વનાંચલ/અભ્યાસલેખ ૨
(૨)
‘વનાંચલ’ : વ્યક્તિ અને સંસ્કૃતિ
– ડૉ. દિનેશ પંડ્યા
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(‘અંતરીક્ષ’ : જયન્ત પાઠક)
ગુજરાતીમાં આપકથા કે આત્મકથાના સંદર્ભે ઘણુંબધું સાહિત્ય રચાયું છે. મોટે ભાગે આત્મકથા લખનારનું જીવન અને કાર્ય સામાજિક આદર્શો અને સાંસ્કૃતિક ચેતના માટે પ્રેરણારૂપ બને એવી અપેક્ષાએ લખનારાઓમાં મહાત્માઓ, રાજપુરુષો, વિવિધ ક્ષેત્રના નેતાઓ જેવાઓનાં ચરિત્રો તેમની પોતાની જ કલમે આલેખાય છે. આમ તો આત્મકથાનો પ્રકાર પણ પશ્ચિમમાંથી જ આપણે ત્યાં વહી આવ્યો છે. એના આદર્શો અંગે પણ મોટા ભાગની સ્પષ્ટતાઓ આપણને પાશ્ચાત્ય આત્મકથાઓએ આપી છે. એના આધારે ભારતમાં અને ગુજરાતમાં પણ નોંધપાત્ર આત્મકથાઓ લખાઈ છે.
આ સર્વની સમાંતરે એવા કેટલાક સર્જકોએ પણ આત્મકથાઓ લખી છે કે જેઓ લલિત સાહિત્યના ક્ષેત્રે જે તે યુગમાં ગણનાપાત્ર કાર્ય કરી ચૂક્યા હોય અને જીવનમાં પણ તેમનું પોતાનું મૌલિક કર્તૃત્વ પોતાની રીતે નોંધપાત્ર બન્યું હોય. કેટલાક સર્જકોએ સામાજિક કે રાજકીય ક્ષેત્રે પણ કામગીરી બજાવી હોય અને સાહિત્ય ઉપરાંત અન્ય ક્ષેત્રે સેવાઓના અનુસંધાનમાં આત્મકથા લખી હોય, એવાં દૃષ્ટાંતો પણ છે.
આ સર્વ પ્રકારની આત્મકથાઓની વચ્ચે સંસ્મરણાત્મક કથાઓનું એક વિશિષ્ટ પ્રકારનું આલેખન પણ વિકાસ સાધી શક્યું છે. ગુજરાતી સાહિત્યમાં શૈશવકાળનાં સંસ્મરણો લખનાર કાકાસાહેબ કાલલેકર તો સર્જક ઉપરાંત ગાંધીપ્રેરિત સમાજસેવાનાં કાર્યોમાં પણ સંકળાયેલા હતા. તે પછી ઠીક ઠીક સમયગાળે આલેખાયેલાં સુરેશ જોષીનાં સ્મરણોની ભૂમિકા જુદી હતી, કારણ કે સુરેશ જોષી સાહિત્ય અને શિક્ષણ સિવાય બીજાં ક્ષેત્રોમાં સમય ફાળવી શક્યા ન હતા. જરા જુદી રીતે કહીએ તો સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રોએ એમને બીજાં ક્ષેત્રો માટે સમય ફાળવવા દીધો ન હતો. કાલેલકર અને સુરેશ જોષી વચ્ચે – સાહિત્યિક વિભાવનાથી માંડીને છેક નિરૂપણકૌશલ સુધીની ભિન્નતા માલૂમ પડે છે. એમ છતાં પ્રકૃતિ સાથે સાહિત્યિક રીતે સંકળાયેલા સર્જકો તરીકે બંનેનું સાથે સ્મરણ કરવું પડે એટલું સામ્ય તો છે જ. સુરેશ જોષીએ પોતાનાં સંસ્મરણોને પ્રકીર્ણરૂપે આલેખ્યાં છે. એ અર્થમાં ‘સ્મરણયાત્રા’માં છે એ પ્રકારનું વિષયસાતત્ય સુરેશ જોષીમાં જોવા મળતું નથી.
સુરેશ જોષીને ચીલે ચાલીને સંસ્મરણાત્મક નિરૂપણ કરનાર સર્જક તરીકે જયન્ત પાઠકનું નામ પણ મોખરાનું ગણાય. અલબત્ત, સુરેશ જોષી અને જયન્ત પાઠકમાં મોટો ભેદ એ છે કે સુરેશ જોષીનાં સંસ્મરણોમાં ગામડું અને ગામડાની પ્રકૃતિ એક આધુનિક લેખકના મોભાદાર પ્રતિનિધિ તરીકે પ્રગટ થાય છે, જ્યારે જયન્ત પાઠકના વન્ય સંસ્કૃતિના આદિમ આવેગોને યથાતથ જાળવીને લખે છે. આ અર્થમાં ‘વનાંચલ’ ગામડાને અને વનજીવનને પી અને પચાવી ગયેલા સર્જકનાં સંસ્મરણો બને છે. ‘વનાંચલ’ શીર્ષકથી જ લેખકે આત્મસાત્ કરેલા વનજીવનની પ્રતીતિ મળે છે.
જયન્ત પાઠકના જીવન વિશેની કેટલીક સંપૂરક સામગ્રી ‘વનાંચલ’નાં સંસ્મરણોમાં મળી આવે છે. અહીં લેખકના બાલ્યકાળનો સંદર્ભ છે. એની સાથે સાથે જ છેક પ્રૌઢાવસ્થા સુધી નગરસંસ્કૃતિ વચ્ચે પણ અંતરમનમાં વિલસી રહેલી વનસંસ્કૃતિનો વિકાસ એમાં પ્રતીત થાય છે. ગામ, વતન અને વન જયાં સંયોજિત થયાં છે, એવી વ્યક્તિ અને કૃતિનો સમન્વય ‘વનાંચલ’માં થાય છે. ‘વનાંચલ’ અલબત્ત શૈશવકાળનાં સંસ્મરણોનું સર્જન છે, એની સાથે સાથે જ એક સર્જકની સંવેદનશીલતાનો, એના આલેખનમાં લાક્ષણિક સ્પર્શ પણ અનુભવાય છે. લેખકે આત્મકથા, આપકથા કે સ્મરણકથાનું સ્વરૂપ જાળવવાની પરંપરા પણ તોડી નાંખી છે. ‘વનાંચલ’ના આરંભમાં દર્શકે નોંધ્યું છે એમ માતાપિતા કે કુળખાનદાનની વાત નથી. ‘વનાંચલ’ના આરંભે તો લેખકે પોતાની આસપાસની પ્રજા અને એની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે.
