વસુધા/સળંગ સળિયા પરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સળંગ સળિયા પરે

હજી સખિ! બધું જ યાદ: નિરખ્યું હતું આપણે
ઝુકી પુલથકી પ્રચણ્ડ જલપૂર ગાંડું થઈ
ધસ્યું જત ઘસાઈ પૂલપગ શું, થપાટો મહા
સર ફટકારતું, વમળ ઘોર લેતું કંઈ.

અને વમળ આપણાં ય નયને ચડ્યાં, ઘૂમરી
ચડે મગજમાં ય, ‘ઓહ’ વદી સાથ ઊંચા કર્યાં
શિરો ઉભય આપણે. નિરખ્યું ત્યાં ય અન્યોન્યનાં
દૃગે : લસત ત્યાં ય’તા વમળ કૈંક નીચે સમા.

અચાનક ત્યહીં વિવાદ પ્રગટ્યોઃ ‘શું સારું જ છે–
નદી વિમલ નીરપૂર્ણ અથવા ભરી પૂરથી?’ ૧૦
‘મને ઉભય છે પસંદ.’ કહી વાતને ટાળવા
મથ્યો. નિરખવા મને મન તને અને પૂરને–
તને-ઘુમરીઓ મહીં ચકર ખાતી તવ આંખને–
કુણા ઉર-ઉછાળને. પણ તું પક્ષ લૈ પૂરનો
બની તુમુલ પૂરથી ય, મુજ પે દલીલો તણી
થપાટ વરસાવતીઃ ‘સભરતા ભલે ગાંડી હો,
ભલે મલિન, તીરભંજક, ભરેલ આવર્ત છો!
છતાં લઘુક નીતર્યાં જલની અલ્પતાથી ય એ
અતીવ સ્પૃહણીય!’ સંમત દલીલ સૌમાં થયો
વિવાદથકી છૂટવા. પણ સવાલ તેં નાગની ૨૦

ફણા સમ ઉપાડિયો ‘કયું પસન્દ, ક્‌હે, તું કરે?’
મને વિકળતા તણા વમળમાં ગ્રસંતો મહા.

અને તવ અપાર જિદ્દ પણ તો ય મેં ના દીધો
જવાબ. ઝગડી પડી તહીં પડ્યાં છુટાં આપણે.

સખી! સમય તે ન ’તો, જરૂર યે તદા ના હતી
જવાબ તુજ પ્રશ્નનના વિગતથી જ દેવા તણી.
તદા તવ દૃગો થયેલ જલ-અંધ હા માહરી
દશા નિરખી ના શક્યાં-ઉર ભરાયેલું જ્યાહરે
હતું તુજથી – જેમ તે પટ નદીતણો પૂરથી
છલન્ત તટ બે ય નીર, ન હતી ત્યહીં રિક્તતા ૩૦
જ્યહીં શબદ માર્ગને કરી શકે જરા યે વહી.

હવે પ્રિય સર્યાં છ પૂર, અહીં રિક્તતા એવડી
હવે વધી છે કે હિયું મુખર થૈ વદ્યા હા કરે
ઘણું દિવસરાત સ્વપ્ન મંહી યે; અને તાહરા
અનુત્તરિત પ્રશ્ન હૂંથી, ઉડતા રહે ચિત્તમાં
ક્ષુધાર્ત સમડી સમા ચકરતા ચીસો પાડતા.
શકે લવલવાટ આ થઇ જ પ્રેત પ્રશ્નોતણો
યથાર્થ બલિ તો, પ્રિયે! લવલવાટ વ્હેતો કરું!

મને જલ બધાં ગમે વિમલ કે ડહોળાં, ઊંડાં ૪૦
વળી ય છીછરાં, મીઠાં લવણ, કોઈ રીતે ય રે
મને દરશ નીર કેરું દિલ ઠારવા છે ઘણું.

પુછીશ પણ તું: ‘ન વાત ઠરવાતણ માગું હું.
કહે, ક્યમ પ્રસન્નપૂર્ણ જ બને તું?’ જો કે હવે
સવાલ પુછવા અહીં તું નથી. ટેવ જો કે જુની
હતી સખત બેયને કચકચાટની મીઠડા.
તને ટકી હશે ય ટેવ હજી, જાણું ના. કોઈના
સમુદ્રઘુઘવાટમાં તવ ભળ્યાં હશે ગુંજનો.
પરન્તુ ઉર મારું રેતરણ શું, અહીં રેતના
પ્રચણ્ડ સુસવાટ હા સમસમાટ લેતા મહા
ઘુમે જલદનાં અલભ્ય શમણાંની રમણો મહીં. ૫૦

મને ગમતું : વીરડો નહિ, વહેણ ના, પૂર ના.
મને ગમતું ક્ષીરસાગર બની તને પદ્મજા
સુલોલ લસનારીને ઝુલવવા ઉરે ધારવા.

