વાંકદેખાં વિવેચનો/નૂતન નરસિંહ સ્વાધ્યાય : સૂઝબૂઝ અને સાહસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નૂતન નરસિંહસ્વાધ્યાય : સૂઝબૂઝ અને સાહસ

નરસિંહ મહેતા, નરસૈંયો અને અન્ય નરસિંહો, રજની કે. દીક્ષિત, પ્રકાશક પોતે, અમદાવાદ, ૧૯૯૦ રજનીબહેનના લેખો ‘પરબ’ વગેરે સામયિકોમાં જોવા મળેલા ત્યારે સ્વાભાવિક રીતે જ એના તરફ ધ્યાન ખેંચાયેલું. નરસિંહનાં પદોના પાઠનિર્ણય માટેનો એમનો એકાગ્ર અને અખંડ સ્વાધ્યાયશ્રમ જોઈને સાનંદ આશ્ચર્ય થયેલું. પછીથી રજનીબહેન એક વ્યવસાયી વિદૂષી નથી, પણ કેવળ અંગત રસથી જ, ને કદાચ નરસિંહભક્તિથી, આ સંશોધનકાર્ય કરે છે એમ જાણ્યું ત્યારે તો મારા આનંદ અને આશ્ચર્ય બેવડાઈ ગયેલાં. પાઠનિર્ણય માટેની એમની સૂઝનું એક સરસ ઉદાહરણ પણ મનમાં વસી ગયેલું. નરસિંહને નામે પ્રચલિત ‘મામેરું’માં ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ્યા મરી જાય રે માય’ એ પંક્તિમાં અર્થદૃષ્ટિએ એમણે ‘શ્રીવિછોહ્યા’ પાઠ સૂચવ્યો અને પાછળથી ‘પંચાંગ’ની વાચનામાં એ પાઠ જડી પણ આવ્યો! આજે હવે આ પુસ્તક રજનીબહેનના સઘળા લેખો ને એમનાં વિશિષ્ટ પ્રતિપાદનો સાથે લઈને આપણી સમક્ષ આવે છે ત્યારે આપણા નરસિંહશોધનમાં એક મહત્ત્વનો ઉમેરો થાય છે અને એમનાં પ્રતિપાદનોને તપાસવાની એક સગવડ પણ ઊભી થાય છે. આ ગ્રંથમાં રજૂ થયેલી અપરંપાર પદપંક્તિઓની સવિવરણ પાઠ-સુધારણાને બાજુ પર રાખીને પહેલાં એમાંનાં મહત્ત્વનાં પ્રતિપાદનોની નોંધ લઈએ : ૧. નરસિંહને મહેતાને નામે આપણી પાસે જે વિશાળ પદસમૂહ ઊતરી આવ્યો છે તેમાં અનેક અન્યકલમી પદો છે. એમાંથી ‘નરસિંહો રંક’ ‘નરસૈંયો દાસ’ ‘નરસિયો’ જુદા તારવી શકાય છે. ૨. નરસિંહને નામે ચડેલાં કેટલાંક પદો બ્રહ્માનંદનાં જણાય છે. તે ઉપરાંત કેટલાંક પદોમાં "દિનાનાથ દયાળ’ ‘લીલ’ કેશવલાલ’ ધનજી’ ‘જૂઠીબાઈ’ ‘મીઠો’ ‘ભૂધરજી’ વગેરે કેટલાંક કવિનામો પણ વાંચી શકાય છે. ૩. નરસિંહ મહેતા અને નરસૈંયો (પંડ્યા) બે જુદી વ્યક્તિઓ છે. મહેતા તે નાગર ને એ કારભારી કુટુંબનો પુત્ર. પંડ્યા તે બ્રાહ્મણ ને તેથી ગરીબ કુટુંબનો. પ્રાપ્ત નરસિંહજીવનમાં આ બન્નેની હકીકતોનું મિશ્રણ છે. ૪. ઝારીવિષયક ગણાતાં ચાર પદોમાંથી એક જ એ વિષયનું છે. ૫. નરસિંહને નામે પ્રચલિત ‘મામેરું’ નરસિંહકૃતિ નથી. એમાં