‘પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર વિલીનીકરણ પહેલાં દેવગઢ બારિયાના દેશી રાજ્યની હકૂમત હેઠળ હતો. અહીંના રાજા પાવાગઢના પતાઈ રાવળના વંશજો ગણાતા. રાજ્યના સાત મહાલમાંનો એક રાજગઢ મહાલ, મહાલનાં ૮૩ ગામ. વસ્તી મોટે ભાગે કોળી, ધારાળા, બારૈયા ને આદિવાસીની. આદિવાસીમાં મુખ્ય બે જાતિઓ : નાયકા અને રાઠવા. નાયકા શરીરે કાળા, કેડે એક કોહટુ (ચીંથરાની સાંકડી પટ્ટી, લંગોટી) પહેરનારા, હાથમાં તીરકામઠું ને સાથમાં કૂતરા રાખનારા. પૂર્વની ટેકરીઓ ઉપર એમનાં એકબીજાથી દૂર ઝૂંપડાં. રાઠવાઓ શરીરે નાયકાઓ કરતાં ઊજળા, સુડોળ ને દેખાવડા મુખવાળા. કેડે થેપાડું (જાડું ધોતિયું) વીંટે, માથે ફાળિયું ને શરીરે ટૂંકું ઝૂલડું (ખમીસ) પહેરે. રાઠોડ રાજપૂતોની કોઈ ટોળી અટૂલી પડી જઈને કે પરાસ્ત થઈને આદિવાસીઓમાં ભળી ગઈ હશે? તેઓ પોતાને નાયકા કરતાં ઊંચા કુળના માને.’ (પૃ.૧૫)
પૂર્વ પંચમહાલની પ્રજા અને એ જ વિસ્તારની પ્રકૃતિ વચ્ચે જીવતા બ્રાહ્મણ કુટુંબની કથા – એ જયન્ત પાઠકની આત્મકથા કહેવાય. પણ દાદા જોઈતારામથી દીકરા જયન્ત પાઠક સુધીના સહુ પેલા આદિવાસીઓ વચ્ચે જ વિકસ્યા છે અને વિલસ્યા છે. દાદા તો વળી આદિવાસીઓના ગોર, એટલે યોગક્ષેમનું વહન કરનાર, ઈશ્વરના પ્રતિનિધિ. આ અર્થમાં ‘વનાંચલ’માં ગોર-યજમાનના સંબંધોનું પણ આલેખન થયું છે. એમાં ક્યારેક આદિવાસી બાળક પાસેથી ઉત્તરક્રિયા કરાવ્યા બાદ છેટી છોડાવી નાંખવાની, પહેલી નજરે આઘાતજનક લાગતી પરિસ્થિતિ પણ છે અને ‘એ તો ખરસાણીની જાત એમને ન દઝાય’ જેવાં મૂલ્યાંકનો(!) પણ છે જ.
‘વનાંચલ’ જેવી ગદ્યકૃતિમાં પણ જયન્ત પાઠક પ્રકૃતિ સાથે કવિને નાતે જોડાયેલા રહ્યા છે. ‘વનાંચલ’ના બીજા જ પરિચ્છેદમાં કરડ અને મોરડિયા ડુંગરની સાથે જોડાતી પ્રકૃતિનું વર્ણન કરતાં તેઓ લખે છે :
‘પાસે જ નાનકડા ગોઠ ગામને ઘસાઈને વહી જાય છે એક નાની નદી કરડ, બારે માસ પાણીથી ભરપૂર. એ નદીને સામે કાંઠે ઉત્તર દિશામાં એક ડુંગરો નામે મોરડિયો, ઘાટીલો ને ગૌર, મુગ્ધાના સ્તન જેવો. એની ઉપર અસ્ફુટ ભાવોના આછા રોમાંચ જેવા સાગના સોટા, આ રાજ્યનું સોનું, વનનું મહામૂલું ધન.’ (પૃ.૧૫-૧૬)
‘વનાંચલ’નાં પ્રકૃતિવર્ણનોમાં કવિનો તરુરાગ પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ‘વનાંચલ’માં દલસુખરામ અને ગણપતરામના આંગણાનું કાશીબોરનું વૃક્ષ હોય કે પછી વાડાની આંબલીનું વૃક્ષ હોય, ધરાના કાંઠાનાં કણઝીનાં વૃક્ષ હોય કે પછી લટિયા તલાવડીની આજુબાજુ ઝૂકેલાં અનેક વૃક્ષ હોય – સર્વત્ર લેખકનો તરુરાગ એક યા બીજી રીતે પ્રકાશિત થતો રહે છે. કરડ નદી, હાથિયો ધરો, નદીની ભેખડો, આસપાસનાં ઢોળાવો, વૃક્ષો, પંખીઓ – એમ વિવિધ રીતે જયન્ત પાઠકે પ્રકૃતિને યથાસ્થાને સ્મરી છે અને પોતાની તથા અન્યની – માનવપ્રકૃતિ –સ્વભાવ સાથે સુસંગત એવી અભિવ્યક્તિ પણ કરી છે. આ જ પ્રકૃતિ સાથેના કડવાં સ્મરણોને પણ એમણે તો મીઠાશથી જ આલેખ્યાં છે. જેમકે તરવાની શરૂઆત વખતે શિખાઉ અવસ્થામાં એક વાર નદીમાં ગળચિયાં ખાવાનો પ્રસંગ આવેલો ત્યારે બીજું કંઈ હાથમાં ન આવતાં બહેને ચોટલી ઝાલીને બહાર ખેંચી કાઢેલા અને બચાવેલા એનું સ્મરણ કરતાં લેખકે કહ્યું છે :
‘ચોટલી રાખવાથી થયેલો એ જીવનલાભ કદી ભુલાશે નહીં. પાછળથી અંગ્રેજી નિશાળે ભણતાં સિકંદરનો પાઠ ભજવવા માટે એ ચોટલીને મેં આખરી વિદાય આપી ત્યારે જે તંતુઓ મારો જીવનતંતુ લંબાવવામાં નિમિત્ત બનેલાં તેમને હું ઘડીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહેલો એવું સાંભરે છે.’ (પૃ.૨૦)
