુશીલાબહેન પોતાના સ્મૃતિભંડારમાંથી તે સત્વરે કાઢી આપે. મધુભાઈ પોતે પણ એક વિદ્યાર્થી જેમ હોમવર્ક કરે, ઝીણવટપૂર્વક અભ્યાસ કરે, અને પછી એનાં ફળ સૌને પ્રેમથી ખવરાવે. કાર્યક્રમ માટે ૬૦-૭૦ ચુનંદા મિત્રદંપતીને ફોન કરે, તેમને પાનો ચડાવે, ગોળ ગોળ કરી નાખે, અને આગ્રહપૂર્વક (જાણે કે તેની જરૂર હોય) તેમને નિમંત્રે, અને કાર્યક્રમ પછી જમાડી અથવા ચા-નાસ્તો કરાવીને વિદાય કરે. તેમણે ઍપાર્ટમેન્ટમાંથી ઘરમાં-હાઉસમાં પ્રયાણ કર્યું ત્યારે તેમની પહેલી શરત એ હતી કે એ ઘરમાં સો-એક માણસ બેસી શકે તેવડો મોટો એક ખંડ તો હોવો જ જોઈએ. આજે તો ઘણા સાધનસંપન્ન લક્ષ્મીપતિઓનાં ભવનોમાં આલીશાન સભાગૃહો થયાં છે, અને તેમાં સાહિત્યિક સમારંભો પણ થાય છે. મને કોઈની ટીકા અભિપ્રેત નથી, પણ હું જે વાત કરું છું તે નિરાડંબરી સાહિત્યસદનની છે. ગુજરાતી સાહિત્યમાં મારું અજ્ઞાન એ વખતે પણ અગાધ હતું. માત્ર પ્રિયકાંત જ નહીં, આદિલ મન્સૂરી, મધુ રાય, લાભશંકર ઠાકર, સિતાંશુ, જોસેફ મેકવાન અને બીજા અનેક ધુરંધરોને હું કાળક્રમે ઓળખતો થયો તે મધુભાઈના પ્રતાપે. ભારતમાં અને અમેરિકામાં મારા જેવા અનેકને તેમણે ‘સાહિત્ય સંગીત-કલાવિહીન’ એવાં ‘ઢોરમાંથી’ ઉગારી લઈને ‘કીધાં મનેખજી!’ એમ કહી શકાય. આજે હું કદાચ ભગવતીકુમાર શર્મા ઉપર એક મહાનિબંધ લખી શકું. પણ એકૅડેમીનું પ્રમુખપદ સ્વીકારીને તરત જ સ્વેચ્છાએ તેમને મળીને (અગાઉ મધુભાઈએ વર્ષો પૂર્વે આપેલું, પણ પછીથી વિસરાઈ ગયેલું) આમંત્રણ તાજું કરવા હું સુરત જઈને ભગવતીકુમાર શર્માને મળ્યો તે વખતે, હું તેમની ‘અસૂર્યલોક’ સુધ્ધાં એક પણ કૃતિથી પરિચિત ન હતો. મધુભાઈ તથા એકૅડેમીની કૃપાથી ભગવતીભાઈ સાથે ત્રણ મહિના સત્સંગનો લાભ મળ્યો. નોકરીનો મહા કંટાળો નર્મદ પછી સૌથી વધારે કદાચ મધુભાઈમાં જ હશે. એક વાર મારી પત્ની ઉષા અને હું એક અઠવાડિયાની રજાઓ લઈને તેમને ત્યાં રહેલાં. સાંજે મધુભાઈ નોકરીએથી પાછા આવે ત્યારે સાવ ઢીલાઢચ, વળગણીએ નાખવા જેવા થઈ ગયા હોય. રાત્રે સાડા નવ દસ વાગ્યે એટલે બીજા દિવસે વહેલા ઊઠવાની પૂર્વતૈયારી રૂપે, અધૂરી વાત પૂરી કરતાં કરતાં, પરાણે સૂવા જવા માટે ઊઠે એવામાં ‘મેઘદૂત’નો એકાદ શ્લોક યાદ આવે, અને જોતજોતામાં તો મધુભાઈ જાણે કે સોળે કળાએ ખીલી