વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કવિ કાન્ત જન્મ શતાબ્દીની થયેલી ગૌરવપૂર્ણ ઉજવણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિશિષ્ટ-૧ કાન્ત શતાબ્દી
કવિ કાન્ત જન્મ શતાબ્દીની થયેલી ગૌરવપૂર્ણ ઉજવણી

સ્વ. કવિ કાન્તની કવિતામાં નૂતન જીવનના નૂતન શૈલીમાં પહેલી જ વાર કલાયુક્ત દર્શન થાય છે. કાન્તનાં રસિક કાવ્યો સૌંદર્યનાં પ્રતીક છે. પ્રાસાદિકતા અને કાવ્યમાધુર્યમાં સ્વ. કવિ કાન્ત અપૂર્વ હતા. કેવળ ગુજરાત નહિ, ભારતીય અર્વાચીન સાહિત્ય જ્યાં સુધી જીવંત રહેશે ત્યાં સુધી કવિ કાન્તની સ્મૃતિ જીવંત રહેશે. જાણીતા સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશીએ પ્રમુખસ્થાનેથી આજે સાંજે યોજાયેલી ‘કાન્ત જન્મશતાબ્દી વેળાએ સ્વ. કવિ કાન્તને હાર્દિક અજંલિ અર્પતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. સ્વ. કવિ કાન્તની જન્મશતાબ્દી ઊજવવા રચાયેલી ખાસ ‘કાન્ત જન્મશતાબ્દી સમિતિના ઉપક્રમે આ સમારંભનું ભારતીય વિદ્યાભવન હૉલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૌરવપ્રદ, સુવ્યવસ્થિત અને કલ્પનાજન્ય હતું.

પ્રખર કવિ

પ્રમુખસ્થાનેથી શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે, સને ૧૯૨૨માં ભાવનગરમાં હું ‘કાન્ત’ના પરિચયમાં આવ્યો હતો અને એમના વ્યક્તિત્વની અને કાવ્યસાધનાની મારા ઉપર ઊંડી છાપ પડી હતી. ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન જેવાં કાવ્યો તો ભારતભરનાં ઉચ્ચ કોટિનાં કાવ્યોમાં સ્થાન લઈ શકે તેવાં છે. એમનાં બીજાં કાવ્યોમાં રસ, માધુર્ય, કારુણ્ય, મંથન, તત્ત્વ, ચિંતન વગેરે લક્ષણો સારી પેઠે ઊપસ્યાં છે. તેઓ પ્રખર કવિ હતા, અને જીવન તથા સાહિત્યને વિશુદ્ધ કરવા તેઓ જીવનભર મથ્યા હતા.

કાન્તનાં કાવ્યો અને સાહિત્યનો ગ્રંથ

પ્રારંભમાં કૌમુદી મુનશીએ કવિ કાન્તનાં ભક્તિગીતો મધુર કંઠે લલકાર્યાં હતાં. બાદ શતાબ્દિ સમિતિના ઉપાધ્યાક્ષ શ્રી રવિશંકર સ. ભટ્ટે જન્મ શતાબ્દી મહોત્સવનો મર્મ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે ખંડ કાવ્યો અને ઊર્મિ કાવ્યોમાં કવિ કાન્તનું સ્થાન ઊંચું છે. ગુર્જર કાવ્ય સાહિત્યમાં અભિનવ પદલાલિત્ય અને ભાવપરિપૂર્ણતામાં એમનો મહાન ફાળો હતો. કવિ કાન્તની ઉચ્ચ કાવ્ય અને સાહિત્ય કૃતિઓનો સમગ્ર ગ્રંથ પ્રકટ કરવાની યોજના સમિતિ વિચારે છે જે માટે અત્યાર સુધીમાં રૂ. ૧૫ હજારનો ફાળો એકઠો થઈ ગયો છે. ગુજરાત આ કાર્યમાં સાથ આપશે જ એની ખાતરી બાદ એમણે શ્રી મુનશીને સાંપ્રત ગુજરાતી સાહિત્યના ગુરુ તરીકે વર્ણવ્યા હતા.

ગગનવિહારી મહેતા

શતાબ્દી મહોત્સવ સમિતિના અધ્યક્ષ અને જાણીતા સાક્ષર શ્રી ગગનવિહારી મહેતાએ સ્વ. કાન્તને વિવિધ રીતે લાક્ષણિક શૈલીમાં ભાવભરી અંજલિ અર્પતાં કહ્યું હતું કે કવિ કાન્તનું કાવ્ય વ્યક્તિત્વ, ભાવ માધુર્ય ઉચ્ચ હતાં. તેઓ અસત્ય સહન કરી શકતા ન હતા. નીડરતા અને માનસિક સ્વસ્થતા તેમનામાં વિશિષ્ટ હતાં. આમ છતાં તેઓ અંતરથી પુષ્પ જેવા કોમળ હતા. ‘વસંત વિજય’ કાવ્યના ભિન્ન ભિન્ન વિદ્વાનોએ ભિન્ન ભિન્ન રીતે વિવેચન કર્યું છે. કવિ કાન્તે ગુજરાતી કાવ્ય સાહિત્યને નવો મરોડ આપ્યો હતો.

પ્રિ. અમૃતલાલ યાજ્ઞિક

પ્રિન્સીપાલ શ્રી અમૃતલાલ યાજ્ઞિકે કવિ કાન્તને ગુજરાતની નવી કવિતા પુરસ્કર્તા તરીકે બિરદાવતા કહ્યું હતું કે અંગ્રેજી કાવ્ય સાહિત્યની અસરો આપણા સાહિત્ય ઉપર પણ પડવા લાગી હતી. અને એમણે નૂતન શૈલીને બિરદાવી હતી. નવો ઉન્મેષ, શુદ્ધ કવિતાનો આગ્રહ વગેરે એમનાં સર્જનોમાં દેખાય છે. ધર્મ પરિવર્તન પર મંથન અને સ્વજનો પ્રત્યેનો પ્રેમ એમનાં સર્જનોમાં વર્તાય છે. ખંડકાવ્યોનો આરંભ એમણે કર્યો હતો. શ્રી જિતુભાઈ મહેતાએ કવિ કાન્ત (જેમને એમના મિત્રો અને પ્રશંસકો ‘બાપુ’ના નામે સંબોધતા હતા) તેમના સહવાસના વિવિધ મીઠાં સંસ્મરણો રજૂ કર્યા હતા. એમણે કહ્યું હતું કે, સ્વર અને લય સાથે ‘કાન્ત’ને ખૂબ સંબંધ હતો. અંધેરીની ચીનાઈ કૉલેજના પ્રાધ્યાપક શ્રી મધુસૂદન કાપડિયાએ કવિ કાન્તની બહુવિધ કાવ્ય અને સાહિત્ય પ્રતિભાને તેવી જ પ્રતિભાવંત લાક્ષણિકતાથી રજૂ કરી હતી અને કહ્યું હતું કે, કવિ કાન્ત તીવ્ર માર્મિક મંથનો અનુભવતા અને સત્યાન્વેષી કવિ હતા. શ્રી સુરેશ દલાલે આભારદર્શન કર્યું હતું. શ્રી દિલીપ ધોળકિયાએ કવિ કાન્તના બે મધુર ગીતો ગાયાં હતાં અને અંતમાં શ્રીમતી કૌમુદી મુનશીએ કાન્તનું ‘મહેમાનો પુનઃ પધારજો’ ગીત ભાવપૂર્ણ રીતે રજૂ કર્યું હતું.

જન્મભૂમિ, ૨૦-૧૧-૧૯૬૭