પૂર્વ પંચમહાલના તદ્દન નાનકડા ગામડાની પ્રકૃતિમાં તરબતર બનેલો આ જીવ ઘણી વાર તો આસપાસની પ્રાપ્ય પ્રકૃતિ દ્વારા પોતાના જીવનું અનુસંધાન પ્રકૃતિની વ્યાપક પરિસ્થિતિઓ સાથે કાવ્યાત્મક રીતે સાંકળે છે. હાથિયા ધરાને સમુંદર સાથે સરખાવતાં અને સમુદ્રની સાચી પરિસ્થિતિનો પાછળથી ખ્યાલ આવતાં લેખક નોંધે છે :
‘શિશુકલ્પનાના સમુદ્ર આગળ ભૂગોળના સાત સાગરો તે શી વિસાતમાં! આજેય એ ઘુઘવાટા સાંભળી શકું છું ને મનોમન એમાં ઝંપલાવી પણ દઉં છું.’ (પૃ.૧૯)
‘વનાંચલ’ના ગદ્યસર્જનમાં કવિહૃદયની વિશાળતા માત્ર નદીને સમુદ્ર કલ્પવા પૂરતી મર્યાદિત નથી. એ હૃદયમાં એક આખો માનવમહેરામણ પણ ઊછળતો માલૂમ પડે છે. દાદા, પિતા, ભાઈ-બહેનો અને સ્વજનો ઉપરાંત બીજાં અનેક પાત્રો છે જેમની નાની નાની પણ પ્રેરક વાતો ‘વનાંચલ’ની ગદ્યસમૃદ્ધિને વધારે છે. એક તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના ભવાનીશંકર દાક્તર હોય અને બીજી તરફ રામભક્ત એવા લેખકના પિતા હોય તથા બન્ને સાંપ્રદાયિક બાબતમાં સ્વમતાગ્રહી હોય તો પણ તેમના છેવટ સુધી મીઠા રહેલા સંબંધોની નોંધ અહીં સ્થાન પામે છે. રોજ ‘વચનામૃત’ વાંચતા ભવાનીશંકર દાક્તરી વ્યવસાયમાં પણ માનવસેવાની સાથે સાથે પશુસેવા કરતા હોય અને એક જ દવાખાનામાં માણસની સાથે સાથે પશુની પણ સારવાર થતી હોય, એ બન્ને બાબતોનો વ્યંજનાલક્ષી અનુભવ સહૃદય માટે સાહિત્યિક અનુભવ બની રહે છે. આ બાબતના આલેખનની સાથે દાક્તરની આપેલી દવાની પડીકીઓ છોડ્યા વગર જ ચાવી જતા આદિવાસીની ઉક્તિ પણ સ્મરવા જેવી છે. એક દિવસ દવાની પડીકીઓ આપ્યા બાદ ફરી દવા લેવા આવેલ આદિવાસી રોગીની દાક્તર ખબર-અંતર પૂછે છે, ત્યારે જવાબ મળે છે :
‘બાપા, તમારા પરતાપે હારુ લાગે છે. દવા તો હારી, પણ આ કાગળિયાં ચાવવાનાં ની ગમે.’ (પૃ.૨૨)
શાળાના શિક્ષકોમાં સોટીઓ ફટકારતા દમલા માસ્તરની સમાંતરે જ માર ખાવામાં એક્કા ગણાતા સોમજી દરજીની વાત પણ અહીં નોંધાઈ છે. નિશાળમાં અભ્યાસને નામે થતી ગોખણપટ્ટી, પરીક્ષા લેવા આવતા અને મિષ્ટાન ઝાપટતા ‘ડીપોટી’ પણ આ ગ્રામસંસ્કૃતિના અંગરૂપ બની ગયા છે.
એ પ્રદેશની પ્રજાને મન થાણું એટલે યમ-સદન અને સરકારી અમલદાલ એટલે જમડા, એવી છાપ નોંધતાં વિસ્તારથી સમજાવ્યું છે કે, વાઘ-વરૂનો એકલે હાથે સામનો કરતી આ પ્રજા ખાખી ડગલી જોઈને થરથર ધ્રૂજતી થઈ જાય છે. એવા થાણામાં ગોઠ ગામના નાનિયા અને રામલાની વીતકકથા વર્ણવીને લેખકે પેલાં પડીકાંના કાગળ ચાવનારાઓની પ્રકારાન્તરે પ્રગટતી આંતરસમૃદ્ધિ પણ દર્શાવી છે. નાનિયાએ ગુનો કર્યો નથી એટલે તે રોજ માર ખાવા છતાં ચોરી કબૂલતો નથી. પરિણામે લેખકનાં માતુશ્રી તેને ગુનો કબૂલી લેવાં સમજાવે છે. નાનિયો તેનો ખુમારીથી ઉત્તર વાળે છે :
‘એવું તો ચેમ કહેવાય બા, લીધું ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય? એક તો આબરૂ જાય ને પાછાં જૂઠું બોલી ભગવાનના ગુનેગાર થઈએ એ જુદું. એ પાપમાંથી કયે ભવ છૂટીએ પાછા? જે નસીબમાં હશે તે થશે.’ (પૃ.૩૨)
