વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ભારતીય સાહિત્યમાં કવિ કાન્તનું અવિચલ સ્થાન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી જ નહિ, સમસ્ત ભારતીય સાહિત્યમાં કવિ
કાન્તનું અવિચલ સ્થાન છે.

આપણા અત્યંત પ્રતિભાશાળી અને કરુણરસના કવિ સ્વ. શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે ‘કાન્ત’ની જન્મશતાબ્દી આજે સાંજે અહીં ભારતીય વિદ્યાભવનમાં સદ્ગત કવિના ગૌરવને પૂર્ણપણે છાજે એ રીતે ઊજવાઈ હતી. શતાબ્દી-ઉત્સવનું આયોજન કાન્ત શતાબ્દી સમિતિ અને આકાશવાણી, મુંબઈ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી શ્રી મુનશીથી માંડીને પ્રો. મધુસૂદન કાપડિયાએ કવિ કાન્તના જીવન અને કવનનાં જુદાં જુદાં પાસાં પર પ્રકાશ પાડીને તેમની સર્જક પ્રતિભા અને તેમના માનવતાભર્યા નીડર, નિખાલસ, સંવેદનશીલ તેમજ ગહન વ્યક્તિત્વને હૃદયપૂર્વક અંજલિ અર્પી હતી. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રિયોની જે ચિક્કાર હાજરી હતી તે પરથી લોકહૃદયમાં કાન્તની કેવી ઊંડી અને અચલ પ્રતિષ્ઠા છે તેનો ખ્યાલ આવતો હતો. શ્રી મુનશીએ સ્વ. કાન્ત સાથેનાં પોતાનાં સંસ્મરણો વર્ણવતાં કહ્યું હતું: ‘કાન્ત જેવો રસિક અને સહૃદયી માણસ બીજો જોયો નથી. તેઓ ઘણા જ ઊર્મિવશ હતા છતાં કલાકાર તરીકે પૂરા સંયમી હતા. તેમણે સૌન્દર્યનું ઊંચું ધોરણ સ્થાપ્યું હતું. ગુજરાતી કવિઓમાં કાન્તનું સ્થાન અપૂર્વ છે. પદલાલિત્ય, પ્રસંગૌચિત્ય અને સરસતાની આબોહવામાં વીંટી દેવાનું તેમનું કૌશલ અદ્ભુત હતું. તેઓ એક સરલ હૃદયના હતા. ખરા સૌન્દર્યસૃષ્ટા હતા અને પ્રખર કવિ હતા. તેમનાં ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’ એ ખંડકાવ્યો એવાં સરસતાભર્યાં છે કે હૃદયમાં નિત્ય ગુંજ્યાં કરે. તેમના સર્જનથી તેમનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં જ નહિ, સમસ્ત ભારતીય સાહિત્યમાં દૃઢ થયું છે.’ આ શતાબ્દી-ઉત્સવનો આરંભ કાન્તની એક પ્રસિદ્ધ કૃતિ ‘આજ મહારાજ’ના શ્રીમતી કૌમુદી મુનશીના સુમધુર કંઠે ગવાયેલા ગાનથી થયો હતો.

કાન્ત પારિતોષિક

કાન્ત શતાબ્દી સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રવિશંકર ભટ્ટે કાન્તના જીવન અને કવનનો સંક્ષેપમાં પરિચય આપી કવિની જન્મશતાબ્દીની ઉજવણીનો મર્મ સમજાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં કવિ કાન્તની સ્મૃતિ અર્થે સ્નાતકનું પારિતોષિક શરૂ કરવાની યોજનાનો નિર્દેશ કરીને શ્રી રવિશંકરે કહ્યું હતું કે ‘આ યોજના અંગે શરૂ કરાયેલા ફંડમાં રૂપિયા પંદર હજાર અત્યાર સુધીમાં એકઠા થયા છે. આ ફંડ હજી ચાલુ જ છે અને તેમાં વધુ નાણાં ભરાય એવી અપેક્ષા છે.’

