વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રસેતુ
પ્રિય મિત્ર યોગેશભાઈ,
પરબના સપ્ટેમ્બર, ૨૦૧૩ના અંકમાં એમિલી ડિકિન્સનના Because I could not stop for death કાવ્યના પ્રદીપ ખાંડવાળાના અનુવાદથી ઘણી નિરાશા અનુભવી. એમની એક વાત સાવ સાચી કે વિવેચક એલન ટેટના મત પ્રમાણે આ અંગ્રેજી સાહિત્યનું એક મહાન કાવ્ય છે. પણ એના અનુવાદમાં કે કાવ્યની નોંધમાં આ ઉત્તમ કાવ્ય છે એની થોડીઘણી પણ પ્રતીતિ થાય છે ખરી? એમિલીના કાવ્યનાં લાઘવ, ઊંડાણ અને મર્મને અનુવાદમાં ચૂકી જવાયાં છે. ક્યાંક તો સ્થૂળ શાબ્દિક અનુવાદ છે તો ક્યાંક મૂળના અંગ્રેજીને ગુજરાતીમાં અવતારવામાં ગંભીર ક્ષતિઓ થઈ છે. થોડાંક દૃષ્ટાંતો આપું. મરણકાળે કાવ્યની નાયિકાના શબ્દો And I put away / My labor and my leisure tooનો અનુવાદ આ પ્રમાણે થયો છે : ‘મેં બાજુ પર મૂકી દીધું હતું / મારું કામ અને મારી નવરાશ.’ અરે રે, labor અને leisureનો આવો શાબ્દિક અનુવાદ? અહીં labor એટલે ‘કામ’ અને ‘leisure’ એટલે ‘નવરાશ’ આ અનુવાદ દેશપાંડેએ કર્યો હોય એવું લાગે છે! એમિલી જેવી સમર્થ કવયિત્રીને આમાં કેટકેટલું અભિપ્રેત છે! આ બે શબ્દો દ્વારા એમિલીએ સમગ્ર જીવનનો સાર આપી દીધો છે : labor એટલે જીવનમાં આધિવ્યાધિઉપાધિ અને leisure એટલે સુખસમૃદ્ધિ. અનુવાદમાં આવી સ્વતંત્રતા શક્ય નથી. ઇષ્ટ પણ નથી. છતાં laborના અનુવાદમાં negative connotation હોવું જોઈએ અને leisureમાં positive. હું labor એટલે ‘મજૂરી’ અને leisure એટલે ‘સુખચેન’ સૂચવું. ત્રીજી કડીમાં એમિલીએ passed શબ્દ ત્રણ વાર પુનરાવર્તિત કર્યો છે : we passed the school / we passed the fields of grazing grain/we passed the setting sun - એમિલી જેવી કવયિત્રીને શબ્દની ખોટ તો ન જ પડે ને. તો એકના એક શબ્દને ત્રણ ત્રણ વાર દોહરાવવા પાછળ કંઈ કાવ્યનું પ્રયોજન હશે ને? કવયિત્રીને અહીં કાળની ગતિને મૂર્ત કરવાનું પ્રયોજન લાગે છે. રિસેસમાં રમતાં બાળકો, ધાનનાં ખેતરો અને અસ્તંગામી સૂર્યથી બાળપણ, પુખ્તાવસ્થા અને મરણને કવયિત્રી સૂચવે છે. આ passed શબ્દને અનુવાદમાં પુનરાવર્તિત ન કરવામાં અનુવાદકે સમૃદ્ધ વ્યંજના ગુમાવી છે. ચોથી કડીમાં Tippetનો અનુવાદ કૅપ ખોટો છે, સિવાય