વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ચર્ચાપત્ર
૬ ઓગસ્ટ ૨૦૧૨
પ્રિય જયેશભાઈ,
‘તથાપિ’નો કથનકળાશાસ્ત્ર વિશેષાંક મળ્યો. એક નવા જ વિષયનું તમે ઉદ્ઘાટન કર્યું છે અને ઊંડાણથી એનું આકલન થયું છે. અભિનંદન. બાબુભાઈ (સુથાર)નો લેખ કેમ નથી? થોડા વખત પહેલાં ‘તથાપિ’માં જ બાબુભાઈનો આ વિષયનો દીર્ઘ વિદ્વત્તાપૂર્ણ લેખ વાંચ્યો હોવાનું સ્મરણ છે. એમના લેખથી વિશેષાંક સમૃદ્ધ બન્યો હોત. જો કે આ પત્રનું મુખ્ય પ્રયોજન તો રાજેશ પંડ્યાના ‘મહાભારતની વિલક્ષણ કથાસંઘટના’ એ લેખમાં બે સંસ્કૃત શ્લોકોના અનુવાદમાં રહેલી ક્ષતિઓ અને એમાંના એક શ્લોકની વાચના વિશે ઊઠતા કેટલાક ગંભીર પ્રશ્નો તરફ ધ્યાન દોરવાનું છે.
*
લેખક મહાભારતનો સુપ્રસિદ્ધ - ઉમાશંકર વિનોદમાં કહે છે તેમ નામચીન શ્લોક ટાંકે છે, આ પ્રાસ્તાવિક સાથે, “ભૂરિશ્રવાની પત્ની (પત્ની એકવચન સાચું નથી, ભૂરિશ્રવાને એકથી વધુ પત્નીઓ હતી અને એ સૌ વિલાપ કરે છે) મૃત પતિનો કપાયેલો હાથ પોતાના ખોળામાં લઈ, એને પંપાળતી, વિલાપ કરતી બોલે છે :
अयं स रसनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यूरुजघनस्पर्शी नीविविस्रंसनः करः ॥
(અર્થાત્ આ એ જ હાથ છે, જે મારા રસનોત્કર્ષી ઉત્તુંગ સ્તનોનું મર્દન કરતા હતા, નાભિ, ઊરુ અને જઘનને ક્રમશ : સ્પર્શતા હળવેથી - ખબર ન પડે તેમ અમારા કટિવસ્ત્રને સરકાવી દેતા હતા. સ્ત્રીપર્વ (૨૪-૧૯) (અરેરે, અહીં જ ભયંકર મુદ્રણદોષ! કર: ને બદલે ફર: છપાયું છે! વાંચીને લેખકનો જીવ કપાઈ ગયો હશે.) અહીં ક્રમશઃ હળવેથી - ખબર ન પડે તેમ’ અનુવાદકે ઘરનું ઉમેર્યું છે. મૂળમાં કરઃ એકવચન છે, અહીં ‘હાથ’ બહુવચનમાં છે. પરંતુ સૌથી ગંભીર ક્ષતિ ‘रसनोत्कर्षी’ ના અનુવાદમાં છે. શ્લોકનાં અન્ય વિશેષણો ‘पीनस्तनविमर्दनः’, ‘नाभ्यूरुजयनस्पर्शी’ અને ‘नीविविस्त्रंसनः’ જેમ ‘रसनोत्कर्षी’ પણ ‘करःનું વિશેષણ છે, એ ‘पीनस्तन’નું વિશેષણ નથી. ‘रसनोत्कर्षी’ના ‘रसना’ શબ્દથી ભ્રમ થયો લાગે છે. જો કે સંસ્કૃતમાં ‘रशना’ અને ‘रसना’ બન્ને શબ્દનો એક જ અર્થ થાય છે. સ્ત્રીનું અંતર્વસ્ત્ર, Woman’s girdle. ‘रसनोत्कर्षी’નો અર્થ કટિવસ્ત્રને ઉતારનાર, ખેંચનાર થઈ શકે છે. જુઓ ‘મેઘદૂત’ ‘पादन्यासैः क्वणितरशनाः... वैश्याः’ પાયમુદ્રાથી નિતંબના વસ્ત્રની ઘૂઘરીઓ રણકાવતી ... નૃત્યાંગનાઓ.’ સમીક્ષિત આવૃત્તિએ (ભાંડારકર ઓરિયેન્ટલ રીસર્સ ઇન્સ્ટિટ્યૂટ, પૂણે, ક્રિટિકલ એડિશન, હવે પછી ભાંડારકર આવૃત્તિ) ‘रशना’ પાઠ સ્વીકાર્યો છે, ‘रसना’ પાઠાંતર તરીકે આપ્યું છે. ભાંડારકર આવૃત્તિનો ‘रसना’ પાઠ સ્વીકાર્યો હોત તો ભ્રમમાંથી ઊગરી જવાયું હોત. સમીક્ષિત આવૃત્તિની વાત, થોડી વધુ વિગતે, બીજા શ્લોકની ચર્ચામાં. તો ‘निविविस्त्रंसनः’ નું શું? ‘नीवि’ એટલે વસ્ત્રની ગાંઠ, નાડી. વધારે સ્પષ્ટતાથી કહેવું હોય તો સ્ત્રીની કમ્મર પર વીંટાળેલા વસ્ત્રની ગાંઠ. જુઓ મેઘદૂત: ‘नीविवन्धोच्छ्वसितशिथिलं... क्षौमं’ ‘ગાંઠ છોડી નાખવાથી ઢીલું થયેલું વસ્ત્ર’. આ શ્લોકની ટીકામાં મલ્લિનાથ કહે છે: ‘नीवि वसनग्रन्थिः મહાભારતના અંગ્રેજી અનુવાદકો જેવા કે James L. Fitzgerald, Kate Crosby अने K. M. Ganguli એ ‘रसनोत्कर्षी’નો ‘करः’ના વિશેષણ તરીકે જ અનુવાદ કર્યો છે. પણ એટલે દૂર સુધી જવાની પણ જરૂર નથી. ઘરઆંગણે ‘ધ્વન્યાલોક’માં શ્લોકનો અનુવાદ નગીનદાસ પારેખે આ પ્રમાણે કર્યો છે : આ તે હાથ જે, અમારા કંદોરાને ખેંચી લેતો હતો, અમારાં પુષ્ટ સ્તનોનું મર્દન કરતો હતો, અમારી નાભિ, જાંઘ અને નિતંબને સ્પર્શ કરતો હતો અને અમારાં નાડાં છોડી નાખતો હતો. ‘ધ્વન્યાલોક’...., દ્વિતીય આવૃત્તિ, ૨૦૦૪, પૃ. ૧૯૭) બીજા એક શ્લોકના અનુવાદમાં તો મૂળ સંસ્કૃત શબ્દના અર્થને સમજવામાં જ ભૂલ થઈ છે. વનપર્વના અંતમાં યક્ષપ્રશ્નોત્તરની કથા આવે છે. આ પણ અત્યંત પ્રસિદ્ધ કથા છે. તેમાંથી યક્ષનો એક પ્રશ્ન અને યુધિષ્ઠિરનો ઉત્તર લેખક ટાંકે છે. યક્ષ પૂછે છે :
को मोदते किमाश्चर्यं कः पन्थाः का च वार्तिका ।
मामेतांश्चतुरः पश्नान् कथयित्वा जलं पिवः ॥
(અર્થાત્ સુખી કોણ? આશ્ચર્ય શું? માર્ગ કયો છે? અને સમાચાર કયા? આ પ્રશ્નનો બુદ્ધિપૂર્વક ઉત્તર આપ્યા પછી તું જળપાન કર.) અહીં ‘चतुरः’નો લેખકે ‘બુદ્ધિપૂર્વક’ એવો અર્થ કર્યો છે અને તેથી મૂળ ‘प्रश्नान्’ એ બહુવચનને - અને પ્રશ્નો ચાર છે એટલે બહુવચન સ્વાભાવિક છે - એકવચનમાં ફેરવી નાંખ્યો છે. સંસ્કૃતમાં બે રૂપ છે: ‘चतुर्’ અને ‘चतुर’, ‘चतुर्’ સંખ્યાવાચક વિશેષણ છે અને ‘चतुर’ સામાન્ય વિશેષણ છે. ‘चतुर्’નો સામાન્ય વિશેષણ તરીકે ‘બુદ્ધિમાન’, ‘હોંશિયાર એવો અર્થ થાય પણ ‘चतुर्’ નો સંખ્યાવાચક વિશેષણ તરીકે ‘ચાર’ એવો અર્થ થાય. આ શ્લોકમાં ‘चतुरः प्रश्नान्’માં ‘चतुरः’ એટલે ‘ચાર’ અને ‘चतुरः प्रश्नान्’ એટલે ‘ચાર પ્રશ્નો’ ‘चतुर्’ અને ‘प्रश्नान्’ કોઈને એકવચન-બહુવચન પ્રયોગ તરીકે વ્યાકરણદુષ્ટ લાગે તો એક સ્પષ્ટતા જરૂરી છે કે સંસ્કૃતમાં ‘चतुर्’ બહુવચનમાં જ વપરાય છે. અહીં પણ ‘મેઘદૂત’નું સમર્થન : शेषान्मासान् गमय चतुरो लोचने मिलयित्वा’ યક્ષ મેઘ સાથે પત્નીને આશ્વાસન રૂપે સંદેશો મોકલે છે કે ‘બાકીના ચાર મહિના આંખો મીંચીને (ધૈર્ય રાખીને) ગાળી નાખજે.’ અહીં પણ ‘मासान्’ બહુવચન સાથે ‘चतुर:’ વિશેષણ યોજાયું છે. એક ગંભીર મુશ્કેલી આ યક્ષપ્રશ્ન અને યુધિષ્ઠિર ઉત્તરની છે. લેખકે ટાંકેલા બંને શ્લોકો ભાંડારકર સમીક્ષિત આવૃત્તિમાં નથી. આ શ્લોકોને ભાંડારકર આવૃત્તિ સ્પષ્ટતાથી ક્ષેપક (interpolation) તરીકે નોંધે છે. મહાભારતની હસ્તપ્રતોની દસેક શાખાઓમાંથી (recension) માત્ર એક જ શાખામાં આ શ્લોકો છે. તેમાં પણ પ્રશ્નશ્લોકનું ચોથું ચરણ ‘कथयित्वा जलं पिबः’ તો ક્ષેપકમાં પણ નથી. ક્ષેપકમાં તો ‘मृता जीवन्तु बान्धवाः’ છે. લેખકે કઈ આવૃત્તિમાંથી આ પાઠાંતર લીધું હશે તે જાણવાનું મારી પાસે સાધન નથી. સંભવ છે કે સંદર્ભગ્રંથની સૂચિમાં આપેલી ગીતાપ્રેસ, ગોરખપુર આવૃત્તિમાંથી આ પાઠાંતર લીધું હોય. વિદ્વત્તા અને સંશોધનના ક્ષેત્રે સમીક્ષિત આવૃત્તિનો જ ઉપયોગ કરવો ઘટે. અનિવાર્ય કારણોસર બીજી કોઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હોય તો તેનાં કારણોની સ્પષ્ટતા કરવી ઘટે. નાનાભાઈ ભટ્ટ કે ચોપરા લોકપ્રિય સ્રોતનો ઉપયોગ કરી શકે, ‘તથાપિ’માં રાજેશ પંડ્યા નહિ. મારા દૃષ્ટિબિંદુનું સમર્થન ‘તથાપિ’ના આ જ અંકમાં ‘રામાયણની કથનકળાશૈલી’ એ લેખની વિજય પંડ્યાની પાદટીપમાં મળે છે : ‘વધુમાં પોતાના આ અન્યથા ઉત્કૃષ્ટ ગ્રંથમાં સંસ્કૃત પાઠ માટે તેઓએ (ગુણવંત શાહે) તેમના ગામ વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ સંસ્થાએ ૨૫ વર્ષની જહેમત પછી તૈયાર કરેલી અને ગુજરાતને ગૌરવ અપાવે તેવી સમીક્ષિત આવૃત્તિનો ઉપયોગ તો કર્યો નથી પણ તેનાથી સભાન પણ નથી આ મને બહુ જ નવાઈભરી વાત લાગે છે. એક તો તેઓ પોતે એક ‘એકેડેમીક’ હતા અને સમીક્ષિત આવૃત્તિ સાથે સીધા સંકળાયેલા રાજેન્દ્રભાઈ નાણાવટી સાથે પણ તેઓ પરામર્શ કરતા રહ્યા છે તેવી તેમની નોંધ છે.” (પૃ. ૪૦)