વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા
મધુસૂદન કાપડિયા, રાજેન્દ્ર નાણાવટી,
બાબુ સુથાર, બળવંત જાની
(૧)
મધુસૂદન કાપડિયા
૨૪ ડિસેમ્બર ૨૦૧૨
પ્રિય જયેશભાઈ,
સૌથી પ્રથમ સંપાદકનો ધર્મ બજાવવા બદલ અભિનંદન, તમે મારા ચર્ચાપત્રની હસ્તપ્રત રાજેશ પંડ્યાને મોકલી આપી અને તેમનો પ્રત્યુત્તર મેળવીને ચર્ચાપત્ર અને પ્રત્યુત્તર બંને એક જ અંકમાં પ્રકટ કરીને તત્ત્વચર્ચાને અનુસરવાની સૌને માટે ઘણી અનુકૂળતા કરી આપી. રાજેશ પંડ્યાના પ્રત્યુત્તરથી મેં ઘણી નિરાશા અને ઊંડી ખિન્નતા અનુભવી. વાદે વાદે તત્ત્વબોધ તો દૂર રહ્યો, બૌદ્ધિક ચાતુરીથી દલીલોનાં જાળાં પર જાળાંથી મૂળ વાતને ગૂંચવી નાખવામાં રાજેશ પંડ્યાને સફળતા મળી છે. મૂળ વાત આટલી જ હતી, છે, તે સંસ્કૃત શ્લોકોના અનુવાદની ક્ષતિની અને સમીક્ષિત વાચનાની. પહેલા શ્લોક अयं स रसनोत्कर्षीના અનુવાદ “રસોનોત્કર્ષી ઉત્તુંગ સ્તનોનું મર્દન”નો બચાવ રાજેશભાઈ આ શબ્દોમાં કરે છે : “रसनोत्कर्षी करःનું વિશેષણ છે એ કબૂલ, પણ સ્તનનું વિશેષણ બને તો?” रसनोत्कर्षी જો સ્તનનું વિશેષણ બને તો, રસનોત્કર્ષી વિશેષણ અને સ્તન વિશેષ્ય બને હવે स्तन करःનું વિશેષણ છે એટલે સ્તન એકીસાથે વિશેષ્ય અને વિશેષણ બન્ને બને. આનાથી વધારે વ્યાકરણદુષ્ટ પ્રયોગ બીજો કયો હોઈ શકે? વળી, મુખ્ય પ્રશ્ન તો रसनोत्कर्षीનો અર્થ સ્ત્રીનું અંતર્વસ્ત્ર, woman’s girdle થાય છે તે છે. તેનો અર્થ “આકર્ષક” થઈ શકે જ નહીં. શબ્દકોશના અર્થનું ઉલ્લંઘન કેવી રીતે થઈ શકે? મુખ્યાર્થબાધ થતો હોય તો એવા ઉલ્લંઘનનું કોઈ પ્રયોજન હોઈ શકે. અહીં એ પ્રશ્ન તો ઉદ્ભવતો જ નથી. આમ रसनोत्कर्षीનો અનુવાદ કોશ અને વ્યાકરણ બન્નેથી વિપરીત છે, માટે અનર્થક છે. વર્ષો પૂર્વે સંજાનાએ ગુજરાતીના વિદ્વાનોને ચીમકી આપેલી કે કંઈ પણ લખતાં પહેલાં તેમણે એક બાજુ કોશ અને બીજી બાજુ વ્યાકરણ રાખવાં. આનો ચોક્કસ સંદર્ભ શાલિની ટોપીવાળા પાસેથી મેળવી લેવો. ભવિષ્યમાં કામ લાગશે. બીજા શ્લોક को मोदते किमाश्चर्यं:...…ની રાજેશભાઈની ચર્ચા ઉડાઉ છે. તેઓ લખે છે “અહીં પણ શ્રી મધુસૂદનભાઈએ ચાર પ્રશ્નો એક પ્રશ્ન બની જાય છે એની એટલે કે બહુવચન-એકવચનની ઘણી શાસ્ત્રીય ચર્ચા કરી છે. એમાં ‘(અવતરણચિહ્નો રાજેશ પંડ્યાના છે) શું બહુવચનનો ‘ઓ’ પ્રત્યય લગાડવાનું એટલે કે ‘પ્રશ્ન’નું ‘પ્રશ્નો’ કરવાનું ચૂકી જવાયું છે?’ એવી સાદી ચર્ચા ચૂકી જવાઈ છે. આ અવતરણચિહ્નોનું પ્રયોજન મને સમજાતું નથી. આ મારા શબ્દો નથી એટલે એ તો અવતરણચિહ્નોનું પ્રયોજન ન જ હોય. હું સમજું છું એ પ્રમાણે રાજેશભાઈની દલીલ એવી લાગે છે કે ક્ષતિ હોય તો માત્ર આટલી જ કે ‘પ્રશ્ન’નું ‘પ્રશ્નો’ કરવાનું ચૂકી જવાયું છે. મૂળ શ્લોકમાં ‘चतुर्’નો અર્થ એમણે સાવ ખોટો ‘બુદ્ધિપૂર્વક’ કર્યો છે એ વાતને સિફતથી, મારે સાચો શબ્દ વાપરવો જોઈએ, ચતુરાઈથી ઉડાવી દે છે. મેં તો ‘મેઘદૂત’ના બે શ્લોકો रसना એટલે સ્ત્રીનું અંતર્વસ્ત્ર અને ‘चतुर्’ એટલે ચાર એવા મારા અર્થના સમર્થનમાં ટાંક્યા હતા. એ પરથી રાજેશ પંડ્યાનું કલ્પનોડ્ડયન આશ્ચર્યચકિત કરે તેવું છે. રાજેશભાઈ લખે છે: “કાલિદાસના ‘विक्रमोर्वशीयम्’ની મૂળ કથા ઋગ્વેદમાં છે, તો ‘अभिग्नानशाकुंतलम्’ની મહાભારતમાં. કાલિદાસ એ મૂળ કથાકૃતિનો માત્ર અનુવાદ કરતા નથી પણ નવસર્જન કરે છે. મૂળને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાનું એમણે દૃઢપણે પાલન કર્યું હોત તો આવાં રમણીય નાટકો આપણને મળ્યાં ન હોત.’ આનાથી વધારે અપ્રસ્તુત અને વાહિયાત દલીલ બીજી શી હોઈ શકે? કાલિદાસ શું અનુવાદ કરવા બેઠા હતા કે મૂળને વફાદાર રહેવાનું તેમને જરૂરી હતું? ભૂતકાળની સામગ્રીનો આધાર લઈને કાલિદાસે આપણને અમર કૃતિઓ એમની સર્જનાત્મક કલ્પનાથી આપી. પણ એને ને રાજેશ પંડ્યાના અનુવાદને સ્નાનસૂતકનો પણ સંબંધ છે ખરો? આમ જ ભાસનાં નાટકો કે ઉમાશંકરનાં પદ્યનાટકો કે કાન્તનાં ખંડકાવ્યોનો ઉલ્લેખ આ અનુવાદની ચર્ચા માટે સર્વથા અપ્રસ્તુત છે. આમ જ નવા છંદો કેવી રીતે સર્જાય છે એની ચર્ચા અપ્રસ્તુત તો છે જ પણ બાલિશ છે. વાલ્મીકિ જો આઠ અક્ષર ગણવા બેઠા હોત તો मा निषाद प्रतिष्ठाः.... નો અનુષ્ટુપ રચાયો ન હોત અને રામાયણનું સર્જન ન થયું હોત. પદ્યના અનુવાદની ત્રણ રીતિઓ પ્રચલિત છે અને એની પરિભાષા પણ સ્થિર થયેલી છે. ૧. મૂળને સંપૂર્ણપણે વફાદાર રહીને યથાતથ કરેલો અનુવાદ, ઉમાશંકરના શબ્દોમાં “મૂળકૃતિ સાથે સાદૃશ્ય ધરાવતી, મૂળકૃતિની લગોલગ પહોંચતી" રચના આને ગુજરાતી વિવેચના અનુવાદ કહે છે. ૨. મૂળમાં કૈં ઉમેરણી કે બાદબાકી કરીને મૂળકૃતિના અર્થમાં પરિવર્તન કે સંવર્ધન કરેલો અનુવાદ. આને આપણે રૂપાન્તર કહીએ છીએ. અને, ૩. કોઈ પરભાષી કૃતિને આધાર બનાવી મૂળકૃતિથી અત્યંત દૂર કલ્પનોત્થ રચના. આને આપણી વિવેચના અનુસર્જન કહે છે. મેઘાણીની ‘કોઈનો લાડકવાયો’ જેવી રચના આ વર્ગમાં આવે. સંસ્કૃત અને બંગાળીના આપણા સમર્થ અનુવાદક નગીનદાસ પારેખના શબ્દો અનુવાદની કળામાં પ્રમાણભૂત ગણાવા જોઈએ. નગીનદાસ પારેખ લખે છે : "..…અનુવાદકે ભાષાવિષયક શક્તિ તો સર્જક જેટલી જ કેળવવી પડે છે. એ વગર તે મૂળને પૂરતો ન્યાય ન કરી શકે… પણ એ સર્જનશક્તિ પણ તેણે મૂળ લેખકની સેવામાં જ સમર્પણ કરવાની છે. એટલે કે એ શક્તિ તેણે મૂળ લેખના વક્તવ્યને બને એટલી વફાદારીથી રજૂ કરવામાં ખર્ચવાની છે; એ શક્તિ વડે તેણે મૂળને શોભાવવાનો કે તેને ટપી જવાનો પ્રયત્ન કરવાનો નથી.’ (અધોરખા મારી છે.) (‘નીરક્ષીર-વિવેક’, પૃ. ૨૧૩) આની સાથે સરખાવો રાજેશ પંડ્યાના શબ્દો : ‘મને લાગે છે કે આવા શ્લોકના અનુવાદમાં માત્ર વ્યાકરણ નહીં, કાવ્યશાસ્ત્ર અને કામશાસ્ત્રનો પણ આધાર લેવો પડે. પછી ભલે એ ભાવાનુવાદ બને. નગીનદાસ પારેખના પ્રામાણિક અનુવાદ સાથે આ પ્રકારનો અપ્રામાણિક ભાવાનુવાદ સરખાવી જોતાં એ સ્પષ્ટ થશે.” મૂળના અનુવાદને સર્વથા વફાદાર રહીને પણ અભિવૃદ્ધિનું એક ઉમદા દૃષ્ટાંત આપું. એમાં મૂળના અર્થને વિશદ કરવાનું જ પ્રયોજન છે. ચંડીદાસની મૂળ બંગાળીની બે પંક્તિઓ છે :
એકુલે ઓકુલે દુકુલે ગોકુલે
આપના બલિવ કાય
ભોળાભાઈ પટેલ અને અનિલા દલાલનો ગુજરાતી અનુવાદ છે : ‘જમુનાની આ પાર કે પેલે પાર, - પિયરમાં કે સાસરામાં - ગોકુળમાં ‘મારું કોને કહું?’ (‘વૃન્દાવન મોરલી વાગે છે’, પૃ. ૧૮૫.) ‘એકુલે ઓકુલે’નો ‘જમુનાની આ પાર કે પેલે પાર’, અને આટલું ઓછું હોય તેમ, ‘પિયરમાં કે સાસરામાં’ એવું ઉમેરણ મૂળના અર્થનો કેવો દ્યોતક અનુવાદ છે. આવું ‘ઘરનું ઉમેરણ’ ઈષ્ટ છે, મૂળના અર્થથી વિપરીત ઉમેરણ ઈષ્ટ નથી. બસ, હવે વાત રહી સમીક્ષિત વાચનાની. એમાં કશી લાંબી ચર્ચાને અવકાશ નથી. હું મારી વાત દોહરાવું છું: “વિદ્વત્તા અને સંશોધનક્ષેત્રે સમીક્ષિત આવૃત્તિનો જ ઉપયોગ કરવો ઘટે.” રાજેશભાઈને એ સ્વીકાર્ય નથી. મેં સ્પષ્ટ જ કર્યું છે કે “અનિવાર્ય કારણોસર બીજી કોઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હોય તો તેનાં કારણોની સ્પષ્ટતા કરવી ઘટે." હવે એમાં ‘પ્રિસ્ક્રાઈબ’ કરવાની વાત ક્યાં આવી? અન્ય વાચનાઓના ઉપયોગની સ્વતંત્રતા રાખી જ છે. માત્ર સમીક્ષિત નહીં પણ અન્ય વાચનાનો ઉપયોગ કર્યો છે એવી સ્પષ્ટતા જરૂરી છે. રાજેશ પંડ્યાએ એટલી સ્પષ્ટતા કરી હોત, - ફરીથી કહું કે એવી સ્પષ્ટતા જરૂરી છે – તો આટલી ચોળાચોળ ન થાત. આ સંશોધનલેખ નથી માત્ર લેખન છે એ પણ કેટલો લૂલો બચાવ છે. રાજેશ પંડ્યા કવિ છે, વિવેચક છે, સંપાદક છે, વડોદરા યુનિવર્સિટીના ગુજરાતીના અધ્યાપક છે. ‘તથાપિ’ જેવા પ્રશિષ્ટ સાહિત્યિક સામયિકમાં લેખ પ્રકટ કરે છે છતાં માત્ર ‘લેખન’ છે એમ કહેવામાં શું સ્વારસ્ય છે? મને ભય છે કે સત્ય ક્યાંક આત્મરતિ કે મિથ્યાભિમાનના અંચળા હેઠળ છુપાયું છે. રાજેશ પંડ્યાએ આ શ્લોકોનો, ખાસ કરીને (अयं स रशनोत्कर्षी)નો અનુવાદ કર્યો ત્યારે એમાં થોડીક ક્ષતિ રહી ગઈ. એ અનુવાદ કર્યો ત્યારે તેમણે "કાવ્યશાસ્ત્ર અને કામશાસ્ત્રનો પણ આધાર” લીધો’તો અને “ભાવાનુવાદ” કર્યો હતો એમ માનવું દુષ્કર છે. મારી ટીકા પછી ભૂલસ્વીકાર કરવાને બદલે આ એમનું પાછળથી કરેલું rationalisation છે. ભૂલ તો કોની નથી થતી? Even Homer nods, પણ એ ભૂલસ્વીકાર કરવાની ખેલદિલી અને સાચી નમ્રતા સૌમાં નથી હોતી. એક દૃષ્ટાંત આપું. ગુણવંત શાહના ગ્રંથ ‘રામાયણ-માનવતાનું મહાકાવ્ય’નું મારું ઠીકઠીક વિગતવાર અવલોકન ‘ફાર્બસ ત્રૈમાસિક’માં પ્રકટ થયેલું. લેખ એટલો લાંબો હતો કે મંજુબેને ત્રૈમાસિકના બે અંકમાં પ્રકટ કરેલો. એક આડવાત ઉમેરું, લેખનો પહેલો ખંડ પ્રકટ થયો, જેમાં નકરી પ્રશંસા હતી, ત્યારે મુંબઈથી રસિક શાહનો ટેલિફોન, માત્ર ચાર જ શબ્દો, ‘મધુસૂદન, Et tu brute’. મેં કહ્યું, ‘રસિકભાઈ, કૃપા કરીને ત્રણ મહિના ખમી જાવ. પછી તમારો અભિપ્રાય આપજો.’ લેખનો બીજો ખંડ પ્રકટ થયો, જેમાં કઠોર ટીકા હતી. રસિકભાઈ તો ખેલદિલ. તરત જ ફોન આવ્યો, ‘મધુસૂદન, મારી ટીકા હું પાછી ખેંચી લઉં છું. એ લેખમાં ગુણવંતભાઈએ ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ના શ્લોકના અનુવાદમાં ગંભીર ભૂલ કરેલી તેના ઉપર મેં ધ્યાન દોરેલું. હવે જુઓ ગુણવંતભાઈનો પ્રતિભાવ: મૃત્=માટી અને મૃત=મરેલું. આ બાબતે થયેલી ભૂલ બદલ મારે બે કાન પકડીને ઊઠબેસ કરવી જ પડે. પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં એ ભૂલ સુધારી લેવામાં આવશે.’ (ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક’ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૫, અંક ૩. ગુણવંત શાહ, પત્રચર્ચા, કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા.) જે ગુણવંત શાહના નામ ઉપર આપણા સાહિત્યકારો છાસવારે ને છાસવારે માછલાં ધૂએ છે, ક્યાં એમની ખાનદાની ને ખેલદિલી ને ક્યાં રાજેશ પંડ્યાના પ્રતિભાવની ચાલાકી ને ચાતુરી. ‘પ્રત્યુત્તર’ના સમગ્ર લેખમાં એક જ શબ્દ સાચો છે, “અપ્રામાણિક" અનુવાદ. માત્ર અનુવાદ જ અપ્રામાણિક નથી સમગ્ર પ્રત્યુત્તર અપ્રામાણિક છે.
