વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કેટલી જલદી - આસ્વાદ (ચંદ્રેશ ઠાકોર)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેટલી જલદી

ચંદ્રેશ ઠાકોર

ધીમી ધીમી
પા પા પગલી
કેટલી સપ્તપદી થઈ!
અને
પેલી જલદી ઘૂમતી ફેરફુદરડી
ધીરે ધીરે અગ્નિફેરે ફરતી થઈ.

કાલી ભાષા
કેટલી જલદી
પ્રીતનાં ગીતે ગૂંજતી થઈ,
અને ઢીંગલીવાઘા
સજતી જલદી
પાનેતરમાં ઢીંગલી થઈ.

ઘોડો ઘોડો
હાથચાબૂકે
માંડવે જલદી ઠાવકી થઈ.
અને ઘરઘર રમતી
નાની છોકરી
આંખભીની એક રાણી થઈ…

આસ્વાદ

શબ્દસંનિધિ અને અર્થવિરોધથી આ રચના મૂર્તિમંત થઈ છે. શબ્દસંનિધિ અને અર્થવિરોધનાં એક પછી એક અનુપમ દૃષ્ટાંતો જુઓ: પા પા પગલી અને સપ્તપદી, ફેરફુદરડી અને અગ્નિફેરા, કાલી ભાષા અને પ્રીતનાં ગીતો, ઢીંગલીવાઘા અને પાનેતર, ઘોડો ઘોડો રમતી અને માંડવે ઠાવકી થઈને બેઠેલી, અને છેલ્લે, ‘ઘરઘર રમતી નાની છોકરી આંખભીની એક રાણી થઈ.’ આપણે થોડુંક વિગતે જોઈએ.

ધીમી ધીમી
પાપા પગલી
કેટલી જલદી સપ્તપદી થઈ!

‘ધીમી-ધીમી’ અને ‘કેટલી જલદી’, ‘પા પા પગલી’ અને ‘સપ્તપદી’નો વિરોધ દીકરીનું બાળપણ અને તેની લગ્નાવસ્થા, સુખદ સ્મૃતિસભર ભૂતકાળ અને આજનો વિયોગના ઉંબરે આવી ઊભેલો વર્તમાન બંનેને એકસાથે મૂર્તિમંત કરે છે.

પેલી જલદી ઘૂમતી ફેરફુદરડી
ધીમે ધીમે
અગ્નિફેરે ફરતી થઈ...

કવિની શબ્દશક્તિ ‘ફેરફુદરડી’ અને ‘અગ્નિફેરેની સહોપસ્થિતિમાં અને પ્રથમ અંતરાના પહેલા અને બીજા ખંડનાં સોપાનોના વિરોધમાં જોવા મળે છે. પ્રથમ ખંડમાં “ધીમી ધીમી’થી શરૂઆત થાય છે અને ‘કેટલી જલદી’માં અંત આવે છે; બીજા ખંડમાં “જલદી ઘૂમતી”થી શરૂઆત થાય છે અને ધીરે ધીરેમાં અંત આવે છે. બીજા અંતરામાં બીજા બે વિરોધો મૂર્તિમંત થયા છે. ક્યાં ગઈ કાલની મીઠી કાલી કાલી બોલી અને ક્યાં આજથી મધુરી હોઠ પર રમતી પ્રેમગીતિ; ક્યાં ઢીંગલીને વાઘા પહેરાવતી કન્યકા ને ક્યાં પાનેતરમાં સજધજ થયેલી લગ્નોત્સુકા! ત્રીજા અંતરામાં ફરીથી કવિ બંને સ્થિતિઓનો વિરોધ નિરૂપે છે. ગઈકાલ સુધી ઘોડો ઘોડો રમતી નિર્દોષ બાલિકા અને આજે ડાહીડમરી ઠાવકી થઈને લગ્નને માંડવે બેઠેલી યુવતી. હજી કાલે જ ઘરઘર રમતી નાની છોકરીના રૂપમાં હતી અને આજે આંસુભીની રાણી થઈને ચાલી દીકરી પરણીને કાયમ માટે સાસરે ચાલી જાય છે, એની નવી દુનિયા વસાવવા માટે, માતાપિતાને છોડીને નવા સ્નેહસંબંધ સ્થાપે છે. આ તો સંસારનો ક્રમ છે. ‘એનું દુ:ખ આપણા એકથી વધુ કવિઓએ ગાયું છે. ‘લાલ ચુંદડી રંગાવ મારી માડી’ એ લોકગીતથી માંડી બાલમુકુન્દનું ‘પીઠી ચોળી લાડકડી’, અનિલ જોશીનું ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો’ અને છંદોબદ્ધ રચનાઓમાં મનસુખલાલ ઝવેરીનું ‘ચિ. ઉષાબહેનને’ તરત જ યાદ આવે છે. અહીં કવિએ જુદો જ ચમત્કાર સજ્યોં છે. કન્યાવિદાયનો વિયોગ જેટલો સાલે છે એના કરતાં બાલિકામાંથી કિશોરી અને કિશોરીમાંથી યુવતી – અને કેટલી જલદી—આ રૂપાંતરનો વિષાદ સાલે છે. આ વિસ્મયની વેદનાને કવિએ મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ ગીત સુન્દરમની છંદોબદ્ધ રચના ‘અનૂ દીકરી’ની યાદ અપાવે છે. સુન્દરમે પણ મુગ્ધ શિશુ અને કિશોરીમાંથી વયસ્કા દીકરીના રૂપાંતરની, જાણે એને ઓળખી જ ન શકાય, એવી સાસરે જતાં પહેલાં જ એ ઉંબરો ઓળંગી જાય છે એનો ચમત્કાર નિરૂપ્યો છે. વાત્સલ્યરસનાં વિરલ કાવ્યોમાં કેટલી જલદીનું મહત્ત્વનું સ્થાન છે.