વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/મકરંદ દવે : અભીપ્સા અને આરતની કવિતા
ગમતું મળે તે અલ્યા, ગુંજે ન ભરીએ,
ગમતાંનો કરીએ ગુલાલ.
આ કાવ્યના સર્જક કવિ મકરંદ દવે અને તેમનાં પત્ની, સ્વતંત્રપણે સમર્થ નવલિકાકાર અને નવકથાકાર, શ્રીમતી કુન્દનિકા કાપડિયા ગમતાંનો ગુલાલ વાવરવા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૮૯માં ગુજરાતી લિટરરી એકૅડેમીનાં મહેમાન તરીકે અમેરિકા-કેનેડાના પ્રવાસે આવી રહ્યાં છે. આ નિમિત્તે મકરંદની કવિતાનો આછેરો પરિચય, ‘ગુર્જરી’ના વાચકો માટે, એ જ આ લેખનો ઉપક્રમ.
‘નકામની નદી’
કવિ તરીકે મકરંદનું ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિશિષ્ટ અર્પણ છે જ; પરંતુ મકરંદ માત્ર કવિ નથી, સાધક છે. આધ્યાત્મિક પથના પ્રવાસી છે. મકરંદભાઈએ આપણું નિમંત્રણ સ્વીકાર્યું તે આપણું પરમ સૌભાગ્ય છે, પણ સાથે સાથે એ મોટું આશ્ચર્ય પણ છે. આશ્ચર્ય માત્ર એમનાં વય અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ નહીં, પરંતુ મકરંદ સ્વભાવે વેરાગી છે, અપ્તરંગી છે, અલિપ્ત છે, ગેબની સાથે મકરંદે ગોઠડી માંડી છે. મકરંદના જીવનનો આ સૂર તેમનાં કાવ્યોમાં પણ પ્રતિબિમ્બિત થાય છે. સમગ્ર દુનિયા લોભ અને પરિગ્રહની આંધળી દોટમાં પડી છે, અખો કહે છે તેમ ‘લોભે લાગ્યો કાઢે હડી’, ત્યારે મકરંદ નિરાંતવા સૂરે કહે છે :
કામના ઊંચે ગામને તીરે એકલી મારી,
વહેતી જાય નકામની નદી.
નિરંજનની પંક્તિઓ સહેજે યાદ આવી જાય: “હું તો બસ ફરવા આવ્યો છું/ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?” કોઈ નફાનો નાદ મકરંદને દોડવા પ્રેરતો નથી, કારણ કે એમની અંતઃશ્રુતિ સ્થિર થઈ છે સાંભળવા : “લાખ રૂપે લલચાવતો લ્હેરે / ગેબનો આવે સાદ,” મકરંદનો માનદંડ જ જુદો છે :
સોનાની તે સાંકડી ગલી,
હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત.
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં
ધૂળિયે મારગ ચાલ!
શબ્દનું સૌન્દર્ચ:
મકરંદ ધારે છે ત્યારે શબ્દનું શિલ્પ કંડારી શકે છે. પણ શબ્દ મકરંદનું સાધ્ય નથી. શબ્દનું સૌન્દર્ય સિદ્ધ કરવાની એમણે ઝાઝી ખેવના કરી નથી. છતાં વર્ણમાધુર્ય અને લયાન્વિતતા ક્યારેક આપમેળે સર્જાય છે :
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા!
ઊછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલની જેમ ફોરમતી ધરીએ.
ક્યારેક મકરંદ શાહબાઝની જેમ શબ્દોની છાકમછોળ ઉડાડે છે :
ક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની
ડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં હોશની?
આપની મહેફિલ! અને ત્યાં બોલબાલા દામની?
થાય છે: છોળો ઉછાળી દઉં છલકતા જામની.
કોઈ દીવાનાનો દામન તરબતર આપો મને.
તો ક્યાંક મધુર અનુપ્રાસ રચે છે :
ચલ, મન! નિત નવ નવ ઋતુકુંજે,
કિરણ કિરણ પર તરલ પ્રગટતા
પલ પલ પુષ્પિત પુંજે!