-મધુસૂદન કાપડિયા
(૨)
રાજેન્દ્ર નાણાવટી
(નોંધ: રાજેન્દ્ર નાણાવટીના લેખમાંથી મહાભારતના રાજેશ પંડ્યાના લેખ અને મધુસૂદન કાપડિયાના ચર્ચાપત્રના પ્રતિભાવની ચર્ચાના પ્રસ્તુત અંશો જ અહીં રજૂ કર્યા છે. મહાભારત-રામાયણની બીજી ચર્ચા મૂલ્યવાન હોવા છતાં એનો સમાવેશ અહીં નથી કર્યો.) માનનીય તંત્રીશ્રી, “તથાપિ’ સામાન્ય રીતે ચર્ચામાં જોડાવાનું ટાળું છું. પણ ભાઈ રાજેશ પંડ્યાના સંસ્કૃત શ્લોકોનો અનુવાદની મુ. મધુસૂદનભાઈએ કરેલી ચર્ચાને રાજેશે એવો વળાંક આપી દીધો છે કે એ ખોટી દિશામાં જતી લાગે છે. તેથી આ પત્ર મધુસૂદનભાઈની વાત સાચી છે. બંને શ્લોકોના અનુવાદો શિથિલ અને ખોટા છે. અયં સ રસનોત્કર્ષી. એ શ્લોકમાં રસનોત્કર્ષી એ પદનો અનુવાદ કર્યા વિના આખો સમાસ અનુવાદમાં જેમનો તેમ મૂકી દેવાને કારણે એ ‘ઉત્તુંગ સ્તનો’નું વિશેષણ બની રહે છે. જો એવો અર્થ લેવો હોય તો વ્યાકરણની દૃષ્ટિએ રસનોત્કર્ષી અને પીનસ્તનવિમર્દનઃ આ બંને પદોને એક જ સમાસમાં જોડવા પડે; તો રસનોત્કર્ષી નહીં પણ રસનોત્કર્ષિ થવું જોઈએ; તો છંદઃશાસ્ત્રની દૃષ્ટિએ, છંદોના પ્રત્યેક ચરણનો અંતિમ વર્ણ સામાન્ય રીતે ગુરુ હોય તે નિયમમાં, અને પરિણામે ઉચ્ચારણની સહજતામાં વિક્ષેપ ઊભો થાય એમ દોષપરંપરા સર્જાશે. પણ એથી મોટી મુશ્કેલી તો બીજી છે. ‘રસનોત્કર્ષી પીન સ્તનો’ એટલે કેવાં સ્તનો? અર્થસામંજસ્યની દૃષ્ટિએ ‘કટિમેખલા અથવા દોરી ખેંચનાર’ એ ‘ઉત્તુંગ સ્તનોનું વિશેષણ કેવી રીતે બની શકે? શી વ્યંજના તારવવી? (પીનનો અર્થ પણ ‘ઉત્તુંગ’ નહીં પણ ‘પુષ્ટ થાય, તે સહેજ) મને લાગે છે કે રાજેશે રસનોત્કર્ષીનો પણ અનુવાદ કર્યો હોત તો કદાચ આ મુશ્કેલી એના ધ્યાનમાં આવી હોત. રસના-રશના શબ્દકોશમાં સમાનાર્થક છે. પરંતુ, સામાન્ય રીતે, રસના એટલે ‘જીભ’ (રસ-‘સ્વાદ’ સાથેના એના સંબંધ અને વર્ણસામ્યને કારણે) અને રશના એટલે ‘કટિમેખલા, કંદોરો’ એવો ભેદ સંસ્કૃત પરંપરામાં પણ સ્વીકારાયો જોવા મળે છે. સમીક્ષિત આવૃત્તિનો પાઠ પણ રશનોત્કર્ષી છે એ તરફ મધુસૂદનભાઈએ ધ્યાન દોર્યું છે. એ સ્વીકાર્યો હોત તો સારું થાત. રસનોત્કર્ષી પાઠ સહેજ ગેરમાર્ગે પણ દોરવા પ્રેરે તેવો છે. રસનાનો વધારે સ્વીકૃત અર્થ ‘જીભ’ હોય તો પહેલી નજરે આખા શ્લોકમાં જિહ્વાકર્ષણ (ચુંબનનો પ્રકાર), પછી સ્તનમર્દન, પછી નાભિ જઘનાદિ સ્પર્શ અને છેલ્લે નીવિવિસ્ત્રંસન એમ ઉત્તરોત્તર અંતરંગ બનતી જતી રતિચેષ્ટાઓનો ક્રમ પણ કોઈને દેખાય. છેવટે કરઃ સુધી પહોંચે ત્યારે જ રસનોત્કર્ષીના એવા અર્થની વિસંગતતા જણાય. અનુવાદમાં ઉમેરણોની વાત. અનુવાદ સાવ શબ્દશઃ ન હોય તો પણ મૂળને વફાદાર તો હોવો જ જોઈએ. એમાં અર્થ સ્પષ્ટ કરવા વધારાની વિગતો આપવી હોય તો પણ એ કૌંસમાં જ અપાવી ઘટે. પ્રસ્તુત શ્લોકના અનુવાદમાં, ‘અમારા’, ‘ક્રમશ:’ અને ‘હળવેથી ખબર ન પડે તેમ અમારા’ એટલા શબ્દો કૌંસમાં મુકાવા જોઈતા હતા. આ અનુવાદ છે, વિવરણ કે રસદર્શન નથી. પ્રામાણિક-અપ્રામાણિકની કે સર્જનાત્મક અનુવાદની વાતો ચર્ચાને ગેરમાર્ગે દોરે છે. એમાં ‘હળવેથી-ખબર ન પડે તેમ’ એ ઉમેરણ સાથે-એવા અર્થઘટન સાથે સંમત થવાનું પણ મને મુશ્કેલ લાગે છે. એક તો, રસનોત્કર્ષી એ સમાસના ઉત્કર્ષી પદમાં રહેલો ઉત્ ઉપસર્ગ ઝડપ અને ઉતાવળ સૂચવે છે. (‘કટિમેખલા, દોરી, નાડું, કાંચળીની કસ-ને ખેંચી કાઢતો (હાથ);’ બીજું, પીનસ્તનવિમર્દનઃ એ સમાસમાં