વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સુખનું સરનામું - આસ્વાદ (શ્યામલ મુનશી)
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું?
એના ઘરનો રંગ ક્યો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો.
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો;
સુખનું સરનામું આપો.
કેટલા ગાઉ, જોજન, ફલાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો.
—શ્યામલ મુનશી
‘સુખનું સરનામું આપો’ – પ્રથમ પંક્તિને અંતર્ગત આંતરવિરોધ જ કેટલો આસ્વાદ્ય છે! સુખનું સરનામું કોઈ દિવસ કોઈને ક્યારેય પણ મળ્યું છે ખરું? સદીઓથી માણસજાત સુખની પાછળ પડી છે, એની શોધ અવિરત ચાલે છે પણ એ પ્રયત્ન જ મિથ્યા છે. છતાં કવિની ચાતુરી તો જુઓ, કેવી નિર્દોષતાથી કહે છે, ‘સુખનું સરનામું આપો’. આ નિર્દોષતા આભાસી છે, છલનામયી છે. કવિને ધ્રુવપદની ઉત્તમ પંક્તિ મળી ગઈ છે. ગીતનો અધઝાઝેરો વિજય એના ધ્રુવપદમાં છે. વાલેરી કહે છે તેમ કાવ્યની એક પંક્તિ ઈશ્વરદત્ત છે. ઉપાડની પંક્તિ શ્યામલ મુનશીને મળી છે, ઉપરથી ઊતરી આવી છે, ઈશ્વરદત્ત છે. આજે નહિ તો કાલે, ભવિષ્યમાં ક્યારેક, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, એક વાર નકશો મળી જાય પછી તો અમે પહોંચી જઈશું. ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો.’ આ પંક્તિની સરળતા અને સાદગી ‘સુખનું સરનામું આપો’ જેવી જ છે. આ પંક્તિઓની સરળતા એવી છે કે એનો અન્વય પણ ગદ્યનો છે; ક્યાંય કવિએ કર્તા-ક્રિયાપદનો પણ વ્યત્યય નથી કર્યો. પહેલા અંતરામાં આવી જ સાદગી છે. કવિ GPSની જ માગણી કરે છે. અરેરે, નાનાં મોટાં દેશદેશાવરનાં અનેક સ્થળો માટે GPSની સુવિધા છે, સુખ માટે કેમ નહિ? ટેક્નોલોજી આટલી આગળ વધી છે તો એક ડગલું વધારે! Beginning address દાખલ કરવાનું સમજાવી દો, ક્યાં લેફ્ટ ક્યાં રાઈટ, સૂચનાઓ આપી દો. એક વાર સુખના ઘર સુધી પહોંચાડી દો, એનો ઝાંપો ક્યાં છે તે બતાવી દો, પછી પ્રાપ્તં પ્રાપ્તવ્યમ્! બીજા અંતરામાં સુખનું સંશોધન વ્યાપક ફલકમાં વિસ્તરે છે અને કવિની દૃષ્ટિ ધરતી, આભ અને સાગરમાં વ્યાપી વળે છે. ‘ચરણ લઈને દોડું’ મનોજ ખંડેરિયાની યાદ આપે છે :
મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા
તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું,
તો વરસોનાં વરસ લાગે.
આ અનુકરણ નથી જ. આ તો એલિયટ કહે છે તેમ ભૂતકાળની સમૃદ્ધિને આત્મસાત્ કરીને કવિ આગળ વધે છે. સુખ ધરતી પર હોય તો ચરણ લઈને દડું. આકાશમાં છુપાયું હોય તો પાંખ લઈને ઊડું અને મધદરિયે હોય તો તરાપો વહેતો મૂકું. ત્રીજા અંતરામાં કવિ સુખના શોધકની વ્યગ્રતા મૂર્ત કરે છે : ગાઉ, જોજન, ફલાંગ, છલાંગ એવા લગભગ સમાનાર્થી શબ્દોથી ‘કહો કેટલું દૂર?’ એના પુનરાવર્તનથી તો આ સુખ માટેની તાલાવેલી તીવ્રતાથી વ્યક્ત થાય છે. ‘કેટલું દૂર’, ‘કેટલું દૂર’ પણ સ્વપ્નસ્થના ‘લીલી લીમડીઓ કેટલે દૂર, કેટલે દૂર’ની યાદ આપે છે. ‘લીલી લીમડીઓ’ પણ સુખનો જ પર્યાય નથી? છેલ્લી પંક્તિ ગીતની શિરોમણિ પંક્તિ છે: ‘મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો’, પ્રથમ પંક્તિના મર્મને કોઈ ચૂકી ગયું હોય તો કવિ કાવ્યાત્મક રીતે ગીતના મર્મને પ્રકટ કરે છે, સુખ એ મૃગજળ છે, જેમ દોડો તેમ એ દૂર જાય છે. સાહજિક અન્ત્યાનુપ્રાસો ‘આપો’, ‘છાપો’, ‘ઝાંપો’, ‘તરાપો’ અને ‘માપો’ ગીતની શોભા વધારે છે. મારા મનમાં એવી ખોટી છાપ હતી કે શ્યામલ માત્ર હાસ્યરસનાં કાવ્યો લખે છે – મારા અજ્ઞાનને લીધેસ્તો. પરંતુ ભલું થજો સુરેશ દલાલનું કે અવારનવાર “કવિતા”ના વિશેષાંકોમાં માત્ર પાંચ સાત કવિઓનાં સંખ્યાબંધ કાવ્યો પ્રકટ કરે છે એમાં શ્યામલનાં કુલ ૨૩ કાવ્યો પ્રગટ થયાં છે, એમાં ‘મળવું તારું’ એ ગીતની ઉપમાઓની છોળમછોળ માણવા જેવી છે. લોભે લોભે એક કડી ટાંકું છું?
મળવું તારું
અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું,
મળવું તારું
સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.
‘સુખનું સરનામું’ આ ગીતના જ ગદ્યાવતાર જેવા સમર્થ ગદ્યકાર અશ્વિન મહેતાના ‘નવનીત-સમર્પણ’ (જાન્યુ.૨૦૦૯)ના શબ્દો ટાંકું છું :
‘દો મુરાદે જો મિલી, ચાર તમન્નાયેં કી,
હમને ખુદ કલ્બમેં આરામ કો રહને ન દિયા.’ (કલ્બ = દેહ)
-અજ્ઞાત
‘પાણીવલોણા જેવી જીવનની આ જદ્દોઝદમાંથી માણસ આખરે શું મેળવે છે? ચક્કર ચક્કર ફરતી એકાદ-બે તૃષ્ણા-માછલીની આંખ વીંધે છે. બીજી કેટલી માછલી ક્યારે ને કેમ વીંધું તેના કોડ સેવે છે. મોટાં આયોજન કરે છે. કેટલાંક સફળ થાય છે, કેટલાંક નિષ્ફળ... મિથ્યા ને છલનામયી તુષ્ટિના બે-ચાર ઓડકાર ખાય છે... છેવટે એના દિલની નિરાંત અને ડિલના આરામને હરામ કરે છે. માનવ-મરગલું કદી ઝાંઝવાનાં નીર પીવા પામતું નથી.’ (જદ્દોઝદ = જંજાળ)