ભિન્નભિન્ન રચનાઓનું સંકલન થયું છે. ‘પુત્રનો વિવાહ’ અને ‘હૂંડી’નું પણ એમ છે. ‘હારમાળા’ નિર્વિવાદપણે અનેકકલમી છે. ૬. ‘પુત્રનો વિવાહ’ તે મૂળ પુત્રી કુંવરબાઈના વિવાહ અંગેની કૃતિ હોય અને એને પુત્રના વિવાહના રૂપે ઢાળવામાં આવી હોય એવો સંભવ છે. ૭. ‘સુદામાચરિત્ર’ ને ‘ચાતુરી’ એ દીર્ઘ રચનાઓ પણ પૂર્વની કૃતિઓ ને નરસિંહનાં પદોનો ઉપયોગ કરીને રચાઈ છે. પોતાનાં આ અને બીજાં કેટલાંક પ્રતિપાદનોને અનુલક્ષીને રજનીબહેને પાઠસુધારણાનો એક જંગી કાર્યક્રમ હાથ ધર્યો છે. એવો જંગી કે નરસિંહનાં કેટલાં પદો – પદો જ નહીં પંક્તિઓ પણ - સલામત રહી શક્યાં હશે એનો આપણને સંશય થાય. હવે રજનીબહેનનાં પ્રતિપાદનો વિશે થોડુંક. નરસિંહને નામે આજે આપણને જે કંઈ પ્રાપ્ત છે તેમાંનું ઘણું નરસિંહનું રચેલું નહીં હોય અને સંતવાણીની બાબતમાં બનતું આવ્યું છે તેમ એમની નામછાપથી અન્ય કવિઓ દ્વારા રચાયું હશે એ વાત સંશયાતીત છે. પરંતુ નરસિંહની અધિકૃત રચનાઓ અને અનધિકૃત રચનાઓને જુદી પાડવાનું કામ સહેલું નથી. ‘નરસિંહ’ નામના અન્ય કવિઓ પણ ન હોઈ શકે એવું નથી, પરંતુ બેચાર પદોમાં ‘રંક નરસિંહો’ ‘નરસૈંયો દાસ’ ‘કર જોડીને કહે નરસૈંયો’ એવી પદાવલિ મળતી હોય તેથી એને જુદા નરસિંહ સ્થાપિત કરી દેવાનું એટલે અંશે ઉચિત છે એ વિચારવા જેવું છે. ‘નરસૈંયો દાસ’ પ્રાસમાં આવેલી નામછાપ છે, ‘કર જોડીને કહે’ એ તો મધ્યકાળની ભક્તિકવિતાની એક વ્યાપક રૂઢિ છે અને ‘રંક નરસિંહો’ને અલગ સ્થાપવા જતાં રજનીબહેનને અસંગત પાઠસુધારણા કરવી પડી છે, હારપ્રસંગ સાથે સંબદ્ધ એક પદને તો આખું ફેરવી નાખવું પડ્યું છે! રજનીબહેને શૈલીભેદનો આધાર લીધો છે, પણ શૈલીભેદની ભૂમિકા લપસણી છે, આપણે કોઈ એક મત બાંધી લઈએ એટલે એ મતને અનુરૂપ શૈલીભેદ જોવા લલચાઈ જઈએ. મને પોતાને બતાવેલો શૈલીભેદ અકિંચિત્કર લાગ્યો છે. નરસિંહનાં પદોમાં અન્ય કવિનામ રજનીબહેને વાંચ્યાં છે ત્યાં ‘નરસૈંયાના સ્વામી’ એ જાતની ઉક્તિને એમણે ‘કૃષ્ણ’ના પર્યાય તરીકે જ વપરાયેલી હોવાનું ઘટાવ્યું છે. પણ કોઈ પણ કવિ કૃષ્ણને માત્ર નરસૈયાના સ્વામી તરીકે શા માટે ઓળખાવે? આમ કોઈના સ્વામી તરીકે ભગવાનને ઓળખાવવાની રૂઢિ મધ્યકાળમાં નજરે ચડતી નથી. વધુમાં વધુ એટલું જ કહી શકાય કે અન્ય કવિએ નરસિંહની નામછાપથી રચના કરી છે અને પોતાનું નામ સંકેતથી અંદર ગૂંથ્યું છે. વસ્તુસંદર્ભે આવેલાં ‘સુરબાઈ’ કે ‘પૂરી’ એ નામો ને ‘લીલ.’ જેવા શબ્દો તથા ‘વિઠ્ઠલ’ ‘ભૂદર’ ‘દીનાનાથ દયાળ’ જેવાં ભગવાનનાં નામ કે વિશેષણોમાં કર્તાનામ વાંચવામાં સાહસ પણ રહેલું છે. ‘લીલ’ કર્તાનામ સ્થાપના માટે તો રજનીબહેનને કૃત્રિમ પાઠસુધારણાનો આશ્રય લેવો પડ્યો છે. ‘દીનાનાથ દયાળ’ એ તો નામ જ વિચિત્ર લાગે છે. ‘વડનગરા નાગર ગરબાવલિ’માંથી ‘નરસિંહ’ની નામછાપ ન ધરાવતું દીનાનાથ દયાળનું જે પદ ઉદ્ધૃત કરવામાં આવ્યું છે એમાંયે ‘દીનાનાથ દયાળ’ એ શબ્દો સ્પષ્ટ રીતે ‘મોરારી’ના વિશેષણ તરીકે છે. (અહીં ‘બોલ્યા’ શબ્દ છોડીને પણ રજનીબહેને ઔચિત્યપૂર્વકની પાઠસુધારણા કરી છે.) એને જ અજ્ઞાતકર્તૃક પદ લેખવાની સ્થિતિ આવે છે તો ‘નરસિંહ’ની નામછાપવાળાં પદોમાં ‘દીનાનાથ દયાળ’ કર્તા હોવાનું કેમ માની શકાય? બ્રહ્માનંદનાં પદો નરસિંહને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એમ જરૂર બની શકે. પણ એ માટે હસ્તપ્રતો વગેરેના પૂરતા આધાર સાથે આગળ વધવું જોઈએ. માત્ર સમાન પદાવલિ કે શૈલીને આધારે નિર્ણય ન કરવો જોઈએ. બ્રહ્માનંદને નામે પદો છપાયેલાં મળતાં હોય એ હકીકત પણ સો ટકા પ્રમાણ ન ગણાય. નિર્વિવાદપણે ધીરા ભગતની એક કાફી ‘દેવાનંદ કાવ્ય’માં છપાયેલી મેં જોઈ છે. એટલે નરસિંહને નામે પ્રચલિત પદો (ભલે એ નરસિંહનાં ન હોય) બ્રહ્માનંદને નામે ચડાવી દેવામાં આવ્યાં હોય એ સાવ અશક્ય નથી. મધ્યકાળમાં બીજા કોઈની કૃતિમાં પોતાનું નામ દાખલ કરી દેવાની પ્રવૃત્તિ થઈ જ છે. નરસિંહ મહેતા અને નરસિંહ (પંડ્યા)ને જુદા પાડવાનો પ્રયત્ન અનેક દૃષ્ટિએ ચર્ચાસ્પદ બને તેમ છે. આ માન્યતાનું મૂળ પ્રાપ્ત વંશાવળીઓ છે – જે ઘણા મોડા સમયની ને તેથી અવિશ્વાસપાત્ર છે, ને વળી રજનીબહેને એનું સાવ પોતાની રીતે અર્થઘટન કર્યું છે. બે નરસિંહોનાં જીવનને જુદાં પાડવા માટે એમણે જૂનાં-નવાં સાધનો તેમજ ગુજરાતી તથા રાજસ્થાની પરંપરાનાં કાવ્યો એ બધાંની ભેળસેળ કરી છે અને એમનુંયે મનફાવતું અર્થઘટન કર્યું છે. આમ, કેવળ તર્કો ઉપર રચાયેલો મત ભાગ્યે જ સ્વીકાર્ય બને. નિરંકુશ તર્કવ્યાપાર તો સંશોધનમાં આપણને ક્યાં લઈ જાય? ખરી વાત એ છે કે સં. ૧૭૫૦ સુધીની કોઈ કૃતિ નરસિંહનાં માબાપનું કે ભાઈભાંડુનાં નામ સુધ્ધાં આપતી નથી.૧[1] તે પછી રચાયેલી ‘પર્વતપચીસી’ પણ નરસિંહને પર્વતદાસના કોઈ સગા તરીકે ઓળખાવતી નથી માત્ર સમકાલીન ભક્ત તરીકે ઓળખાવે છે. આ હકીકતોને લક્ષમાં લીધા વગર નરસિંહને પર્વતદાસના ભત્રીજા તરીકે સ્વીકારી લેવા ને પર્વતદાસને ત્યાં ભગવાન પધાર્યા ત્યારે એ હાજર હશે એમ માની લેવું (એ હાજર હોવાનું ‘પર્વતપચીસી’ પણ, સ્વાભાવિક રીતે જ, કહેતી નથી) અને એ માન્યતાનું સમર્થન કરવા શૃંગારનાં પદોને નરસિંહને ત્યાં (પર્વતદાસને ત્યાં = નરસિંહને ત્યાં!) ભગવાન પધાર્યા તેવું બતાવતાં પદો રૂપે ફેરવવાં એમાં સંશોધનની શિસ્તની સદંતર અવગણના થાય છે.ઝારીનાં પદોનો કોયડો જટિલ છે. આ વિશેનો દર્શના ધોળકિયાનો લેખ પણ ‘પરબ’(ઑગસ્ટ ૧૯૮૦)માં પ્રસિદ્ધ થયો છે. ઝારીનું એક પદ એમાં રજૂ થયેલી નક્કર હકીકતોથી જુદુ પડી આવે છે તે સાચી વાત છે. પરંતુ નક્કર હકીકતો ધરાવતાં ને ન ધરાવતાં પદો હસ્તપ્રતોમાં લગભગ સાથે મળે છે તે સૂચક છે. નક્કર હકીકત ન ધરાવતાં ત્રણ પદોમાંથી એકમાં ઝારીનો ઉલ્લેખ નથી અને બેનાં ઝારીના ઉલ્લેખ વગરનાં પાઠાંતરો મળે છે તેય સાચું, પણ ઝાઝી પ્રતો તો ઝારીના ઉલ્લેખને સમાવે જ છે ને નારીવેશે ભગવાન આવ્યા છે, તો એનું આવું કોઈક પ્રયોજન હોવું એ તર્કસંગત લાગે છે. જે પદમાં ઝારીપ્રસંગની હકીકતો છે એ તો ભારે ગરબડિયું છે ને રજનીબહેને એની ઘડ બેસાડવા ઘણો શ્રમ ઉઠાવ્યો છે, પરંતુ આ ગરબડભરેલી વાતોનો સંતોષકારક ઉકેલ આણી શકાયો નથી. ને એવો ઉકેલ શક્ય હોય એમ લાગતું નથી. કદાચ આ પદ જ પાછળનું ઉમેરણ હોય. રજનીબહેને નરસિંહ સમક્ષ આવેલા નારીવેશમાં માણેકવહુનો સંકેત જોયો છે તે ઘણું સાહસિક લાગે છે. ઝારીનો પ્રસંગ ઊભો થયો હોય ભગવાન ભક્તની કેવી સેવા બજાવે છે એમ દર્શાવવા માટે જ. માટે મધ્યકાળના કવિઓને નારીવેશમાં ભગવાન જ અભિપ્રેત હોય. આપણે આવી ચમત્કાર-ઘટનાને આજની બૌદ્ધિક દૃષ્ટિએ ઘટાવીએ તો એ જુદી જ ચીજ બને.૨[2]નરસિંહને નામે મળતી ‘મામેરું’ વગેરે કૃતિઓમાં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એ કહેવાની એક રીત થઈ. પૂર્વપરંપરાનો ઉપયોગ કરીને રચાયેલી આ કૃતિઓ છે એમ પણ કહી શકાય, અને મધ્યકાલની તો કેટલીબધી પદાવલિ રૂઢ હતી! આવી રૂઢ પદાવલિઓ આણે આમાંથી લીધું છે એનો પુરાવો ન બની