વનાંચલ/પ્રકરણ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૧)

પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર, વિલીનીકરણ પહેલાં દેવગઢબારિયાના દેશી રાજ્યની હકૂમત હેઠળ હતો. અહીંના રાજા પાવાગઢના પતાઈ રાવળના વંશજો ગણાતા. રાજ્યના સાત મહાલમાંનો એક રાજગઢ મહાલ; મહાલનાં ૮૩ ગામ. વસ્તી મોટે ભાગે કોળી, ધારાળા, બારૈયા ને આદિવાસીની. આદિવાસીમાં મુખ્ય બે જાતિઓ : નાયકા અને રાઠવા. નાયકા શરીરે કાળા, કેડે એક કોહટુ (ચીંથરાની સાંકડી પટી, લંગોટી) પહેરનારા, હાથમાં તીરકામઠું ને સાથમાં કૂતરા રાખનારા. પૂર્વની ટેકરીઓ ઉપર એમનાં એકબીજાથી દૂર ઝૂંપડાં. રાઠવાઓ શરીરે નાયકાઓ કરતાં ઊજળા, સુડોળ ને દેખાવડાં મુખવાળા. કેડે થેપાડું(જાડું ધોતિયું) વીંટે, માથે ફાળિયું ને શરીરે ટૂંકું ઝૂલડું(ખમીસ) પહેરે. રાઠોડ રાજપૂતોની કોઈ ટોળી અટૂલી પડી જઈને કે પરાસ્ત થઈને આદિવાસીઓમાં ભળી ગઈ હશે? તેઓ પોતાને નાયકા કરતાં ઊંચા કુળના માને.

રાજગઢ મહાલનું જ્યાં થાણું તે સ્થળ રાજગઢ. અહીં થાણદાર, ફોજદાર, ‘જંગલી ફોજદાર’(રેન્જ ફૉરેસ્ટ ઑફિસર), દાણી વગેરે વહીવટદારો રહે. રાજ્યનું એક દવાખાનું ને પ્રાથમિક શાળા પણ અહીં ખરાં. પાસે જ નાનકડા ગોઠ ગામને ઘસાઈને વહી જાય છે એક નાની નદી કરડ, બારે માસ પાણીથી ભરપૂર. એ નદીને સામે કાંઠે ઉત્તર દિશામાં એક ડુંગરો નામે મોરડિયો, ઘાટીલો ને ગૌર – મુગ્ધાનાં સ્તન જેવો. એની ઉપર અસ્ફુટ ભાવોના આછા રોમાંચ જેવા સાગના સોટા, આ રાજ્યનું સોનું, વનનું મહામૂલું ધન. ને એમ તો મોરડિયાની માટી પણ સોના જેવી; એને માથે ચડીને ગામલોકો માટી ખોદી લાવે ને એનાથી ઘરની કાળી ભીંતોને સોનાની ચળકતી ભીંતો બનાવે. ત્રીસપાંત્રીસ વરસ પહેલાં અંગ્રેજ સરકારે સોનું શોધવા અહીં ભૂસ્તરનિષ્ણાતો મોકલેલા, પણ ખર્ચના પ્રમાણમાં રળતર ઓછું થશે એમ લાગતાં ખોદકામ માંડી વાળેલું. એ પહાડની પડખે ઊભો છે બીજો જરા વધારે ઊંચો ડુંગર કાનપુરિયો. પાડાની પીઠ જેવા કાળમેંશ પથ્થરોનો બનેલો. ઉપર ઝાઝાં ઝાડ નથી. તળેટીમાં વસતા કાનપુર ગામના લોકો ત્યાં ઢોર ચારવા ને લાકડાં વીણવા જાય. જાણકારો કહે છે કે ત્યાં વાઘનો વાસ છે. કોઈ કોઈએ તો વાઘને ત્યાંથી દોઢ–બે ગાઉ પર, કરડ નદીને કાંઠે પીપળાના ઝાડ હેઠળ આવેલા શત્રુહરણી માતાના થાનકમાં મધરાતે આવતો જોયો છે ને માતાજીને એના પર સવાર થઈને રમવા નીકળતાં પણ ભાળ્યાં છે. છેક ઈશાનમાં એક કાળો-ભૂરો પહાડ છે; ઝાઝી વનરાજીથી હાડ ઢાંકતો એ ધેજગઢિયો ડુંગર. કહે છે કે ત્યાં એક કાળે આદિવાસીઓનો કિલ્લો હતો. અહીં નાયકોનું રાજ્ય હતું. એ પહાડની પેલી બાજુ ગાઢ જંગલો ને અસંખ્ય નાની મોટી ટેકરીઓને વીંધીને નજર આગળ જઈ શકતી નથી; એટલે પાછા વળીએ ગોઠ ગામ ભણી.