આ પાત્રોની વચ્ચે અપંગ ઘેલભાઈને ઘરની બહાર ધકેલી દેતી ધૂળીમાસી પણ છે, જે હું તે ચેટલાંને રોટલા ખવડાવું, એવી ધૃષ્ટ લાચારીથી પતિને ઘર બહાર ધકેલી રહી છે. આ પાત્રસૃષ્ટિમાં બંધબારણે હનુમાનજીની પેઠે ઓરડામાં ઠેકડા મારતા લેખકના પિતા પણ છે, જેમની અદ્ભુત કથામાં સાહિત્યિક રમ્યતા હોવા છતાં એ તર્કજીવીઓની આંખમાં શંકાનો રંગ પૂરે છે. આ પાત્રસૃષ્ટિમાં લેખકનાં બાલ્યકાળનાં કોળી મિત્રો જાલમો, રેવલો, રેલો, મડિયો વગેરે છે, જેમની સાથે લેખક ગ્રામ-રમતોમાં ઉત્સાહથી સંકળાયેલા રહ્યા હતા. અહીં છગુ ટપાલી, ચોખલી ભંગડી, કાભઈ જેવા આછા લસરકે ચિતરાયેલાં પાત્રો છે. તો બીજી તરફ દાદા જેવાં લેખકનાં જીવનમાં અત્યંત પ્રેરક – પ્રોત્સાહક નીવડેલાં ઘેરા રંગે રંગાયેલાં પાત્રો પણ છે. હકીકતમાં તો ‘વનાંચલ’ની દુનિયા દાદાએ દેખાડેલી દુનિયા છે, તેથી દાદાનું પાત્ર તો જાણે લેખકને પોતાની હથેળીના છાંયડામાં રાખતું પાત્ર હોય એવો અનુભવ થાય છે. સ્વજન હોય કે આસપાસમાં વસતાં પ્રજાજન હોય, લેખકે પ્રમુખ અને ગૌણ પાત્રોને સહાનુભૂતિપૂર્વક આત્મીય બનાવીને આલેખ્યાં છે. તેથી સ્વજન ન હોય એવાં પાત્રો પણ લેખકની કલમે પ્રભાવક બન્યાં છે. ખાસ તો આ વિસ્તારની પ્રજાનાં સુખ-દુઃખ, નેહ-નિષ્ઠા, નિખાલસતા-અબૂઝતા સર્વ કાંઈને આલેખીને તેમણે પોતાના સ્મૃતિકોષને સમૃદ્ધ કર્યો છે. પ્રજાની સાથે સાથે પ્રજાસંસ્કૃતિનું આલેખન પણ એવી જ સમૃદ્ધ કલમે થયું છે. આદિવાસી પ્રજાનાં લગ્ન કે મરણ જેવા પ્રસંગો અહીં વિસ્તારથી સુપેરે આલેખાયા છે. દાણા ભરીને ગોરની દક્ષિણા ચૂકવતા યજમાનોની કરુણતા, માઠા પ્રસંગની કરુણતા કરતાં પણ વધુ ઘેરા રંગે રંગાઈ છે. લગ્નપ્રસંગે લગ્નવિધિની સાથે સાથે ગવાતાં ગાણાં મૂકીને લેખકે કૃતિનો સાંસ્કૃતિક પ્રભાવ પણ વધાર્યો છે. લગ્નગીતોમાં ઉત્સાહ અને ઉમળકો એવો હોય કે લેખકની સ્મૃતિકથા સહૃદયની વિશિષ્ટ અનુભૂતિ બની રહે છે. ‘ઊંચે ટેંબે કાબર વૈ છે’, ‘છોરો કે દા’ડાનો પૈણું પૈણું કરતેલો’ કે ‘બરોબરીના રૈયે’ જેવાં ગીતોમાં લગ્નવિધિ અને વિધિ સાથે સંકળાયેલાં લગ્નગીતોનું સમાંતરે દર્શન થતું રહે એવું આલેખન લેખકે કર્યું છે.
સામાજિક પ્રસંગો ઉપરાંત હોળી, દિવાળી, ઝાયણી જેવા પ્રસંગો પણ અહીં તેજસ્વી કલમે આલેખાયા છે. હોળીના પ્રસંગે ગવાતાં ગીતોના નમૂનાઓ અને જરૂરી અર્થઘટન મૂકીને લેખકે આ પ્રસંગનું સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવ્યું છે. આંબલી અગિયારસની ચૂલમાં સડસડાટ અંગારા પરથી ચાલી જતા આદિવાસીઓની ઉમંગકથા પણ સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવતો જ એક ભાગ છે. ધર્મ મનુષ્યને કેટલો સહનશીલ બનાવી શકે છે, એનો ખ્યાલ આપવાનો હેતુ હોય તો પણ એ અહીં યોગ્ય લાગે છે. ભજનમંડળીઓનાં ભક્તિભાવપ્રેરિત ભજનો અને તેમાંથી ઊભા થતાં લયલોલનનાં ઘોડાપૂર ‘વનાંચલ’નાં પૃષ્ઠોમાં પણ ધબકતાં લાગે છે. આજે ‘સુધરી ગયેલા વૈજનાથ મહાદેવ’ અને ગામની વચ્ચે રહેવાં આવી ગયેલાં લક્ષ્મીજી અને રણછોડજી પણ વીતેલાં વર્ષોની એક લાક્ષણિક છબિ અંકિત કરે છે. એક કાળે જંગલમાં વૃક્ષો વચ્ચે નજીકથી પણ ન દેખાતી વૈજનાથ મંદિરની ધજા હવે ગામમાં પેસતાં જ નજરે પડે છે, એ જંગલો કપાઈ ગયા પછીનો ‘સુધારો’ કઠતો માલૂમ પડે છે.
સર્વશક્તિમાન ઈશ્વરની ગ્રામજીવનમાં વિલસતી વિવિધ સ્વરૂપી પ્રકૃતિની સાથે સાથે ભૂત-પ્રેતની સૃષ્ટિ પણ અહીં મોજૂદ છે. એટલું જ નહીં, એના પ્રત્યક્ષ થયેલા પ્રસંગોનાં દૃષ્ટાંતો પણ લેખકના જ સંસ્કૃતિકોષનું એક અંગ છે. કોઈ પણ ગ્રામસંસ્કૃતિ કે વનપ્રકૃતિ વચ્ચે હોય એવી બધી જ સામગ્રી અહીં પણ છે, પરંતુ એનું આલેખન આ લેખકની કલમ કરતી હોય છે ત્યારે એમાં શાહીને બદલે હૃદયનો રંગ ઉપયોગમાં લેવાયેલો લાગે છે. આ હૃદયરંગી આલેખન માટે બીજા શબ્દોનો ઉપયોગ કરીએ તો લેખકના શૈશવકાળના સાંસ્કૃતિક વારસાનું આલેખન અહીં પૂરા ખમીરથી પ્રગટ થયું છે.
