વાંકદેખાં વિવેચનો/ભાલણની 'કાદંબરી’ – પ્રતિનિર્માણ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ભાલણની ‘કાદંબરી’ – પ્રતિનિર્માણ?

ભાલણની ‘કાદંબરી’નું સૌ પહેલું સંપાદન કરનાર કેશવ હર્ષદ ધ્રુવ લખી ગયા : “એણે સંસ્કૃત ‘કાદમ્બરી’નો ભાષાબંધ રચી એની પ્રતિનિર્માણશક્તિની પિછાન આપી છે.”૧[1] ત્યાર બાદ વિજયરાય વૈદ્યે લખ્યું : “ભાલણની ‘કાદમ્બરી’ બાણકૃત છે તેમ ભાલણકૃત પણ છે."૨[2] અનંતરાય રાવળ પણ એવો અભિપ્રાય આપે છે કે ભાલણનાં સંક્ષેપ-રૂપાંતર-ઉમેરણો એનાં પોતાનાં રસવિવેક, ઔચિત્યભાન અને વૈદગ્ધ્ય બતાવી આપે છે અને આ કૃતિ ભાલણના કવિત્વનો પણ સુંદર પરિચય કરાવે છે.૩[3]‘કાદંબરી’ જેવી લલિત કૃતિનો ગુજરાતી લોકસમાજને આસ્વાદ કરાવવાની ભાલણની ઊંચી સાહિત્યરુચિ અને એ ગ્રંથને ગુજરાતીમાં ઉતારવામાં દેખાઈ આવતું એમનું પાંડિત્ય મધ્યકાળમાં તો અપવાદરૂપ હોઈ ભાલણના આ અનુવાદની સિદ્ધ થતી અનન્યતા સ્વીકાર્યા પછી પણ આવા પ્રશ્નો તે ઊભા થયા વિના રહેતા નથી કે ભાલણે આમાં કંઈ પ્રતિનિર્માણ કર્યું છે ખરું? એમણે કેટલે ઠેકાણે અને કેવું કવિત્વ બતાવ્યું છે? હાનોપાદાનનો વિવેક એમણે કયાં ધોરણોથી કર્યો છે? અથવા તો સભાન વિવેક કર્યો છે ખરો? આટલાબધા પીઢ વિવેચકોના અભિપ્રાયની સામે થઈને પણ આ પ્રશ્નોનો જવાબ લગભગ નકારમાં આપવાનો રહે છે. મૂળ કૃતિનું રહસ્યબીજ પકડી લઈ પછી પોતાની રીતે એની ખિલવણી કરવાના અર્થમાં અહીં પ્રતિનિર્માણ છે જ નહીં. એક ભાષામાંથી બીજી ભાષામાં કૃતિને ઉતારવાની ક્રિયાને જ કેશવ હર્ષદ ધ્રુવ પ્રતિનિર્માણ કહેતા હોય તો એ જાણે. એમાંયે ભાલણને કંઈ ઓછી મુશ્કેલી નથી પડી.૪[4] બાણની શ્લેષયુક્ત ઉપમાઓ અને પોતાના કઠિન સંસ્કૃતમય ગુજરાતી પદ્યનો એ આરંભના ઉત્સાહમાં પરિચય કરાવે છે પણ પછી મુગ્ધબોધના મૂળ હેતુને સ્મરી સરળતાનું લક્ષ્ય રાખે છે. ભાલણની અભિવ્યક્તિ ઘણે ઠેકાણે પ્રાસાદિક છે પણ એમાં એમને મૂળનાં સઘન કલ્પનાચિત્રોને ગાળવાં, તોડવાં છોડવાં નથી પડ્યાં એવું નથી. હા, દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે તેમ “બાણની ‘કાદમ્બરી’નો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે”૫[5] એટલું