અરે પણ જ વાત એ પરી રહો પરીલોક શી.
અહીં કઠિન ભૂમિમાં કઠિન સત્યને ધારતો
જવાબ તવ પ્રશ્નનો અતિ સુયોગ્ય મેં તારવ્યો
ઘણું મથીમથી કુણા હૃદયનું વલોણું કરી.

થવાનું મુજને ગમે શું? મુજને ગમે પૂલ આ
નદીપટ પરે થવું સ્થિર જડાઈને મેરુ શા. ૬૦
રહેવું જલમાં છતાં જલની સાથે શું નિસ્બતે
જરા ન ધરવી : ભલે મુજ પગો મહીં નિર્મળાં
કલોલ જલ કૈં કરે, ભરતી પેલી બાજુથી યે
ચઢે જલધિની, અને તુમુલ પૂર આ બાજુથી
ચઢે, વલખતાં જ વ્યર્થ અડવા શું મારા હિયે.
અરે વલવલાટ એ નિરખવે ય કેવી મઝા!

ઊંચે હૃદય એ જલોથી ઉભવું અને વિશ્વનાં
તમામ વહનો જવાં વહી બની સ્થિતપ્રજ્ઞ શા!

પગો મહીં જલો રમે, ગલગલી દિયે ચૂડ કે;
શિરે ગડગડી ઘણું જગતભાર જાયે વહ્યા; ૭૦
પરન્તુ ઉર મારું રાખી શકું સૌથી અસ્પૃશ્ય હું.
મને ગમતું એવું પૂલ થવું.

તત્ત્વનું ટૂંપણું
અરે ઉખળતું વળી!—પણ પુરાણી એ ટેવનો
ક્ષમા વિણ ઈલાજ ના. નયન ફૂટડાં કિન્તુ તે
ચઢે છ સ્મરણે-ધસન્ત ભમરા સમાં ક્રુદ્ધ થૈ.
થયાં નજરથી ય દૂર નયણાં સતાવે હજી!

તને જલપૂરોની ચાહક અનન્યને અર્પવા
સમાં જલ અહીં નથી જ. જલ આ શિલા હાર્દથી
તને વહવવાતણી કળ ન કેમ હાથે ચડી? ૮૦
પ્રપાત વિણ વજ્રના ન ઉર આ શકે રે દ્રવી!
અને કદી તને વર્યું હતું શું વજ્ર-કાઠિન્ય કે?
હતે યદિ જ તો ન આમ ચપલા શું ચાલી જતે
સુંવાળું ઘન કોઈનું ઉર તું શોધતી... ઊડતી
હવા મહીં દૃગે ય આંસુ હજી જાળવ્યાં?... ગાંડી રે!
મને દરદ હોય ના–ત્યહીં વસંતી જોજે વળી
સ્મરી ઉષર ભૂતને ઉર-જલો ઉકાળી મૂકે.
અરે, ગરમ પાણીમાં કમળ ના ટકે!

આંહિ તો
અમે વજર કાળમીંઢ વરષા અને ધોમને
બધું ય સહીએ. ન વાદ કરવો અમારો ઘટે.

પ્રિયે! અભય આપું છું સચર હું હતો તે મટ્યો.
અહો, તવ પુંઠેપુંઠે કે ઉર જતું ’તું, આંખોતણી
મિટેમિટતણી જ નોંધ ઉરમાં થતી ’તી બધી,
અને હૃદય પીપળાપરણ શું હળુથી હળુ
ઉઠન્ત તવ સ્નેહલહેરથકી નાચી ર્‌હેતું હતું.

પ્રિયે! સચર સ્નેહદોર પર નાચતા મસ્ત તે
અજોડ પગ – ઘૂઘરા ૨મવું બંધ બેઠા કરી.
હું છું અચર. પૂંઠ ના પકડશે ધસી હૈયું આ.

હવાં અહીં ખડો છું પૂલ થઈ સાવ લોઢાતણો, ૧૦૦
અકાવ્ય જગનું ભરી, ઉરથી આર્દ્રતા સૂકવી,
ભુંડો ભખ તને ન લેશ ગમવા સમો છું જરી.