શકે; ચાવીરૂપ, મહત્ત્વની, વિશિષ્ટ ઉક્તિઓ જ બની શકે. પ્રાપ્ત કૃતિમાં અસંગતતા હોય તે એમાં થયેલા પ્રક્ષેપોને કારણે હોય, ભ્રષ્ટ પાઠોને કારણે ઊભી થયેલી હોય કે કવિની લેખનની શિથિલતા પણ હોય. ‘મામેરું’ની કે. કા. શાસ્ત્રી વગેરેની તો સંકલિત વાચના છે, એમાં વિભિન્ન રચનાઓ સમાયેલી દેખાય એ સ્વાભાવિક છે, પણ ગુજરાતી પ્રેસના પંચાંગની ૨૦ પદની વાચના એક ઘણી સુસંગત વાચના છે. એ વાચના જોયા પછીયે રજનીબહેન એમાં સુસંગતતા ઊભી કરવામાં આવી છે એમ કહી પોતાના પાઠો કલ્પે છે અને ‘મામેરું’માં વિભિન્ન રચનાઓ સમાયેલી છે એવા મતને વળગી રહે છે એ નવાઈભર્યું છે. ‘પુત્રનો વિવાહ’ હરિદાસકૃત ‘શામળદાસનો વિવાહ’ (જેની ઢગલાબંધ હસ્તપ્રતો નોંધાયેલી છે)ના અનુરણ રૂપે પછીના સમયમાં રચાયેલી એક-કલમી કૃતિ છે એ દર્શના ધોળકિયાના મહાનિબંધમાં વીગતવાર તુલના કરીને બતાવાયું છે. આ પછી, ‘પુત્રનો વિવાહ’ તે પુત્રીના વિવાહપ્રસંગના કાવ્યનું રૂપાંતર છે તે વાત ટકી શકતી નથી. પુત્ર કરતાં પુત્રીના વિવાહપ્રસંગે માણસને વધારે ભીડ પડે એ સાચી વાત છે, પણ કુંવરબાઈના એક પ્રસંગ ‘મામેરું’નું કાવ્ય રચાયા પછી આપણા કથાકાર કવિઓને પુત્રના એક પ્રસંગનું કાવ્ય કરવાનું સૂઝ્યું હોય એ અસંભવિત નથી. પુત્રીના લગ્નપ્રસંગનું કાવ્ય પહેલાં હોય અને એને ઉપયોગ કરીને જ પુત્રના લગ્નપ્રસંગનું કાવ્ય રચી શકાય એવું કંઈ નથી. ‘મામેરું’ અને ‘હૂંડી’ પણ પ્રેમાનંદના પ્રભાવ નીચે પાછળથી રચાયાં છે એ દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં તુલનાત્મક સમીક્ષાથી, ઘણા અન્ય આધારો સાથે, પ્રતિપાદિત કર્યું છે. ‘હારમાળા’ સમેત આત્મચરિત્રાત્મક આ બધી કૃતિઓનું કર્તૃત્વ નરસિંહનું નહીં હોવાના રજનીબહેનના મતને જુદી રીતે પણ, સમર્થન તો અવશ્ય સાંપડી રહે છે એ હકીકત ખાસ નોંધપાત્ર છે. ‘સુદામાચરિત્ર’ નરસિંહની કૃતિ નથી એવું મને પણ હવે લાગે છે. હું એને પછીના સમયમાં રચાયેલી કોઈ એકકલમીકૃતિ જ માનું છું. પણ આ હકીકતને સ્થાપવા માટે રૂઢ પદાવલિના સામ્ય ઉપરાંતના બીજા આધારો હજુ શોધવાના રહે છે. એ કૃતિને ‘સુદામાચરિત્ર’ની મધ્યકાલીન પરંપરાના સંદર્ભમાં તપાસવાની રહે. ‘ચાતુરીઓ’નું નરસિંહ-કર્તૃત્વ શંકાસ્પદ તો અવશ્ય છે ને એમાં ફેરફાર-ઉમેરા થતા રહ્યા હોવાનું પણ જોઈ શકાય છે. પણ એના બધા તાણાવાણા છૂટા પાડવાનું કામ અઘરું છે. આ સંગ્રહમાં કેટલાક અન્ય લઘુલેખો પણ છે. એમાં રજનીબહેનની સૂઝબૂઝ સારી રીતે પ્રગટ થાય છે. લોકગીતોની એમની પાઠચર્ચા રસપ્રદ છે ને ‘શિવજી! મહાદેવજી!’