ગામમાં પેસતાં જ માટીનાં બે નળિયેરી ઘર જોડાજોડ ઊભાં છે. ઘરની પાછળ મોટો વાડો છે જેનાં જાળાંમાં એક વાર સૂવરનાં ટોળાં બપોરી ગાળતાં. પૂર્વમાં ને દક્ષિણમાં આછો વગડો છે; ત્યાં શિયાળ ને સસલાં, રાની બિલાડા ને ફાલુડી ફરે છે. રાતે શિયાળની લાળી ને ફાલુડીના રુદનથી ઘરમાં સૂતેલાં બાળકો જાગી જાય છે અને મોંઢેમાથે ઓઢી લે છે. બે ઘરમાં એક જ કુટુંબ વસે છે. મોટા ઘરમાં માતાપિતા ને નાનાં ધાવણાં બાળકો; બીજામાં વૃદ્ધ દાદા ને રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓનાં, લોકકથાઓનાં ને એ પ્રદેશમાં બનેલા બનાવોનાં રસઝરતાં બયાનોનાં રસિયા છોકરાં. મોટે ઘેર વાળુ કરીને અહીં જોડાજોડ પાથરેલા ખાટલાઓમાં આળોટવાનું. પછી દાદાની વાતો ચાલે, ચાલ્યા જ કરે. ક્યારેક રાવણનાં માથાં છેદાતાં હોય, ક્યારેક ભીમની ગદા ઘૂમતી હોય, ક્યારેક કૃષ્ણનાં બાળચરિત્ર કહેવાતાં હોય, શામળની રોમાંચક વાતો ને આ પ્રદેશમાં થઈ ગયેલા રૂપા નાયક કે નારણજી દવેની લૂંટ- બહારવટાની વાતો ચાલતી હોય. ‘બેટા બચુડા, બેટી શકરી, જાગો છો કે?’ દાદા પૂછે. જવાબ ન મળે એટલે દાદા દીવો ઠારી ઊંઘી જાય.