ઊઠે. તત્કાળ ‘પૂર્વમેઘ’ અને પછીની રાત્રે ‘ઉત્તરમેઘ’ રસાસ્વાદ સાથે, રાત્રે બે વાગ્યા સુધી જાગીને સંભળાવે. નાનામોટા સેંકડો સમૂહોમાં અને અમેરિકામાં કેટલાંય રાજ્યોમાં, તેમણે કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો છે. આર. પી. શાહ અને બીજાં મારાં ૫-૬ મિત્રો-યુગલો કે જે એ વર્તુળની બહાર ‘ન્યૂ યૉર્ક ગ્રૂપ’ તરીકે ઓળખાય છે, તેમની હાજરીમાં રાત્રે બે અઢી વાગ્યા સુધી જાગીને આજ સુધીમાં ૨૫-૩૦ કાવ્યો અમે મધુભાઈની સાથે માણ્યાં છે. ગુજરાતી સાહિત્ય ઉપરાંત ટાગોરનું બંગાળી સાહિત્ય તથા સંસ્કૃતનાં રત્નો, જેવાં કે ‘શાકુંતલ’ અને ‘ઉત્તરરામચરિત’ ઉપર તેમણે રસની છોળો ઉડાવી છે. અખો, નરસિંહ, મીરાં, દયારામ, હરીન્દ્ર દવે, જયંત પાઠક, એ સૌનો એમણે John the Bapistની જેમ પ્રચાર કર્યો છે. કોઈને કશાકનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરાવવું હોય, કોઈ ગુજરાતી શબ્દની મુશ્કેલી હોય, કે ભગવદ્ગીતામાંનાં કર્મ, જ્ઞાન કે ભક્તિ ઉપર નહીં, પણ ગીતામાં રહેલા કાવ્ય ઉપર પ્રવચન કરાવવું હોય, તો મધુભાઈનો ફોન જોડાઈ જ જાય. એકૅડેમીના માધ્યમ વડે મધુભાઈએ કરેલી ગુજરાતી સાહિત્યની સેવાઓ સુવિદિત છે. એકૅડેમીના પ્રતિવર્ષ આવતા જુદા જુદા મહેમાનોની કૃતિઓનો અભ્યાસ કરી, તેનો સભ્યોને પરિચય થાય તે માટે અથાગ મહેનત કરી દેશવિદેશના અંકો તૈયાર કરવા, જાણીતા અને નવોદિત લેખકોનાં પુસ્તકોનાં આમુખ લખવાં, ગુજરાતી નાટ્યસ્પર્ધાઓમાં નિર્ણાયક થવું તેવાં અનેક કામો થાય તે તો વધારામાં શ્રોતાઓમાં શિસ્તનો આગ્રહ રાખે એટલું જ નહીં, મહેમાનોને પણ કાબૂમાં રાખે, અલબત્ત, પ્રેમ અને વિવેકથી. પુરુષોત્તમ ઉપાધ્યાયને મક્કમતાથી કહી દે કે ફલાણું ગીત તો નથી જ ગાવાનું, બીજી એક વાર કહે કે, ‘પુરુષોત્તમભાઈ, તમે જો ગીતોનો આસ્વાદ કરાવશો, તો પછી હું ગાવા માંડીશ! પુરુષોત્તમભાઈ પણ દિલથી સાંભળી લે. ‘દર્શક’ માટે અનન્ય ભક્તિભાવ, છતાં પણ એક અવલોકનમાં તેમની નવલકથા ‘કુરુક્ષેત્રનાં તો મધુભાઈએ ભીંગડાં ઉખાડી નાખેલાં. એક જાણીતાં ગાયિકાને કોઈકે પૂછ્યું કે જાહેરમાં ગાતાં તમને ગભરામણ ન થાય? પ્રશ્ન તો અપ્રસ્તુત જ હતો, પણ તેમણે જવાબ આપ્યો, ‘ના, આમ તો ન થાય.’ પછી થોડી વાર અટકીને ઉમેર્યું, ‘સિવાય કે કાર્યક્રમ મધુભાઈને ત્યાં હોય!’ ‘રંગલો’ના નામે સુવિખ્યાત જયંતી પટેલ પણ જો બહુ રંગમાં આવી જાય તો મધુભાઈ સાચવીને તેમની પિચકારી લઈ લે. તેથી ઊલટું, જે તેમની સામે ચૂંટણીમાં ઊભા રહ્યા તે ‘આદિલ’ની કવિતાની મુક્તકંઠે પ્રશંસા કરે, અને તેમનાં ‘અંધકાર’ ઉપરનાં કાવ્યોની શ્રેણી પર તો પ્રગટપણે ઓવારી જાય. અમેરિકાના ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમણે એક માપદંડ સ્થાપ્યો. ‘અમેરિકામાં તો આવું ચાલશે’ એવું ધોરણ તેમણે સ્વીકારવા ન દીધું. કંઈ પણ અધકચરું તો ન જ ચાલે. નવા લેખકો અને કવિઓને ઉત્તેજન આપે, પણ તે તેમની આગવી રીતે, ઢબૂરીને નહીં પણ ઢંઢોળીને; પંપાળીને નહીં, પણ પડકારીને! કોની કૃતિ છે, લેખક નવો છે કે ખ્યાતનામ, એ કંઈ ન જોતાં, ‘માત્ર એ કૃતિ કેવી છે?’ એ જ ધોરણથી એનું મૂલ્યાંકન કરે. જરૂર પડે ત્યાં ચાનક પણ ચડાવે. ‘…મને ઝંઝેડ્યો, છંછેડ્યો, છેવટે ધમકી પણ આપી કે, તમારી જાતને તમે અમર તો નથી માનતા ને?’ કહીને ‘દર્શક’ પાસે, પોતાના ઘરમાં સૂતરના તાંતણાની નજરકેદમાં રાખીને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નો દસકાઓથી લટકતો રહેલો ત્રીજો ભાગ પૂરો કરાવ્યો. બૉસ્ટનસ્થિત ચંદ્રકાંત શાહ લિખિત નાટક ‘માસ્ટર ફૂલમણિ’ જોવા કેટલાંયને પ્રેરણા કરી, અને અત્યારે હયાતીમાં છે તે ‘ગુર્જરી’ના ગ્રાહક ન થનારા કેટલાંયનો ઊધડો લઈ લીધો. મધુભાઈ કેવળ કાવ્યનો જીવ છે. અલબત્ત, કાવ્યની તેમની વ્યાખ્યામાં ગીતાનો ‘વિભૂતિયોગ’ આખેઆખો આવી જાય. અપ્રિય પણ હિતકર બોલનાર એ એક દુર્લભવક્તા છે. તેમને અનુરૂપ શ્રોતાઓ હંમેશાં મળે જ તેમ નથી હોતું. જે થોડાઘણા ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ છે, તેવા તેના ચાહકોનો એક virtual દરબાર છે. તેમાં ઘણાં ઘણાં સાહિત્યનાં રત્નો અને પારખુ ઝવેરીઓ છે. તેમની પાસે બેસવાનો લહાવો મને પણ વર્ષોથી મળતો રહ્યો છે. સાહિત્યમાં ભલે નવ રસ હોય, પણ મધુભાઈને સૌથી પ્રિય રસ એક જ છે, અને તે છે —અદ્ભુત! પછી ભલેને તે અદ્ભુત-શૃંગાર હોય કે અદ્ભુત-કરુણ કે અદ્ભુત-હાસ્ય. આપણને એ નવેય રસોમાં વ્યાપી રહેલ અદ્ભુતનું દર્શન અને અનુભૂતિ કરાવવાની ધૂણી ધખાવીને અમેરિકામાં બેઠેલા આ અવધૂતનું ગુજરાત સદાય ઋણી રહેશે.

ભરત શાં. શાહ