શબ્દશિલ્પનું અનુપમ દૃષ્ટાંત છે :
રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાં છપનાં!
રે! ખાલી સપનાં સપનાં
અને કવિ જ્યારે ‘સપનાં’ જોડે અન્ત્યાનુપ્રાસ મેળવવા ‘કલ્પના’નું ‘કલપના’ કરે છે અને ‘જલ્પના’નું ‘જલપના’ કરે છે ત્યારે શી ખબર કેમ પણ વધારે મીઠું લાગે છે. અને મકરંદમાં અદ્ભુત ચિત્રાત્મકતા જોવા મળે છે. ‘આભને ચરિયાણે’માં દિવસનું ગોરું ગોધણ આથમણી ગમાણ ભણી ગયું અને સૂર્યકિરણનાં બે-ચાર બાકી તણખલાં ઊડી રહ્યાં અને આભનું ચરિયાણ સાવ સૂમસામ! ત્યાં તો બીજબંકિમ અધર પર આછોતરી વાંસળી વાગી અને અને હવે જુઓ આ અદ્ભુત ચંદ્રનું, અને તેથીય વધારે અદ્ભુત રાતનું ચિત્ર :
ડોલાતી વીડી મહીં તારા તણી
ચંદ્ર આવ્યો ચારવા,
- સ્હેલતા પીઠે રૂડા આહિરના છોરા સમો –
કૂંઢી ને અલમસ્ત, મંથર મલપતી, નવચંદરી
ભેંસ ભગરી રાતની.
પરાત્પરની કવિતા:
પરંતુ શબ્દ અને અર્થથી પર જે પરાત્પર છે તેને મકરંદની કવિતા ઝંખે છે અને આકારે છે. “નરસિંહ મહેતા અને મીરાંનાં કોઈ કોઈ ઊર્મિકાવ્યો વિષે આપણે એક અવાજે સ્વીકારીશું કે એ ‘ઇન્સ્પાયર્ડ’ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે. અખાની ટીકાની ધગધગતી શિખાઓ વિષે પણ આપણે કેટલેક ઠેકાણે સંમત થઈશું કે એ અગ્નિ અલૌકિક." (બળવંતરાય ઠાકોર). મકરંદની કવિતા નરસિંહ, મીરાં અને અખાની અલૌકિક કવિતાનું અનુસંધાન જાળવી રાખે છે. તીવ્ર આત્મપ્રતીતિ અને પ્રખર શ્રદ્ધાનો આવો બુલંદ રણકાર ગુજરાતી કવિતાએ વિરલપણે જ અનુભવ્યો છે.
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
જે અનભે ચાલે છે, ઈશ્વરમાં શ્રદ્ધા મૂકીને ડગલું ભરે છે તેને હરિવર હાજરાહજુર છે. ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’ એવી નરસિંહની પ્રતીતિ કરતાં મકરંદની આ પ્રતીતિ જુદી છે. પણ એવી જ ઉત્કટ છે. નરસિંહ-મીરાંની છાયાઓ પણ કેવી સહજ ભાવે આ કાવ્યમાં ઊતરી આવે છે :
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ.
‘લા પરવા’માં તો મીરાંની જ – કોઈ દિન હાથી તો કોઈ દિન ઘોડા/કોઈ દિન પાઉં સે ચલના જી / કરના ફકીરી તો ક્યા દિલગીરી/સદા મગનમેં રહના જી. — લાપરવાહી દેખાય છે. ‘લાપરવા’માં મકરંદ કહે છે :
કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં
કંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર
આવે તે જાય એના વેઠવા શા બોજા?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
આપણા મધ્યકાલીન ભક્તકવિઓની જેમ જ ઈશ્વર સાથે મકરંદને ‘લાડકો નાતો’ છે :
તમ સું રે મારો લાડકો નાતો
લાખો ભવનું લેણ રે
એવો કર્યો સંવેદનશીલ જીવ હોઈ શકે જેને પરમાત્માની સૃષ્ટિ સાથે, અરે ખુદ પરમાત્મા સાથે, વાંધો-વચકો પડતો ન હોય?
