વસુધા/શહીદ બનવા–

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શહીદ બનવા–

‘શહીદ જય હો!’ પુકાર નભ ઘેરતો ઊઠતો,
સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા,
રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે,
અને જગત ઉચ્ચ નાદ જગવેઃ ‘શહીદો જયો!’

‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી
રહી લહરી તોરણે ગગનને, દિશાઓ રહી
ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી,
શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં!

બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં?
તને ય પણ કોડ, મુક્તિચરણે સુવાના હતા. ૧૦
છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે?
પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’

ક્ષણેક ધબકી, પ્રશાન્ત સ્થિર સ્પન્દને તે વદ્યુંઃ
‘શહીદ બનવા સમે સ્થિર થવા કરું સાધના!’