નું ‘શવજી માદળિયા’ કે ‘સૂરતી માદળિયાં’ થઈ ગયું છે તે જાણીને રમૂજ થાય એવું છે. ‘નિરમલિ જ્યોત’ એ પદની બધી કડીઓ દીપક સાથે સીધો સંબંધ ધરાવે છે એ એમણે યોગ્ય રીતે બતાવ્યું છે, ‘કુડિ કુડિ કસણ મેં મોડિશ ઝીણી’માં ‘કસણ’ શબ્દ કાપડાની કસના અર્થમાં નથી એ એમની વાત સાચી છે, પણ એ પંક્તિ, એમના ભારે પ્રયત્નો પછી પણ મારે માટે અસ્પષ્ટાર્થ જ રહે છે. (‘કસણ’ દિવેટના અર્થમાં હશે?) રજનીબહેનમાં અસ્પષ્ટાર્થતા સ્વીકારી લેવાનું વલણ દેખાતું નથી. આ કારણે જ એ કેટલીક વાર દુરાકૃષ્ટ અર્થઘટનોમાં ખેંચાઈ જાય છે એમ જણાય છે. ‘હૂંડી’માંના શ્રીરંગ મહેતાના ઉલ્લેખ અંગેના પોતાના મતને વળગી રહેતાં ‘દેહ તણાં દુક્રિત કોટિ વામું’ એવી સીધીસાદી મધ્યકાલીન રૂઢિની પંક્તિને એમણે કેવી ક્લિષ્ટ રીતે સમજાવી છે! ‘વામવું’ના એમણે કરેલા અર્થને કોઈ ટેકો હોય એમ હું માનતો નથી. શ્રીરંગ મહેતાના ઉલ્લેખનું મેં જે અર્થઘટન કર્યું છે તેનો અસ્વીકાર કરવામાં આવે તોપણ ઉક્ત પંક્તિનું આવું ક્લિષ્ટ અર્થઘટન કરવાને બદલે આ સંદર્ભમાં શ્રીરંગ મહેતાનો ઉલ્લેખ બંધબેસતો થતો નથી એમ કહી જરૂર અટકી શકાય. ‘મામેરું’માં એક સ્થાને ‘હૂંડી’નો ‘ટીપ’ એવો અર્થ હું સૂચવું છું એનો અર્થ હરગિજ એવો નથી કે બધે એ જ અર્થ લેવાનો છે. ‘હૂંડી’નો ‘વેપારીની હૂંડી’ અર્થ તે મધ્યકાળમાં વ્યાપક છે, પણ, ‘ટીપ’નો અર્થ હોય એવા સંકેતો પણ મને મળ્યા છે. જૈનોમાં ‘હૂંડીરૂપ સ્તવન’ કેટલાંક મળે છે. એમાં વેપારી હૂંડીનો અર્થ કોઈ પણ સંયોગોમાં બેસે તેમ નથી. એમાં સામાન્ય રીતે કોઈ મતના સ્થાપન અર્થે ઘણા આધારો એકસાથે મૂકવામાં આવ્યા હોય છે. ગુણવિનયની એક સંસ્કૃત કૃતિ ‘હુંડિકા’ નામે છે, જે સંગ્રહાત્મક કૃતિ છે ને એમાં ૧૫૦ ઉપરાંત ગ્રંથોનો નિર્દેશ છે. ‘દેશ શબ્દસંગ્રહ’ તથા પ્રાકૃત કોશ ‘હૂંડી’ શબ્દ માત્ર ‘ઘટા, સમૂહ’ના અર્થમાં આપે છે ને મોનિઅર વિલિયમ્ઝનો સંસ્કૃત કોશ ‘હુણ્ડ’ ક્રિયાપદ ‘to collect, to select’ એવા અર્થમાં ને ‘હુણ્ડિ’ ‘a heap or lump of rice’ના અર્થમાં નોંધે છે. આ શબ્દો, અલબત્ત, વ્યાકરણગ્રંથો ને શબ્દકોશોને આધારે અપાયેલા છે. એટલે એ પ્રાકૃત-દેશ્યમાંથી સંસ્કૃતમાં પ્રવેશ્યા હોય એવો સંભવ છે. મોનિયેર વિલિયમ્સ વેપારીની હૂંડીના અર્થમાં ‘હુણ્ડિકા’ શબ્દ નોંધે છે, પણ એને ફારસી મૂળનો કહે છે! ભગવદ્ ગોમંડલ અને સાર્થ જોડણીકોશ જાણીતો ‘હૂંડી’ શબ્દ નોંધવા ઉપરાંત ‘જથ્થો, ‘સમૂહ’ એવા અર્થનો ‘હૂંડો’ શબ્દ પણ આપે છે ને આપણે ત્યાં ભાગવતનો ‘હૂંડો’ શબ્દ વાંચવામાં આવે છે તેમાં ભાગવતની સંક્ષિપ્ત વિષયસૂચિ હોય છે. આ બધી હકીકતો રજૂ કરવાનું તાત્પર્ય એ છે કે ‘હૂંડી’નો ‘ટીપ’ એવો અર્થ નિરાધારપણે, કેવળ તર્કથી નહોતો આપવામાં આવ્યો. આમ છતાં પ્રસ્તુત સંદર્ભમાં વેપારી હૂંડીનો અર્થ પ્રતીતિકર લાગતો હોય તો ‘ટીપ’ના અર્થ સુધી જવાનું જરૂરી નથી. રજનીબહેનના પુસ્તકનાં મોટા ભાગનાં પાનાં નરસિંહનાં પદોની પાઠસુધારણામાં રોકાયેલાં છે. રજનીબહેનના મુખ્ય રસનું અને એમની સૂઝનું ક્ષેત્ર, કદાચ, પાઠશોધન જ છે. પાઠ અંગેની એમની ઝીણી સૂઝનાં ઉદાહરણો આ ગ્રંથમાં અવારનવાર મળી આવે છે. પરંતુ પાઠવિચાર કરતાંકરતાં એમને કેટલાંક પ્રતિપાદનો સ્ફુરી આવે છે ને પછી એ પ્રતિપાદનો એમનો કબજો લઈ લે છે. આ પ્રતિપાદનો માટેની અન્ય સામગ્રી એમણે વિવેકપૂર્વક તપાસી હોતી નથી તેથી એનું સમર્થન કરવા માટે પાઠસુધારણાનો જોખમી માર્ગ એ લે છે. એ કેવા જોખમી માર્ગે ગયાં છે તે જોવા માટે પૃ.૮૧ પર ‘એ રસ જાણે જવરલો રે જોગી’ વગેરે પંક્તિઓની એમણે કરેલી પાઠસુધારણા જોવી બસ થઈ રહેશે. આટલી સીધી, સ્પષ્ટ પંક્તિઓનું આવું ક્લિષ્ટ પરિવર્તન શા માટે કરવું જોઈએ? એમાં ‘જવરલો’ (= વિરલો, ‘જવલ્લે’ શબ્દ એમાંથી આવ્યો છે), ‘ઊગરતો’ (= બચતો. બાકી રહેતો, વધેલો) જેવા વિશિષ્ટ મધ્યકાલીન શબ્દો લુપ્ત થઈ જાય છે. આ શબ્દો સચવાયા હોય એ પાઠ ભ્રષ્ટ ન જ લેખાય. એમ લાગે છે કે રજનીબહેનનું મધ્યકાલીન ભાષાનું જ્ઞાન કંઈક ઊણું ઊતરે છે. ‘પર્વતપચીસી’માંના પર્વતને ત્યાં સારંગપાણિ પધાર્યાના સમયનિર્દેશમાં આવતો ‘જમલો’ શબ્દ ન સમજાયાથી રજનીબહેન કેવા ચિત્રવિચિત્ર તર્કોમાં ફસાઈ ગયાં! ‘જમલો’ એટલે ‘સાથે’, ‘જમલો બુધવાર’ એટલે નિર્દિષ્ટ તિથિ સાથેનો, એ તિથિએ હતો તે બુધવાર. આમ પંક્તિ બેઠા પછી રજનીબહેનના બધા તર્કો નિરવકાશ થઈ જાય છે. કોણ જાણે