રહેલું વિમર્દન (વિશેષ-પ્રબળ રીતે મર્દન કરનાર) મર્દન : ‘હળવેથી-ખબર ન પડે તેમ?) પદ – બંને પ્રગાઢ અને વેગીલી રતિચેષ્ટાઓનો ભાવ સૂચવે છે. ખરું જોતાં તો ઉત્ ઉપસર્ગ, કૃષ્ - ‘ખેંચવું’ ધાતુ, પીન વિશેષણ, વિ-ઉપસર્ગ, મર્દન શબ્દ આ બધું જ પ્રણયક્રીડાની હળવાશના અર્થ સાથે સુસંગત નથી; ત્રીજું નાભ્યૂરુજયનસ્પર્શી એ સમાસમાં સ્પૃશ્ — ધાતુ તેના વિશાળ અર્થમાં પ્રયોજાયો છે, પરંતુ વર્ણોનો Impact-નાદપ્રભાવ મને હળવા નહીં પરંતુ તે તે અંગોને તીવ્ર કામાવેગમાં દબાવતા - લગભગ રગડતા હાથનું ધ્વનન કરતો જણાય છે; ચોથું, શૃંગાર અહીં ગૌણ રસ - અંગભૂત તરીકે પ્રયોજાયો છે, પ્રધાન રસ-અંગીરસ તો કરુણ છે, તેથી શૃંગાર જેટલો મૃદુ હોય તેટલો કરુણ નિર્બળ બને, અને જે સંદર્ભમાં આ શ્લોક પ્રયોજાયો છે ત્યાં તો યુદ્ધના મહાવિનાશના હાહાકાર જેવો કરુણનો વિલાપ છે. એ દૃષ્ટિએ પણ મને અહીં પ્રગાઢ, વેગીલા કામાવેગનો શ્રૃંગાર ધ્વનિત થતો જણાય છે. ‘હળવે-ખબર ન પડે તેમ’ એવા આછા-કોમળ શૃંગારનું અર્થઘટન સૂચવતું ઉમેરણ મને તો વિસંવાદી લાગે છે. ચર્ચાયેલા બીજા શ્લોકમાં પણ મમૈતાન્ ચતુરઃ પ્રશ્નાન્-નો દુરાકૃષ્ટ અર્થ ‘ચતુર એવો તું (ચતુર: સન્) મારા આ પ્રશ્નોને…’ એવો લઈ જરૂર શકાય, પણ સરળ રીતે જ મારા આ ચાર પ્રશ્નોને…” એમ અર્થ લઈ શકાતો હોય ત્યાં બીજો અર્થ અસ્વાભાવિક અને દ્રાવિડી પ્રાણાયામ જેવો જ લાગે; સિવાય કે ચતુર: એ ચતુર્-‘ચાર’નું પું.દ્વિ.બ.વ.નું રૂપ પણ છે એ વાત જે તે સમયે ધ્યાન બહાર ચાલી ગઈ હોય, કે પછી યક્ષની અપેક્ષા યુધિષ્ઠિર પાસે બુદ્ધિપૂર્વકના-ચતુરાઈપૂર્વકના (વેતાળના વિક્રમને પ્રશ્નો જેવા) નહીં પરંતુ સાચી ધર્મદૃષ્ટિપૂર્વકના જવાબો મેળવવાની છે એ સંદર્ભ તત્કાળ પૂરતો વિસરાઈ ગયો હોય. કર: ને બદલે ફર: છપાયું તેનો મધુસૂદનભાઈ ધોખો કરે છે. પણ મને તો ‘તથાપિ’ના પૃષ્ઠોના શ્વેતવનમાં વારંવાર મુદ્રારાક્ષસો સામા મળે છે. આ જ શ્લોક લો. ઉરુ અને ઊરુ વચ્ચેનો ભેદ આપણા કોઈના ધ્યાનમાં આવ્યો? હ્રસ્વ ‘ઉ’વાળો ‘ઉરુ’ એટલે ‘વિશાળ’ (તેથી વિશાળ મેદાનોવાળી ભૂમિ તે ઉર્વી, એ જ અર્થમાં પૃથુ પરથી પૃથ્વી), દીર્ઘ ‘ઊ’ વાળો ‘ઊરુ’ એટલે ‘જંઘા, જાંઘ, જઘન, સાથળ.’. રાજેશના લેખમાં તો (અને મધુસૂદનભાઈના ચર્ચાપત્રમાં પણ) નાભ્યૂરુજ્ઘન એમ થવું જોઈતું હતું. અને લેખમાં અનુવાદમાં તો બંને વર્ણોની જોડણી.... હરિ હરિ! જોડણીની વાત કરવાની હોય તો મિત્ર વિજય પંડ્યાના આખા લેખમાં રામાયણના કર્તાના નામની જોડણીની રામાયણ મંડાઈ છે. મૂળ શબ્દ છે વલ્મીક – ‘રાફડો’: રામકવિએ એટલું દીર્ઘ અને સ્થિર તપ કર્યું કે એમના શરીર પર કીડીઓએ રાફડો બાંધ્યો. તે તપ સમાપ્ત થયે રાફડામાંથી નીકળ્યા (બભૂવ વલ્મીકભવ: કવિ: પુરા) તેથી તે વાલ્મીકિ કહેવાયા. પણ આપણે દીર્ઘ ‘ઈ’કારાંતવાળા સ્ત્રીલિંગ નામોની કૃદંતની બહુલતાના પ્રભાવમાં false analogyથી હ્રસ્વ ‘ઈ’કારાંતવાળા શબ્દો-વિશેષણો (દા.