કે મુદ્રણદોષ હોય. અનુવાદકને વિવૃત્ત ‘કે’ નહીં પણ સંવૃત્ત ‘કે’ ઈષ્ટ હોય. જોકે તોપણ એક અંગ્રેજી Tippet શબ્દનો બીજા અંગ્રેજી ‘કેપ’થી અનુવાદ કરવામાં શું સ્વારસ્ય છે તે ન સમજી શકાય તેવું છે. અને ‘કેપ’ શબ્દ ગુજરાતીમાં રૂઢ નથી થયો - જેમ એપ્રિલ- ૨૦૧૩ના પરબમાં પ્રદીપ ખાંડવાળાએ Stopping by the Woods on a Snowy Eveningના અનુવાદમાં And miles to Goનો અનુવાદ ‘માઈલોના માઈલો’ કર્યો છે તેમ ‘માઈલ’ શબ્દ ગુજરાતીમાં રૂઢ થઈ ગયો છે અને સ્વીકારી શકાય; જોકે ‘જોજન’ જેવો શુદ્ધ ગુજરાતી (એટલે કે મૂળ સંસ્કૃત ‘યોજન’નો તદ્ભવ) ઉપલબ્ધ હોય ત્યારે ‘માઈલ’ વાપરવાની અનુવાદકને ફરજ નથી પડતી. પાંચમી કડીમાં A Swelling of the Groundનો ‘સૂજેલી જમીન’ અનુવાદ અસહ્ય છે. જમીન કેવી રીતે સૂજી જાય? કબર ઉપર તાજી જ માટી વાળી હોય તે થોડો વખત ‘ઊપસેલી’ રહે, સમથળ ન હોય તે Swellingથી અભિપ્રેત છે. છેલ્લી કડીમાં અનેક મુશ્કેલીઓ છે.
તે પછી - હવે તો સૈકા વીતી ગયા – તે છતાં
આ ગાળો એ દિનથી ટૂંકો લાગે છે
મને પ્રથમ વાર પ્રતીતિ થઈ કે
અશ્વોનાં માથાં શાશ્વતી તરફ વળેલાં છે.
અહીં બીજી પંક્તિમાં દર્શક સર્વનામ ‘એ’ની જરૂર નથી; એ નાહક ભ્રમ ઊભો કરે છે. સદીઓ વીતી ગઈ છતાં જાણે એક જ દિવસ પસાર થયો હોય એવું લાગે છે. સદીઓ જેવો લાંબો વખત ‘એ’ દિવસ જેટલો ટૂંકો છે એવો અર્થ અભિપ્રેત નથી. અને ફિરંગી ‘દિન’ શા માટે? ‘દિવસ’ કેમ નહીં? I first surmisedનો અનુવાદ ‘મને પ્રથમ વાર પ્રતીતિ થઈ કે’ સાવ ખોટો છે surmised એટલે અનુમાન, પ્રતીતિ નહીં, પછીની પંક્તિમાં અનુમાન શાશ્વતીનું છે. શાશ્વતીની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? તેથી કવયિત્રી શાશ્વતીનું માત્ર અનુમાન જ કરે છે. કાવ્યનો અનુવાદ દુષ્કર છે, અત્યંત દુષ્કર છે, છતાં મૂળનો ભાવ મહદંશે તો ઊતરવો જોઈએ. કાવ્યના અનુવાદમાં જે શક્ય ન બને તેની પુરવણી ‘નોંધ’ કરી શકે. પણ નોંધમાં પણ ગૂંચવણો છે તેની નોંધ નથી કરતો. પ્રદીપભાઈને નોંધમાં ‘કર લે સિંગાર ચતુર અલબેલી/સાજન કે ઘર જાના હોગા’ એ નોંધવાનું યાદ ન આવ્યું? યોગેશભાઈ, એક સૂચન કરું? અનુવાદ સાથે મૂળ કાવ્ય પણ પ્રકટ કરો તો?
મધુસૂદનના સ્નેહસ્મરણ
(સિનસિનાટી, ઓહાવો, યુ.એસ.એ., ૧૩ નવે. ૨૦૧૩)