ગોઠ ગામમાં, કરડ નદીને કાંઠે ઊંચી ભેખડ ઉપર પંદર-સોળ ઘર ઊભાં છે – આઠ બ્રાહ્મણનાં, એક બાવીનું ને છ-સાત કોળીનાં. અમારા ઘરની બાજુમાં ઝવરી બાવીનું ખોરડું. બાઈ વિધવા, હસમુખી ને સ્નેહાળ; એક હાથ ખોડવાળો તે કોણીમાંથી પૂરો સીધો ન થાય; ભેંસ રાખે ને દૂધ-ઘી વેચે. એના વાડામાં પીળી કરેણનું એક ઝાડ. એનાં ફૂલ અને લીંબુ જેવડાં લીલાં ફળ અમારી રમતનાં સાધનો. ફૂલથી અમે ધૂળનાં ઢબુમાતાને શણગારીએ ને ફળો અમારાં કોડિયાંનાં ત્રાજ્વાનાં કાટલાં બને. એથી આગળ જઈએ એટલે ત્રણ ભાઈઓ – જેઠારામ પાઠક, દલસુખરામ પાઠક અને ધનસુખરામ પાઠકનાં ત્રણ જોડાજોડ ઘર. સામે રહે બે ભાઈઓ : દલસુખરામ પાઠક ને ગણપતરામ પાઠક. એમના આંગણામાં કાશીબોરનું ઝાડ. મીઠાં લાંબાં બોર અમારે બારણેથી દેખાય ને મોંમાં પાણી આવે; ક્યારેક ચંચીફોઈ થાળી ભરીને મોકલાવે. ઝાડ ઉપર એક ઘંટડી બાંધેલી. રાતે વનવાગળાં બોર ખાવા આવે એટલે એમની હલચલથી ઘંટડી વાગે. સામે ઘેર પથારીમાં પડ્યાં પડ્યા એ ઘંટડીનો અવાજ ને વાગોળની પાંખોનો ફફડાટ સંભળાય. પશ્ચિમ બાજુએ ઊંડા કોતર ઉપર ગિરજાશંકર પંડ્યાનું ઘર. ઘરમાં રણછોડજીનું મંદિર, એના એ પૂજારી, સરકાર તરફથી વરખાસન મળે; પણ પંડ્યાણીકાકી વૃદ્ધ અને અંધ, છોકરો બહારગામ નોકરીએ ને પંડ્યાકાકા તો ઘોડું લઈ યજમાનવૃત્તિ કરવા ગામેગામ ફરે, એટલે ઘણી વાર દાદાને રણછોડજીની પૂજા કરવાની આવે. અમે સાથે જઈએ. એક અંધારા ઓરડામાં – કંસના કેદખાના જેવા – ભગવાનનો વાસ; ચામાચીડિયાં આપણા માથા સાથે ઝપટાય; બીક લાગે. પણ રણછોડજીની અને લક્ષ્મીજીની મૂર્તિઓ ભારે રૂપાળી. કાળા ચળકતા આરસની ચતુર્ભુજ રણછોડજીની ને સફેદ દૂધ જેવા આરસની લક્ષ્મીજીની એ મૂર્તિઓ આજેય મનમાં એવી જ અખંડ કોતરાયેલી ઊભી છે. આ બ્રાહ્મણ ફળિયામાં વચ્ચોવચ બે આંબલીઓની છાયામાં મહાદેવનું એક થાનક. માત્ર ચોતરો જ બંધાયેલો ને તેની વચ્ચે મહાદેવનું લિંગ; માથે કંઈ નહિ, આકાશ. મંદિર પૂરું બંધાયું નહિ; મહાદેવની જ એવી ઈચ્છા હશે, તપ કરવાની. રમૂજમાં એને તડકેશ્વર પણ કહે. એની આસપાસ થોડા બાંધકામ માટેના પથ્થર પડ્યા છે : એ અમારું ઘર-ઘર રમવાનું સ્થાન. આંબલીના પાલાની ને મૉરની રસોઈ બનાવી અહીં અનેક વાર જમ્યા છીએ.

ઉત્તર દિશામાં નદીની ખૂબ નજીક છસાત નીચાં છાપરાં ઊભાં છે; ભીંતો કરસાંઠીની ને ઉપર છાયાં છે પાઠાં(તાડનાં પાન). એ છાપરાંમાં રહેનાર કોળી સ્ત્રી-પુરુષો બ્રાહ્મણોના ઘરનું પાણી ભરે, છાણ-વાસીદું કરે ને જમીન પણ ખેડે. ઘેર ઢોર-બકરાં ને મરઘાં-કૂકડાં રાખે. મરઘાં તો ચણતાં ચણતાં અમારા ભણી આવી જાય તો, કે એ ફળિયામાં થઈને નદીએ નાહવા જઈએ ત્યારે જોવાનાં મળે એટલું જ, બાકી અડકાય નહિ. અમે રહ્યા બ્રાહ્મણ ને તે પણ ગોર મહારાજ, પરમ પવિત્ર ગોરદેવ! અમારાથી બકરાંને, કૂતરાંને કે મરઘાંને ન અડાય, કોઈના દેખતાં તો ન જ અડાય. પણ દાદા અમારા કોડ સમજે. ક્યારેક નદીએ નાહવા જતાં અમને મરઘીનાં નાનાં નાનાં બચ્ચાંને પકડવા-પંપાળવાનું મન થઈ જાય ત્યારે દાદા રજા આપે ને ધોળાં, કાળાં, કાબરચીતરાં બચ્ચાંનાં સુંવાળાં શરીરને પંપાળી લઈએ. એ સુંવાળપ માણ્યાને આજે તો ત્રણ સાડા ત્રણ દાયકા થઈ ગયા. પણ એ સ્પર્શનો રોમાંચ આજે પણ એવો જ તાજો છે. બીજી ઇન્દ્રિયોના અનુભવ કરતાં સ્પર્શેન્દ્રિયનો અનુભવ સ્મૃતિમાં વધારે ટકતો હશે ?

