વસુધા/અજાણ્યાં આંસુને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજાણ્યાં આંસુને

અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો,
ન રોવું સ્હેવું કૈં મુજ કરમ : સદ્‌ભાગ્ય ગણવું?
અહીં બાજેગાજે જનસમરનો ભૈરવ પડો.
વ્યથા–આક્રોશોનો વિપુલ વડવાગ્નિ ચડભડ્યો!

લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી?
અને અશ્રુસ્થાને ગજબ ફરકાવું જ હસવું.
‘ભૂંડા એ યત્ને તો નરવર ગયા યે કંઈ ખૂટી,
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણતો શું તું રડવું?’

અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા,
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા,
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા?

શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી,
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી.