વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા : ગુણવંતભાઈનો પત્ર, રામાયણના અવલોકન પછી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પત્રચર્ચા : ગુણવંતભાઈનો પત્ર, રામાયણના અવલોકન પછી

  પ્રિય મંજુબહેન,

નમસ્કાર. શ્રી મધુસૂદન કાપડિયાએ ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ ગ્રંથના વિવેચનમાં બે પ્રસ્થાપનો નરવી તટસ્થતા સાથે પ્રગટ કર્યાં છે. લખાણના પૂર્વાર્ધમાં કૃતિની ખૂબીઓ દર્શાવ્યા પછી તેમાં રહી ગયેલી મર્યાદાઓ ઉત્તરાર્ધમાં પ્રગટ કરી છે. અમેરિકાથી મને લખેલા લાંબા પત્રમાં એમનાં અવલોકનો વાંચ્યાં હતાં તેથી તેઓ વડોદરાના ઘરે બે દિવસ રહ્યા ત્યારે પણ થોડી ચર્ચા થયેલી. નિર્દશ અને નિર્ભય વિવેચન કેટલું સત્યાન્વેષક હોઈ શકે તેની પ્રતીતિ એમના બે લેખો (તમારા) ત્રિમાસિકમાં વાંચવા મળ્યા ત્યારે થઈ. એમણે બીજા લેખમાં ઉઠાવેલા કેટલાક વિચારણીય મુદ્દાઓ અંગે ક્રમાનુસાર સ્પષ્ટતા કરવાના આશયથી આ પત્ર લખી રહ્યો છું. (૧) મારા અંગત પત્રવ્યવહારમાં લગભગ બે દાયકાથી હું વડોદરું’ લખું છું. ગમતી નગરીને આ રીતે લાડપૂર્વક ઉલ્લેખવામાં આવે તેમાં ‘અનુકરણ’ ખરું? કદાચ વડોદરાને ‘વડોદરું’ કહેનાર પ્રથમ માણસ પ્રેમાનંદ નહીં હોય. ‘ઉદવાડા’ને ‘ઉદવાડું’ કહેનાર અનાવિલ કે પારસી કોનું અનુકરણ કરે છે? (૨) ‘સવિતા, કવિતા અને સરિતા’ જેવા ત્રણ શબ્દો ત્રણ વાક્યોમાં પ્રયોજાયા તેમાં “શૈલીવેડા” અને ‘શૈલીદાસ્ય’ જેવું હેત્વારોપણ ગળે ઊતરતું નથી. પ્રાસાનુપ્રાસ કે અન્ત્યાનુપ્રાસ ગદ્યમાં પણ પ્રયોજાય ત્યારે એ ‘શબ્દરમત’ કે ‘નાનાલાલીય વાગાડંબર’ બની જાય એવું ખરું? મધુસૂદનભાઈ કહે છે તેમ ‘સવિતા’ શબ્દનો જે અર્થ મને અભિપ્રેત હોય, તે વાચકોને ન પહોંચે એવું માની લેવાનું યોગ્ય ખરું? સુરેશ દલાલની શૈલી અંગે એમનો અભિપ્રાય ગમે તે હોય, પરંતુ મારાં લખાણોમાં પ્રાસાનુપ્રાસ કે અન્ત્યાનુપ્રાસ કેટલા? જે હોય તેમાં, ‘સત્ત્વ નીકળે નહીં’ તેવા કેટલા? જે ઉદાહરણ મધુસૂદનભાઈએ આપ્યું તેમાં સત્ત્વ નથી તેવું તેઓ છાતી ઠોક્યા વિના કહી શકશે? (૩) ‘માનવજાતે એટલી તો ધાડ મારી જ છે કે યુદ્ધ અટક્યું નથી તોય શાંતિનું મહત્ત્વ એને સમજાયું છે.’ આ વિધાનમાં ‘ધાડ મારી’ શબ્દપ્રયોગ મધુસૂદનભાઈને ‘અનુચિત’ લાગે છે, મને નથી લાગતો. એ જ પ્રમાણે ‘ગાંઠોગળફો’ શબ્દ મને ‘અભદ્ર’ નથી લાગતો. ચાલવાનું ને બદલે ‘હીંડવાનું’ લખ્યું તેમાં કૃત્રિમતા ક્યાં આવી? ‘હિંડ્ ધાતુ પરથી ‘હીંડવું’ થયું છે. તે તળપદું હોય તે અનુચિત, અભદ્ર અને કૃત્રિમ બની જાય એવું કોણે કહ્યું? ‘બેડો પાર’ શબ્દપ્રયોગ થયો તેમાં શોભા ઘટે તેવું ખરું? ‘અલૌકિક અધ્ધરતા’ જેવા શબ્દપ્રયોગમાં મિયાં મહાદેવનો મેળ કેવી રીતે પડે? મધુસૂદનભાઈનો આ પ્રશ્ન જ મને તો અરુચિકર અને અપ્રસ્તુત જણાય છે. એ જ રીતે ‘ભીનું’ શબ્દને બદલે હું ‘આર્દ્ર’ શબ્દ પ્રયોજું એવી અપેક્ષા તેઓ શા માટે રાખે? સીતા રાવણને ત્યાં “સુરક્ષિત રહે તોય વણબોટાયેલી શી રીતે રહી શકે? આ પ્રશ્નમાં ‘વણબોટાયેલી’ શબ્દપ્રયોગ સ્ત્રીમુક્તિ (Women’s liber)ની દૃષ્ટિએ એમને વાંધાજનક જણાયો છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ પ્રમાણે ‘બોટવું’ એટલે ‘ખાઈને કે પીને કે સ્પર્શ વગેરેથી એઠું કરવું, હીન કરવું, અભડાવવું.” આ શબ્દપ્રયોગમાં જો સ્ત્રીમુક્તિનો વિરોધ જણાય તો મારી નમ્ર સમજણ પ્રમાણે એ તર્કદોષ ગણાય. (૪) ગ્રંથમાં વારંવાર કૌંસમાં મૂળ સંસ્કૃત શબ્દો ટાંકવાની વાતે હું હજી અવઢવમાં છું. ગુજરાતી શબ્દો કે વાક્યો સાથે મૂળ સંસ્કૃત શબ્દો આપવામાં મહાકવિની સર્ગશક્તિનો પરિચય વાચકોને થાય એવો મારો ખ્યાલ ખોટો હોઈ શકે છે. (૫) મૃત્ = માટી અને મૃત =મરેલું. આ બાબતે થયેલી ભૂલ બદલ મારે બે કાન પકડીને ઊઠબેસ કરવી જ પડે. પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે. (૬) ‘કાવ્યની વિભાવના’ અંગે મધુસૂદનભાઈએ કમાલ કરી છે. મૈથિલીશરણજીની પંક્તિઓમાં એમને ‘સ્થૂલ નિવેદન’ જણાયું છે અને ઉમાશંકરનાં સાત કાવ્યોને એમણે ‘અકાવ્યો’ કહ્યાં છે. એમ કહેવું એ એમનો અધિકાર હોઈ શકે, મારો ન હોઈ શકે. તેઓ આગળ લખે છે : ‘વડોદરે વસી તમે કાવ્યની આવી વિભાવના ધરાવો છો તો સુરેશ જોષીનો એળે ગયો અવતાર.” મધુસૂદનભાઈ! તમે પણ મારી જેમ છૂટ લીધી? મેં ‘વડોદરું’ લખ્યું અને તમે ‘વડોદરે’ લખ્યું. યાદ છે? સ્વામી આનંદે ‘માનજી રૂદર’ નિબંધમાં ‘ઉદવાડે’ લખ્યું છે. હું મનથી માનું છું કે તમે સ્વામી આનંદનું અનુકરણ નથી કર્યું. વિજ્ઞાનનો સ્નાતક છું. મારી કોઈ હેસિયત નથી કે હું મૈથિલીશરણ ગુપ્ત કે ઉમાશંકરનાં કાવ્યોને ‘અકાવ્યો’ કહી શકું. એ મારી મર્યાદા છે, કબૂલ છે. (૭) મધુસૂદનભાઈ વલ્લતોળના ‘કિલિકોન્ચલ’નો પ્રસંગ ટાંકે છે. ‘શિશુ સીતા પોપટો પાસેથી પોતે ભવિષ્યમાં રામને પરણશે એવું સાંભળીને કહે છે : મને કોઈ નહીં પરણે, સિવાય કે મારી મા.’ આ વિધાનમાં ‘કટાક્ષ-વ્યંગ (આયર્ની)નો ઉત્તમ નમૂનો’ છે એવું કોણ કહેશે? આવું વિધાન જો મારાથી ક્યાંક લખાઈ ગયું હોત તો મધુસૂદનભાઈએ મને માફ ન કર્યો હોત. (૮) મધુસૂદનભાઈના સૂચનના અમલ રૂપે રવીન્દ્રનાથના ગદ્યખંડો ‘રવીન્દ્ર નિબંધમાલામાંથી ગ્રંથની ત્રીજી આવૃત્તિના પરિશિષ્ટમાં ઉમેર્યા છે, પરંતુ ઉમાશંકરનાં સાત ‘અકાવ્યો’ કાઢી નાખ્યાં નથી. (૯) કેટલાક શબ્દોની વ્યુત્પત્તિઓ સામે મધુસૂદનભાઈને પ્રામાણિક વાંધો છે. ‘કૂટાગાર’ શબ્દના પર્યાય તરીકે ‘કૂટણખાનું’ શબ્દ મેં શ્લોકના અનુવાદમાં નથી સમાવ્યો. પાદપૂર્તિમાં માત્ર નોંધ કરી છે : ‘ગુજરાતી શબ્દ ‘કૂટણખાનું’ પણ કદાચ સંસ્કૃત શબ્દ ‘કૂટાગાર’ પરથી આવેલો જણાય છે… આ બાબતે વધુ પ્રકાશ તો પંડિતો જ પાડી શકે.’ (પૃ. ૩૩). ‘મધુરા’ પરથી ‘મથુરા’ થયું એમ કહેવામાં મારો વાંક નથી. ‘ભગવદ્ગોમંડલ’ (ભાગ ૭મો)માં મથુરા નગરીના નામ અંગે લખ્યું છે’કે : “રામાયણ, મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ આદિ પ્રાચીનગ્રંથોમાં મધુપુર, મધુપુરી, મધુરા આદિ નામનો ઉલ્લેખ છે.’ (પાન ૬૯૧૩) સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘ચારણ’ શબ્દ અંગે સ્પષ્ટ લખાયું છે : ‘ચારવું પરથી ચારનાર.’ મારે વધારે શું કહેવું? સીતા અને સીત્કાર વચ્ચેનો સંભાવ્ય સંબંધ છેક બિનપાયાદાર નથી. ‘સ્ત્રીને માથે ઉપરાઉપરી સંકટો આવવાં’ માટે ‘સીતાનાં વીતવાં’ શબ્દપ્રયોગ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં બતાવ્યો છે. મેં પાદપૂર્તિમાં માત્ર સંભાવ્યતા જ દર્શાવી છે. ‘હરામ’ પરથી ‘હેરમ’ શબ્દ બન્યો તેવું વેબ્સ્ટર્સ ડિક્ષનરીમાં સ્પષ્ટ જણાવ્યું છે. મધુસૂદનભાઈ ઘરે આવ્યા ત્યારે મેં એ બાબત ડિક્ષનરીમાં એમને બતાવી હતી. (૧૦) કાલિદાસ અને ભવભૂતિ સમકાલીન ‘નથી જ નથી’ એવું મધુસૂદનભાઈ લખે છે. પછી તરત લખે છે : ‘પણ લૌકિક કથાઓને આધારે પાકી માન્યતાને કેવી રીતે કેળવી શકાય?” વાતમાં દમ છે, પરંતુ તો પછી ‘નથી જ નથી’ પણ કઈ રીતે કહી શકાય? ‘ભગવદ્ગોમંડલમાં ભવભૂતિ અંગે લખ્યું છે : ‘તે કવિ કાલિદાસનો સમકાલીન હતો.” (ભાગ ૭મો, પાન ૬૬૨૩). આ માન્યતાને મેં ‘પાકી માન્યતા’ ગણાવી તેમાં આખરે તો ‘માન્યતા’ જ ગણાવી છે ને? છેવટે મારે મધુસૂદનભાઈનો આભાર માનવો રહ્યો. મારા ગ્રંથની અનેક મર્યાદાઓ હોવા છતાં એમણે એનું પરિશીલન કર્યું અને વિવેચન કર્યું તે ઘટના મારે મન ઓછી સંતર્પક નથી. હિંમતભાઈને મારી યાદ, કુશળ?

-ગુણવંત શાહનાં વંદન