એપાની ભેખડ ઊતરીએ એટલે ઊંડો ધરો આવે, નામે હાથિયો ધરો; હાથી જેવા મોટા મોટા કાળા પહાણ નદીના પટમાં ઊભા છે; એમની વચ્ચે ઊંડું, કાળું પાણી, હાથી ડૂબે એટલું. દાદા કહેતા કે હાથી ડૂબે એટલું પાણી રહે છે એટલે એનું નામ ‘હાથિયો ધરો’ પડ્યું. ઉનાળામાં સવાર-સાંજ નાહવાનું અહીં જ, કલાકો સુધી. ઘેર લાલ આંખો લઈને જવાનું ને બાનો ઠપકો ખાવાનો. અહીં જાતજાતના તારા તરવાના, ડૂબકીઓ મારવાની, ‘આદીલો કે ગાદીલો’ રમવાનું(એવી રમત જેમાં મોટો પથ્થર પાણીમાં નાખવાનો ને તેને ડૂબકી મારીને શોધી લાવવાનો. જેના હાથમાં આવે તે જીતે ને પાછો પાણીમાં નાંખે.) ધરાને કાંઠે કણજીનાં બે ઝાડ, બરાબર પાણી ઉપર એની ડાળીઓ ઝૂકેલી. ઉપર ચડીને પાણીમાં ભૂસકા મારવાના; જાણે પાતાળમાં ઊતરીએ છીએ ને પાછા ઉપર નહિ અવાય એવું લાગે; ડૂબકી મારીને સામે કાંઠે નીકળવાનું, પાણીમાં પકડદાવ રમવાનું, આઠ-નવની એ વયે આ નાનકડી નદી દરિયો જ લાગતી ને પૂર આવે ત્યારે તો મોટેરાં પણ કહે : ‘આ હાથિયો ધરો તો જુઓ, જાણે સમુન્દર!’ પછી મોટી નદીઓ જોઈ ને સમુદ્ર પણ દીઠો, પણ ચોમાસામાં ઘેલી થતી ને બે કાંઠે વહેતી, ગામને ઘેરો લેતી કરડ નદીનું એ સમુદ્રસ્વરૂપ ભુલાયું નથી. શિશુકલ્પનાના સમુદ્ર આગળ ભૂગોળના સાત સાગરો તો શી વિસાતમાં! આજેય એ ઘુઘવાટા સાંભળી શકું છું ને મનોમન એમાં ઝંપલાવી પણ દઉં છું.

તરતાં શીખવાની શરૂઆત કરેલી તે કાળ સાંભરે છે. ત્યારે છએક વર્ષનો હોઈશ. હું મારો નાનો ભાઈ રમણ ને મોટીબહેન પુષ્પા (ત્યારે અનુક્રમે બચુડો, શાંતિયો ને શકરી) દાદા સાથે રોજની જેમ નદીએ નાહવા ગયેલાં. શિખાઉના ઉત્સાહથી મેં તો પાણીમાં ઝંપલાવ્યું. પાણી ઊંડું ને દાદા તો પાણી તરફ પીઠ કરીને કપડાં ધોવામાં તલ્લીન. મેં ગળચિયાં ખાવા માંડ્યાં. મારી બહેનને મારા કરતાં સારું તરતાં આવડે. એણે એકદમ મારું માથું પાણી ઉપર આવતાં જ મારી ચોટલી પકડી લીધી ને મને કિનારા તરફ ખેંચ્યો. હું બચી ગયો. ચોટલી રાખવાથી થયેલો એ જીવનલાભ કદી ભુલાશે નહિ. પાછળથી અંગ્રેજી નિશાળે ભણતાં સિકંદરનો પાઠ ભજવવા માટે એ ચોટલીને મેં આખરી વિદાય આપી ત્યારે જે તંતુઓ મારો જીવનતંતુ લંબાવવામાં નિમિત્ત બનેલા તેમને હું ઘડીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહેલો એવું સાંભરે છે.