ત. પરિસ્થિત, મિતી, પ્રિતી, નીતી)ની જોડણીમાં છેલ્લો ‘ઈ’ દીર્ઘ કરી દઈએ છીએ, અને એટલે પછી તેની પૂર્વે બીજો પણ ‘ઈ’ આવતો હોય તો તેને હ્રસ્વ જ કરવો પડે ને? વિજય પંડ્યા જેવા પણ આ syndromeમાંથી બચી શક્યા નથી. મુ. મધુસૂદનભાઈ અને મિત્ર વિજયનો એ આગ્રહ પણ સાચો છે કે વિવેચન-સંશોધનનાં લખાણોમાં સમીક્ષિત આવૃત્તિનો જ પ્રયોગ કરવો જોઈએ. ક્ષેપકોમાં કથાકારોની સર્જકતા પ્રવર્તતી હશે તેની કોણ ના કહે છે? માત્ર સંશોધકોએ તેન નિર્દેશો સમીક્ષિત આવૃત્તિમાંથી આપવા જોઈએ એટલું જ એમનું કહેવાનું છે. રાજેશે એના લેખમાં અન્યત્ર સમીક્ષિત આવૃત્તિના નિર્દેશો આપ્યા જ છે. એણે અમથા સ્વબચાવમાં પડવાની જરૂર જ નહોતી. વિજય ગુણવંતભાઈના સંદર્ભમાં મારો ઉલ્લેખ કરે છે. મને લાગે છે કે ગુણવંતભાઈને રામાયણની સમીક્ષિત આવૃત્તિ સાનુવાદ ઉપલબ્ધ નહોતી થઈને કારણે એમણે વલ્ગેટ પાઠનો આશરો લેવો પડ્યો. બળતરા એવી છે કે વર્ષોથી રામાયણની સમીક્ષિત આવૃત્તિના અધિકૃત અનુવાદનો પ્રોજેક્ટ ગુજરાત સરકારના શિક્ષણ-સંસ્કૃતિ મંત્રાલયમાં પ્રસ્તાવરૂપે પડ્યો છે પરંતુ પ્રોજેક્ટ પ્રસ્તાવકના વારંવારના પ્રયાસો છતાં, લાગતા-વળગતા અધિકાર-સ્થાનોએ પ્રસ્તાવકના મિત્રો પણ આવીને ગયા છતાં, એ પ્રોજેક્ટ હજુ સરકારી મંજૂરીની આંટીઘૂંટીમાંથી નીકળી શક્યો નથી, અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બનવાજોગ છે કે એ અધિકારીઓને પ્રોજેક્ટના પ્રસ્તાવકની લાયકાત બાબતમાં જ શંકા હશે. આવાં અડપલાં કરીને અનાર્ય ન કહેવડાવવું પડે માટે ચર્ચાઓ ટાળતો હોઉં છું. પણ આ વખતે અપવાદ થઈ જ ગયો. તમારી કુશળતા ઇચ્છું છું.
રાજેન્દ્ર નાણાવટીનાં વંદન
(૩)
બાબુ સુથાર
જયેશ,
‘તથાપિ’ના અંક : ૨૭-૨૮માં પ્રગટ થયેલા મધુસૂદન કાપડિયા અને રાજેશ પંડ્યાના ચર્ચાપત્રોમાં એક અનુવાદ અને સંશોધનપદ્ધતિ - એમ બે ક્ષેત્રો સાથે સંકળાયેલા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. આ બંને મારાં રસનાં ક્ષેત્રો હોવાથી આ દરમિયાનગીરી. સૌ પહેલાં અનુવાદનો પ્રશ્ન. ‘અયં સ રસનોત્કર્ષી…’ શ્લોકના અનુવાદના સંદર્ભમાં મધુસૂદનભાઈ કહે છે કે ‘રસનોત્કર્ષી’ ‘કર’નું વિશેષણ બને છે રાજેશ કહે છે કે એ ‘સ્તન’નું વિશેષણ પણ બની શકે અને એમ હોવાથી એમણે એનું એ રીતે અર્થઘટન કર્યું છે. મધુસૂદનભાઈ પોતાની દલીલના સમર્થનમાં કહે છે કે આ શ્લોકમાં આવતાં બીજાં વિશેષણો (પીતસ્તનવિમર્દનઃ, નાભ્યૂરુજઘનસ્પર્શી, નીવિવિસ્ત્રંસન) પણ ‘કર:’નાં વિશેષણ બને છે એમ આ ‘રસનોત્કર્ષી’ પણ ‘કરનું વિશેષણ છે. રાજેશ કહે છે કે ‘રસનોત્કર્ષી કર:’ છે એ કબૂલ, પણ સ્તનનું વિશેષણ બને તો? શું નારીસ્તન સૌથી વધુ આકર્ષક રસનોત્કર્ષી નથી? મને લાગે છે કે આવાં શ્લોકના અનુવાદમાં માત્ર વ્યાકરણ નહીં, કાવ્યશાસ્ત્ર અને કામશાસ્ત્રનો પણ આધાર લેવો પડે’ (૧૫૬). હું રાજેશના અર્થઘટન અને એના સમર્થનમાં એ જે દલીલો કરે છે એ બન્નેની સાથે સંમત નથી કેમ કે, હું પણ મધુસૂદનભાઈની જેમ જ માનું છું કે ‘રસનોત્કર્ષી’ ‘કરઃ’નું જ વિશેષણ બનવું જોઈએ. રાજેશ પંડ્યાનો પ્રતિભાવ છે કે “રસનોત્કર્ષી’ ‘કર:’નું વિશેષણ બને છે. રાજેશે પોતાના અર્થઘટનને ટેકો આપતાં જે દલીલો કરી છે એ દલીલોને આ શ્લોકની text સાથે કે એના Context સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ મને દેખાતો નથી. હું માનું છું કે સ્પષ્ટ હોય ત્યારે context પાસે જવાની ભાગ્યે જ જરૂર પડતી હોય છે. વળી એ context પણ બે પ્રકારના હોય: એક તો text અંતર્ગત અને બીજો તે text બહિર્ગત. અહીં text અંતર્ગત context પૂરતો છે. કોઈ માણસને નારી સ્તનો આકર્ષક લાગે અથવા તો કાવ્યશાસ્ત્રમાં કે કામસૂત્રમાં નારી સ્તનોની અપાર પ્રશંસા કરી હોય એને context તરીકે સ્વીકારીને કોઈ textનું અર્થઘટન કરવાનું