ગુજરાતી કવિતાનો અનુપમ વારસો

કાન્ત શતાબ્દી સમિતિના પ્રમુખ અને પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગગનવિહારી મહેતાએ કાન્ત સાથેના પોતાના વ્યક્તિગત પ્રસંગોનો નિર્દેશ કરી કહ્યું હતું : ‘કાન્ત પ્રથમ દૃષ્ટિએ કોઈને પણ કરડા લાગે, પરંતુ તેઓ બોલે ત્યારે તેમની મૃદુતાનો ખરો ખ્યાલ આવે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તેઓ અંગ્રેજીમાં જેને ‘મૂડી’ કહે છે એ પ્રકૃતિના હતા. સતત વિચારનિમગ્ન રહેતા. તેમનામાં માર્દવ હતું. દંભ, ઢોંગ, અસત્ય તેઓ કદી પણ સહન કરી શકતા નહિ. શ્રી ગગનવિહારીએ સદ્ગત કેવા નીડર અને કોઈની પણ શેહમાં ન અંજાવાની પ્રકૃતિના હતા તેનો, સ્વ. ભાવનગર નરેશ અને સદ્ગત કવિ વચ્ચે બની ગયેલા એ પ્રસંગનો નિર્દેશ કરીને ખ્યાલ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘કાન્ત ઉત્તમ કોટિના વક્તા હતા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ત્રણે ભાષા પર તેમનો અદ્ભુત કાબૂ હતો. કાન્તના ‘વસંતવિજય’નો નિર્દેશ કરીને શ્રી ગગનવિહારીએ કહ્યું હતું કે, ‘વસન્તવિજય’ સિવાય બીજા કોઈ એવા કાવ્યની મને જાણ નથી જેના ઉપર આટલા બધા વિપુલ પ્રમાણમાં જુદી જુદી દૃષ્ટિથી વિદ્વાન વિવેચકોએ વિવેચન કર્યું હોય. કાન્તનાં કાવ્યો આપણો અનુપમ વારસો છે.’ આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિકે કાન્તની ઝીણી વિવેચનશક્તિનો નિર્દેશ ‘કલાપીનો કેકારવ’ના સંદર્ભમાં કરીને તેમના ધર્મપરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા પછી સ્વજનોની ઈચ્છાને વશ થઈ ફરી પાછો હિન્દુ ધર્મ તેમને અંગીકાર કરવો પડ્યો તે હકીકતનો નિર્દેશ કરીને શ્રી યાજ્ઞિકે કાન્તના આંતરજીવનના સંઘર્ષનો ખ્યાલ આપ્યો હતો અને કાન્તનું સર્જન પ્રમાણની દૃષ્ટિએ અલ્પ છતાં કેટલું તેજસ્વી અને સમૃદ્ધ હતું તેનો નિર્દેશ આચાર્ય આનંદશંકરનું એક પ્રશંસાત્મક મંતવ્ય ટાંકીને કર્યો હતો. શ્રી જિતુભાઈ મહેતા જેઓ કાન્તના મિત્રના પુત્ર છે, અને જેઓ કાન્તને બાપુજી કહેતા હતા તેમણે કાન્ત સાથેનાં પોતાનાં અનેક સંસ્મરણો રજૂ કર્યાં હતાં અને કાન્તે એકલતા સહી પોતાનું જીવન કેવા એકલવીર મર્દનું જીવન વિતાવ્યું હતું તે દર્શાવ્યું હતું.

વેદનાનો કવિ

પ્રો. મધુસૂદન કાપડિયાએ કાન્તની પ્રસિદ્ધ કૃતિ ‘વત્સલનાં નયનો’ના સંદર્ભમાં તેમના કાવ્યમાં રહેલું અનુપમ માધુર્ય તેમાંના કરુણ રસને આભારી હોવાનું કહીને જણાવ્યું હતું કે કાન્તનું સમગ્ર જીવન અને કવન જોતાં ભવભૂતિ યાદ આવે છે. કાન્તે કેમ જાણે દુઃખની સંવેદનાનો અનુભવ કરવા અને સ્વાનુભવની ભાવકને અનુભૂતિ કરાવવા અવતાર ન લીધો હોય એમ લાગે છે. કાન્ત માત્ર ખંડકાવ્યના જ કવિ નથી, તેઓ ઊર્મિકાવ્યના કવિ પણ છે. વત્સલનાં નયનોમાં કાન્તે જીવનમાં અનુભવેલી તીવ્ર વેદના અને મંથન કેવાં સચોટ રીતે વ્યક્ત થાય છે, તેઓ કેવા સત્યાન્વેષી હતી એ તે સાથે કેવા અસાધારણ કુટુંબવત્સલ હતા, તેમ ‘વત્સલ’ શબ્દના ઉપયોગમાં સંસ્કૃત સાહિત્ય પરિશીલનનિર્ભર તેમની કેવી સૂક્ષ્મ ઔચિત્યબુદ્ધિ વ્યક્ત થાય છે તે સર્વ ઝીણી દૃષ્ટિથી વિવેચીને શ્રી કાપડિયાએ કહ્યું હતું: ‘કાન્તની કવિતા એ ‘જેન્યુઅન પોએટ્રી’ છે. તેમણે પોતાની કવિતા દ્વારા વેદનાના પારાવારનો છલકાતો જામ રજૂ કર્યો છે.’ કાર્યક્રમ દરમિયાન આકાશવાણીના કલાકાર શ્રી દિલીપ ધોળકિયાએ કાન્તની બે કવિતાઓ સુમધુર સ્વરે અને છટાભેર રજૂ કરી હતી. શ્રી સુરેશ દલાલે આભારવિધિ કર્યો હતો.

‘જન્મભૂમિ’, તા. ૨૦-૧૧-૧૯૬૭