કહી શકાય ખરું. ભાલણે કોઈકોઈ ઠેકાણે ગાંઠનાં અલંકારી, ઉક્તિઓ, વર્ણનો, ભાવનિરૂપણ ઉમેર્યાં છે ખરાં. પણ આવડા મોટા ગ્રંથની દૃષ્ટિએ એવાં સ્થાનો ખૂબ જૂજ કહેવાય અને એ હંમેશાં ભાલણના ઊંચા કવિત્વનો કે એમની મૌલિક સૂઝનો પરિચય કરાવતાં નથી. ઘણાં અલંકારો અને વર્ણનો સંસ્કૃતના અભ્યાસીને સહેજે સૂઝે એવાં અને પરંપરાગત ઢાંચાનાં છે. ખરેખર કવિત્વમય ઉમેરણ ભાલણનું એક જ છે અને તે વિલાસવતીની પુત્રઝંખનાને એમણે જે વાચા આપી છે તે. પણ આથી ‘કાદંબરી’ ભાલણકૃત બની જાય ખરી? સિવાય કે એક ભાષામાંથી બીજી ભાષામાં ઉતારાયેલી કૃતિને આપણે ‘કૃત’ કહેતા હોઈએ. ભાલણે બાણની ‘કાદંબરી’નો અહીં સંક્ષેપ કરેલો છે. કઈ દૃષ્ટિથી કર્યો છે? બાણની ‘કાદંબરી’નું સમુચિત પ્રતિનિધિત્વ થાય એટલા માટે એમણે અભ્યાસપૂર્વક ત્યાગવા—લેવાનાં સ્થાનોની પહેલેથી પસંદગી કરીને પોતાનું કામ આરંભ્યું હશે? કોઈ પણ વર્ણનમાંથી કેટલીક કલ્પનાઓ લેતી અને કેટલીક કલ્પનાઓ છોડતી વખતે એમણે ઝીણી તુલનાબુદ્ધિથી વિચાર્યું હશે? એવું લાગતું નથી. ભાલણનો પોતાનો દાવો તો કંઈ મોટો નથી — કથાનો માત્ર રસ-સાર લઈ પોતાની બુદ્ધિ

પ્રમાણે કહેવા એ પ્રવૃત્ત થયા છે, પણ આપણે એમનામાં રસવિવેક, ઔચિત્યબુદ્ધિ, કલાદૃષ્ટિ તથા એની કૃતિમાં સમપ્રમાણતા આરોપીએ છીએ.૬[6] હકીકતે, ભાલણ ગમ્યું અને ફાવ્યું તે ગુજરાતીમાં ઉતારતા ચાલ્યા છે, અને બીજું બધું બહુ વિચાર્યા વિના એમણે છોડ્યું છે. અચ્છોદ સરોવરનું ભાલણે કરેલું વર્ણન એક સરસ વર્ણન તરીકે વારંવાર ઉલ્લેખવામાં આવે છે પણ એ વર્ણનમાં ભાલણે મૂળની કેટલી સરસ ઉપમાઓ જતી કરી છે – શ્લેષયુક્ત હોવાને કારણે – એની કોઈએ નોંધ કરી છે? અનેક સ્ત્રીઓનાં વર્ણનો બાણમાં આવે તો ભાલણ થોડાં ટૂંકાવે, થોડાં છોડે એ સમજાય એવું છે પણ માતંગકન્યા જેવા ગૌણ પાત્રનું વર્ણન સાચવે અને કાદંબરી જેવા મહત્ત્વના પાત્રનું વર્ણન જતું કરે એને આપણે કયા પ્રકારનો વિવેક કહેવો? સૂર્યોદય, સૂર્યાસ્તનાં અનેક વાર વર્ણન આવતાં હોય તો કેટલીક વાર છોડી શકાય. પણ દિગ્વિજ્ય માટે તૈયાર થયેલા સૈન્યની હલચલથી ઊડતી ડમરીનું વર્ણન કંઈ વારંવાર આવતું નથી અને