તમે સું રે મારી વડછડ ઊભી
વાતે વાતે દિન રેણ રે.
છતાં માધવનું આકર્ષણ અદમ્ય છે :
મન મૂંગું પણ જાય તણાતું
મોરલીને મધવ્હેણ રે.
કવિની પ્રબળ શ્રદ્ધાનો બુલંદ કાવ્યાત્મક લલકાર ‘અનહદ સાથે નેહ’માં ઝિલાયો છે :
મારો અનહદ સો નેહ
મુંને મળ્યું ગગનમાં ગેહ.
ચારેકોર સંસારનો પ્રખર સંતાપ દઝાડે છે ત્યારે
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
તીખા તાપના અનુસંધાનમાં ‘મેઘરવા’ વિશેષણ ઈશ્વરને માટે કેટલું ઔચિત્યપૂર્ણ છે! અને ઈશ્વરની કરુણા-વર્ષા તો ‘અઢળક’ જ હોય ને! અને કરુણાની વર્ષાએ “નથી ટપકતાં નેવલાં” (બાલમુકુંદ); આ તો મોતીડે મેહ વરસે છે :
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
‘મધરો’ – મધ જેવો મીઠો, એમાં કેટલી મીઠાશ છે! આવો કવિ જ કહી શકે, પ્રતીતિના રણકાર સાથે,
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ.
અને ઈશ્વર સાથે જ્યાં આવી એકરૂપતા હોય ત્યાં આપોપું, અહમ્ ટળી જાય ને –
ખોબો ધૂળનો કૂબો બણાયો ને
બૌત હુઆ ખુશ બંદા
એક ધણીએ લગાયા ધક્કા
ચૂર ચૂર મકરંદા.
આત્મવિલોપન થતાંવેંત અણુઅણુમાં શ્વાસોચ્છ્વાસમાં ઈશ્વરની કરુણા વરસી રહે છે :
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
દમ દમ વરસી મ્હેરું
ઈશ્વરની યોજનામાં બધું સુગ્રથિત છે, સુસંવાદી છે એની અભિવ્યક્તિ અનુપમ સુંદર સમૃદ્ધ રૂપકોથી કવિ કરે છે :
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે —
આ તેજની સવારી કોને કારણે?
ઉમાશંકરે નોંધ્યું છે કે કવિ એની કવિતાના અન્ત્યાનુપ્રાસ બરાબર ન ગોઠવે તો રાષ્ટ્રપતિનું આસન ડોલવા માંડે. આ જ ભાવનો કાવ્યાત્મક ઉદ્ગાર મકરંદમાં મળે છે :
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂરચૂર
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
એક તારાથી પંખીને પારણે –
આ તેજની સવારી કોને કારણે?
અત્યંત સરળ મધુર ભાવવાહી પદાવલિમાં કવિ પ્રભુમિલનને ઝંખે છે :
માધવ વળતા આજ્યો હો!
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!
ભક્તના હૃદયમાં તો કૃષ્ણનું એક જ રૂપ વસ્યું છે — દ્વારકાધીશ કૃષ્ણનું નહીં, ગીતાના ગાનાર યોગેશ્વર કૃષ્ણનું નહીં, પણ “મોરપિચ્છ ધરી જમુનાકાંઠે વેણુ વાજ્યો હો” કે “માખણ ચોરી નાચણ પગલે નેણ લગાજ્યો હો!" પરમાત્માનું મિલન અંતે તો ભક્તહૃદયની તીવ્ર ઝંખના કરતાંયે ઈશ્વરની કરુણા પર જ અવલંબે છે :
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે,
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો!