તને ન ગમતી દશા ? પણ મને મહા અર્હ્ય એ.
અરે પુલ બની હું છેવટની એ ઘડીનું ઉરે
રહીશ સ્મરણું ધરી. મિલન એહ છેલ્લું થયું
અનન્ત જલપૂરના પરમ આર્દ્ર સાંનિધ્યમાં.
અને ડગ પછી ધર્યાં પરમ શુષ્કતા-ક્ષેત્રમાં.
અહો, વિરલ એ ય સપ્તપદી આપણી થૈ ગઇ.

સખી, પ્રણયકાલનું વિરહરૂપ સંતાન એ
મને મળ્યું ઉછેરવા. ઉચિત એ જ નિર્માણ છે. ૧૧૦
ખરે સજડ લોહની મુજ ભુજા જ ધારી શકે
પ્રમત્ત શિશુને, પ્રતાડન પ્રમત્ત એ પાયનાં
ઝિલી ઉર શકે જ વજ્રમય પૂલનું, અન્ય ના!
કદી પુલ નીચે ઊભી પુલનું હૈયું જોયું છ કે?

અરે, પણ કદી કદી પગ ડગી અરે જાય છે!
કથીર ઉરનાં વીંધી રસ દ્રવી કદી જાય છે!
હવા મહીં કદી બધે ય ભણકાર વાગે છ રે!
અને મન વિષે વળી મિલનઆશ જાગે છ રે!
તહીં મનની ડાળીએ મધુર કલ્પનાચલ્લી યે
રહે છ કુદતી સુપિચ્છ નિજનાં શું ફેલાવતી! ૧૨૦
-
અહો તું ચડી આવશે ક્યહીંથી કો દી, કોઈ રૂપે,
ચડી ભરતી પૂર થૈ સ્પરશ ઝંખતી શું ધસે,
શિરે બદરી થૈ ઝરંતીઃ અથવા ધીરા વેગથી
જતા પદ હું કલ્પું છું મુજ શિરે, ’થવા ઘોર કો
ગડાગડ કરંતી ગાડી મહીં જાતી ભાળું વળી.
ચઢેલ જલપૂર હોય તહીં કો સુભાગીતણા
કરે કર ગુંથી ઊભી મુજ શિરે તને જોઉં છું:–
તને ઉછળતાં જળો નિરખવા તહીં આવતી–
નહીં મધુર બાગમાં, કુસુમકુંજમાં, ચાંદની
તણી મૃદુ બિછાતમાં, નહિ કશે, તહીં લોહના ૧૩૦
સળંગ સળિયા પરે તને ઝુકાવતાં, આપણા
છલ્યા ઉર બહારનું વળી વિચિત્ર આવર્તન!

ખરે, નિરખવા સમું ય પણ એ હશે દૃશ્ય તો.
અરે પણ તદા વિવાદ નહિ શક્ય લેશે હશે–
અને તુમુલ થૈ વળી તું લડશે, ન તે ચાલશે–
પ્રશાન્ત મુજ કાય જીવન સમસ્તના કૈંક કૈં
અનેક ભરને ઝિલંતી તુજને ય ઝીલી રહે
કુણું લધુક પદ્મ બોજહિણું ઝૂકતું હું પરે.

ભલે નહિ જ યોગ ક્ષીરનિધિનો અને પદ્મજા–
સમો, તદપિ આપણી સ્થિતિ ન લેશ અર્હ્યા ઉણી.

થવું ન પયસાગરા બનવું શક્ય, તો યે તને ૧૪૦
કંઈક વિપરીત થૈ શકું ધરી શું ઓછું જ એ?
...
અરે, ઉભરતી ઉરેથી, રસધાર, ના તું ફરી.
હવે ચરણ વજ્રના શિથિલ થાય, પોસાય ના.
અહીં સજડ સૌ જડોથી જડ થૈ જ ઊભું સદા,
ભલે સ્મરણ કોઈને નહિ ચડું, ન તો યે મને
શકે પરહરી જ કોઈ, અનિવાર્યતા સૃષ્ટિની
બની ટકીશ આ ધરા પર, ધરા ટકે ત્યાં લગી.
સ્મરે તું નહિ, વા સ્મરે, પણ પ્રતાપ એ તાહરો,
અહો મુજ સુલોહ અંતર વિષે જડી પદ્મજા!