એને બાણ જે રીતે સાક્ષાત્ કરાવે છે એવી રીતે બીજો કોઈ કવિ કરાવી શકે નહીં એને છોડાવવાથી બાણનો પરિચય અધૂરો નથી રહેતો? દ્રવિડ ધાર્મિકના કથાપ્રસંગને માત્ર એક લીટીમાં પતાવી દઈને ભાલણે બાણની કૃતિમાં જવલ્લે જ સાંપડતી રમૂજની તકને જતી કરી છે એમાં એમની કઈ રસદૃષ્ટિ હશે, ભલા? ભાલણની ‘કાદંબરી’ને મૂળ સાથે ઝીણવટથી મેળવનાર અને એનું સમગ્ર રીતે અવલોકન કરનારને દેખાયા વિના રહે તેમ નથી કે ભાલણ જેમજેમ આગળ વધતા ગયા છે તેમતેમ એમણે વર્ણનો કરતાં કથાપ્રવાહ તરફ વિશેષ ધ્યાન આપ્યું છે અને વર્ણનોમાં સરલતાની દૃષ્ટિ વધારે રાખી છે. પ્રતિનિર્માણની કે વિવેકયુક્ત સંક્ષેપની ભાલણની દૃષ્ટિ નહોતી, જેમ શબ્દશઃ અનુવાદની પણ નહોતી. મુખ્યત્વે કથાસાર આપવો અને પછી બાણની કલ્પનાઓ, એમનાં ભાવનિરૂપણો આદિનો જેટલો પરિચય કરાવી શકાય એટલો કરાવવો — આ સિવાયનો કોઈ ઊંચો આકરો, નિશ્ચિત ધોરણોવાળો અનુવાદ — આદર્શ ભાલણની પાસે નહોતો. એમના પરિમિત ઉદ્દેશની અંદર એ જે શક્તિ બતાવે છે તેની જ નોંધ લેવી જોઈએ. આપણા વિવેચનની વિચિત્રતા તો એ છે કે ભાલણનાં આખ્યાનોને એ મુખ્યત્વે અનુવાદરૂપ કહે છે (અને એના ‘નળાખ્યાન’માં કોઈકોઈ ખરેખર નોંધપાત્ર સ્વતંત્ર અલંકારો અને નિરૂપણો છે) અને ‘કાદંબરી’માં એ પ્રતિનિર્માણ જુએ છે – બન્ને ઠેકાણે ભાલણનું લક્ષ્ય એક હોવા છતાં. ‘કાદંબરી’ જેવી કૃતિમાં અનુવાદક તરીકે એણે જરા વધારે શક્તિ બતાવવી પડે છે એટલું જ. [ઉન્મૂલન, ૩; વિવેચનનું વિવેચન, ૧૯૭૬]



  1. ૧. કવિશ્રી ભાલણકૃત ‘કાદંબરી’, પૂર્વભાગ, ૧૯૧૬, પ્રસ્તાવના, પૃ.૩.
  2. ૨. ગુજરાતી સાહિત્યની રૂપરેખા ૧૯૪૯, પૃ.૪૮.
  3. ૩. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), ૧૯૫૪, પૃ.૧૦૬-૦૭.
  4. ૪. ભાલણની ‘કાદંબરી’ (પૂર્વભાગ)ની નગીનદાસ પારેખે કરેલી અનુવાદચર્ચામાંથી ઉદાહરણો મળી શકે. જુઓ સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪; સ્વાધ્યાય અને સમીક્ષા, ૧૯૬૯.
  5. ૫. મધ્યકાળનો સાહિત્યપ્રવાહ, ૧૯૨૯, પૃ.૪૩
  6. ૬. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), પૃ. ૧૦૬-૦૭ તથા ગુજરાતી સાહિત્યની રૂપરેખા ૧૯૪૩, પૃ.૪૮-૪૯.