મકરંદના આ કાવ્યની સાથે ઉશનસનું ‘મન માને તબ આજ્યો’નું ભાવ, વિચાર અને અભિવ્યક્તિ સુધ્ધાંનું આશ્ચર્યકારક સામ્ય સૂચવે છે કે ક્યારેક બંને કવિપ્રતિભા એક જ દિશામાં ગતિ કરે છે. ઉશનસ્ કહે છે :
મન માને તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો
એટલું જાચે નેડો
‘આવો!’
‘આવો!’ એ ઉત્કૃષ્ટ રચનામાં મૂર્તિમંત થતી આરત મકરંદને આપણા ઉત્તમોત્તમ ભક્તકવિઓની જોડાજોડ આસનના અધિકારી ઠેરવે છે. જે અગમ્ય છે, અવાચ્ય છે તેને જીવનમાંથી જડી આવે તેવાં દૃષ્ટાંતોથી આકારવું, તેને શબ્દરૂપ આપવું એ મહાન કવિનું લક્ષણ છે. પરમાત્માના મિલનની અભિપ્સા મકરંદ ત્રણ ઉત્કટ દૃષ્ટાંતોથી આલેખે છે. ભક્ત સૂકું રૂનું પૂમડું છે, પરમાત્મા અત્તર છે. કવિ પ્રાર્થે છે કે અમારા તારે તારને તરબોળી દ્યો, અમને આરપાર વીંધી નાખો. ભક્ત સૂના ઘરનું જાળિયું છે અને ઈશ્વર તાતા તેજના અવતાર છે. આવો, લખ લખ અદીઠા અંબારથી અમને પરમ તેજે લઈ જાવ, અને,
અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પળેપળ પ્રજાળો વ્હાલા, વેગથી
આપો અમને અગનના શણગાર :
આવો રે આવો હો જીવણ, આમના
તત્ત્વવિચારનું તેજ અને માનવજીવનની ઊંડામાં ઊંડી એષણાનું આવું ઉત્કટ આલેખન ગુજરાતી કવિતાસાહિત્યમાં અત્યંત વિરલ છે.
શુદ્ધ ભક્તિ
મકરંદનાં આ પ્રકારનાં કાવ્યોની એક વિલક્ષણતા ધ્યાન ખેંચવા જેવી લાગે છે. નરસિંહ, મીરાં અને દયારામ તથા બીજા ભક્તકવિઓ પાસેથી અર્વાચીન કવિઓએ રાધા-કૃષ્ણનાં પ્રતીકો અપનાવી લીધાં છે. અને એ પ્રતીકોનો અર્થવિસ્તાર પણ સાધ્યો છે. પ્રાચીન ભક્તકવિઓની જેમ પ્રેમલક્ષણા ભક્તિનું આલેખન અર્વાચીન કવિતામાં થયું છે પણ સાથે સાથે શુદ્ધ પ્રેમનું આલેખન કરવા માટે પણ અર્વાચીન કવિઓએ રાધાકૃષ્ણના પ્રતીકનો આશ્રય લીધો છે. રાધાકૃષ્ણની કે કૃષ્ણગોપીઓની છેડછાડનું, મસ્તીનું, રીસામણાં-મનામણાંનું, ચાતુરીમાધુરીનું, ભક્તિના કોઈ પણ આડપડદા વિના પ્રિયકાન્ત, હરીન્દ્ર, પ્રદ્યુમ્ન જેવા કવિઓએ મદભર અને મનહર આલેખન કર્યું છે. મકરંદ આમાં અપવાદરૂપ છે. મકંરદે માધવને અપનાવ્યા છે, રાધા કે ગોપીઓને નહીં. મકરંદની કવિતા રાગની નથી, વિરાગની છે, શુદ્ધ ભક્તિની છે.