કામ જરા અતિરેકભર્યું છે. એ પ્રકારનું કામ બીનજરૂરી એવા contextનું text પર આરોપણ કરતું હોય એવું લાગે. જો કે, પોતાના અનુવાદના સમર્થનમાં રાજેશ એક બીજી વાત પણ કરે છે. એ કહે છે કે “અનુવાદ પણ એક ‘વાચન’ છે. અનુવાદિત text એ અનુવાદકની (જે રીતે વાચન કર્યું હોય તે પ્રમાણેની) ‘વાચના’ છે” (૧૫૭). અનુવાદ પણ એક વાચના હોય છે એ વાત સાચી પણ આપણે એ વાત ભૂલવાની નથી કે એ વાચના એક બાજુ મૂળ textના અને બીજી બાજુ વાચનાને લગતા નિયમોની મર્યાદામાં રહીને થતી હોય છે. કોઈ પણ textની કોઈ પણ વાચના ન હોઈ શકે. આવું જ ‘કો મોદતે’વાળા શ્લોકના અનુવાદમાં પણ થયું છે. રાજેશ પંડ્યાએ ‘ચતુરઃનું ‘ચતુર’ એવું અર્થઘટન કર્યું છે જે તદ્દન ખોટું નથી. પણ, જો text અંતર્ગત contextને ધ્યાનમાં લઈએ તો એનો અર્થ ‘ચાર’ કરવો જોઈએ એવું હું માનું છું. કેમ કે textમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અનુવાદમાં text અંતર્ગત બે contexts એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે થોડી મુશ્કેલી ઊભી થવાની જ. પણ એવું થાય ત્યારે optimal contextને ધ્યાનમાં લેવો જોઈએ. સંશોધનના સંદર્ભમાં મધુસૂદનભાઈ કહે છે કે ‘વિદ્વત્તા અને સંશોધનના ક્ષેત્રે સમીક્ષિત આવૃત્તિનો જ ઉપયોગ કરવો ઘટે. અનિવાર્ય કારણોસર બીજી કોઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હોય તો તેનાં કારણોની સ્પષ્ટતા કરવી ઘટે (૧૫૫). આ ટિપ્પણીના સંદર્ભમાં રાજેશ પંડ્યા કહે છે કે “સમીક્ષિત વાચનાનું મહત્ત્વ હું જાણું છું. આવું મોટું કામ કરનારા વિદ્વાનો પ્રત્યે મને અપાર આદર છે. અહોભાવ છે. છતાં, સમીક્ષિત આવૃત્તિની મહત્તા સ્વીકાર્યા પછીય, હું જરૂર લાગે ત્યાં બીજા વિકલ્પમાં જવાનું પસંદ કરું છું’ (૧૫૭), પછી એ ઉમેરે છે, “એટલે વિદ્વત્તા અને સંશોધન ક્ષેત્રે સમીક્ષિત આવૃત્તિનો જ ઉપયોગ કરવો ઘટે એવું આદેશાત્મક વિધાન હું સમજી શકતો નથી અને સ્વીકારી શકતો નથી” (૧૫૯). મને લાગે છે કે રાજેશ પંડ્યા અહીં મધુસૂદનભાઈની વાત બરાબર સમજી શક્યા નથી. એક તો મધુસૂદનભાઈનું વિધાન આદેશાત્મક નથી. બીજું, એમણે મધુસૂદનભાઈના વિધાનનું અર્થઘટન કરતી વખતે એના બીજા ભાગને તો ધ્યાનમાં લીધો જ નથી. મધુસૂદનભાઈએ એ ભાગમાં એ જ વાત કરી છે જે રાજેશ પંડ્યાએ પણ કરી છે. મધુસૂદનભાઈ કહે છે કે આપણે સમીક્ષિત આવૃત્તિનો ઉપયોગ ન કરીએ ત્યારે એનાં કારણો આપવાં જોઈએ. રાજેશ પંડ્યા પણ એમ જ કહે છે. એ કહે છે કે “હું જરૂર લાગે ત્યાં (મેં ભાર મૂકવા માટે અહીં અધોરેખા વાપરી છે.) બીજા વિકલ્પમાં જવાનું પસંદ કરું છું.” આપણને જરૂર લાગે ત્યારે આપણે બીજી (અહીં ‘સમીક્ષિત’ નહીં એવી) આવૃત્તિને પસંદ કરીએ ત્યારે વાચકોને એ જાણવાનો અધિકાર હોય છે લેખકે શા માટે એ જ આવૃત્તિ પસંદ કરી છે. એ વાત એક પાદટીપમાં પણ કહી શકાય. છેલ્લે, એક વખત રાજેશ સમીક્ષિત આવૃત્તિઓની ‘આદરપૂર્વક’ ટીકા કરતાં કહે છે કે એ પ્રકારની આવૃત્તિઓ સત્તા લાદવાનો પ્રયાસ કરતી હોય છે અને એવો પ્રયત્ન “સાચી લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે” (૧૫૯). મને લાગે છે કે અહીં એક વાત એ ચૂકી જાય છે. સમીક્ષિત આવૃત્તિઓ હુકીકતમાં તો સાચી લોકશાહીના નમૂના જેવી હોય છે; કેમ કે એમાં પાઠાંતરો પણ આપવામાં આવતાં હોય છે. એ પાઠાંતરોને બાજુ પર મૂકી શકાય નહીં.
