વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પ્રકૃતિના અને હૃદયના રંગોની લીલા- આસ્વાદ (પન્ના નાયક)
ગીત
પન્ના નાયક
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
રાતનું રહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઈનું હેત.
આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
પવન પોતે ઝાડ થઈને
ડોલતો ર્હે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
(કાવ્યસંગ્રહ “વિદેશિનીમાંથી)
‘આભનો ભૂરો રંગ” એ પન્ના નાયકનું સર્વાંગસુંદર ગીત છે. સૌથી પ્રથમ તો કવયિત્રીને ઉમંગ અને ઉલ્લાસભર્યો ઉપાડ મળ્યો છે :
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
‘લાલમલાલ’ એ શબ્દપ્રયોગ પન્નાનો વિશેષ નથી. આ પૂર્વે પ્રહ્લાદ પારેખ અને અન્ય કવિઓએ સર્જકતાથી એનો પ્રયોગ કર્યો જ છે, પરંતુ ‘ન્યાલમન્યાલ’, એ પન્નાનો સર્જનાત્મક શબ્દપ્રયોગ છે. આભ અને પૃથ્વીની પ્રકૃતિની રંગલીલાના સૌંદર્યનું અને તેથી કાવ્યનાયિકાના ચિત્તમાં વ્યાપી જતા હર્ષોલ્લાસનું અહીં મુગ્ધકર લયાન્વિત નિરૂપણ છે. ગીતનો અર્ધો વિજય તો આ લયમધુર ઉપાડથી જ સિદ્ધ થઈ જાય છે. ‘૨’કાર, ‘લ’કાર અને ‘ન’કારની વર્ણલીલા અનવદ્ય છે. ગીતના પહેલા અંતરામાં પન્નામાં વિરલપણે દેખાતી અલંકારિકતા છે :
રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નોકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે,
કે ઊગતું કોઈનું હેત.
અહીં પણ પહેલી બે પંક્તિઓમાં શ્યામ-શ્વેતની રંગલીલાથી કવયિત્રી પ્રકૃતિના દૃશ્યને ચિત્રાંકિત કરે છે. ચાંદો ઊગે છે અને આ દૃશ્યને પરિપૂર્ણ કરે છે. ઉલ્લાસની સભરતાથી આ ચંદ્ર નથી ઊગતો, કોઈનું હેત ઊભરે છે. ગીતના પ્રથમ અંતરાથી ફરી ફરી બળવંતરાય ઠાકોરના ‘ભણકારા’નું અને કાન્તના ‘સાગર અને શશી’ની પંક્તિઓનું — ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને / ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ - સ્મરણ થાય છે :
આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
‘લીલમલીલી’ અને ‘લાલમલાલ’ની સહોપસ્થિતિ શબ્દ અને અર્થના સૌંદર્યથી સોહી ઊઠે છે. આ લીલા રંગની લીલા બીજા અંતરામાં પણ છલી રહે છે :
પવન પોતે ઝાડ થઈને
ડોલતો ર્હે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી
કોઈ કરોળિયાનું જાળું.
પવન તો અદૃશ્ય છે પણ એને ઝાડનો લીલો (‘હરિયાળું’) રંગ આપીને કવયિત્રી દૃષ્ટિગોચર બનાવે છે તે ચમત્કાર ન્હાનાલાલની અમર પંક્તિ ‘ચંદનીએ ચીતર્યા સમીર’ની યાદ અપાવે છે. આ શુદ્ધ પ્રકૃતિકાવ્ય નથી. અહીં પ્રકૃતિ સાથે માનવપ્રકૃતિ અનુસ્યૂત છે. પ્રકૃતિસૌંદર્યની પ્રગાઢ અસર નીચે ચિત્ત પ્રસાદ અનુભવે છે. મનમાં બધાં જાળાં વિખરાઈ જાય છે. ‘સાગર અને શશી’ની જેમ જ ‘કાલના સર્વ સંતાપ’ શમી જાય છે. ઉપાડના જેવી જ અંતની અનુપમસુંદર પંક્તિ કવિયિત્રીને મળી ગઈ છે :
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
અહીં પણ વર્ણાનુપ્રાસના સૌંદર્યમાં ગુલાલના લાલ રંગની છોળ ઊડે છે અને વહાલ વેરાવાથી પ્રકૃતિ અને માનવપ્રકૃતિનું સાયુજ્ય સધાય છે. વર્ણમાધુર્ય, અર્થસમૃદ્ધિ, શબ્દસંગીત અને લયહિલ્લોળથી પન્નાનું આ ગીત ગુજરાતી કવિતાનું આભૂષણ બન્યું છે. ‘ગુર્જરના ગીતસંચયના સંપાદકો - ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી અને શ્રદ્ધા ત્રિવેદી-એ પન્ના નાયકના એકમાત્ર ગીત તરીકે આ રચનાની પસંદગી કરી છે તે સંપાદકોની પરિષ્કૃત અભિરુચિ અને વિવેકપૂર્ણ કાવ્યપસંદગીની દ્યોતક છે.