સનાતન કવિતા
મકરંદની કવિતાને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવા માટે ‘કાવ્યતત્ત્વવિચાર’માં આનંદશંકર ધ્રુવે કરેલી ત્રિવિધ જીવનની તથા તે તે પ્રકારના જીવનને નિરૂપતા સાહિત્યની તત્ત્વચર્ચા માર્ગદર્શક નીવડે તેવી છે. આનંદશંકર જીવન અને સાહિત્યના ત્રણ પ્રકારો પાડે છે : તત્કાલીન, ચિરંતન અને સનાતન. ચિરંતન અને સનાતન જીવનને આલોકતા સાહિત્ય વિશે આનંદશંકર કહે છે : “બીજું જીવન તે ચિરંતન લાંબા કાળ સુધી ટકે એવું જીવન. અર્થાત્ સામાન્ય મનુષ્યસ્વભાવના વિશાળ જ્ઞાનથી ભરેલું સાહિત્ય એ બહુ લાંબા કાળ સુધી ટકે છે. ચોસર, શેક્સપિયર, ડિકન્સ વગેરે આ કોટિમાં પડે છે. ત્રીજું જીવન - તે જીવનનાં ઊંડાં ઊંડાં પડ ઉકેલીને જોયેલું જીવન, જેને તત્ત્વજ્ઞાનીઓ, પારમાર્થિક સનાતન જીવન કહે છે. આ જીવનને લગતું સાહિત્ય એ સનાતન સાહિત્ય. સામાન્ય મનુષ્યસ્વભાવના સાહિત્ય કરતાં એ વધારે ઊંડું, અને માનવજીવનના પુરુષાર્થને સ્પર્શતું હોઈ એ વધારે કીમતી છે. વ્યાસ-વાલ્મીકિનાં મહાભારત-રામાયણ એ ત્રીજી-ઉચ્ચતમ કોટિના ગ્રંથો છે. સામાન્ય નિયમ રૂપે કહી શકાય કે લૌકિક મનુષ્યસ્વભાવ કરતાં બ્રહ્માંડનાં પારમાર્થિક સત્યો જેટલાં મોટાં છે તેટલો ત્રીજો (સનાતન) વર્ગ બીજા (ચિરંતન) વર્ગ કરતાં ઉચ્ચતર છે.” વિરોધાભાસનો ભય વહોરીને પણ આપણે કહી શકીએ કે મકરંદે ‘ગૂડ પોએટ્રી’ ઝાઝી ભલે ન આપી હોય પણ ‘ગ્રેટ પોએટ્રી’ થોડી જરૂર આપી છે.
ગુલાલ
આપણા સુખ્યાત કવિ શ્રી નિરંજન ભગત પણ હાલ અહીં છે. એમની સાથે મકરંદની કવિતાનો ઉલ્લેખ થતાં નિરંજને એક વાક્યમાં કહી દીધું : “મકરંદ ઇઝ પોએટ્રી ડ્રન્ક ઍન્ડ ગૉડ ડ્રન્ક.” અમેરિકા-કૅનેડાના ત્રણેક માસના પ્રવાસ પછી મકરંદ અહીંથી પાછા જશે ત્યારે એમના જ આ શબ્દો એ ટાંકી શકશે :
અમે તો જઈશું અહીંથી!
પણ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,
ખબર નથી શું કરી ગયા
પણ કરી ગયા તે કમાલ રહેશે.
- મકરંદની કવિતાના વધુ પરિચય માટે જુઓ ડૉ. સુરેશ દલાલનું સંકલન ‘અમલપિયાલી’ અને તેની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના…
- તમારા વિસ્તારમાં મકરંદ દવેના કાર્યક્રમનું આયોજન કરવા કે નિકટના વિસ્તારમાં કાર્યક્રમની વિગતો માટે મુ.મણિભાઈ જોષી (૫૧૬-૩૬૪-૦૨૧૭) તથા મધુસૂદન કાપડિયા (૨૦૧-૯૯૪-૯૪૫૪)નો સંપર્ક કરવો.
- અત્યંત સાવધાની છતાં ચિત્તની ચંચળતાવશ કશેક મુદ્રાદોષ રહી ગયા હોય તો તે બદલ આ કમ્પોઝ કરનાર નરાધમ (મધુ ઠાકર, સુંદરજી ગ્રાફિક્સ, અલહામ્બ્રા, કેલિ.) સૌની ક્ષમા ચાહે છે.