જાન્યુઆરી ૨૦, ૨૦૧૨
બાબુ સુથાર
(૪)
બળવંત જાની
પ્રિય રાજેશ,
આદરણીય મધુસૂદનભાઈનું ચર્ચાપત્ર અને સન્મિત્ર રાજેશ પંડ્યાનો પ્રત્યુત્તર એક સાથે વાંચવાનું બન્યું. ‘કથનકળાશાસ્ત્ર’ વિશેષાંકમાં રાજેશ પંડ્યાનો લેખ વાંચીને મેં માર્જીનલ નોટ્સ રૂપે લખેલું. પુન: અવલોક્યું. સૂચિમાં મુકાયેલ ‘મહાભારત’ ગોરખપુર આવૃત્તિ, સામે મેં પ્રશ્નાર્થ કરેલો. તાજેતરમાં જ પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા ગુજરાતી અનુવાદની ગ્રંથશૃંખલા ઉપલબ્ધ હોઈને સરળતાથી અવલોકવાનું બનેલું, અને મેં શીર્ષકની નીચે કૌંસમાં (‘ગીતાપ્રેસ’ આવૃત્તિને અનુષંગે) એમ ઉમેરેલું. સૈદ્ધાંતિક પ્રશ્ન, એ ઊઠેલો કે આવાં ખરેડેલાં કથનકેન્દ્રો કથનકળાના સંદર્ભે તપાસીને શિષ્ટ ટેક્સ્ટ અને પોપ્યુલર ટેક્સ્ટમાં ક્યાં ક્યાં બદલાવ આવે છે, એ તપાસવું જોઈએ. આવા લખાણમાં શાસ્ત્રીય સંપાદન ઉપલબ્ધ હોવાને કારણે એનો ઉપયોગ કરીને કહેવાનું થયું હોય તો, કોઈક જુદો જ મુદ્દો અને સંદર્ભ ઉપસ્થિત થયા હોત. મધુસૂદનભાઈએ અપેક્ષા રૂપે કહેલી વિગતમાં પણ તથ્ય છે. અનુવાદમાં દાખવેલ સ્વૈરવિહાર મૂળ ભાવને પોષક તો નથી જ. મને ઘણા વખત પહેલાં સ્નેહીશ્રી રાજેન્દ્ર નાણાવટી દ્વારા પ્રાપ્ત થયેલો ગૌરીપ્રસાદ ઝાલાનો સંસ્કૃતલેખસંગ્રહ ‘અક્ષરા’ સ્મરણે ચઢ્યો. એનાથી અનુપ્રાણિત મધુસૂદનભાઈ સંસ્કૃત સાહિત્યના પણ વિદ્વાન છે. આપણે આવા અભિપ્રાયો સ્વીકારીને પરંપરિત વિભાવનામાં બદ્ધ રહીને જ સંશોધન લેખ કરીએ, પશ્ચિમના વિદ્વાનો દ્વારા તથા વિશેના ખ્યાલો, એમના કથાસાહિત્યના અભ્યાસોને આધારે ઘડાયેલ હોય છે. ભાયાણીસાહેબ કહેતા કે પૂરું ભારતીય કથાસાહિત્ય તપાસ્યા વગર કથા સાહિત્ય વિશે આપેલા સિદ્ધાંત આપણા માટે સ્વીકૃત કે પોષક ન પણ બને. આવા જ્ઞાનવૃદ્ધ વિદ્વાન સમક્ષ દલીલ-તર્ક કરવા કરતાં એમના તથ્ય અને સત્યને સ્વીકારવામાં આપણી અભ્યાસનિષ્ઠા અને સંસ્કૃતિ-વ્યક્તિમત્તા પ્રગટતી હોય છે. મને લાગે છે કે પ્રત્યુત્તરમાંની દલીલો અને તર્કથી અનુવાદ અને શાસ્ત્રીય વાચનાવાળો મૂળ મહત્ત્વનો મુદ્દો તો કોરાણે રહી ગયો. રાજેશ માટે ખૂબ અપેક્ષા હોય એટલે જ કદાચ પત્રચર્ચા કે પ્રત્યુત્તરમાં ન પડનાર, તને પત્ર લખવા ઉદ્યુંક્ત થયો. અસ્તુ.
૨-૨-૨૦૧૩
બળવંત જાની
***