દક્ષા વ્યાસે ‘વનાંચલ’ને ગદ્યકવિતા કહીને ઓળખાવી છે. અલબત્ત, ગુજરાતી ભાવકના ચિત્તમાં ગદ્યકવિતાનો એક વિશેષ સંદર્ભ છે અને એ અર્થમાં ‘વનાંચલ’ ગદ્યકવિતા કે ગદ્યકાવ્ય નથી એમ કહી શકાય. પરંતુ ‘વનાંચલ’ના ગદ્યમાં એક કવિહૃદયનાં સંવેદનો અવારનવાર ઝિલાતાં જોવા મળે છે. મૂળ તો જયન્ત પાઠકની કવિતાનું કૌવત તેમને આ સ્મરણકથા લખવા પ્રેરે છે, એમ કહી શકાય. કારણ કે જયન્ત પાઠકની કવિતાનો શ્વાસ એ વગડાનો શ્વાસ છે અને ‘વનાંચલ’ એ જ શ્વાસથી ધબકતા સર્જકહૃદયની બીજી કલા છે. કવિતાના સર્જકનો પ્રભાવ દેખાય એવા ગદ્યખંડો કે પછી વાક્યો અવારનવાર દેખા દે છે. વળી જ્યાં પ્રસંગો કે પાત્રોનું આલેખન છે એની ભીતરમાં પણ કવિનું સંવેદન ડોકાયા કરે છે. ‘વનાંચલ’ના આરંભે જ મોરડિયા ડુંગરનું અને એના પર ઊગેલાં સાગવૃક્ષોનું વર્ણન કેવું કાવ્યાત્મક છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. એવાં વર્ણનોનાં બીજાં એકાદ-બે દૃષ્ટાંતો આપવાની લાલચ રોકી શકાતી નથી.
‘પેલી ચોપડીનાં સફેદ પાન આજે પણ સ્મૃતિમાં ઊઘડે છે. એમાંના કાવ્યોની કોઈ કોઈ પંક્તિઓ શૈશવની આખી સૃષ્ટિને સાથે ખેંચી લાવે છે. ‘વિશાળ વડ પર વેલ છજેલ, જાણે તંબૂ છે તાણેલ’ ગોખતા ત્યારે કલ્પનામાં જે વડ ઊગી નીકળતો તે તો મારા ગામના પાદરનો વડ ને વેલ તે લીલ બાઝેલી નિશાળની ભીંતે ચડેલો ઘીલોડીનો પેલો વેલો જ તો! ‘રંગીન ચિત્ર-વિચિત્ર માછલાં ગમ્મત કરતાં’ એમ માસ્તરસાહેબ આગળ બોલતાં હોઈએ પણ મન તો ક્યારનું કરડ નદીમાં માછલીઓ ભેગું માછલી થઈને રમતું હોય! ‘ઝૂકી ઝાડનાં ઝુંડની ઝાઝી ઝાડી’ની ઝડઝમકમાં, નિશાળ મૂકીએ તો પૂર્વમાં સાત ડગલાં ભરતાં જ જેનું સખ્ય પ્રાપ્ય તે જંગલના વૃક્ષોની ઝૂલતી ડાળીઓ એકબીજા સાથે ઝપટાતી સંભળાય. ત્યારે ચોપડીના આવા વર્ણન ને પ્રત્યક્ષ દુનિયા વચ્ચે ઝાઝું અંતર નહોતું, જે થોડું હોય તેને મુગ્ધ કલ્પના કાપી આપતી. પરિચિત પ્રકૃતિના અલ્પપરિચિત અક્ષર દ્વારા થતા પુનઃ પરિચયથી ચિત્તમાં એક લય સર્જાતો. વસ્તુજગત અને કલ્પનાસૃષ્ટિ વચ્ચે ત્યારે અભેદ્ય સરહદો નહોતી, આવ-જા કરવાની પૂરી છૂટ હતી. ક્યારેક સ્વપ્નમાં એ સરહદો વિચિત્ર રીતે એકબીજામાં ભળી જતી, પણ ત્યારે એમની વચ્ચે ઝઘડો ન થતાં પરસ્પરને મળ્યાનો આનંદ થતો.’ (પૃ.૨૭-૨૮)
‘વરસાદના એ દિવસો યાદ આવે છે. પસાયતામાં નજર કરીએ તો લીલાં લીલાં તૃણની પત્તીઓ હવામાં થરકી રહી છે. કૂંવાડિયાનાં પાન ઉપર ઝિલાયેલાં વરસાદનાં ટીપાંનાં મોતી આંગળીઓ વડે નીચે ખેરવી નાંખવાની કેવી મજા આવે છે! લાલ લાલ દેવની ગાયને નાનકડી સળીથી દોડાવીએ તો વળી મુઠ્ઠીમાં રાખી ગલીપચી અનુભવીએ. વાડા પાછળ ને પસાયતામાં ભરાયેલાં નાનાં તળાવડાંને કાંઠે બેઠેલાં દેડકાંને પથ્થર મારી પાણીમાં કુદાવીએ, પાણીના રેલાઓને આમથી તેમ નીક કરીને આંતરીને વાળીએ, પછી એકદમ છોડી ‘ખળકો’ લાવીએ. ઝાપટું પડી જાય એટલે કરડમાં પાણી આવશે એવી આશામાં ને અધીરાઈમાં વારંવાર નદી ભણી દોડી જઈએ ને પાણી આવતું હોય તો પૂરું બે કાંઠે ચડે ત્યાં સુધી બેસી રહીએ. આ બાજુ ભૂરી ડોસીના કાચલા(નદીકાંઠાનું ખેતર)ને ડુબાડી સામી બાજુએ ગણપતભાઈના કાચલામાં પથરાઈને વહેતું પાણી જોવામાં કલાકોના કલાકો કાઢી નાંખીએ. શેરીમાં ઊભેલી આંબલીના ગરેલા મોર સાથે વહેતા પાણીમાં ફોરાંનાં ફૂલ ફૂટે, બારણે બેસવા માટેની એક પાટ, પાટ ઉપર ભીંતમાં થોડા થોડા અંતરે લાકડાની બે ખીંટીઓ, એ ખીંટીએ પગ ભરાવી વાગોળની જેમ ઊંધા લટકી વરસાદ જોવાની ખૂબ ગમ્મત આવે. આજે તો ‘ઊંધી દુનિયા’ જોઈને અકળામણ થાય છે, પણ શૈશવની આ ‘ઊંધી દુનિયા’ ખૂબ ગમતી. એકધારો વરસાદ પડતો હોય ત્યારે કાન ઉપર હથેળીઓ ઢાંકી ઉઘાડવાસ કરવાથી જે સંગીત મળતું તે તો આજેય મન થઈ જતાં માણી લઉં છું. શૈશવના એ દિવસો! ते हि नो दिवसा गता!’ (પૃ.૫૩-૫૪)
આ ઉપરાંત ઢોલના તાલે તાલે લયબદ્ધ રીતે માટલીએ રમતી સ્ત્રીઓનું વર્ણન, ભજનમાં તલ્લીન થઈને અંગ ડોલાવતા ગોઠણભેર ઊભા થઈ જતા ભક્તજનોનું વર્ણન, હોળીના પ્રસંગે જિંદગીની વેદના ભૂલી ઉત્સવમાં તલ્લીન થતાં લોકોનું વર્ણન કે અવતારી પુરુષ તરીકે જાણીતા થયેલા હનુમાનભક્ત એવા લેખકના પિતાનું અદ્ભુત વર્ણન, જયન્ત પાઠકની વર્ણનકલાના અનુસંધાનમાં અવશ્ય નોંધપાત્ર બને છે. આ બધાં જ દૃષ્ટાંતો પરથી જોઈ શકાશે કે લેખકે ક્યાંક કવિતાની સામગ્રીનો વિનિયોગ કર્યો છે તો ક્યાંક કવિહૃદયનું સંવેદન વર્ણનકલામાં સર્વોપરી બન્યું છે એ ખરું, પણ એમાં ક્યાંય કેવળ કવિતાનો અનુભવ થતો નથી. કવિતાસામગ્રીને ગદ્યાંશમાં વિલસતી જોઈને તરત જ એમાં કવિતા શોધવા જવા કરતાં, એ સામગ્રી ગદ્યને વધુ સમૃદ્ધ બનાવવામાં કઈ રીતે વધુ ઉપયોગી થઈ છે એ જોવાનું રાખીએ તો જે તે સર્જકની કવિત્વસિદ્ધિ એની ગદ્યરિદ્ધિમાં કેવી ઉપકારક નીવડે છે એનાં તારણો અવશ્ય કાઢી શકીએ.
‘વનાંચલ’ આમ ગદ્યકાવ્યથી ભિન્ન છે. અલબત્ત, પુનરુક્તિનો દોષ વહોરીને પણ કહેવું જોઈએ કે કવિહૃદયનું સંવેદન ગદ્યરિદ્ધિને વધુ આકર્ષક બનાવે છે, એ સંવેદન દ્વારા સ્મરણકથાને વધુ ને વધુ ન્યાય મળતો રહે છે.
એમ જોઈએ તો આ સ્મરણકથામાં લેખકે ક્યાંય સપાટ ગદ્ય લખ્યું જ નથી. વળી, ક્યારેક હાસ્ય-કટાક્ષ તો ક્યારેક કેવળ કડવાશ પેદા કરીને પણ લેખકે ગદ્યશૈલીને માતબર રાખી છે. એનાં દૃષ્ટાંતો પંડ્યા કાકાના ઘરની, રણછોડજીની અને તડકેશ્વર મહાદેવની સ્મૃતિ સાથે આલેખાયેલાં જોવા મળે છે. એટલે એ કૃતિઓને સાથે જોવી ગમશે.
‘ઘરમાં રણછોડજીનું મંદિર...ઘણી વાર દાદાને રણછોડજીની પૂજા કરવાની આવે. અમે સાથે જઈએ. એક અંધારા ઓરડામાં – કંસના કેદખાના જેવા – ભગવાનનો વાસ; ચામાચીડિયાં આપણા માથા સાથે ઝપટાય; બીક લાગે. પણ રણછોડજીની અને લક્ષ્મીજીની મૂર્તિઓ ભારે રૂપાળી. કાળા ચળકતા આરસની ચતુર્ભુજ રણછોડજીની ને સફેદ દૂધ જેવા આરસની લક્ષ્મીજીની એ મૂર્તિઓ આજેય મનમાં એવી જ અખંડ કોતરાયેલી ઊભી છે. આ બ્રાહ્મણ ફળિયામાં વચ્ચોવચ બે આંબલીઓની છાયામાં મહાદેવનું એક થાનક. માત્ર ચોતરો જ બંધાયેલો ને તેની વચ્ચે મહાદેવનું લિંગ, માથે કંઈ નહિ, આકાશ. મંદિર પૂરું બંધાયું નહિ; મહાદેવની જ એવી ઇચ્છા હશે, તપ કરવાની. રમૂજમાં એને તડકેશ્વર પણ કહે. એની આસપાસ થોડા બાંધકામ માટેના પથ્થર પડયા છે : એ અમારું ઘર-ઘર રમવાનું સ્થાન. આંબલીના પાલાની ને મૉરની રસોઈ બનાવી અહીં અનેક વાર જમ્યા છીએ.’ (પૃ.૧૭-૧૮)
પોતાના અભ્યાસકાળની અભ્યાસસામગ્રીના અનુસંધાનમાં લેખકે કડવાશ દાખવીને પણ તુલનાત્મક ચિત્ર ઊભું કર્યું છે :
‘તકલી, સૂતર કે ઝંડાની કવિતા ત્યારે નહોતી ભણાવાતી, પાયાની કેળવણીનો ખ્યાલ પ્રચલિત નહોતો. એ ચોપડીઓમાંથી કલ્પનાની કેળવણી મળતી ને કુમળાં કલ્પનાપ્રિય બાળકો ઉપર આજે ડહાપણની દુનિયાનો જે બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાતું. પણ આજે તો આપણે ઇજનેરો, ડૉક્ટરો, પ્રધાનો ને નેતાઓ પેદા કરવાના છે ને? કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે?’ (પૃ.૨૮)