કેમ, પાઠસુધારણામાં રજનીબહેને મરાઠી પ્રયોગોનું ઘણુંબધું આક્રમણ થવા દીધું છે. પ્રાપ્ત નરસિંહ-પદોમાં મરાઠી પ્રયોગો અલ્પ માત્રામાં છે એ હકીકતની એમણે ઉપેક્ષા કરી છે. અંતે, એમની પાઠસુધારણાનું એવું પરિણામ આવ્યું છે કે એમના પાઠોવાળાં નરસિંહ-પદોનો સંગ્રહ થાય તો કેટલા વાંચે એ વિશે સંશય રહે છે. મધ્યકાલીન સાહિત્યમાં કામ કરનારા આજે ગણ્યાગાંઠ્યા છે ને એ વિપુલ સમૃદ્ધ વારસાનું શું થશે એની ચિંતા રહે છે. એવા સંયોગોમાં જેમને મધ્યકાલીન કવિતામાં ઊંડો રસ છે. અંગત શોખથી અને ખંતથી કામ કરવાની ધગશ છે ને કેટલીક સૂઝબૂઝ પણ છે એવાં રજનીબહેન પાસેથી આ ક્ષેત્રે ઉજ્જ્વળ પરિણામોની અભિલાષા રહે છે. પણ એ માટે રજનીબહેને સંશોધનની કેટલીક શિસ્ત સ્વીકારવાની રહેશે — પાઠસુધારણાના અતિરેકી વ્યાપારમાંથી બચવાનું રહેશે, તર્કવ્યાપારને નિયંત્રિત કરવાનો રહેશે, આનુષંગિક સામગ્રી વિવેકપૂર્વક તપાસવાની રહેશે ને મધ્યકાલીન સાહિત્ય તથા ભાષાનો અભ્યાસ હજુ આગળ લઈ જવાનો રહેશે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનના સંપર્કમાં રહેવાથી ઘણો લાભ થાય. રજનીબહેને, કેટલેક અંશ ભલે વિવાદાસ્પદ, પણ ઘણો મહત્ત્વનો અધ્યયનશ્રમ કર્યો છે ને કેટલાંક સ્વીકાર્ય નિરીક્ષણો પણ આપ્યાં છે. એમના આ ગ્રંથથી આપણી નરસિંહ-અધ્યયન-સામગ્રીમાં ધ્યાનપાત્ર ને અગત્યનો ઉમેરો થાય છે એમ સૌ અભ્યાસીઓ સ્વીકારશે.

[શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી ૧૯૯૧]



  1. ૧. દર્શના ધોળકિયાએ એમના મહાનિબંધમાં નરસિંહના જીવનને એ અંગેનાં સાધનોના કાલાનુક્રમમાં મૂકીને જોયું છે તે નરસિંહજીવન વિશેના આવા ઘણા પ્રશ્નો પરત્વે આપણને જુદું વિચારવા પ્રેરે એવું છે. મહાનિબંધના નરસિંહચરિત્રવિષયક પ્રકરણના બે અંશો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટે.ના અંકોમાં પ્રકાશિત થયા છે. (હવે પુસ્તક રૂપે —નરસિંહચરિત્રવિમર્શ ૧૯૯૧)
  2. ૨. પ્રા. જયંત ગાડીત મારું ધ્યાન દોરે છે કે ઝારીનાં ઉપર્યુક્ત પદોમાંના બે એમને માનબાઈને નામે પણ મળ્યાં છે! (પછીથી મને ઝારીપ્રસંગના એક પદની સૌંદર્યવર્ણનની કેટલીક પંક્તિઓ સં.૧૭૦૦ લગભગની જૂની પ્રતના એક પદમાં મળી છે. ત્યાં એ ભગવાનના મોહિની સ્વરૂપનું નહીં. ગોપીનું વર્ણન હોય એમ જણાય છે.)