હાસ્ય-કટાક્ષ અને કડવાશ બન્નેને સામટાં આલેખતો એક પરિચ્છેદ જોવો જ રહ્યો :
‘આજે તો હું ‘શહેરી’ છું, ‘પ્રોફેસર’ છું. રસ્તા ઉપરનાં ને કૉલેજવિસ્તારમાં ઊગેલાં સુંદર વૃક્ષો જોઈને આજેય પહેલો વિચાર એની ઉપર ચડવાનો આવે છે. કોઈ પણ વૃક્ષ જોતાં મન ચડવાની યુક્તિ શોધવામાં ગૂંથાઈ જાય છે ને મનોમન ચડી ઊતરું ત્યારે જ ટાઢક વળે છે. હા, મનોમનસ્તો! બાકી તો આ સભ્ય દુનિયામાં એવું કૃત્ય થાય કે! પૂર્વજોની પંગતમાં ગણાઈ જવાનો, રમૂજનો ભોગ બનવાનો ડર ઊભો જ હોય છે. ઘણી વાર આત્મવિશ્વાસમાં ઓટ આવતાં થાય છે કે અગાઉની જેવી કુશળતાથી હવે હું ઝાડ ઉપર ચડી શકું કે નહીં. ત્યારે તો એકાદ ડાળી હાથ આવે એટલે એને વળગીને એક એવો હીંચકો લઉં કે પગ ડાળે પહોંચે ને બે પગ વચ્ચે ડાળી આવી જાય, પછી એમ વાગોળની જેમ લટકવાનો આનંદ તો કંઈ ઓર જ! ‘સુધર્યા’ પછી એકાંતના મોકા આવ્યા છે ત્યારે ઝાડે ચડી જોવાના પ્રયાસો કર્યા છે ને હજી ‘ગુલાંટ’ નથી ભૂલ્યો એ ખ્યાલથી સંતોષ ને આનંદ અનુભવ્યો છે.’ (પૃ.૫૨)
જયન્ત પાઠક પોતાના ગદ્યમાં એક જ લસરકે કટાક્ષ કરવાની આવડત પણ ધરાવે છે. પાંચ પાને એનું એકાદ દૃષ્ટાંત તો અવશ્ય મળી આવે. આ કટાક્ષમાં ક્યાંય દંશ જોવા મળતો નથી. ઘણી વાર તો તેઓ પોતાની જાત પર પણ હસી નાંખે છે. તેથી જ તો ઈશ્વરની સામે પણ કટાક્ષ કરતી વેળાએ એ એટલા જ નરવા દેખાય છે. તડકે તપતા તડકેશ્વરને માથે મંદિર બંધાયું નહીં તો તેઓ લખે છે : ‘મહાદેવની જ એવી ઇચ્છા હશે, તપ કરવાની.'
પોતાની જાત – કોમ પર હસતાં તેઓ કહે છે :
‘અમે રહ્યા બ્રાહ્મણ ને તે પણ ગોર મહારાજ, પરમ પવિત્ર ગોરદેવ! અમારાથી બકરાંને, કૂતરાંને કે મરઘાંને ન અડાય, કોઈના દેખતાં તો ન અડાય.’ (પૃ.૪)
એક સ્થળે ગોરા લોકો અને આદિવાસી લોકો વચ્ચે ભેદ દર્શાવતું રમૂજી વાક્ય મૂકાયું છે : ‘ગોરાઓ ચાહ પીએ ત્યારે આ લોકો છાહ(છાશ) પીએ!’ (પૃ.૬૮)
છેલ્લા પ્રકરણમાં આખું ગામ નવેસરથી, જૂની સંસ્કૃતિને ગુમાવીને, સુધરી ગયેલું દેખાય છે ત્યારે અને ખાસ તો પ્રાચીન પુરાતન વૈજનાથનું મંદિર પણ નવેસરથી બંધાયું છે ત્યારે લેખક કહે છે :
‘મહાદેવ પણ ‘સુધરી’ ગયા છે, આજુબાજુ બાવાએ સુધરેલી દુનિયાનાં ફૂલઝાડ ઉગાડયાં છે. સ્મશાનમાં ક્રીડા કરતા ને ચિતાભસ્માવલેપથી શોભતા હર હવે તો અહીં આરસની ફરસબંધીવાળા નિવાસસ્થાનમાં વસે છે, અકળાતા હશે ખરા કોઈ વાર?’ (પૃ.૯૧)
‘વનાંચલ’નું છેલ્લું પ્રકરણ તો જયન્ત પાઠકના વતન-સંવેદનનો સર્જનાત્મક ચિત્કાર અભિવ્યક્ત કરે છે. ત્રણ-સાડાત્રણ દાયકા પછી વતનમાં પ્રવેશતા લેખકને આખી જન્મભૂમિ ઉજ્જડ થઈ ગયેલી દેખાય છે. આખો વગડો નષ્ટ થઈ ગયો છે. એ જોઈને તેમનો સહજ ઉદ્ગાર સરી પડે છે :
‘ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રયે, એની દયા ઉપર જીવતાં ઝાડવાં! હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું!’ (પૃ.૯૦)
ગામ, ઘર, ઘર આગળનો વડ, થાણું બધું જ નષ્ટ થઈ ગયું છે. બંધ બાંધવાથી નદીનું સૌંદર્ય પણ નષ્ટ થઈ ગયું છે. આસપાસના વગડાનાં પ્રાણીઓ પણ અદૃશ્ય થઈ ગયાં છે. હોળી-દિવાળીનાં સંસ્કારપર્વો કે અન્ય સામાજિક પ્રસંગો નીરસ બની ગયા છે. લોકો હવે ચૂંટણી, લાયસન્સ, ડીઝલ, લેવી અને મોંઘવારીની વાતો કરતા થઈ ગયા છે. એક જમાનામાં પણ લોકો દારૂ-તમાકુ પીતા હતા, એમ છતાં હવે શરબત અને ચાની દુકાનો જોઈ લેખકને કંટાળો વછૂટે છે. મૂળજી ઘાંયજો શરીરે પરસેવો વળી જાય એ રીતે હજામત કરતો અને આજે સલૂનમાં લોકો નિરાંતે આધુનિક ઢબે વાળ કપાવી પાવડર છંટાવે છે. એક જમાનામાં ઝીણિયાં પહેરીને જીવવાની મજા પડતી હતી તે આજે ભાતભાતનાં વસ્ત્રોની વચ્ચે પણ વિસરાઈ ગઈ છે. એક રીતે જોઈએ તો બધું સુધરી ગયું છે. આ ગામે પણ આધુનિક જીવનસંદર્ભ સ્વીકાર્યો છે, એમ છતાં લેખક સાવ નિરાશ થઈને કહે છે :
‘મન મૂંઝાય છે, ઉદાસ થઈ ગયું છે. કોઈ અજાણ્યા મુલકમાં આવી પડ્યો હોઉં એમ લાગે છે, ગોઠતું નથી. મારું માટીનું ખોરડું, મારી સલિલસભર નદી, મારો વગડો – બધું ગયું.’ (પૃ.૮૬)
મોટી કરુણતા તો એ વાતની છે કે લેખકનું નાનપણનું નામ ‘બચુભાઈ’ પણ વિસરાઈ ગયું છે. આધુનિક જમાનાની કેટલીક સુવિધાઓ દોડધામ કરતી આવી રહી છે, પણ લેખક કહે છે એમ ‘વર્તમાનના સંદર્ભમાં હું આ ભૂમિનો નથી, તો હૃદયથી આ ભૂમિથી કદી છૂટો પણ પડવાનો નથી.’ (પૃ.૯૬) પોતાના વતનમાં આ સુધારો જોયા બાદ તેમને વતનમાં વધુ રહેવાનું મન થતું નથી. કારણ એક જ છે : ‘વધારે રહેવાથી રખેને ચિત્તમાં અંકાયેલું પેલું ચિત્ર ચેરાઈ જાય!’ (પૃ.૯૬) આમ વતનથી સતત સંયોજિત રહેવા માટે લેખક વતનથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે. કારણ કે બહારના આ સુધરેલા વતનથી કે ઉજ્જડ થઈ ગયેલા વગડાથી દૂર ખસીને પુનઃ અંતરમાં પ્રવેશીને લેખકને પેલા જૂના વનવતનમાં પ્રવેશ્યાનો આનંદ પ્રાપ્ત થઈ શકે તેમ છે. ‘વનાંચલ’ને અંતે એ વેદના અને આનંદનું કાવ્યાત્મક બયાન છે :
‘અહીં હું જન્મ્યો’તો વનની વચમાં તે વન નથી,
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી,
અજાણ્યાં તાકી રહે વદન મુજને સૌ સદનમાં,
વળું પાછો મારે વનઘર હું : મારા જ મનમાં.’
(પૃ.૯૬)
‘વનાંચલ’ને સ્મૃતિકથા કે સ્મરણકથા તરીકે ઓળખવાનો અને એના ગદ્યને પ્રમાણવાનો આ જ તો આનંદ છે. ‘વનાંચલ’ને એક સંવેદનશીલ કવિની સ્મૃતિકથા તરીકે ઓળખવાનું વધુ અનુકૂળ આવશે. એના ગદ્યને સતત સંવેદનના પુટ મળ્યા કર્યા છે, એને કારણે ‘વનાંચલ’નું ગદ્ય – અલબત્ત, ગદ્યરૂપે જ વિલક્ષણ મહત્તા ધારણ કરે છે. એમાં આલેખાયેલી સ્મૃતિઓ કરતાં જે તે સ્મૃતિ સાથે સંકળાયેલ સ્મૃતિસંવેદનો મહત્ત્વનાં છે. ક્યાંક એ સંવેદન ચિંતા કે ચિંતન પણ વ્યક્ત કરે છે, એમ છતાં ક્યાંય કશું ભારઝલ્લું બની જતું નથી. કાલેલકરની ‘સ્મરણયાત્રા’માં સરળતા અને સંવેદન-બંનેનો સમન્વય થયો છે. એમાં પ્રકૃતિની સૌંદર્યલીલાનું પણ રસમય બયાન છે, એમ છતાં ‘વનાંચલ’માં જે વગડાનો શ્વાસ, શ્વાસનો લયધબકાર અનુભવાય છે એમાં જ એના સર્જનનું બલવત્તર પરિણામ જોઈ શકાય છે. સ્મૃતિ અને સંવેદન સાથે સાંકળતી આકૃતિ ગુજરાતી સાહિત્યમાં એક સક્ષમ સ્મૃતિકથા બને છે. ‘વનાંચલ’ના સર્જકે એક વ્યક્તિ તરીકે સર્જક નહોતા એવાં કાળમાં-બાલ્યકાળમાં વન અને વતનની સંસ્કૃતિને જે રીતે માણી છે, એનું સ્મૃતિસંવેદન ‘વનાંચલ’માં પ્રાકટ્ય પામ્યું છે. એમાં જે સર્જનાત્મકતા છે, એના મૂળમાંય બાલ્યકાળનાં આ સંસ્કારો લેખે લાગ્યા છે. આ પ્રકારની રચનાઓ દ્વારા કાલેલકર સંસ્કૃતિલક્ષી સર્જક ગણાયા. આજના યુગમાં એવું વિશેષણ કદાચ લેખકનેય ના ગમે. પણ આ સ્મૃતિસંવેદન સ્વયં સર્જક માટે જીવનમૂલ્ય બન્યું છે અને એનો કલાત્મક વિનિયોગ – એક સમર્થ સાહિત્યકૃતિનું સર્જન કરે છે એટલે અને કલાને આપણે જીવનમૂલ્ય તરીકે સ્વીકારીએ છીએ એટલે – સહૃદયો પણ જીવનમૂલ્યના સંદર્ભમાં જ સ્વીકારપાત્ર ગણે છે.
શબ્દસંસ્કૃતિ પોતે પણ એક જીવનમૂલ્ય જ છે ને?